Advertisement
Author: નોબત સમાચાર

પ્રેમલગ્નનો ખાર રાખી કાલાવડ નાકા તથા બેડેશ્વર પાસે બે યુવાન પર હુમલોઃ ચૂંટણીના વેરઝેરથી યુવાનને ધોકાવાયો

મોટી ગોપ પાસે યુવક પર છરીથી હુમલાનો પ્રયાસઃ રવિવારી બજારમાં રિક્ષાચાલક પર હલ્લોઃ

                                                                                                                                                                                                      

   જામનગર તા. ૯: જામનગરના એક યુવાને કરેલા બીજીવારના પ્રેમલગ્નનો ખાર રાખી શનિવારે રાત્રે તેના પર સાળાએ છરીથી હુમલો કર્યાે હતો. જ્યારે મોટી ગોપ પાસે એક યુવાન પર છરીથી હલ્લો કરાયો હતો. ચૂંટણીના વેરઝેરના કારણે લાલપુરના પીપળીમાં એક યુવાન પર છ શખ્સ પાઈપ વડે તૂટી પડ્યા હતા. નદીના પટમાં રિક્ષા આગળ લઈ લેવાના મામલે એક રિક્ષાચાલકે પાઈપથી હુમલો કર્યાે હતો અને બેડેશ્વર નજીક ગરીબનગર પાણાખાણમાં એક યુવાને કરેલા પ્રેમલગ્નના પ્રશ્ને બે પરિવાર વચ્ચે ગઈકાલે બપોરે બઘડાટી બોલી ગઈ હતી. બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે.

જામનગરના કાલાવડ નાકા વિસ્તારમાં વસવાટ કરતા નદીમ સલીમભાઈ કુરેશી નામના યુવાને એક યુવતી સાથે બીજીવાર પ્રેમલગ્ન કરતા તે બાબતનો ખાર રાખી શનિવારે રાત્રે કલ્યાણપુર ચોક પાસે હાજર આ યુવતીના ભાઈ અબ્દુલમુતલીમ રઝાક કુરેશીએ છરીથી હુમલો કરી ગળા પાસે તેમજ ખભ્ભા અને કાન નજીક ઈજા પહોંચાડી હતી અને  મારી નાખવાની ધમકી આપી હતી. નદીમે પોતાના સાળા સામે ફરિયાદ નોંધાવી છે.

જામનગરના બેડેશ્વર પાસે ગરીબનગર પાણાખાણમાં રહેતા અબ્દુલરહીમ મહંમદ બુચડ નામના યુવાને એક યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તે સંબંધ યુવતીના પિતા સહિતના પરિવારજનોને પસંદ પડ્યો ન હતો તેનો ખાર રાખી ગઈકાલે સવારે પાણાખાણના ઢાળીયા પાસે અબ્દુલરહીમને રોકી અકરમ ઉર્ફે જહાંગીર નામના શખ્સે મારી સામે કેમ જુએ છે તેમ કહ્યા પછી તને અહીં રહેવા નહી દઈએ તેમ કહી ગાળો ભાંડ્યા પછી છરીથી હુમલો કર્યાે હતો. ત્યાંથી નીકળી ગયેલા અબ્દુલરહીમને માર્ગમાં રોકી અકરમે માથામાં પાઈપ ફટકાર્યાે હતો. તેથી પોતાનું બાઈક મુકીને અબ્દુલરહીમ ઘરે પહોંચી જતા ત્યાં ધસી આવેલા અકરમ ઉપરાંત ફિરોઝાબેન, યાસ્મીનબેન, જીન્નતબેન, ફારૂક તથા આરીશ નામના છ વ્યક્તિએ ગાળો ભાંડ્યા પછી પથ્થરના ઘા કર્યા હતા. જેમાં અબ્દુલરહીમના પત્ની, બહેનોને ઈજા થઈ હતી. વચ્ચે પડનાર તેના ભાઈને પણ ફારૂક તથા આરીશે પાઈપથી ફટકાર્યાે હતો. સિટી બી ડિવિઝનમાં તેની ફરિયાદ કરાઈ છે.

આ ફરિયાદની સામે અકરમ ઉર્ફે જહાંગીર અબ્દુલ કકલે વળતી ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે, અગાઉ તેમના માતાએ કરેલી પોલીસ ફરિયાદનો ખાર રાખી ગઈકાલે બપોરે જ્યારે સાયચાની ઓરડીઓ પાસેથી અકરમ જતો હતો ત્યારે તેના પર રહીમ, ફરીદ, સુલ્તાન, ઈમરાન, સીકંદર નામના પાંચ શખ્સે ગાળો ભાંડી પાઈપથી હુમલો કરી માર માર્યાે હતો. તેને છોડાવવા અકરમની બહેન વચ્ચે પડતા તેણીને પણ માથામાં પાઈપ ફટકારવામાં આવ્યો હતો.

જામનગર નજીકના મસીતિયામાં રહેતા આસિફ અબ્બાસ ખફી નામના રિક્ષાચાલક ગઈકાલે બપોરે સુભાષબ્રિજ નીચે ભરાયેલી રવિવારે બજારમાં પોતાની રિક્ષામાં લાકડા ભરતા હતા ત્યારે જીજે-૧૦-ટીડબલ્યુ ૩૮૦૭ નંબરની ઓટો રિક્ષાના ચાલકે રિક્ષા હટાવી લેવાનું કહી ગાળો ભાંડ્યા પછી ઝપાઝપી કરી હતી અને નજીકમાં પડેલો પાઈપ ઉઠાવી આસીફના માથામાં ફટકાર્યાે હતો. લોહીલુહાણ આસીફે બૂમો પાડતા ઓટો રિક્ષાનો ચાલક નાસી ગયો હતો તેની સામે ફરિયાદ કરવામાં આવી છે.

જામજોધપુરના હોથીજી ખડબા નજીક ઈશ્વરીયા ગામમાં રહેતા હેમતભાઈ નારણભાઈ કરંગીયા અને તેમના માસીના દીકરા નરેશભાઈ ગોજીયા ગઈકાલે સાંજે મોટી ગોપ ગામ નજીક ચાની એક હોટલ પાસે હતા ત્યારે બાઈક પર ધસી આવેલા ભાવેશ નંદાણીયા ઉર્ફે ઢીંગી નામના શખ્સે તારા મિત્ર મેરામણ નંદાણીયા સાથે બેસતો નહી તેમ કહી ઝઘડો કર્યા પછી છરી કાઢી હેમતભાઈ પર હુમલાનો પ્રયાસ કર્યાે હતો. જેમાં હેમતભાઈને માથા પાસે છરી વાગી ગઈ છે. જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ભાવેશ સામે ફરિયાદ કરાઈ છે.

લાલપુર તાલુકાના પીપરી ગામના જગદીશભાઈ રમેશભાઈ મકવાણા શુક્રવારે રાત્રે પીપળી ગામ નજીક પેટ્રોલપંપ પાસે હતા ત્યારે જગદીશ ઉર્ફે જગા ભરવાડ, મના પાલા ભરવાડ, પ્રફુલ્લ પુંજા ભરવાડ, રામા સેજા ભરવાડ, આસીફ સેજા ભરવાડ અને મનાભાઈના દીકરાએ ઝઘડો કર્યા પછી જગદીશભાઈને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી પાઈપ, સળીયા વડે માર માર્યાે હતો. જ્યારે રામા સેજા છરી બહાર કાઢી જગદીશ ભાઈની પાછળ દોડ્યો હતો.

થોડા સમય પહેલાં યોજાયેલી સરપંચની ચૂંટણીમાં જગાભાઈ ભરવાડનો સાથ જગદીશભાઈ મકવાણા તથા તેમના ભાઈ રવજીભાઈએ ન આપતા ચૂંટણીનું વેરઝેર રાખી  હુમલો કરાયાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh