Advertisement
Author: નોબત સમાચાર

આમઆદમી ૫ાર્ટીનો નગારે ઘા... સ્થાનિક સ્વરાજ્યની બાર હજાર બેઠકો પર ત્રિપાંખીયો જંગ ?

                                                                                                                                                                                                      

જામનગર મહાનગરપાલિકા, હાલારની તાલુકા-જિલ્લા પંચાયતો તથા ઘણી નગરપાલિકાઓની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, અને રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારો નક્કી કરવા માટે સેન્સની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે, ત્યારે ગઈકાલે આમઆદમી પાર્ટીએ નગારે ઘા ગજવી દીધો છે. અને એક પત્રકાર પરિષદમાં ગુજરાતની તમામ ૧૨ હજાર જેટલી (સ્થાનિક સ્વરાજ્યની) બેઠકો પર આમઆદમી પાર્ટી પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારશે, તેવી ઘોષણા કરી દીધી છે. આ કારણે આ વખતે સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે તાલુકા-જિલ્લા પંચાયતો અને પાલિકા-મહાપાલિકાઓમાં ત્રિપાંખીયો જંગ ખેલાશે, તે લગભગ નક્કી થઈ ગયું છે.

પ્રેસ કોન્ફરન્સમાં જાહેર થયેલી આમઆદમી પાર્ટીની ચૂંટણીની વ્યૂહરચના, રણનીતિ, ચૂંટણી સમિતિઓની રચના, સેન્સ પ્રક્રિયા, ઉમેદવારોની પસંદગી અને પ્રચાર-પ્રસાર વ્યવસ્થા તથા એકજૂથ થઈને ચૂંટણી પૂરી તાકાતથી લડવાની તત્પરતા સાથેની વિસ્તૃત માહિતી અપાઈ, ત્યારે એવું જણાતું હતું કે આ વખતે આમઆદમી પાર્ટી ફ્રન્ટફૂટ પરથી ચૂંટણી લડશે અને ગુજરાતમાં ભાજપનો મજબૂત વિકલ્પ બનીને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઝળહળતો વિજય મેળવવા માટે પૂરી તાકાત લગાડી દેશે, તેવા સંકેતો પણ પ્રેસ કોન્ફરન્સમાં આમઆદમી પાર્ટીના પ્રાદેશિક નેતાઓની બોડી લેન્ગવેજ પરથી વર્તાઈ રહ્યા હતા.

જો કે, આ પ્રેસ કોન્ફરન્સમાં આમઆદમી પાર્ટીના પ્રાદેશિક નેતાઓએ ઉમરેઠ વિધાનસભા બેઠકની ચૂંટણી માટે આમઆદમી પાર્ટીની રણનીતિના પત્તા ખોલ્યા નહીં, અને રાષ્ટ્રીય નેતાઓ સાથે પરામર્શ પછી નિર્ણય લેવાશે, તેવી જે વાત કરી તે ઘણી જ સૂચક છે.

ગુજરાતની રણનીતિને જાણતા કેટલાક વિશ્લેષકો હજુ પણ આમઆદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને ભાજપને મહાત આપવા માટે જિલ્લાવાર અલગ-અલગ રણનીતિ અખત્યાર કરશે, તેવા અભિપ્રાયો આપી રહ્યા છે, પરંતુ મોટા ભાગે રાજકીય પંડિતો એવું માની રહ્યા છે કે શરાબ કૌભાંડમાં રાઉઝ એવન્યૂ કોર્ટમાંથી નિર્દોષ છૂટ્યા પછી અરવિંદ કેજરીવાલ અને મનિષ સિસોદીયા જેવા નેતાઓ બમણાં જોરથી ગુજરાતમાં પ્રચાર કરશે અને હાઈકોર્ટમાં થયેલી અપીલમાં કોઈ વિપરીત સ્થિતિ ઊભી નહીં થાય, તો આ વખતે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓથી જ એકલા હાથે ફતેહ હાંસલ કરીને રાષ્ટ્રીય તથા પ્રાદેશિક કક્ષાએ પોતાની સ્થિતિ અત્યંત મજબૂત કરવાની રણનીતિ આમઆદમી પાર્ટીનું રાષ્ટ્રીય નેતૃત્વ જરૂર અપનાવશે અને ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ સામે સંયુક્ત રીતે લડશે, તેવા સ્પષ્ટ સંકેતો આપી રહ્યા છે.

આ વખતે રાજયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું એ.પી. સેન્ટર આમઆદમી પાર્ટી માટે સૌરાષ્ટ્ર બનશે અને તેમાં પણ હાલારની અગ્રિમ ભૂમિકા હશે, કારણ કે આમઆદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી ખંભાળીયાના વતની છે, જ્યારે આમઆદમી પાર્ટીના બે ધારાસભ્યો સૌરાષ્ટ્રના છે, તથા તે પૈકી હેમંતભાઈ ખવા જામનગર જિલ્લાના જામજોધપુર વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

બીજી તરફ કોંગ્રેસના સાંસદ અને ધારાસભ્ય તરીકે લાંબા સમય સુધી સેવાઓ આપનાર વિક્રમભાઈ માડમની કર્મભૂમિ પણ ખંભાળીયા અને જામનગર છે, તો જામનગર કોગ્રેસ દ્વારા તાજેતરમાં જમ્બો ટીમ જાહેર કરાઈ છે, જેમાં ૧૧ ઉપપ્રમુખો, ૯ મહામંત્રી અને ૨૪ મંત્રીઓ નિમાયા છે. દ્વારકા જિલ્લામાં પણ વિક્રમભાઈ માડમની ટીમ છે. તેથી ત્રિપાંખીયો જંગ ખેલાય તો પણ કોંગ્રેસ પણ પૂરી તાકાતથી ચૂંટણી લડશે અને ફાઈટ આપશે, તે સ્પષ્ટ છે. જામનગર શહેરમાં પણ દિગુભા જાડેજાની ટીમ મહાનગરપાલિકાની ચૂંટણી માટે તૈયારીઓ કરી રહી છે, જેને કોંગ્રેસના સ્થાનિક અને પ્રાદેશિક કક્ષાના નેતાઓનો સક્રિય ટેકો રહેશે, તે સ્વાભાવિક છે.

જો કે, પ્રવર્તમાન સમયમાં જ્યાં જ્યાં વહીવટદારો નિમાયા છે, તે મોટા ભાગની જિલ્લા-તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ અને જામનગર મહાનગરપાલિકામાં ભારતીય જનતા પક્ષનું શાસન હતું. જામનગરમાં શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારીની ટીમ તો મહાનગરપાલિકાની ચૂંટણી માટે સક્રિય છે જ, પરંતુ સંસદ સભ્ય પૂનમબેન માડમ, ધારાસભ્યો અને જિલ્લા-તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના પૂર્વ હોદ્દેદારોની ટીમ તથા વ્યાપક કાર્યકર્તાઓની સંગઠન શક્તિ સાથે ભાજપ પણ પોતાનો દબદબો જાળવવા એડીચોટીનું જોર લગાવશે, તે પણ સ્વાભાવિક છે. તે ઉપરાંત રાજ્ય અને કેન્દ્રમાં ડબલ એન્જિનની સરકારોનો પરોક્ષ ફાયદો પણ ભાજપને મળવાનો છે. હાલાર અને સૌરાષ્ટ્રમાં ભાજપના ઘણાં દિગ્ગજો છે, જે કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીને ટક્કર આપવા અને વિજયનો વાવટો દોહરાવવા અત્યારથી જ રણનીતિ ઘડી રહ્યા છે.

ભાજપનું શાસન જ્યાં જ્યાં હતું, ત્યાં ત્યાં થયેલા વિકાસ અને લોકલક્ષી યોજનાઓમાં પ્રજાને સંતોષ હશે, તો તેનો ફાયદો પણ ભાજપને મળશે, પરંતુ તેવી જ રીતે જો એન્ટી ઈન્કમ્બન્સી વધુ વ્યાપી ગઈ હશે, તો તેનો ઝટકો પણ ભાજપને લાગી શકે છે, આવું થાય તો તેનો સીધો અને વધુ ફાયદો આમઆદમી પાર્ટીને થશે કે પછી કોંગ્રેસને થશે તે અંગેની ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે.

જામનગરની વાત કરીએ તો નગરની વર્ષો જૂની અનેક સમસ્યાઓ જેમની તેમ છે, અને જાયન્ટ કરપ્શનના આરોપો વિપક્ષો લગાવી રહ્યા છે, તે ઉપરાંત માળખાકીય સુવિધાઓ સરકારી કામકાજ તથા સુખ-સુવિધાઓના મુદ્દે ઘણાં સ્થળે લોકોમાં જોરદાર નારાજગી હોવાથી તેનો ફાયદો આપ અને કોંગ્રેસને મતોના સ્વરૂપમાં મળી શકે છે. તેનાથી વિપરીત જ્યાં જ્યાં લોકોને શાસકોથી સંતોષ હશે,  અથવા નારાજગી વ્યાપક નહીં હોય અથવા તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે મતદાન સમયે પણ સ્થાનિકના બદલે રાષ્ટ્રીય નેતૃત્વ પ્રત્યેનો લગાવ અસર કરશે તો ભાજપને ફાયદો થશે. જો કે, તેનાથી ઉલટુ રાજ્ય કે કેન્દ્ર સરરાર પ્રત્યેની એન્ટી ઈન્કમ્બન્સી ભાજપને રાજકીય નુકસાન પણ પહોંચાડી શકે છે, તેથી જામનગર મહાનગરપાલિકા અંગે અત્યારથી અનુમાન કરવું વહેલું ગણાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh