Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રમ્પે સેનાધ્યક્ષને 'ધરાર' હટાવ્યાઃ હોર્મુઝ મુદ્દે બેહરીનના પ્રસ્તાવ સામે રશિયા, ચીન-ફ્રાન્સનો વીટો ?
તેલ અવીલ / વોશિંગ્ટન તા. ૩: ઈઝરાયેલ - ઈરાન, અમેરિકાનું યુદ્ધ ભયાનક બની રહ્યું છે. અમેરિકાએ ઈરાનની શાન સમો બી-૧ બ્રીજ તોડી પાડવા ઉપરાંત ત્યાં ના મેડિકલ અને સ્ટીલ પ્લાન્ટ વિગેરેને પણ નિશાન બનાવતા હાહાકાર મચ્યો છે. ઈરાને પણ અમેરિકાનું બીજુ એફ-૩પ યુદ્ધ વિમાન તોડી પાડ્યું હોવાનો દાવો કર્યો છે, તો બીજી તરફ હોર્મુઝના મુદ્દે બહેરીનના યુએનસીમાં પ્રસ્તાવના મુદ્દે ત્રણ દેશોએ વીટો વાપર્યો હોવાના અહેવાલો છે.
અમેરિકા અને ઈઝરાયેલે મળીને ઈરાનના એ ગર્વને માટીમાં મિલાવી દીધું છે, જેને તેમના વિકાસનો સૌથી મોટો પુરાવો માનવામાં આવતો હતો. તેહરાન અને કરબ જેવા બે મોટા શહેરોને જોડતો રણનીતિક બી-૧ બ્રીજ પર એરસ્ટ્રાઈક કરી છે. જે બાદ આ પૂલ વચ્ચેથી તૂટી ગયો છે. આ હુમલો એટલો સટીક અને ઘાતક હતો કે તેનાથી આખી દુનિયા ચોંકી ગઈ. લગભગ ૪૦૦ મિલિયન ડોલરના ખર્ચાથી બનેલા આ પૂલ ખાલી વાહનવ્યવહાર માટે જ નહીં પણ ઈરાનની એન્જિનિયરિગ અને તેની મજબૂતીનું પ્રતીક હતું. આ તબાહીએ ન ફક્ત ઈરાનના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને તોડ્યું છે, પણ તેના આત્મવિશ્વાસ પર પણ ઘા કર્યો છે.
મળતી મુજબ આ હુમલો એટલો જોરદાર હતો કે પુલ ઉડી જતા જ ઈરાનના અનેક મહત્વપૂર્ણ વિસ્તારોમાં વીજળી બંધ થઈ ગઈ અને પાવર ગ્રિડ ઠપ થઈ ગયો. આ કાર્યવાહી ઈરાન માટે મોટું આર્થિક ઝટકો સાબિત થઈ છે, જેના કારણે આખા વિસ્તારમાં મોટા યુદ્ધનો ખતરો વધુ વધી ગયો છે. ચોતરફ હાહાકાર મચ્યો છે.
અમેરિકા અને ઈઝરાયલે ઈરાનના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ હુમલાઓ વધુ તીવ્ર બનાવ્યા છે. પુલ, સ્ટીલ પ્લાન્ટ અને મેડિકલ સ્થળોને ભારે બોમ્બમારાથી નિશાન બનાવવામાં આવ્યા છે. ઈરાનને ભારે નુકસાન થયું છે. આ દરમિયાન, આંતરરાષ્ટ્રીય કાયદાના ઉલ્લંઘન અંગે પ્રશ્નો ઉભા થઈ રહૃાા છે મધ્ય પૂર્વમાં ચાલી રહેલ યુદ્ધ એક નવા અને વધુ ખતરનાક તબક્કામાં પ્રવેશી રહૃાું હોય તેવું લાગે છે. જ્યાં ધ્યાન લશ્કરી થાણાઓથી નાગરિક અને આર્થિક ઈન્ફાસ્ટ્રક્ચર તરફ ખસેડાઈ ગયું છે. અમેરિકા અને ઈઝરાયલે ઈરાનની અંદરના ઘણા મુખ્ય લક્ષ્યો પર હવાઈ હુમલા કર્યા છે, જેમાં ઈસ્ફહાન એરપોર્ટ, હોર્મોઝગનનો બંદર વિસ્તાર અને અન્ય વ્યૂહાત્મક ઈન્ફાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે.
ઈરાનની સેનાએ ચેતવણી આપી છે કે જ્યાં સુધી તેના દુશ્મનોને અપમાનિત ન કરવામાં આવે અને ેશરણાગતિ માટે મજબૂર ન કરવામાં આવે ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે. તેણે યુએસે ભૂમિ આક્રમણની શક્યતા વિશે પણ ચેતવણી આપી છે. દરમિયાન, ઇઝરાયલી સૈન્યએ છેલ્લા ૨૪ કલાકમાં ૪૦ થી વધુ હિઝબુલ્લાહ સભ્યોને માર્યા હોવાનો દાવો કર્યો છે. લેબનીઝ સંગઠનનું કહેવું છે કે તેણે દક્ષિણ લેબનોન અને ઉત્તરી ઇઝરાયલમાં અનેક હુમલાઓ કર્યા છે. ફેબ્રુઆરીથી, સમગ્ર ઈરાનમાં યુએસ અને ઇઝરાયલી હુમલાઓમાં આશરે ૨,૦૭૬ લોકો માર્યા ગયા છે અને ૨૬,૫૦૦ ઘાયલ થયા છે.
ઈરાને એવો પણ દાવો કર્યો છે કે તેમણે વધુ એક અમેરિકી એફ-૩૫ને તોડી પાડયું છે. આ માહિતી ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) સાથે સંકળાયેલી ફર્સ ન્યુઝ એજન્સીની ટેલિગ્રામ પોસ્ટમાં આપવામાં આવી હતી. દાવા મુજબ, આ લડાકુ વિમાન ઈરાન ઉપર ઉડાન ભરી રહ્યું હતું, ત્યારે તેને નિશાન બનાવીને પાડી દેવામાં આવ્યું. જણાવવામાં આવ્યું કે વિમાન સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું અને તેમાં હાજર પાયલટ વિશે કોઈ માહિતી મળી શકી નથી. ઈરાનની મેહર ન્યૂજ એજન્સીએ પણ કહ્યું કે જોરદોર ધડાકાને કારણે પાઈલટના સુરક્ષિત બહાર નીકળી શકવાની શકયતા બહુ ઓછી છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે આ દાવા પર તરત કોઈ પ્રતિક્રિયા આપી નથી. તાજા અહેવાલો મુજબ ઈરાને ઉતરી ઈઝરાયેલ પર બેલેસ્ટીક મિસાઈલ દાગી છે.
અહેવાલો મુજબ સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં બહેરીનના પ્રસ્તાવ પર આજે થનારૃં વોટિંગ આવતીકાલ માટે ટાળી દેવામાં આવ્યું છે. આ પ્રસ્તાવમાં દેશોને હોર્મુઝથી જહાજોની સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં લેવાની મંજૂરી આપવાની વાત કહેવામાં આવી છે. બહેરીનના વિદેશ મંત્રીએ કહ્યું કે, તેનો હેતુ દુનિયાના બજારને સુરક્ષિત રાખવાનો અને સૌથી મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંથી એકમાં અવરોધને રોકવાનો છે.
બીજી તરફ એક વિદેશી અખબારને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ રશિયા, ચીન અને ફ્રાન્સે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે સૈન્ય કાર્યવાહીની મંજૂરી માંગતા આરબ દેશોના પ્રસ્તાવ પર રોક લગાવી દીધી છે. બહેરીન અને અન્ય અખાતી દેશો દ્વારા તૈયાર કરાયેલા આ પ્રસ્તાવમાં આંતરરાષ્ટ્રીય જળસીમામાં અવરજવર સુરક્ષિત કરવા માટે તમામ આવશ્યક સાધનો અને સૈન્ય બળનો ઉપયોગ કરવાની છૂટ માંગવામાં આવી હતી, પરંતુ વીટો પાવર ધરાવતા આ ત્રણ દેશોએ લશ્કરી વિકલ્પનો વિરોધ કર્યો છે.
ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને સૈન્ય કાર્યવાહીના આ પ્રસ્તાવને 'અવાસ્તવિક' ગણાવતા તર્ક આપ્યો છે કે, આનાથી દરિયા કિનારે તહેનાત ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ અને તેમની બેલેસ્ટિક મિસાઈલોનું જોખમ વધી શકે છે.
બહેરીને સુરક્ષા પરિષદમાં ઈરાનના વલણને 'આક્રમક' અને 'દગાબાજ' ગણાવી તેની આકરી ટીકા કરી છે. બહેરીનના વિદેશ મંત્રીએ આરોપ લગાવ્યો છે કે ઈરાને ઈમારતો, બંદરો અને એરપોર્ટને નિશાન બનાવીને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કર્યું છે.
ટ્રમ્પે સેનાધ્યક્ષને હટાવ્યા
મિડલ ઈસ્ટમાં ઘેરાતા યુદ્ધના વાદળો વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સૈન્ય નેતૃત્વમાં મોટો ફેરફાર કર્યો છે. અમેરિકાના ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથે આર્મી ચીફ જનરલ રેન્ડી જ્યોર્જને તાત્કાલિક પદ છોડી દેવા અને નિવૃત્તિ લેવા આદેશ આપ્યો છે. ઈરાન સામે સંભવિત લશ્કરી કાર્યવાહીની તૈયારીઓ વચ્ચે લેવાયેલા આ નિર્ણયથી વૈશ્વિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
રોઇટર્સના અહેવાલ અનુસાર, ટ્રમ્પ વહીવટીતંત્રને જનરલ રેન્ડી જ્યોર્જની કાર્યશૈલી અને ટ્રમ્પના લશ્કરી વિઝનને અમલમાં મૂકવાની તેમની ક્ષમતા પર શંકા હતી. ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથ એવા જનરલની શોધમાં છે જે પ્રમુખ ટ્રમ્પના આક્રમક અભિગમ સાથે સુસંગત હોય. નોંધનીય છે કે, જનરલ રેન્ડી જ્યોર્જની નિમણૂક ૨૦૨૩માં જો બાઈડેન દ્વારા કરવામાં આવી હતી. તે અગાઉ બાઈડેન શાસનકાળમાં લોયડ ઓસ્ટિનના વરિષ્ઠ લશ્કરી સહાયક પણ રહી ચૂક્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial