Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈઝરાઈલી વેબ 'ઓફ રોડ' સાહસ પ્રવાસનનો નવો અનુભવ કરાવે છે
નાના પડદાનું મનોરંજન રંગ જમાવે છે. અહી દેશી વિદેશી કલા કસબીઓની રચનાઓ માણવા માટે મોટો ખજાનો છે. અનેક નાના અને પડદા પાછળ ધકેલાઇ ગયેલા કલાકારો દર્શકોને જકડી રાખવામાં સફળ થયા છે. એક સમયની લોકપ્રિય અભિનેત્રી નીના ગુપ્તા પંચાયતની ચાર સિઝન કરી ચૂકી છે. પદ્યમીની કોલ્હાપુરે પૃથ્વીરાજ ચૌહાણમાં જોવા મળે છે. મારા જેવા અનેક લોકો છે, જે મોટા સિનેમાઘરમાં બહુ ઓછા જાય છે. તેમના માટે તો આ ઘેર બેઠા ગંગા છે. તાજી ગુજરાતી ફિલ્મ 'ઓલ ધ બેસ્ટ પંડયા'થી લઈ ઈઝરાઈલી વેબ સીરિઝ 'ઓફરોડ' જોઈ નાખી. ચાલો, આજે 'નોબત'ના વાચકોને પણ મનોરંજનનો આસ્વાદ કરાવીએ. આજે અહીં મારધાડ કે દક્ષિણની ફિલ્મોની અતિરેક ધરાવતી મારધાડથી ભરપુર ફિલ્મોની એન્જિઑગ્રાફી કરવી નથી, પરંતુ શાંત દિમાગે માણી શકાય તેવી કેટલીક ઓટીટી રિલીઝ ઉપર વિહંગાવલોકન કરવું છે.
ઓફ રોડ
દુનિયામાં યહૂદી દેશ ઇઝરાઈલને આપણે માત્ર લડાયક અને જાસૂસી કરતા દેશ તરીકે જ ઓળખીએ છીએ. ઇઝરાઈલ તેના આધુનિક શસ્ત્ર માટે વિશ્વમાં નામના ધરાવે છે. આપણને એ ખબર નથી કે હાલમાં દુનિયામાં ઈઝરાઈલી ફિલ્મ 'ફૌદા' ધૂમ મચાવે છે. આ એક વેબ ફિલ્મ, ઓટીટી રીલીઝ છે. ફૌદા એક્શન વેબ છે. તેના અભિનેતા લીઓર રાઝની ટ્રાવેલ, એડવેન્ચર સિરીઝ 'ઓફ રોડ' જોઈ. મજા આવી. આ પણ એક ઇઝરાઇલનું નિર્માણ છે. પ્રવાસન અને એડવેન્ચર ભરપુર અનેક સિરિયલ્સ આવી તેમાં આ નોખી ભાત પડે છે. ઓફ રોડમાં પ્રથમવાર તેલઅવિવથી મધ્ય એશિયાના કઝાકિસ્તાન અને કિર્ગિસ્તાનનો જોખમી પ્રવાસ દર્શાવામાં આવ્યો છે. ૨૫ દિવસ અને ૨૫૦૦ કિલોમીટરની દુર્ગમ રસ્તાની કાર ડ્રાઈવ દર્શકો માટે રોમાંચક બને છે. લીઓરની સાથે ઇઝરાઈલની સેલિબ્રિટી ટીવી અભિનેત્રી રોટેમ સેલા છે જે 'અમેરિકન આઈડોલ'થી પ્રસિદ્ધિ પામી. બન્ને પોતપોતાનાં રૂટિન કામથી બ્રેક લેવા માટે આ જોખમી પ્રવાસ શરૂ કરે છે.
ઓફ રોડના નૈસર્ગિક રૂશ્યો અદભૂત છે. જેનું શબ્દ વર્ણન શક્ય નથી. ફિલ્મના નિર્માતાએ પણ કુદરતની લીલા કચકડે કંડારવા માટે અનેકવાર ડ્રોન અને હેલિકોપ્ટરનો સહારો લીધો છે. અફાટ રણ, લીલાચ્છમ મેદાનો. કિર્ગિસ્તાનમાં દુનિયાનું બીજા ક્રમનું સૌથી મોટું તળાવ છે. પાણી ખારૃં હોવાથી શિયાળામાં પણ જામતું નથી. અહીની નાની હોટલો પણ જોવા જેવી છે.
આ ૬ ભાગની નેટફ્લિક્સ શ્રેણી છે જેમાં ઇઝરાયેલી કલાકારો લિયોર રાઝ અને રોટેમ સેલા કિર્ગિસ્તાન અને કઝાકિસ્તાનની રોડ ટ્રીપ પર છે. આ શો મધ્ય એશિયાની સંસ્કૃતિ અને સુંદરતાની શોધ કરે છે. શ્રેણીમાં પરંપરાગત કોક બોરૂ રમત, ઇસિક-કુલ તળાવ અને એક દૂરના ગામની મુલાકાતનો સમાવેશ થાય છે. આ શ્રેણીમાં બિશ્કેક, ઇસિક-કુલ તળાવ, ગરમ પાણીનો ઝરણું, પશુધન ફાર્મ, કારાકોલ શહેર અને જિરગાલાંગ ગામની મુલાકાતોનો સમાવેશ થાય છે. અહીની સંસ્કૃતિ પણ દર્શાવવામાં આવી છે. અહીંયા કેટલાંક વિસ્તારો એવા પણ છે જ્યાંના બાળકો, યુવાનો પોતાના પિતાને જાણતા જ નથી હોતા! તેમને પિતાની ઓળખ કરવાની તમન્ના પણ નથી. આ વિસ્તારમાં સેક્સ બહુ સામાન્ય પ્રવૃત્તિ છે. ભારતીય સંકૃતિમાં જીવતા આપણાં લોકો માટે આવી વાતો બહુ આશ્ચર્યજનક લાગે છે. સાહસ અને પ્રવાસનના શોખીન દર્શકોને ઓફરોડ જોવા માટે ખાસ ભલામણ છે.
હેડ્સ ઓફ સ્ટેટ
હોલીવુડ સ્ટફ ધરાવતી બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા સીટાડેલ પછી તરત 'હેડ્સ ઓફ સ્ટેટ્સ' ફિલ્માં ચમકી છે. પ્રિયંકાનો સ્વેગ જોઈ લાગે કે તે બોલીવુડ કરતાં હોલીવુડ માટે જ જન્મી છે. આ એક રૂટિન અંગ્રેજી ફિલ્મ છે. આપણી દેશી કુડી હોવાથી ફિલ્મ જોવાનું મન થાય તે સ્વાભાવિક છે. મગજ સિનેમા હોલની બહાર મૂકીને જવું. મુંબઈ અને હોલિવૂડનો સંબંધ બહુ જૂનો છે. એક સમયે ટેનિસ ખેલાડી વિજય અમૃતરાજ જેમ્સ બોન્ડની ફિલ્મોના ભારતના વિતરક હતા. તેમણે જયપુરમાં ૧૯૮૩ માં રજૂ થયેલી 'ઓકટોપસી'માં અભિનય પણ કર્યો હતો. કબીર બેદી પણ અંગ્રેજી ફિલ્મોમાં અનેકવર ચમક્યા. ઐશ્વર્યા રાય, અમિતાભ, ઓમ પૂરી, ડીમ્પલ કાપડિયા સહિત અનેક કલાકારો અમેરિકન ફિલ્મોમાં ભાગ્ય અજમાવી ચૂક્યા છે. આ બધા કલાકારોમાં પ્રિયંકા સૌથી સફળ રહી છે.
હેડ્સ ઓફ સ્ટેટ્સમાં અમેરિકા અને બ્રિટનના પ્રધાનમંત્રી એક સાથે અમેરિકાના એરફોર્સ વન જેવા હાઈટેક વિમાનમાં પ્રથમવાર સાથે મુસાફરી કરે છે. વિમાન ઉપર હુમલો થાય છે અને આ બન્ને સિવાય બધા પ્રવાસીઓ મૃત્યુ પામે છે. બન્ને પેરેસ્યૂટ વડે જંગલમાં ઉતરે છે. અમેરિકા અને બ્રિટન જેવી મહાસત્તાના વડા એકલપંડે ભટકે છે, દુશ્મનો તેમનો પીછો કરે છે. આવા કપરા સમયે આપણી અભિનેત્રી પ્રિયંકા ચોપરા કમાન્ડો બની બન્નેનો અદ્ભુત બચાવ કરે છે. પ્રિયંકા બ્રિટનના વડાપ્રધાનની પ્રેમિકા પણ હોય છે તેથી અહી લાગણીઓનું યુદ્ધ પણ ખેલાય છે. અહી અમેરિકાના પ્રમુખની ભૂમિકા લોકપ્રિય અભિનેતા માચો મેન જોન સીનાએ ભજવી છે. બ્રિટિશ વડાપ્રધાનની ભૂમિકામાં ઇદ્રીશ એલબા છે.
ઉપ્પુ કાપ્પુરામ્બુ
દક્ષિણની આ એક સોશિયલ કોમેડી ફિલ્મ છે. મારધાડ ઉપરાંત દક્ષિણના મનોરંજન નિર્માતાઓ પણ અજબ ગજબના નવતર વિષયો લાવે છે. વિચિત્ર નામધારી ફિલ્મ અત્યારે ટ્રેન્ડિંગમાં છે. હિન્દી ડબ વર્ઝન હોવાથી આપણને મજા પડે.
આ ફિલ્મમાં ચીટ્ટી જયપુરામ નામના એક નબળા ગરીબ ગામની વાર્તા છે.
હિન્દુ સંસ્કાર અનુસાર મૃતદેહને અગ્નિદાહ દેવાનો હોય છે, પરંતુ આ ગામમાં અગ્નિદાહ આપવામાં આવે તો ભયંકર આપત્તિ આવે અને જીવલેણ દુકાળ પડે તેવી માન્યતા છે. આથી જેમનું મૃત્યુ થાય તેને દફન કરવામાં આવે છે, એટલે કે સમાધી આપવામાં આવે છે.
દાયકાઓ બાદ ગામના કબ્રસ્તાનમાં હવે સિમિત જગ્યા છે તેથી કજીયા કંકાસ થવા લાગે છે. ધનિક, માથાભારે, લાગણીશીલ લોકો પોતાના માટે અથવા સ્વજન માટે સમાધી સ્થળ મેળવવા દાવપેચ શરૂ કરે છે... આ દાવ પેચ તે જ ફિલ્મની વાર્તા...! મુળ તેલુગુ ફિલ્મ હિન્દી સહિત પાંચ ભાષામાં ડબ કરવામાં આવી છે.
ફિલ્મના પ્રારંભમાં જ ગામના સરપંચનું અવસાન થાય છે. પરંપરા અનુસાર તેનો પુત્ર સરપંચ બને, પરંતુ તેને પુત્ર ન હોવાથી પુત્રી એટલે કે ફિલ્મની નાયિકા સરપંચ બને છે. તેને ગામના રાજકારણમાં જરા પણ રસ નહતો અને અનુભવ પણ ન હતો. નવા સરપંચને પરેશાન કરવા માથાભારે લોકો કાવાદાવા કરે છે. સૌથી ગંભીર સમસ્યા ત્યારે આવે છે જ્યારે ખબર પડે છે કે, ગામના સમાધી વિસ્તારમાં હવે જૂજ લોકોને જ દફનાવી શકાય તેમ છે. આસપાસના ગામોમાં સમાધીની પ્રથા ન હોવાથી કોઈ આ કામ માટે જમીન આપતા નથી. લાગણીશીલ સરપંચ આ સમસ્યા કેવી રીતે ઉકેલે છે તે જોવું રોચક બને છે. કથા લેખકે મહેનત કરી છે. અભિનેત્રીની ભૂમિકામાં કીર્તિ સુરેશ ભૂમિકાને ન્યાય આપવામાં સફળ રહી છે. કઇંક નવું જોવા માંગતા દર્શકોએ સાઉથની ફિલ્મો જોવી જોઈએ.
આપ જૈસા કોઈ
આ પરંપરગત હિન્દી ફિલ્મ છે. આ વાર્તા જમશેદપુરના એક મધ્યમ વયના સંસ્કૃત પ્રોફેસર શ્રી રેણુ ત્રિપાઠી વિશે છે જે ફ્રેન્ચ શિક્ષક મધુ બોઝના પ્રેમમાં પડે છે. તેમના સંબંધો પર કૌટુંબિક દબાણ અને સામાજિક રિવાજોનું બંધન છે. ફિલ્મ આપ જૈસા કોઈનું શૂટિંગ મુખ્યત્વે કોલકાતા અને ઝારખંડમાં કરવામાં આવ્યું હતું, જ્યારે કેટલાક ભાગનું શૂટિંગ મુંબઈમાં થયું હતું. કોલકાતાના મુખ્ય સ્થળોમાં કુમારતુલી, છોટાલાલ ઘાટ અને બોબજારનો સમાવેશ થાય છે. મુખ્ય ભૂમિકામાં આર. માધવન, ફાતિમા શેખ અને આયશા રઝા છે. આધુનિક પ્રેમકથા તરીકે રજૂ કરાયેલી આ ફિલ્મ ભાવનાત્મક સંબંધો, સ્ત્રી પુરૂષોના સંબંધોમાં બીજી તકની શોધ કરે છે. ધર્મા પ્રોડક્શન્સ અને ધર્માટિક એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત, આપ જૈસા કોઈ એક આધેડ લગણીઓની વાર્તા છે.
કાલીધર લાપતા
માનસિક રોગીઓથી છૂટકારો પામવા માટે પરિવાર દ્વારા તેને કુંભ મેળામાં રખડતા મૂકી દેવાની વાર્તા અનેક ફિલ્મોમાં આવી ગઈ છે. અહી કાલીધરની ભૂમિકામાં અભિષેક બચ્ચન છે. ઘણાં લાંબા સમય પછી અભિષેકનો અભિનય સંવેદનશીલ રહૃાો. મંદબુદ્ધિનો કાલીધર ભટકતો રહે છે. નાનો અનાથ બાળક તેનો આધાર બને છે. બન્ને અહીં તહીં ભટકે છે. ફિલ્મ કોઈ મોટા ટ્વિસ્ટ અને ટર્ન વગર ચાલે છે. સમય પસાર કરવા માટે કાલીધર જોઈ લેવું.
પંચાયત
ઓટીટી ઉપર ચર્ચા કરતાં હોઈએ અને પંચાયતનો ઉલ્લેખ ન કરીએ તો અધૂરૃં લાગે. ત્રીજી સિઝનમાં વર્તમાન સરપંચ નિના ગુપ્તા ચુંટણી હારી જાય છે. સચિવ અને સરપંચ પુત્રી પિંકીની લવસ્ટોરી ચુંબન સુધી પંહોચી ગઈ છે. જોકે નિના ગુપ્તા અને રઘુવીર યાદવનું શાસન પૂરૃં થાય છે, સચિવજી સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થઈ ગયા છે અને ફુલેરા ગામ છોડવાના છે તે નક્કી થઈ ગયું છે.માથાભારે વિધાયકને પક્ષે હકાલપટ્ટી કરી નાખી છે.
આટલા બધા વળાંકો પછી પંચાયતની ચોથી સિઝન આવી રહી છે. દર્શકોને જકડી રાખવામાં ફુલેરા ગામના પાત્રો સફળ રહૃાા છે. નિર્માતાઓના દાવ અનુશાર તે આ શ્રેણીની ૧૦ સિઝન કરવા માંગે છે!
મિસ્ટ્રી
આ એક ભારતીય કોમેડી-થ્રિલર છે. તે યુએસ શ્રેણી 'મોન્ક'નું સ્થાનિક રૂપાંતર છે, જેમાં રામ કપૂર ડિટેક્ટીવ અરમાન મિસ્ત્રી તરીકે અભિનય કરે છે, જે જટિલ કેસોને ઉકેલવા માટે પોતાના તેજસ્વી મન અને ઝીણવટભરી આદતોનો ઉપયોગ કરે છે. મોના સિંહ પોલીસ અધિકારી સેહમત સિદ્દીકીની ભૂમિકા ભજવે છે, જે તેમના સહ કર્મચારી છે, જ્યારે શિખા તલસાનિયા અને ક્ષિતિશ દાતે તપાસ ટીમની ભૂમિકા ભજવે છે.
બેસ્ટ ઓફ લક પંડયા
મોટા પડદાની ગુજરાતી ફિલ્મ 'ઓલ ધ બેસ્ટ પંડયા' શેમારૃં ઓટીટી ઉપર આવી ગઈ છે. સ્વચ્છ, સુંદર, પારિવારિક ફિલ્મ પિતા ( દર્શન જરીવાલા) પુત્રના સંઘર્ષ ઉપર આધારિત છે. પ્રમાણિક પિતા અકસ્માતે લાંચના છટકામાં પકડાઈ જાય છે. દિશાહીન પુત્ર એટલે કે ફિલ્મનો અભિનેતા મલ્હાર ઠાકર પિતાને જેલમાંથી નિર્દોષ છોડાવે છે. અહી કોર્ટની કાર્યવાહી જ ફિલ્મનું કથાનક છે.
આ ફિલ્મનું દિગ્દર્શન અને સંપાદન રાહુલ ભોલે અને વિનિત કનોજિયા દ્વારા કરવામાં આવ્યું છે. તેમાં મલ્હાર ઠાકર, દર્શન જરીવાલા, વંદના પાઠક, યુક્તિ રાંદેરિયા અને અન્ય કલાકારો છે. આ ફિલ્મનું નિર્માણ જીગર ચૌહાણ, મલ્હાર ઠાકર, જીગર પરમાર અને જીમી સતીશ અસીજા દ્વારા કરવામાં આવ્યું છે.
'નોબત'ના વાચકો અને ચાહકોને મનોરંજન મુબારક.
પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial