Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ભ્રષ્ટાચારના ખાડા... ભાજપના શાસકો સીએમના આદેશને ઘોળીને પી ગયા?

ભાજપના પંચાયતથી પાર્લામેન્ટ સુધી ચૂંટાયેલા તમામ જનપ્રતિનિધિઓ મૌન કેમ? નગરસેવકો ચુપ કેમ? પ્રચંડ જનાક્રોશ ચૂંટણીમાં ભારે પડી શકે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: છેલ્લા પંદર-વીસ દિવસથી માત્ર જામનગર મહાનગર જ નહીં, સમગ્ર ગુજરાતના ખાસ કરીને નાના-મોટા શહેરો, મહાનગરોમાં રસ્તાઓ ધોવાઈ જવા, માર્ગો પર જોખમી ખાડાઓની સમસ્યા અંગેના વિસ્તૃત અહેવાલો તમામ મીડિયામાં પ્રસારિત થઈ રહ્યા છે.

અંતે... રાજ્યના મુખ્યમંત્રીએ આ સમસ્યાની નોંધ ગંભીરતાપૂર્વક લીધી અને તાકીદે રાજ્યની મહાનગર પાલિકા અને નગર પાલિકાઓના ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને રસ્તા રીપેરીંગના કામને ટોચની પ્રાથમિક્તા આપી યુદ્ધના ધોરણે કામગીરી કરવા આદેશ આપ્યો છે. આટલું જ નહીં, તેમણે ડીફેક્ટ લાયાબિલિટીસ પિરિયડ સંદર્ભમાં રસ્તા તૂટી ગયા હોય તો જે તે કામના કોન્ટ્રાક્ટર પાસે રીપેરીંગના કામ કરાવવા પણ આદેશ કર્યો છે.

ખુદ મુખ્યમંત્રીએ સમગ્ર ગુજરાતમાં રસ્તાઓની અત્યંત બદતર સ્થિતિ અંગે ધ્યાન આપીને પગલાં લેવા પડ્યા... પણ... સૌથી ગંભીર અને ટિકાપાત્ર બાબત એ છે કે ગુજરાતની મહાનગર પાલિકાઓ કે નગરપાલિકાના અધિકારીઓ તો આજ દિવસ સુધી ખાડાઓની સમસ્યા અંગે જાણે કાંઈ ખબર જ નથી! તેમાં ય સૌથી નોંધપાત્ર બાબત એ છે કે હાલ ગુજરાતની લગભગ તમામ મહાનગર પાલિકા અને મોટાભાગની નગર પાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. જામનગર જેવા મહાનગરમાં તો રપ-૩૦ વર્ષથી ભાજપનું શાસન છે, ત્યારે ખુદ ભાજપના જ શાસકો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ નિષ્ક્રિયતા સાથે મુખ્યમંત્રીના આદેશને નહીં માનવા જેવી ગુસ્તાખી કરી રહ્યા છે.

મુખ્યમંત્રીની વીડિયો કોન્ફરન્સમાં જામનગરના મ્યુનિ. કમિશનર જોડાયા જ હશે... તો હવે કમિશનર સાહેબ કોની રાહ જુઓ છો? સીએમએ તો ત્યાં સુધી સૂચના આપી છે કે જે શહેરોમાં ઉઘાડ જેવી સ્થિતિ હોય ત્યાં ખાડાઓ પૂરી ડામરના પેચવર્કના કામ તાબડતોબ કરી જનતાને રાહતરૂપ કામગીરી કરો...

જામનગરની વાત કરીએ તો આ વર્ષે આમ જુઓ તો સાવ સામાન્ય વરસાદ જ પડ્યો છે, છતાં આખું શહેર ખાડાનગર બની ગયું છે. વરસાદના કારણે રસ્તાઓ તૂટી ગયા છે કે ખાડા પડ્યા છે, તે બહાના તદ્ન વાહિયાત છે! કારણ કે જામનગરની જનતાને ક્યારે ય સારા રસ્તાની સુવિધા મળી જ નથી. ભ્રષ્ટાચાર અને ભાજપના જ મળતિયાઓ જ્યાં કોન્ટ્રાક્ટર હોય ત્યાં રસ્તાઓના કામ સાવ હલકી ગુણવત્તાના જ થયા છે. દર વર્ષે મહાનગરપાલિકા શહેરમાં રસ્તાઓના પેચ વર્ક, ડામરકામ, ચિરોડા પૂરવાના કામો પાછળ કરોડો રૂપિયા મંજુર કરે છે, કામના ચૂકવણા થાય છે... તો આ કામો થયા છે ક્યાં? અને થયા છે તો આવી ખાડનગર જેવી હાલત શા માટે?

જામનગરમાં તો આમે ય બારેમહિના રસ્તાઓમાં નાના-મોટા ખાડા જોવા મળે જ છે. તાજેતરમાં જ ફ્લાય ઓવર પાસેનો રોડ બનાવાયો... માત્ર ચાર-છ દિવસમાં જ રસ્તા પરથી કાંકરીઓ ઊડવા લાગી... વાહનો સ્લીપ થઈ જાય તેવો કાચો-રેતીવાળો માર્ગ બની ગયો છે... આ માર્ગ ઉપર ડામર નામની કોઈ વસ્તુ વાપરી જ નથી! આ કામના કોન્ટ્રાક્ટર કોણ છે? કામ ચાલુ હતું ત્યારે મનપામાંથી કોણે રોજકામ કર્યું... કોણે કામ સંતોષકારક પૂરૃં થયાનું રિપોર્ટીંગ કર્યું?

આ તો માત્ર હમણાં જ થયેલા એક સાવ નાના અમથા રસ્તાના કામનું દૃષ્ટાંત છે... પણ કરોડો રૂપિયાના ડામર રોડ, સી.સી. રોડ, બ્લોક પાથરવાના કાર્યોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર ચાલે છે, અને પરિણામે આ પૃષ્ઠ ઉપર શહેરના કેટલાક મુખ્ય વિસ્તારો-મુખ્ય માર્ગોની અવદશા દર્શાવતી તસ્વીરો પ્રસ્તુત કરી છે. આવી દોજખભરી અને જોખમી સ્થિતિ સમગ્ર શહેરમાં છે. તેમ છતાં ભાજપના શાસકોને આ ખાડા દેખાતા નથી? ભાજપના કોર્પોરેટરોને પોતાના ખુદના જ વોર્ડના માર્ગોની અત્યંત ખરાબ સ્થિતિ અંગે કોઈ દરકાર નથી. ભાજપના કોઈ રસ્તા કોઈ કોર્પોરેટરમાં ભંગાર રસ્તાઓ રીપેર કરવા માટે રજૂઆત કરવાની હિંમત સુદ્ધા નથી! તો પછી પક્ષના પ્રતિનિધિ છો કે પ્રજાના? પણ અહીં તો આમને મત નહીં આપો તો જાશો ક્યાં? જેવા અહમમાં રાચતા ચૂંટાયેલા પ્રતિનિધિઓને પ્રજાની દરકાર ક્યાંથી હોય? કોર્પોરેટરો અને પદાધિકારીઓ તો ઠીક, ધારાસભ્યો અને સંસદસભ્ય પણ જામનગરના મતદારોથી ચૂંટાયા છે. તો તેઓનું મૌન અને નિરસતા પણ જનતામાં રોષનું કારણ બની રહી છે.

જામનગર શહેરમાં ઉઘાડ જેવી સ્થિતિ છે ત્યારે કમ-સે-કમ તમારા જ પક્ષના મુખ્યમંત્રીની સૂચનાનો તો અમલ કરો... અને યુદ્ધના ધોરણે શહેરના મુખ્ય માર્ગોના ખાડાઓ, ચિરોડાઓ રીપેર કરી ડામર પેચ વર્ક કરવાની જવાબદારી નિભાવો...

બાકી... તો કોંગ્રેસ અને વિપક્ષી કોર્પોરેટરોએ રસ્તાઓની હાલત અંગે આવેદન આપ્યું, તો એવો લુલો ખુલાસો થયો કે ચોક્કસ સ્થળ તો બતાવો... હવે આખા શહેરની અંદર ખાડાઓનું સામ્રાજ્ય છે તેની જાણ શાસકોને નથી? ક્યાંથી હોય... બંધ કાચવાળી લક્ઝરિયસ ગાડીમાં ફરતા શાસકોને પ્રજાની પીડા ક્યાંથી સમજાય! શાસકો તો ઠીક પણ સરકારના તગડા પગાર આરોગતા ઉચ્ચ અધિકારીઓ પણ શહેરમાં ચાલીને અથવા ખુલ્લી જીપમાં નિરીક્ષણ કરવા અને પરિસ્થિતિનો વાસ્તવિક ખ્યાલ આવે તે માટે તકલીફ લેવાની જરૂર છે.

મત માંગવા પગપાળા નીકળનારા અને જનતા સમક્ષ બે હાથ જોડી મત માગનારાઓ પ્રજાની મુશ્કેલી સમયે તો આ ખાડાઓ ખુંદવા-પગપાળા નીકળવાની દરકાર કરો! એટલું ભૂલતા નહીં કે જનતાએ ભલભલા ખેરખાંઓને રાજકારણમાંથી ઘરભેગા કરી દીધા છે, અને હવે ગણતરીના મહિનાઓ પછી મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે, ત્યારે ક્યા મોઢે મત માંગવા નીકળી શકશો.?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh