Advertisement
Author: નોબત સમાચાર

શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં પ્રચંડ વિસ્ફોટઃ ૧૨ના મોતઃ સંખ્યાબંધ ઘાયલ

દિલ્હી વિસ્ફોટ અંગેની તપાસના કેન્દ્ર સમા પોલીસ મથકમાં એમોનિયમ નાઈટ્રેટના પરીક્ષણ દરમિયાન દુર્ઘટના ઘટીઃ પોલીસ

                                                                                                                                                                                                      

શ્રીનગર તા. ૧૫ઃ શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં પ્રચંડ વિસ્ફોટ થતા ૧૨ના મૃત્યુ થયા છે. ફરીદાબાદથી જપ્ત એમોનિયમ નાઈટ્રેટનો ધડાકો થયો હોવાનું જાહેર થયું છે. જે એક દુર્ઘટના હોવાનું જાહેર થયું છે. મૃતાંક વધી શકે છે.

જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશન પરિસર પાસે એક મોટો વિસ્ફોટ થયો છે. મોડી રાત્રે થયેલા આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં ૧૨ લોકોના મૃત્યુ થયાના અહેવાલો છે, જ્યારે ઘણાં લોકો ઘાયલ થયા છે. નોંધપાત્ર વાત એ છે કે, દિલ્હી વિસ્ફોટ સાથે જોડાયેલા શંકાસ્પદોની પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. વિસ્ફોટ પછી સુરક્ષા કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તપાસ માટે સ્નિફર ડોગ્સ તૈનાત કરવામાં આવ્યા છે.

શ્રીનગરના ડેપ્યુટી કમિશનર અક્ષય લાબરૃએ વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને મળવા માટે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મૃત્યુઆંક વધી શકે છે, કારણ કે સંખ્યાબંધ લોકો ઘાયલ થયા છે. પોલીસ સ્ટેશનની ઇમારતનો મોટો ભાગ ધરાશાયી થયો હતો. અનેક વાહનોમાં આગ લાગી અને ૩૦૦ ફૂટ દૂર સુધી માનવ અવશેષો વિખરાયેલા મળી આવ્યા.

શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે મોડી રાત્રે થયેલા આ વિસ્ફોટમાં ઘણા પોલીસકર્મીઓ પણ માર્યા ગયા હતા. જોકે મૃત્યુઆંક હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો નથી, એવું માનવામાં આવે છે કે મોટાભાગના પીડિતો પોલીસકર્મી અને ફોરેન્સિક ટીમના અધિકારીઓ હતા. આ વિસ્ફોટ ત્યારે થયો જ્યારે પોલીસ વ્હાઇટ-કોલર આતંકવાદી મોડ્યુલ કેસના સંદર્ભમાં તાજેતરમાં જપ્ત કરાયેલા વિસ્ફોટકોના મોટા જથ્થામાંથી નમૂના લઈ રહી હતી.

 અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સામગ્રી હરિયાણાના ફરીદાબાદથી લાવવામાં આવી હતી અને ધરપકડ કરાયેલા ડોક્ટર મુઝમ્મિલ ગનાઈના ભાડાના ઘરમાંથી મળી આવેલા ૩૬૦ કિલોગ્રામ વિસ્ફોટક રસાયણોનો ભાગ હતી. કેટલાક વિસ્ફોટ સ્થળેથી છ મૃતદેહો મળી આવ્યા છે, અને મૃતકોની ઓળખ કરવાના પ્રયાસો ચાલી રહૃાા છે. મૃતદેહોને શ્રીનગરના પોલીસ કંટ્રોલ રૃમમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા ૨૪ પોલીસકર્મીઓ અને ત્રણ નાગરિકોને શહેરની વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોમાંથી પાંચની હાલત ગંભીર છે, અને અધિકારીઓએ ચેતવણી આપી છે કે મૃત્યુઆંક વધી શકે છે.

પ્રચંડ વિસ્ફોટથી પોલીસ સ્ટેશનની ઇમારતને નોંધપાત્ર નુકસાન થયું. એમ્બ્યુલન્સ અને પોલીસ વાહનો સાયરન વાગતા ઘટનાસ્થળે દોડી ગયા અને ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા. શરૃઆતના વિસ્ફોટ પછી શ્રેણીબદ્ધ નાના વિસ્ફોટોને કારણે બોમ્બ નિકાલ ટુકડી દ્વારા બચાવ કામગીરીમાં થોડો વિલંબ થયો. જપ્ત કરાયેલા કેટલાક વિસ્ફોટકો પોલીસ ફોરેન્સિક લેબમાં સંગ્રહિત કરવામાં આવ્યા છે,

ઉલ્લેખનિય છે કે, ૩૬૦ કિલોગ્રામ વિસ્ફોટકોનો મોટો ભાગ નૌગામ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી રહૃાો છે, જ્યાં આતંકવાદી મોડ્યુલ સંબંધિત મુખ્ય કેસ નોંધાયેલ છે.

જમ્મુ અને કાશ્મીરના ડીજીપી નલિન પ્રભાતે આજે સવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં થયેલા ભીષણ વિસ્ફોટ અંગે મોટો ખુલાસો કર્યો છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે આ વિસ્ફોટ કોઈ આતંકવાદી ષડયંત્ર કે હુમલો નહોતો, પરંતુ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ) ટીમ દ્વારા જપ્ત કરાયેલા વિસ્ફોટકોના સેમ્પલ લેવાની પ્રક્રિયા દરમિયાન થયેલો એક *દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત* હતો.

ડીજીપી પ્રભાતે જણાવ્યું કે, *આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. તેની વિસ્તૃત તપાસ કરવામાં આવી રહી છે.* તેમણે આ ઘટનામાં કોઈપણ પ્રકારના આતંકવાદી એંગલ કે બહારના હસ્તક્ષેપની શક્યતાને સંપૂર્ણપણે નકારી કાઢી છે.

ડીજીપીએ માહિતી આપી કે દિલ્હી બ્લાસ્ટના સંદર્ભમાં હરિયાણાના ફરીદાબાદથી જપ્ત કરવામાં આવેલી વિસ્ફોટક સામગ્રીને તપાસ માટે નૌગામ પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. આ વિસ્ફોટકોની સેમ્પલિંગની પ્રક્રિયા છેલ્લા બે દિવસથી ચાલી રહી હતી.

શુક્રવારે રાત્રે લગભગ ૧૧ઃ૨૦ વાગ્યે, જ્યારે એફએસએલની ટીમ સેમ્પલ લઈ રહી હતી, ત્યારે અચાનક આકસ્મિક વિસ્ફોટ થયો. આ દુર્ઘટનામાં કેસના તપાસ અધિકારી એસઆઈ ઈસરાર સહિત ૧૨ લોકોના મૃત્યુ થયા છે, જેમાં બે ફોટોગ્રાફર અને બે મહેસુલી અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.

 ડીજીપીએ જણાવ્યું કે કાટમાળ હટાવવાનું કામ હજુ ચાલુ હોવાથી મૃત્યુઆંક અને ઘાયલોની સંખ્યા વધી શકે છે. આ ઘટનાએ આતંકવાદી ષડયંત્રની અટકળો પર વિરામ મૂકી દીધો છે અને હવે તપાસ પ્રક્રિયામાં થયેલી ચૂક પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh