Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના અકસ્માતનો ભોગ બનેલા યુવાનનું બ્રેઈનડેડ પછી મૃત્યુઃ અંગોના દાન ન સ્વીકારી શકાયા

તબીબોએ મંજૂરી માટે હાથ ધરેલી પ્રક્રિયાને મળી નિષ્ફળતાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: (જીગ્નેશ માણેક દ્વારા):  જામનગરના પારસ (પાર્થ) અશોકભાઈ લખીયર તથા દીપેશભાઈ નામના બે મિત્રો રવિવારે રાત્રે બારેક વાગ્યે જામનગરથી જીજે-૧૦-ડીએચ ૨૯૭૧ નંબરના બાઈકમાં શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારના લાલપુર નજીક આવેલા ભોળેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવાની ઈચ્છા સાથે રવાના થયા હતા. આ બંને મિત્રો જ્યારે લાલપુરથી છ કિ.મી. દૂર હરીપર ગામના પાટીયા પાસે રાત્રે એકાદ વાગ્યે પહોંચ્યા ત્યારે જીજે-૧૦-ડબલ્યુ ૪૦૫૭ નંબરના છકડાના ચાલકે સર્જેલા અકસ્માતમાં આ યુવાનોની ઈચ્છા અધૂરી રહી જવા પામી હતી.

આ યુવાનો બાઈક પરથી ફંગોળાયા પછી પાર્થ (પારસ)ને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી. જ્યારે સાથે રહેલા દીપેશનો પગ ભાંગી ગયો હતો. અકસ્માતના પગલે દોડી આવેલી એમ્બ્યુલન્સમાં બંને યુવાનોને કણસતી હાલતમાં સારવાર માટે જામનગર દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પાર્થ (પારસ)ની હાલત પ્રતિ મિનિટ કથળતી જતી હતી. તબીબોએ આ યુવાનોની તાત્કાલિક સારવાર શરૂ કરી હતી પરંતુ પારસ ધીમે ધીમે મૃત્યુ તરફ આગળ વધતો જણાઈ રહ્યો હતો.

તબીબોએ આ યુવાનનું બ્રેઈનડેડ થઈ ગયું હોવાનું તારણ કાઢ્યા પછી પરિવારજનોને વાકેફ કરતા એકના એક પુત્ર ધરાવતા તેમના પરિવારજનોના પગ નીચેથી ધરતી સરકી ગઈ હતી. બે બહેનોના એકના એક ભાઈ એવા પાર્થ (પારસ)ના પરિવારજનોના કરૂણ આક્રંદ વચ્ચે બહુ હિમતભર્યાે નિર્ણય લેવામાં આવ્યો હતો.

શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ભોળેશ્વર મહાદેવના દર્શન કરવાની મહેચ્છા સાથે પોતાના મિત્ર સાથે નીકળેલા પાર્થને આ રીતે મૃત્યુ ઘસડાતો જોઈ પરિવારજનોએ જેવી ભગવાનની ઈચ્છા હશે તેમ થશે તેમ માની આ યુવાનના તમામ ઓર્ગન (અંગ)ના દાનનો નિર્ણય કર્યાે હતો અને તેમાં તમામ પરિવારજનોની સહમતી મળતા તબીબોને તેની જાણ કરી દેવાઈ હતી.

તે દરમિયાન આ યુવાનના સાસરે રહેલા બંને બહેનો પણ આવી પહોંચ્યા હતા. તેઓએ પોતાના હોસ્પિટલના બિછાને રહેલા ભાઈને ભારે હૈયે અને શ્રાવણ-ભાદરવો વહેતી આંખે રક્ષાબંધન કર્યું હતું. આ દૃશ્ય ભલભલા પથ્થર દિલને પણ પીગળાવી દે તેવું હતંુ તેની વચ્ચે તબીબોએ ઓર્ગનનું દાન મેળવવા માટે કરવાની થતી મંજૂરી સહિતની પ્રકિયાઓ હાથ ધરી હતી.

તે અંતર્ગત ગઈકાલે સવારે આ યુવાનના અંગોનું દાન મળી રહ્યું છે. તેની જાણ અમદાવાદ હોસ્પિટલને કરવામાં આવ્યા પછી તબીબી વિજ્ઞાન મુજબ આ યુવાનના શરીરમાં કેટલા ટકા રક્ત રહ્યું છે તેનું પણ પરીક્ષણ કરાયા પછી અમદાવાદ હોસ્પિટલના તબીબોને તેની વિગતો આપવામાં આવી હતી. આ કાર્યવાહી અંતર્ગત જેટલા ટકા રક્ત હોવું જોઈએ તેના કરતા થોડા ઓછા ટકા રક્ત પાર્થના શરીરમાં હોવાનું જણાઈ આવતા તબીબો પણ હતાશ થયા હતા.

કોઈપણ વ્યક્તિના ઓર્ગનનું દાન લેતા પહેલાં પૂર્ણ કરવાની થતી કાયદા મુજબની કાર્યવાહી પુરજોશમાં ચાલી રહી હતી જેમાં ગઈકાલે સાંજે આ યુવાનના ઓર્ગન દાન લઈ શકાશે નહી તેમ જણાવાતા પરિવારજનો પણ તે પરિસ્થિતિને સ્વીકારી ચુક્યા હતા. તે પછી ગઈકાલે આ યુવાને અંતિમ શ્વાસ લીધા છે અને તે પછી પીએમ કરાવી મૃતદેહનો કબજો પરિવારજનોને સોંપાતા આજે સવારે સત્યમ્ કોલોની નજીક પેટ્રોલપંપ સામે સરદાર ભવન સ્થિત આ યુવાનની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં સેંકડો લોકો ભીની આંખે જોડાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh