Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૨૮-૮-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલી વધારાની ૨૫% ડ્યુટી લાગુ થવાના પગલે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી. વિશ્વને ટેરિફના નામે અનિશ્ચિતતામાં ધકેલનારા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ યુક્રેન મામલે રશીયાને યુદ્ધનો અંત લાવવા મનાવવામાં હાલ તુરત નિષ્ફળ રહ્યા હોવા સામે રશિયા, ચાઈના એક બનીને અમેરિકાને હંફાવવા રણનીતિ ઘડી રહ્યા હોઈ અમેરિકાની વધતી અકળામણ વચ્ચે ભારતીય શેરબજારમાં ફંડોએ ઈન્ડેક્સ બેઝડ ફરી હેમરિંગ કર્યું હતું.
ભારત પર આકરાં ટેરિફ લાદીને દબાણ લાવવાના પ્રયાસ સામે ભારતના રશિયા સાથેના સંબંધ વધુ મજબૂત બની રહ્યા હોઈ ટ્રમ્પ ગમે તે ઘડીએ ભારત સામે વધુ અંકુશાત્મક પગલાં લેશે એવી ભીતિએ અને બીજી તરફ નિષ્ણાંતો ભારતીય બજારોને બદલે ચાઈના અને દક્ષિણ કોરિયાના બજારો રોકાણ માટે વધુ આકર્ષક હોવાનો મત વ્યક્ત કરવા લાગતાં વિદેશી ફંડોની વેચવાલી વધવાની ધારણાએ પણ તેજીનો વેપાર હળવો થયો હતો. ભારતીય શેરબજાર હાલ ઊંચા ટેરિફ અને એફઆઈઆઈ વેચવાલી જેવા વૈશ્વિક પડકારોનો સામનો કરી રહ્યું છે. જો કે, સ્થાનિક સ્તરે આર્થિક ગતિવિધિઓ મજબૂત હોવાથી સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની મજબૂત ખરીદીએ માર્કેટને ટેકો આપ્યો છે.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૨૨%ના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૨૪% અને નેસ્ડેક ૦.૨૧% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૮% ઘટીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૪૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૦૫ અને વધનારની સંખ્યા ૧૦૩૪ રહી હતી, ૨૦૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર માત્ર કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓટો સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.
બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ એટર્નલ લિ., હિન્દુસ્તાન યુનીલીવર, એશિયન પેઈન્ટ્સ, બજાજ ફિનસર્વ, ટાઈટન લિ., લાર્સન લિ. અને એક્સીસ બેન્ક જેવા શેરો ૦.૯૦% થી ૦.૨૦% સુધીના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા, જયારે એચસીએલ ટેકનોલોજી, એચડીએફસી બેન્ક, ઈન્ફોસીસ લિ., પાવર ગ્રીડ, આઈસીઆઈસીઆઈ બેન્ક, ટીસીએસ અને ટાટા મોટર્સ જેવા શેરો ૨.૦૦% થી ૦.૮૦% સુધીના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.
કોમોડિટી...
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓક્ટોબર ગોલ્ડ રૂ.૧,૦૧,૪૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૦૧,૪૫૪ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૦૧,૩૩૯ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૮૨ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૧,૦૧,૩૬૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સપ્ટેમ્બર સિલ્વર રૂ.૧,૧૬,૦૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૧૬,૫૮૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૧૬,૦૯૯ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૨૯૩ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૧૬,૩૯૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સેક્ટર સ્પેસિફિક મુવમેન્ટ... આગામી દિવસોમાં શેરબજારમાં બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટરમાં તેજી જોવા મળી શકે છે, કારણ કે વ્યાજદરમાં સ્થિરતા અને લોન ડિમાન્ડમાં વૃદ્ધિથી આ સેક્ટરને લાભ થશે. સાથે જ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પાવર સેક્ટર સરકારની વધતી ખર્ચ નીતિને કારણે મજબૂત પ્રદર્શન કરી શકે છે. આઈટી સેક્ટરમાં સ્થિરતા રહી શકે છે, પરંતુ અમેરિકન અર્થતંત્ર અને ડોલર ઇન્ડેક્સ પર આધારિત હલચલ શક્ય છે. ઓટો અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં તહેવારોની મોસમને કારણે માંગ વધવાથી સકારાત્મકતા જોવા મળશે. બીજી બાજુ, મેટલ્સ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટર વૈશ્વિક માંગમાં નબળાઈ અને કાચા તેલના ભાવમાં ચડઉતારને કારણે દબાણમાં રહી શકે છે. ફાર્ મા સેક્ટરમાં પણ મર્યાદિત તેજી રહેશે, કારણ કે દવાઓની નિકાસ પર નિયમનકારી દબાણ ચાલુ છે.
બજારની ભાવિ દિશા.... મિત્રો, અમેરિકા દ્વારા બુધવારથી લાગુ થનારી એકંદર ૫૦% ટેરિફની સ્થાનિક સ્તરે આર્થિક વિકાસ પર પ્રતિકૂળ અસર જણાશે તો, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા નીતિવિષયક પગલાં દ્વારા તેને પ્રતિસાદ આપશે એમ રિઝર્વ બેન્કના ગવર્નરે જણાવ્યું હતું. ભારતના માલસામાન પર ૨૫% ટેરિફ વસૂલવાનું શરૂ કરી દેવાયું છે અને ૨૭ ઓગસ્ટથી બીજા ૨૫% વસૂલવા અમેરિકાએ જાહેરાત કરી છે. અનિશ્ચિતતા વચ્ચે ફુગાવાને નિયંત્રણમાં લેતી વખતે રિઝર્વ બેન્કે વર્તમાન વર્ષના ફેબ્રુઆરીથી રિઝર્વ બેન્કે રેપો રેટ ૧% ઘટાડી ૫.૫૦% લાવી દીધો છે. વર્તમાન નાણાં વર્ષ માટે રિઝર્વ બેન્કે ભારતનો જીડીપી અંદાજ ૬.૫૦% મૂકયો છે.
ટેરિફની ભારત પર એકંદર અસર નહીંવત હશે પરંતુ જેમ્સ એન્ડ જ્વેલરી, ટેકસટાઈલ્સ તથા એમએસએમઈ જેવા કેટલાક ક્ષેત્રો એવા છે જેના પર અસર પડવાની શકયતા રહેલી છે. ભારત સરકાર મુકત વેપાર કરારો તરફ પણ નજર દોડાવી રહી છે. કેટલાક કરારો તો લાગુ પણ થઈ ગયા છે. આવનારા વર્ષોમાં ત્રીજા મોટા અર્થતંત્ર બનવા માટે ભારત સજ્જ છે. સેવા ક્ષેત્રની મજબૂત નિકાસ તથા ઈનવર્ડ રેમિટેન્સિસના વિક્રમી સ્તરના ટેકા સાથે ભારતની ચાલુ ખાતાની ખાધ નીચી રહેવા પામી છે. દેશનું બહારી ક્ષેત્ર મજબૂત છે અને દેશનું ૬૯૫ અબજ ડોલરનું ફોરેકસ રિઝર્વ ૧૧ મહિનાના આયાત બિલને પહોંચી વળાય એટલું છે.