Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એન્ટી એજિંગની દવાઓનો અભરખો ભારે પડી શકે છે...
હિન્દી મનોરંજન જગતમાં કાંટા લગા ફેમ સિંગર અને અભિનેત્રી શેફાલી ઝરીવાલાના ૪૨ વર્ષની યુવા વયે અચાનક નિધનથી મને બહુ નવાઈ નથી લાગી. મૃત્યુનું કારણ હૃદયરોગનો હુમલો જાહેર કરવામાં આવ્યું છે. મહિલાઓને બહુ જૂજ પ્રમાણમાં હૃદયની બીમારી થાય છે, આવા કારણોસર અચાનક ટપકી જવું તે નવાઈની બાબત છે. થોડા ઘણાં મીડિયા અહેવાલો અનુસાર તે એન્ટી એજિંગ દવાઓ લેતી હતી. મનોરંજન જગતમાં યુવતીઓ અને મહિલાઓ માટે સ્લિમ અને ફીટ રહેવું બહુ મહત્ત્વનું છે. એવું પણ કહેવાય છે કે, અહીં ચરબી વધતી જાય તેમ તેમ આવક ઘટતી જાય છે. રેખા અને હેમા માલિની જેવી પ્રૌઢ વયની અભિનેત્રીઓ પણ હીટ દેખાવા માટે ફીટ રહેવા અવનવા પેંતરા કરતી હોવાનું વારંવાર બહાર આવે છે. માત્ર મહિલાઓ જ નહીં પુરૂષો પણ આ વિષચક્રમાં ફસાયા છે. અમિતાભ બચ્ચન અને અનિલ કપૂર તેના ઉત્તમ દાખલા છે. શરીર શ્રોષ્ઠવ હેમખેમ જાળવવા માટે લાખો કરોડોનો ખર્ચ પણ કરવો પડે છે. યોવન જાળવા માટેના પ્રયોગોના પરિણામો સારાં જ આવશે તે નિશ્ચિત હોતું નથી, શેફાલી ઝરીવાલાની જેમ અચાનક એક્સિટ પણ થઈ જાય છે.
પ્રભુ દ્વારા પ્રસાદ રૂપે મળેલા માનવ શરીરને આપણે રસાયણોની પ્રયોગશાળા બનાવી દીધુ છે! દરેક વ્યક્તિ પોતાની જાતને શ્રેષ્ઠ માને છે અને શ્રેષ્ઠ બનાવવા માટે ઇકડમં ત્રિકડમં કરે છે. આરોગ્યની ડિક્ષનેરીમાં આડઅસર નામનો બહુ ભયંકર શબ્દ છે. આખી માનવજાત તેનાથી ફફડે છે. આમ છતાં યુવાન અને નિરોગી દેખાવા માટે આડઅસરને પણ ઘોળીને પી જાય છે.
દાખલા
રાસાયણિક દવાઓ દ્વારા અમરત્વ તો મળતું નથી, પરંતુ તંદુરસ્તી કેટલા પ્રમાણમાં મળે છે તે રામ જાણે. જામનગરમાં મારા નજીકના મિત્ર છે, તેમનું વજન આસરે ૯૫ કિલોગ્રામ આસપાસ રહે. તબીબે તેને કહ્યું કે, તમે ડાયાબિટીસની બોર્ડર લાઇન ઉપર છો. આ રોગથી બચવું હોય તો વજન ઘટાડો. અનેક ઉપચારો અને ઉપવાસ-એકટાણા પછી પણ વજન ઉતર્યું નહીં. ત્યારબાદ મહિનામાં ચોક્કસ દિવસે રાજકોટથી આવતા નિષ્ણાત તબીબના સંપર્કમાં આવ્યા. તબીબે રોજની એક ગોળી તરીકે કોર્ષ લખી આપ્યો. અમેરિકામાં સફળ ગણાતી આ ટીકડી રોજ સવારે લેવાની. ૨૪ કલાક સુધી ભૂખ તરસ લાગે જ નહિ! બે મહિના સુધી આ ગોળી લેવાથી તેમનું વજન ૭ કિલો ઘટ્યું છે. હજુ દવા ચાલુ છે. એક ગોળીની કિમત ૩૫૦ રૂપિયા છે અને દવા નિર્માતા કંપની ડેનિશની આ દવાનું નામ છે વેગોવી. એક મહિનાનો કોર્સ ૧૦ હજારથી લઈ ૨૬ હજાર સુધી હોય શકે છે! ૨૪ કલાક સુધી ભૂખ જ ન લાગે તે નફામાં! હવે આ દવા ઇન્જેકશન સ્વરૂપે પણ મળે છે અને તે સપ્તાહમાં એકવાર લેવાનું!
જામનગરના એક નામાંકિત અને દેખાવડા તબીબ સોનાના બિસ્કિટ ખાઈ શકે તેટલી આર્થિક ક્ષમતા ધરાવે છે, આમ છતાં ખાખરા ખાઈને દિવસો પસાર કરે છે. તેમને સ્લિમ એન્ડ ટ્રીમ બોડીનો શોખ છે!
નાના, મોટા, ધનિક, નિર્ધન, મહિલા, પુરૂષ તમામ વર્ગના લોકોએ તંદુરસ્ત અને ફીટ દેખાવા માટે શરીરને જાણે કે પ્રયોગશાળા બનાવી દીધું છે. પેટને પીડા આપી સુખી થવાના ચક્કરમાં લોકો ડિપ્રેશનમાં સરી પડે છે! પછી એન્ટી ડિપ્રેશનની દવાઓ ગળવા લાગે છે. ટૂંકમાં આખી જિંદગી દવાઓના ભરોસે ચાલે.
બીમાર લોકો દવા ઉપર નિર્ભર રહે તે સમજી શકાય તેવી બાબત છે, પરંતુ તંદુરસ્ત લોકો પણ દવા લેવા લાગે તે મોટું આશ્ચર્ય છે. દવાના નામે અનેક રસાયણો પેટમાં પધરાવે છે. યુવા પેઢીમાં એનર્જી ડ્રિન્કની નવી ઘેલછા લાગી છે. જાતજાતના શક્તિવર્ધક પીણાંના નામે મળતાં ડબલાં અને શીશીઓ ગટગટાવે છે.
ભવિષ્ય
વર્તમાન સમયમાં કોઈ રોગ હોય અને કેમિકલવાળી દવાઓ લઈએ તે માનવ સહજ સ્વભાવ છે, પ રંતુ હવે તો ભવિષ્યમાં થનારા રોગો શોધી તેનો ઉપચાર કરવાની નવી ફેશન નીકળી છે. આપણે સૌથી વધુ ડરતાં હોઈએ તો તે હૃદય રોગ અને કેન્સર છે. મેડિકલ સાયન્સ હવે ભવિષ્યમાં થનારા રોગો શોધી આપે છે અને અત્યારથી ઉપચારના ગતકડાં બટકાવી દે છે. જામનગના એક મોટા કારખાનામાં તેના કર્મચારીઓને આગામી પાંચ વર્ષમાં ચાર પ્રકારના કેન્સર થવાની શક્યતા છે કે નહીં? તેનું લેબોરેટરી પરીક્ષણ વ્યાજબી ભાવે કરી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે! શહેરોમાં અ સંખ્ય લોકો આવા ભાવિ રોગો ખિસ્સાના ખર્ચે શોધી રહ્યા છે. લોકોને કોલેસ્ટ્રોલ અને બોર્ડર લાઇન સ્યુગરનો ભય તો લાંબા સમયથી બતાવવામાં આવી રહ્યો છે, હવે તેમાં કેન્સરનો ઉમેરો કરવામાં આવ્યો છે. પ્રોસ્ટેટ, લીવર, ઇન્ટેસ્ટાઇન, પ્રેનક્રિયાસના કેન્સરની આગાહી કરવામાં આવે છે.
બીજી રીતે વિચારીએ તે આ આગાહી આશીર્વાદ સમાન પણ છે. શરીરમાં ૧૧૦ પ્રકારના નાના મોટા કેન્સર થઈ શકે છે. દર્દીઓ લાખો, કરોડોના ખર્ચમાં દટાઈ જાય છે. જો આ જીવલેણ રોગની અ ગમચેતી મળે અને થોડા ખર્ચમાં ગંભીર પીડા અને મોટા ખર્ચમાંથી બચી શકાય તે આવકાર્ય છે.
આમ કેમ
દાયકાઓ પહેલા દવાઓ ઓછી હતી તો રોગ પણ ઓછા અને સામાન્ય હતા. હવે દવાઓ આધુનિક બની તો રોગો પણ વકરવા લાગ્યા છે. એક સમયે જૂનાગઢમાં એક પણ મલ્ટી સ્પેિ સયાલિટી હોસ્પિટલ કે આઈ.સી.યુ. ન હતા તે સમયે પણ લોકો આરામથી નિરોગી જીવન જીવતા હતા. આજે હોસ્પિટલો અને દર્દીઓ બન્ને ઉભરાઇ રહ્યા છે!
કારણ સ્પષ્ટ છે.. આપણે પ્રભુ પ્રસાદમાં મળેલા શરીરને કેમિકલની પ્રયોગશાળા બનાવી દીધુ છે. ગંભીર બાબત તો એ છે કે, હવે લોકો નિષ્ણાત તબીબની સલાહ વગર પણ દવાઓ ગળચી રહ્યા છે. અનેક લોકો ડોલો નામની કોરોના સમયથી પ્રચલિત થયેલી દવા જાતે ખરીદી નાના રોગોના ઈલાજ કરી રહ્યા છે. આ બહુ ભયંકર બાબત છે. આપણે આયુર્વેદના નામે પણ ઊંટવૈદું કરી રહ્યા છીએ. અમારા એક મિત્રએ જાહેરાત વાંચી આયુર્વેદનો ઉપચાર શરૂ કર્યો, પછી ખૂબ પીડાયા! સા માન્ય માણસો તો ઉપચારના નામે અખતરા કરે તે સમજી શકાય તેવી બાબત છે, પરંતુ અનેક તબીબો પણ અખતરા કરતાં હોય છે. રોગ ન મટે તો બીજીવાર વધુ પાવારની દવા આપે! એક તબીબ ખૂબ સફળ છે કારણ કે તે, પ્રથમ મુલાકાતમાં હાઇ પાવરની દવા લખી નાખે છે! દર્દી ઘોડાની જેમ દોડવા લાગે!
અમારા એક મિત્રને ગોઠણનો દુખાવો હતો, તબીબે ની રિપ્લેસમૅન્ટની સલાહ આપી, તેમણે સલાહ ન માની અને ઓપરેશન ન કરાવ્યું, આજે સાત વર્ષ પછી લાંબુ ચાલે છે અને ઘૂટણનો દુખાવો પણ ગાયબ થઈ ગયો છે.
આશ્ચર્યની બાબત એ છે કે, તબીબી જગતમાં બે વત્તા બે એટલે ચાર થાય તેવો નિયમ જ નથી! ગમે તેટલા થાય!
તો શું કરવું?
મારી સલાહ છે કે, કારણ વગર, રોગ વગર કે નિષ્ણાતની સલાહ વગર કોઈ દવા લેવી નહીં. મેડિકલ જગતમાં સેકન્ડ ઓપીનીયન બહુ પ્રચલિત છે, આમાં પણ ભેરવાઈ જવાની પૂરતી શક્યતા છે. એક જ રોગ માટે બે તબીબો ભાગ્યે જ સમાન ઉપચાર, સારવાર કે દવા આપે. જ્યારે સારવારની જરૂર પડે ત્યારે ભરોસો હોય તે તબીબ પાસે જવું અને ભગવાન ભરોસે તેને તાબે થઈ જવું!
સરકાર
કેન્દ્ર કે રાજ્ય સરકાર પાસે આજે પણ હોસ્પિટલ સંચાલન માટે કોઈ એસઓપી (માર્ગદર્શિકા) નથી. આરોગ્ય વિભાગ પણ બીમાર હાલતમાં છે. તેના મંત્રી અને સચિવ તબીબ જ હોવા જોઈએ, પરંતુ તેમ નથી. જે લોકો તબીબી જ્ઞાન ધરાવતા નથી તે લોકો કેવી રીતે નિર્ણયો લઈ શકે! તબીબી શાખામાં સારવાર વિજ્ઞાનનો અભ્યાસ કરાવવામાં આવે છે તેમ તબીબી મેનેજમેન્ટ શાખા પણ હોવી જોઈએ. કદાચ છે પણ ખરી, પરંતુ તેમાં ભાગ્યેજ કોઈ જતું હશે. મેનેજમેન્ટ અને સારવાર બન્ને અલગ બાબતો છે ત્યારે હોસ્પિટલના અધિક્ષક નિપુર્ણ ડૉક્ટર જ હોય તે કેમ ચાલે? દવાઓની ગુણવત્તા અને ભાવ પણ ભગવાન ભરોસે છે. નકલી તબીબો અને નકલી દવાઓ હજારો લોકોના જીવ લઈ રહી છે. પ્રભુ પ્રસાદ રૂપે મળેલા શરીરને સાચવવા માટે સરકાર પણ ગંભીર નથી. રાજ્યની હજારો ખાનગી હોસ્પિટલોની સરકાર દ્વારા આકસ્મિક તપાસણી (ઓડિટ) થતું હશે કે કેમ તે મોટો સવાલ છે. તબીબી જગત નિરંકુશ હોય તે ચાલી શકે નહીં. આયુષ્માન અને માં અમૃતમ કાર્ડ આવ્યા પછી તે દર્દીઓની હાલત બગડી હોય તેમ લાગી રહ્યું છે. બિનજરૂરી સારવાર થઈ રહી હોવાની ફરિયાદો વધી રહી છે.
નૈતિકતા
તબીબી જગતમાં નૈતિકતા ટોચ ઉપર હોવી જોઈએ. લાગે છે કે તળિયે જઈ બેઠી છે. દર્દી દેવો ભાવઃ ભુલાઈ રહ્યું છે. આ ધંધો નથી, પરંતુ સેવા છે. હોસ્પિટલો કોર્પોરેટ બની છે અને ટાર્ગેટ ના મનું દૂષણ વધ્યું છે. હોસ્પિટલના તબીબોને પણ ટાર્ગેટ આપવામાં આવે છે. એ.સી. અને ફ્રીઝના વેચાણના ટાર્ગેટ હોઈ શકે, પરંતુ ઓપરેશનના ટાર્ગેટ કેવી રીતે હોય?
તબીબી જગતમાં ડ્રગ ટ્રાયલ શબ્દ પણ બહુ ચર્ચિત છે. દર્દીની જાણ બહાર તેના ઉપર દવાના પ્રયોગો કરવામાં આવતા હોય છે અને તબીબોને તે માટે તગડી રકમ પણ ચૂકવામાં આવે છે. અમદાવાદમાં આવી ગંભીર ઘટના બહાર આવી છે.
તબીબી જગતમાં તો તબીબના જન્મ સમયથી પૈસો મારો પરમેશ્વરના પાઠ ભણાવવામાં આવે છે, એમ કહો કે ગળથૂથીમાં જ ધંધો મળે છે. તબીબી શિક્ષણ અતિ ખર્ચાળ થઈ ગયું છે. કરોડો રૂપિયા ખર્ચી શિક્ષણ મેળવે તે બિચારા શું કરે? તબીબી અભ્યાસ ક્ષેત્રે હવે મફત જેવું કશું રહ્યું જ નથી. લોકો ચીન અને આફ્રિકા સુધી ડૉક્ટર બનવા માટે જાય છે.
પ્રારંભમાં લખ્યું તેમ, માનવ શરીર પ્રભુની સૌથી મોટી પ્રસાદી છે, ઓટો રીપેર અને સુપર કોમ્પ્યુટરની સુવિધા પણ ધરાવે છે. માણસના કોઈ અંગ કારખાના કે પ્રયોગશાળામાં બની શકયા નથી. એક સમયે ટેસ્ટ ટ્યુબ બેબી પ્રયોગ બહુ ચાલ્યો હતો, તેનું શું થયું તે ખબર નથી.
'નોબત'ના વાચકો અને ચાહકોને ઈશ્વર તંદુરસ્તી બક્ષે અને નિરોગી જીવન જીવે તેવી અભ્યર્થના.
- ૫રેશ છાયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial