Advertisement
Author: નોબત સમાચાર

વચગાળાનો માર્ગ... 'સમાધાન' કે છટકબારી ?

                                                                                                                                                                                                      

પ્રાચીનકાળથી કોઈપણ વિવાદ, યુદ્ધ કે સંઘર્ષ માટે વચગાળાનો માર્ગ કે સમાધાનનો માર્ગ શોધીને ઘર્ષણ ટાળવાના પ્રયાસો થતા રહ્યા છે, અને રાજા-રજવાડાના સમાજમાં સમાધાન માટે વિષ્ટિકારો અથવા શાંતિદૂતો મોકલવામાં આવતા હતા અને તેઓને દુશ્મન દેશ તરફથી પણ સુરક્ષાકવચ પૂરૃં પાડવામાં આવતા હતા. મહાભારતનું યુદ્ધ શરૂ થતાં પહેલા પાંડવો તરફથી ભગવાન શ્રીકૃષ્ણ કૌરવો સાથે સમાધાનનો પ્રસ્તાવ લઈને ગયા હતા અને  ધૃતરાષ્ટ્ર સમક્ષ પાંડવો માટે પાંચ ગામ માંગ્યા, પરંતુ દૂર્યોધને પાંચ તસુ પણ જમીન આપવાની ના પાડી દીધી, ને પછી મહાભારત સર્જાયું હતું. તેવી જ રીતે રામાયણકાળમાં ભગવાન શ્રીરામ તરફથી અંગદ શાંતિદૂત થઈને રાવણ પાસે ગયા હતા અને સીતામાતાને સન્માનપૂર્વક પરત મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ રાવણ ઘમંડમાં હતો, અને તેનો વિનાશકાળ નજીક હતો, તેથી તે માન્યો નહીં અને લંકામાં રામ-રાવણનું યુદ્ધ થયું અને રાવણ હણાયો.

આ બંને દૃષ્ટાંતો વચગાળાના માર્ગ અને સમાધાનકારી રસ્તો કાઢવાની પ્રક્રિયાની અગત્યતા સમજાવે છે. કોઈપણ  વિવાદ કે સંઘર્ષો બે પક્ષો કે બેથી વધુ પક્ષો વચ્ચે મતભેદોના કારણે શરૂ થઈને મનભેદો સુધી પહોંચી ગયા પછી સર્જાતા હોય છે અને મોટાભાગે વિનાશકારી પરિણામો લાવતા હોય છે, અથવા શરમજનક શરણાગતિ સ્વીકારવા મજબૂર થવું પડતુ હોય છે અને એ પ્રકારના ઘણાં દૃષ્ટાંતો આપણા પ્રાચીન ઈતિહાસ તથા દેશ દુનિયાની હિસ્ટ્રીમાં મોજુદ છે, છતાં હજુ આપણે તેની પાસેથી કાંઈજ શીખ્યા નથી. આજે પણ દેશ-દુનિયામાં એવા ઘણાં રાવણો અને દૂર્યોધનો અટ્ટહાસ્ય કરી રહ્યા છે, જેને શાંતિદૂતોના પ્રસ્તાવો સ્વીકાર્ય નથી અને તેઓ અત્યારે પોતાને ભલે અજેય કે સર્વશક્તિશાળી માનતા હોય, પરંતુ અંતે તો તેને દુષ્પરિણામો ભોગવવા જ પડતા હોય છે.

ઘણાં લોકો વચગાળાનો માર્ગ કે સમાધાનને જવાબદારીમાંથી છટકવાની યુક્તિ માનતા હોય છે, પરંતુ દરેક કિસ્સામાં એવું હોતું નથી. કેટલાક વચલા રસ્તા બંને પક્ષોને સમજાવીને થતા હોય છે અને બંને તરફ સ્વીકૃત હોય છે, જ્યારે ઘણી વખત તે યુક્તિપૂર્વકની છટકબારી પણ હોય છે. આથી વચલા માર્ગને સમજદારી ગણવી કે ચાલાકીપૂર્વકની ચતુરાઈ ગણવી. તેના માપદંડો દરેક કિસ્સા માટે અલગ-અલગ હોય છે.

ટ્રમ્પ ટેરિફના તોફાન વચ્ચે ભારત-અમેરિકા વચ્ચે થયેલી ટ્રેડ ડીલ પણ એક રીતે "વચગાળાનો રસ્તો" જ છે, અને પહેલા ગોળ-ગોળ વાતો થયા પછી મોદી સરકારના મંત્રીએ (પિયુષ ગોયલે) કેટલીક વિગતો સ્પષ્ટ કરી છે. આ ટ્રેડ ડીલના ફાયદા-ગેરફાયદાની વ્યાપક ચર્ચા થઈ રહી છે અને મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે. હવે આ ટ્રેડ ડીલને "વચગાળા"નો રસ્તો જણાવાઈ રહ્યો છે. ભારત સરકાર સત્તાવાર રીતે જે કાંઈ કહી રહી છે, તેમાં અને ટ્રમ્પ સરકારના દાવાઓમાં ઘણો તફાવત હોવાથી ભારતમાં ભ્રમ અને આશંકાઓનો માહોલ છે અને રશિયા પાસેથી ખરેખર ભારત ક્રૂડ ખરીદવાનું તદ્દન બંધ કરી દેશે કે પછી તેવું નહીં થાય તો અમેરિકા ફરીથી ૨૫ ટકા વધારાનો ટેરિફ લગાવી દેશે, તે સ્પષ્ટ થતું નહીં હોવાથી આ વચગાળાનો રસ્તો ખરેખર સમાધાન અને રાષ્ટ્રહિતનો નિવડશે કે પછી ચતુરાઈપૂર્વકની છટકબારી હશે, તે ભાવિના ગર્ભમાં છુપાયેલું છે, અને વૈશ્વિક સમીકરણોની ઉથલ-પાથલમાં ૧૪૦ કરોડ ભારતીયોના હિતોનું રક્ષણ કરાયું છે, કે ગીરો મુકાયા છે. તે ભવિષ્યમાં ખબર પડશે...જસ્ટ વેઈટ એન્ડ વોચ...

દુનિયાભરના દેશો સામે ટેરિફ અને સૈન્ય તાકાતનો ડર દેખાડીને મનઘડંત હરકતો કરતા રહેતા અમેરિકાના રાષ્ટ્રપતિ સ્વયં શાંતિદૂત બનવા થનગની રહ્યા છે, જે તેઓના બેવડા ધોરણો તો દર્શાવે જ છે, પરંતુ 'નોબેલ' નહીં મળ્યા પછી અમેરિકાએ હવે ઈરાન સામે આંખ લાલ કરી છે, તો ઈરાને પણ ખાંડા ખખડાવ્યા છે.

આ જ ટ્રમ્પે તાજેતરમાં "બોર્ડ ઓફ પીસ" નામની નવી ઈન્ટરનેશનલ પહેલ કરીને યુનોને સમાંતર તથા પોતાના વર્ચસ્વવાળી "શાંતિ" વ્યવસ્થા શરૂ કરી છે. આ બોર્ડની પ્રથમ બેઠક ૧૯મી ફેબ્રુઆરીના વોશિંગ્ટન ડી.સી.માં યોજાવાની છે. આ સંસ્થા આમ તો ઈઝરાયલ-ગાઝા સંઘર્ષના નિવારણ અને ગાઝાના પુનઃ નિર્માણના હેતુ માટે રચાઈ હોવાનું જાહેર કરાયું છે. હવે આ શાંતિદૂત બનેલા ટ્રમ્પને કોઈપણ રીતે પ્રાચીનકાળમાં આપણાં શાંતિદૂતો સાથે સરખાવી શકાય તેમ નથી. હકીકતે "કહીં પે નિગાહે...કહીં પે નિશાના"ની નીતિ અપનાવતા ટ્રમ્પે આ વચગાળાનો માર્ગ નહીં પણ વર્ચસ્વનો માર્ગ અપનાવ્યો છે.

"વચગાળાનો માર્ગ" વૈધાનિક પણ છે અને શાંતિપથ પણ છે. આપણાં દેશમાં વિલંબિત ન્યાય અને કેસોના ભરાવાની સમસ્યા હળવી કરવા લેવાઈ રહેલા વિવિધ કદમોમાં લોક અદાલતો અગ્રતાક્રમે છે અને તેમાં સમાધાનો થતા બંને પક્ષો સંતુષ્ટ થાય છે અને અપીલો નહીં થતા ભવિષ્યના કેસોનું નિવારણ પણ થાય છે, તેથી આ વચગાળાનો માર્ગ કાનૂને પણ સ્વીકાર્યો છે, પરંતુ તેનું સ્વરૂપ અલગ છે. આ જ રીતે "લવાદ"ની વ્યવસ્થા પણ "વચગાળાનો માર્ગ" જ છે, અને તેનો ઉપયોગ વિવાદોના સમાધાનકારી ઉકેલ માટે થાય છે, પરંતુ રાજનૈતિક, કુટનૈતિક અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પ્રવાહોમાં "વચગાળાના માર્ગ"નો ઉપયોગ ઘણી વખત "વ્યૂહાત્મક" હોય છે, જેનો અત્યારે મહત્તમ ઉપયોગ થઈ રહ્યો છે.

ઘણી વખત સામાજિક, પારિવારિક કે પડોશના ઝઘડાઓ કે મિલકત-સંપત્તિના દાવાઓમાં પણ વચગાળાનો માર્ગ રામબાણ ઈલાજ કે શાંતિકારક સર્વસ્વીકૃત સમાધાનનો સફળ ઉપાય બની જતો હોય છે, જ્યારે ઘણી વખત આ પ્રકારના ઉપાયના સ્વરૂપમાં જ દગાબાજી કે ચાલબાજી પણ છુપાયેલી હોય છે, અને આ જ પ્રકારે અન્ય કોઈપણ પ્રકારના "વચલા રસ્તા" માં આવી જ સંભાવનાઓ રહેતી હોય છે, પરંતુ તેનો અર્થ એવો નથી કે ક્યારેય વચગાળાનો માર્ગ કાઢવો જ નહીં...હકીકતે ચાલબાજી હોય તો વચગાળાનો માર્ગ સમજી વિચારીને અપનાવવો જોઈએ, પરંતુ ધુત્કારવો ન જોઈએ...બાકી તો ટ્રમ્પ જાણે અને તેના મિત્રો જાણે... જસ્ટ વેઈટ એન્ડ વોચ...!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh