Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નિશાને ઘણા આશ્વાસન આપવા આવતા હતા, કેટલાક દયા ખાતા હતા..પપ્પા અને મમ્મી તો કહેતા જ હતા કે અમે કહેતા હતા કે આની સાથે મિત્રતા જ રખાય , સંસાર ના મંડાય પણ તારા મગજમાં ઊતરતું જ નહોતું... તોય લગ્ન કર્યા,અમને તો લાગતું જ હતું કે આ યુગલ લાંબુ સાથે નહીં રહી શકે,અને એ જ થયું, હવે ભોગવ. નિશા બધાની સલાહ, મહેણાં ટોણા સાંભળ્યા કરતી હતી... નહોતા બોલતા એક માત્ર દાદી.. નિશા આ બધાથી કંટાળી દાદીના ખોળામાં માથું નાખી બેસી જતી હતી... દાદી એના માથે પ્રેમથી હાથ ફેરવતા એટલું જ કહેતા કે દુઃખી ના થા, સૌ સારા વાના થશે....નિશા કહેતી કે દાદી એક માત્ર તમે સમજો છો, આ કોઈ કેમ સમજતા નહીં હોય? દાદી કહે એ લોકોએ તને અને આનંદને જોયા છે.. તમને વાંચ્યા નથી...તમારા બેની વાત, પ્રેમ, ગુસ્સાની પળોમાં તમારા હાવભાવ , પ્રેમમાં કે ગુસ્સામાં એકમેકની આંખોમાં ઉતરીને વાત કરતા તમને જોયા નથી,તમને ઓળખ્યા પણ નથી, મેં તમને બેય ને નાનપણથી જોયા છે...તું આઠમા ધોરણમાં આવી અને સ્કૂલ બદલી એ જ સમયે આનંદ એ જ સ્કૂલમાં આવ્યો..તમારી પહેલી મુલાકાતની વાત તે મને કરી હતી.... એ વાત કરવાની રીત પરથી મને લાગ્યું હતું કે છોકરાઓ સાથે સતત ઝઘડા કરતી મારી નિશાને આજે કોઈ છોકરો વાત કરવા લાયક કે દોસ્તી કરવા લાયક લાગ્યો છે અને મેં તને કહેલું કે મારે આનંદને મળવું છે...
આ નિશા નાની હતી ત્યારથી ભલે જન્મ દીકરી તરીકે થયો પણ બોલવા ચાલવાનું બોડી લેન્ગવેજ બધું છોકરા જેવું.. હા અવાજ છોકરી જેવો , એકદમ તીણો , એની નાની બહેનને કોઈ છોકરો સહેજ પણ હેરાન કરે કે તરત એ છોકરાના કોલર પકડી ખેંચે *એય કેમ? કેમ મારી બહેનને અડપલાં કરે છે? એમ કહી એક ટપલી મારી જ દે..અને કહે કે હાલતી નો થા , ફરી વાર કાંઈ કર્યું તો તારી વાત તું જાણજે .એની ફરિયાદ અઠવાડિયે એક બે તો એના મમ્મી પપ્પાને પહોંચે જ... મમ્મી ખખડાવે અને દાદી વચ્ચે પડે * ખબરદાર જો કોઈએ મારી નિશા ને કાંઈ કીધું છે તો.... પપ્પા કહેતા કે માં તમે જ આને ફટવી મારી છે....
ગમે તેમ પણે દાદીની એકદમ લાડકી કારણ કે હતી હોંશિયાર ,ભણવામાં હંમેશાં અવ્વ્લ, સંસ્કાર છલોછલ, નમ્ર , વિવેકી,હસમુખી. એ વહેલી ઉઠી રસોડામાં બધા માટે ચા નાસ્તો બનાવે, એટલું જ નહિ માં ને રસોડામાં મદદ કરે, માં ને કહે કે તે બહુ કર્યું હવે મને આવડી ગયું છે ને , હું કરીશ, એના હાથની રસોઈ સૌ વખાણે... એમને ઘેર કોઈ મહેમાન આવે તો ચા પીધા વગર તો જાય જ નહિ.... ઘરના બધા કામ તો કરે જ બહારથી શાકભાજી કે ઘરની કોઈ પણ જરૂરિયાતની વસ્તુ એ લઈ આવે... સાંજે રમવા કે સખીઓ સાથે ગામગપાટા કરવા ન જાય.... ભણવા બેસે , એમના ઘેર સાંજની રસોઈ ભાખરી શાક કે ખીચડી શાક જ હોય... એ મન લગાવી મગ્ન થઇ ભણતી હોય...નાની બહેન ને ભણાવતી હોય. સાડા આઠે બધા સાથે જમી લે.... એ ટીવી ન જુવે ,ભણવા બેસે. દસ વાગે સુઈ જાય
આ નિશા સ્કૂલમાં બધી પ્રવૃત્તિમાં આગળ, શિક્ષકોની માનીતી ,આમ કોઈ છોકરા સાથે જાજી વાત ન કરે... એને ફાવે માત્ર આનંદ સાથે... આનંદ સાથે દોસ્તી બહુ જ જામી ગયેલી... એ ઘેર આવતો, બધાને મળતો, દોસ્તીમાં ક્યારેક એકબીજાને ઝઘડા થાય અને એ પણ નિશાના ઘરમાં, નિશાના મમ્મી પપ્પાની હાજરીમાં.... આનંદ ગુસ્સામાં જતો રહે પણ જતા જતા નિશાના મમ્મી પપ્પાને અને દાદીને પ્રણામ કરીને નીકળે.... મમ્મી કહેતા કે તું આ અડબંગ સાથે કેમ દોસ્તી રાખે છે... નિશા કાંઈ ન બોલે.... આનંદ ગુસ્સો કરતો હોય ત્યારે પણ નિશાના ચહેરા પર સ્મિત હતું અને અને મમ્મી કહેતી હોય ત્યારે પણ સ્મિત હોય, એ એટલું જ બોલે કે એ નિર્દોષ બાળક જેવો છે... એને મોડું સમજાશે.. અને બને એવું જ આનંદ નિશા ઝઘડે ત્યારે કોઈ જોનારને એમ જ લાગે કે હવે સંબંધ પૂરો, કાળથી મળવાનું બંધ પણ એવું ના હોય , આનંદ આગલી સાંજે ગુસ્સામાં ગયો હોય એ સવારે હસતો આવે અને સોરી પણ કહે... નિશા સ્મિત સાથે કહે કે તને રાત્રે સુતા મારી વાત સમજાઈ કે સવારે ઉઠીને..... આનંદ કહે જા ને.... હોંશિયાર.. દાદી જોતા હોય અને મલકાતા હોય.... એકવાર દાદીએ પૂછ્યું કે આનંદ તારા પિતા શું કરે છે? નિશા ને થયું કે આ દાદી શુકામ પૂછે છે? આનંદ કહે બા હું ખોટું નહીં કહું પણ મારા મમ્મી પપ્પા ગામડે રહે છે , પપ્પા એક સ્કૂલમાં પટાવાળા છે, મારી માં ખેતરે કરે છે...,હું અહીં એક બંગલામાં ગેરેજની ઓરડીમાં રહું છું. .. જે છે એ મેં કહી દીધું... મને ખોટું બોલતા આવડતું નથી અને પસંદ પણ નથી, દાદી કહે કે સાચું જ છે ને દીકરા , કોઈ દંભ વગર સાચું જ બોલવાનું.... જે છે એ છે... તારા સંસ્કાર બતાવે છે કે તારા માં બાપે કેવા સંસ્કાર આપ્યા છે..., દાદીએ એક સરસ વાત કરી કે દીકરા તારા નસીબમાં ખૂબ પ્રગતિ છે, તું સારું કમાઈશ અને તારા માં બાપનું ઘડપણ સુધારીશ... દાદીની એ બધું જ્ઞાન બહુ સારું, દાદા નિષ્ણાત જ્યોતિષ હતા.. લોકો સલાહ લેવા આવતા... દાદીમા આવે તો ખરું ને..
અમને આમ સમય જતાં સાથે ભણતા, મળતા, ઝઘડતા, નિશા આનંદ ગ્રેજ્યુએટ થયા , આગળ પણ ભણ્યા સારી નોકરી મળી ગઈ... એક બીજાને પ્રપોઝ કરવાની કોઈ વાત જ નહોતી, એક દિવસ નિશાએ કહી દીધું કે આનંદ આપણે લગ્ન કરી લઈએ.. આનંદ કહે કે હા ચાલ , પણ આપણે બન્ને સાથે તારા દાદી મમ્મી પપ્પા અને ગામડે મારા માં બાપ પાસે જઈ વાત કરી લઈએ કે અમારે લગ્ન કરવા છે...એમ થોડું નક્કી કરી નખાય? એટલે એ બન્ને એક રવિવારે ગામડે ગયા ત્યાં જય, આનંદના મમ્મી પપ્પાને વાત કરી...આનંદ ના પપ્પા કહે કે વાત અમને મંજુર છે પણ અમે બહુ ખર્ચ નહીં કરી શકીયે.. અને આનંદ તું તો ત્યાં એક ગેરેજમાં રહે છે, ઘર નું શું કરીશ? આનંદ કહે કે અમે બે નોકરી કરીએ છીએ ને ? ભાડે મોટું ઘર લઈ લેશું..નિશા બોલી કે લગ્ન સાવ સાદાઈ થી કરવાના છે...મારે કાંઈ નથી જોતું તમે ચિંતા ન કરશો... એ પછી અહીં ઘેર આવી નિશાના મમ્મી પપ્પા પાસે આવ્યા ... મમ્મી પપ્પા બેય બેઠક ખંડમાં બેઠા હતા અને દાદી સામે જ બેઠા હતા. નિશા કહે જુઓ દાદી, મમ્મી પપ્પા તમે જાણો છો કે અમે વર્ષોથી સાથે છીએ... સબંધ નજીકનો છે અને હવે અમે બન્ને લગ્ન કરી સાથે રહેવા માગીએ છીએ....બસ મંજૂરી આપો.... મમ્મી બોલ્યા કે આવો નિર્ણય એકદમ થોડો લેવાય? એકબીજાને સમજો બન્નેના સ્વભાવ મુજબ સહજીવન કેવું રહેશે તે વિચારો..., મમ્મી ને ચિંતા આનંદના સ્વભાવને કારણે હતી કે ક્યાંક આનંદ એના ભયંકર ગુસ્સા વાળા સ્વભાવને કારણે છોડીને ચાલ્ યો જાય તો? નિશા કહે કે એકબીજાને ઓળખી અને સમજીએ છીએ.. ચિંતા ન કરો... એ પછી દાદી એ કહ્યું કે જો દીકરી તારા દાદાએ બેય દીકરીઓ માટે ફ્લેટ લઇ રાખ્યા છે... એ બે તમારા લોકોના નામે જ છે.... અત્યારે ભાડે આપેલ છે... હું મારા ભાઈ દલપત ને કહી ભાડુઆતને ખાલી કરાવવાની કરીશ.. લગ્ન પછી ત્યાં રહેજો... નિશાની માં નો જીવ બહુ જ કચવાતો હતો , એને કોણ જાણે કેમ એવું લાગ્યા કરતું હતું કે આ લાંબુ નહીં ચાલે... એમણે સલાહ આપી હતી કે દીકરી લગ્ન પછી બાળકની ઉતાવળ કરતી નહિ... એ તને છોડીને ચાલ્યો જશે તો તું હેરાન થઈ જાઈશ... નિશા કહે મમ્મી તું બહુ વિચારે છે... એવું કંઈ નહિ થાય...
લગ્ન થઈ ગયા... બન્નેની નોકરી સરસ હતી.... બેય સાથે નોકરીએ જતા.... એક દિવસ એવો ન જાય કે બન્ને ઝઘડયા ન હોય...પણ પાણીના રેલા જેવો.. સવારે કંઈ ન હોય... પહેલા પાંચ વર્ષ બહુ સરસ ચાલ્યું.... એક દિવસ નિશાના મમ્મી આવ્યા હતા ત્યારે જ આનંદની સહ કર્મચારી ઝરણાં ને લઇ ઉચ્ચ કક્ષાએ જેને એક્સ્ટ્રીમ કહે છે એવો ઝઘડો થયો અને સાચે સાચ એ કપડાં લઇ નીકળી ગયો... આ વાતનો આંચકો નિશાના મમ્મી ને ખુબ લાગ્યો , એ બોલ્યા કે મને આ વાતની બીક હતી જ અને એ થયું જ...
સમય જવા લાગ્યો , અહીં બધાને એમ લાગતું હતું કે આનંદ પેલી ઝરણાં સાથે રહેવા લાગ્યો હશે પણ એવું નહોતું... હા સાંજે એને ઘેર જઈ જમતો હતો, એ એકલી જ હતી ડાયવોર્સી ,એને બાળક નહોતું.. આનંદ ત્યાં જમતો હતો પણ બીજું કાંઈ નહિ... આનંદ ને ઝઘડો ઝરણાં સાથે પણ થતો હતો.... નિશા હમણાં એકલી હતી એટલે દાદીએ સમજાવી ઘેર બોલાવી લીધી હતી ,દાદી કહેતા કે એકલી વધારે મૂંજાશે અહીં રહે.. અહીં બધા નિશાને સલાહ આપતા હતા કે છૂટી થઈ જા... નિશા કહેતી કે એ નહિ થાય...એના મમ્મી તો કહે જ કે મેં કહ્યું હતું કે આ છોકરા સાથે મિત્રતા જ રખાય... એક માત્ર દાદી એના પક્ષમાં હતા કે સૌ સારા વાના થશે...
પાંચ વર્ષના લગ્નજીવન પછી છૂટા પડ્યા હતા એ ફરી બે વર્ષે એક સાવરે આનંદ એની બેગ સાથે આવ્યો એને ખબર હતી કે નિશા એના દાદી પાસે જ હશે... એ સીધો અહીં જ આવ્યો... એ નિશા પાસે ન ગયો એ દાદી પાસે ગયો અને નિશાની જેમ જ દાદીના ખોળામાં માથું નાખી રોવા માંડ્યો અને બોલ્યો કે દાદી મને માફ કરી દ્યો... હવે હું ગુસ્સો નહીં કરું... પણ મને આ જગતમાં એક તમે અને મારી નિશા સિવાય કોઈ સમજી શકતું નથી...દાદી કહે... મને ખબર જ હતી કે તું એક દિવસ સમજીશ જ... કંઈ નહીં... સાચો પ્રેમ એટલે માત્ર લાગણી જ નહિ પણ એકબીજાને સમજે... જાવ સુખી થાવ....
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial