Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાની નાગાજણમાં માસૂમ બાળક પર ટ્રેક્ટરનું પૈંડું ફરી વળ્યું:
જામનગર તા. ૮: જામનગરના ફલ્લા ગામ પાસે ગઈકાલે સવારે ચારેક વાગ્યે શાકભાજી ભરેલો એક મીની ટ્રક રોડની સાઈડમાં ઉથલી પડ્યા પછી નાલામાં ત્રાટક્યો હતો. તેના ચાલકનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. ગઈકાલે સાંજે સમર્પણ સર્કલથી મહાકાળી સર્કલ વચ્ચે એક બાઈકચાલકને અર્ટીગાએ ટક્કર મારતા ઘવાયેલા બાઈકચાલકનું મૃત્યુ થયું છે અને ગઈકાલે બપોરે કાલાવડના નાની નાગાજણ ગામમાં ખેતરમાં રમી રહેલા માસૂમ બાળક પર ટ્રેક્ટરનું તોતિંગ પૈંડું ફરી વળ્યું છે.
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ફલ્લા ગામ પાસે એક હોટલ નજીકથી મંગળવારે સવારે ચારેક વાગ્યે જીજે-૪-કેએક્સ ૩૨૦ નંબરનો મારૂતી સૂઝૂકી કંપનીનો મીની ટ્રક પસાર થતો હતો. તેમાં શાક બકાલુ ભરવામાં આવ્યંુ હતું. તે વાહન એક હોટલ પાસે પહોંચ્યું ત્યારે કોઈ રીતે તેના ચાલકના કાબૂ બહાર ગયા પછી રોડની સાઈડમાં આવેલા નાલામાં પલટી મારી ગયું હતું.
આ વેળાએ તે વાહનમાંથી શાક વેરવિખેર થઈ ગયું હતું. જ્યારે તેના ચાલક ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ત્રાંબક ગામના વતની નરેશભાઈ ખાંટુભાઈ ચુડાસમાને માથા તથા શરીરના અન્ય ભાગમાં ગંભીર ઈજા થઈ હતી. સારવાર માટે આ યુવાનને હોસ્પિટલ ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી. તે પહેલાં નરેશભાઈનું મૃત્યુ નિપજ્યું હતું. ભૂપતભાઈ રવજીભાઈ ચુડાસમાએ પોલીસને જાણ કરી છે. પંચકોશી એ ડિવિઝન પોલીસે અકસ્માત અંગે નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.
જામનગરના બેડીબંદર રીંગ રોડ પર પુષ્પમ્ પાર્કમાં રહેતા લખમણભાઈ આલાભાઈ કંડોરીયા (ઉ.વ.૫૬) નામના પ્રૌઢ ગઈકાલે સાંજે જીજે-૧૦-એસી ૫૮૭૮ નંબરના બાઈકમાં વામ્બે આવાસ પાસેથી ઘર તરફ જવા માટે નીકળ્યા હતા. તેઓ જ્યારે મહાકાળી સર્કલથી સમર્પણ સર્કલ તરફ આગળ વધ્યા ત્યારે પાર્ટી પ્લોટની સામેના રોડ પર જીજે-૧૦-ઈસી ૧૪૧૭ નંબરની અર્ટીગા મોટરે તેઓને ટક્કર મારી દીધી હતી.
આ અકસ્માતમાં બાઈક પરથી રોડ પર ફંગોળાઈ ગયેલા લખમણભાઈને માથામાં ગંભીર ઈજા થઈ હતી. આ પ્રૌઢનું સારવારમાં ખસેડાયા પછી મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર ચેતનભાઈ કંડોરીયાએ મોટરના ચાલક સામે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
કાલાવડ તાલુકાના નાની નાગાજણ ગામમાં કપિલભાઈ હીરાભાઈ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભોરદીયા ગામના વતની રાજુ ડોકલીયાભાઈ સોલંકી નામના યુવાન ગઈકાલે કપિલભાઈના ખેતરમાં ટ્રેક્ટર ચલાવી રહ્યા હતા ત્યારે ત્યાં નજીકમાં રહેતો ત્રણ વર્ષનો આશિષ નામનો બાળક કોઈ રીતે તેના ટાયર નીચે આવી જતાં આ બાળકનંુ માથું તેના તોતિંગ પૈંડા હેઠળ ચગદાઈ જતાં બૂમાબુમ થઈ પડી હતી.
ટ્રેક્ટર થંભાવી રાજુ તેમજ અન્ય લોકો દોડ્યા હતા. તેઓએ આશિષને સારવાર માટે કાલાવડ દવાખાને ખસેડ્યા પછી ફરજ પરના તબીબે આ બાળકને મૃત્યુ પામેલો જાહેર કરતા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસ કર્મચારી એન.કે. છૈયાએ ખુદ ફરિયાદી બની ટ્રેક્ટરના ચાલક રાજુ ડોકલીયાભાઈ સોલંકી સામે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં બીએનએસની કલમ ૧૦૬ (૧) હેઠળ ગુન્હો નોંધાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial