Advertisement
Author: નોબત સમાચાર

સલાયાના વહાણોની ઈમિગ્રેશન પ્રક્રિયા તત્કાળ શરૂ કરવા વહાણવટીઓની માગણી

બે મહિનાથી પ્રક્રિયા બંધ હોઈ સેંકડો પરિવારો સંકટમાં

                                                                                                                                                                                                      

સલાયા તા. ૮: સલાયાના વહાણોની ઈમિગ્રેશન પ્રક્રિયા બે મહિનાથી બંધ હોવાથી અનેક પરિવારો આર્થિક સંકટમાં છે. સરકારમાં અનેક રજૂઆત છતાં ફક્ત આશ્વાસન મળ્યું હોવાની રાવ ઊઠી છે, અને તત્કાળ આ પ્રક્રિયા શરૂ કરવાની માગણી ઊઠી છે.

સલાયા દ્વારકા જિલ્લાનું છેવાડાનું બંદર છે. અહીં લોકોનો મુખ્ય આર્થિક સ્ત્રોત ફિશીંગ અને વહાણવટાનો વ્યવસાય છે. અંદાજે ૪પ,૦૦૦ આસપાસની સલાયાની વસ્તીમાં અનેક પરિવારો વહાણવટાના વ્યવસાય સાથે જોડાયેલા છે. વરસાદી સિઝનમાં સલાયાના વહાણો વિદેશના ગલ્ફના દેશોમાંથી પરત ફરી અને સલાયા બંદરે લાંગરવામાં આવે છે, જ્યાં ઓફ સિઝનમાં બે મહિના દરરિયામાં જવાની પરવાનગી ન હોય ત્યારે વહાણોમાં સમારકામ અને જરૂરી રિપેરીંગ કરવામાં આવે છે.

તે પછી આ વહાણ સલાયાથી લીગલ પ્રોસિઝર પૂર્ણ કરી દરેક ખલાસી અને ટંડેલ વગેરેની ઈમિગ્રેશન પ્રક્રિયા કરી અને પોરબંદર, મુન્દ્રા જેવા મોટા બંદરેથી માલ ભરી અને ગલ્ફના દેશોમાં વિદેશમાં માલ ભરીને જાય છે. આ માલવાહક વહાણોનું દેશના અર્થતંત્રમાં પણ ખૂબ મોટું યોગદાન હોય છે, પરંતુ છેલ્લા બે મહિનાથી એટલે કે સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયાથી અચાનક સલાયામાં થતી ઈમિગ્રેશન પ્રક્રિયા બંધ કરી દેવાઈ અને વહાણવટીઓ માટે કપરો સમય ચાલુ થયો! ત્યારપછી અહીંની જુદી જુદી સંસ્થાઓ તેમજ વહાણવટીઓ દ્વારા અનેક રજૂઆત છતાં આ વહાણોની ઈમિગ્રેશન પ્રક્રિયા ચાલુ કરવામાં આવી નથી. અહીંના વહાણવટા સાથે સંબંધિત પ્રતિનિધિ મંડળે ગાંધીનગર અને દિલ્હી સુધી રજૂઆત માટે ગયા હોવાનું પણ જાણવા મળેલ છે, છતાં પણ હજુ માત્ર ને માત્ર સરકારી અધિકારીઓ દ્વારા ફક્ત આશ્વાસન મળતું રહે છે, પરંતુ ઈમિગ્રેશન પ્રક્રિયા ચાલુ થયેલ નથી.

હાલમાં સલાયામાં ૪૦ થી પ૦ જેટલા માલવાહક વહાણો પૂર્ણ તૈયારી સાથે લાંગરેલ છે, જેમાં મોટી માત્રામાં રાશન તેમજ અન્ય જીવન જરૂરી તમામ વસ્તુઓ સાથે તૈયાર છે, પરંતુ ઈમિગ્રેશન પ્રક્રિયા બંધ હોય, માલ સાથે એમસેમ બંદરે લાંગરેલ પડ્યા છે. એક વહાણમાં અંદાજે ટંડેલ અને ખલાસીઓ થઈ ર૦ થી રપ જેટલા માણસો હોય છે. એટલે કે એક વહાણ રપ પરિવારને નભાવે છે, જેથી અંદાજે ૧ર૦૦ જેટલા પરિવાર હાલ આર્થિક સંકટ ભોગવી રહ્યું છે.

આ ઉપરાંત પણ વહાણો સમયસર ન નીકળવાથી અનેક વેપારીઓ તેમજ આ ધંધા સાથે સંકળાયેલા લોકો તેમજ વહાણમાલિકો પણ ભારે આર્થિક સંકટ ભોગવી રહ્યા છે. આ માલવાહક વહાણો આ કારણોના લીધે બહાર જઈ શકતા ન હોય, અહીંથી જે માલ વિદેશ મોકલવાનો હોય છે એ અન્ય વિદેશી કંપનીઓના મોટા શિપમાં કન્ટેનરમાં મોકલી આપવામાં આવે છે, જેથી આપણા દેશને પણ મોટું આર્થિક નુક્સાન થઈ રહ્યું છે. માટે આ બાબતે સરકારે યોગ્ય નિર્ણય લઈ અને આ ઈમિગ્રેશનની પ્રક્રિયા તુરંત સલાયામાં ચાલુ કરવા માગ કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh