Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તંત્ર-મીડિયા તંદુરસ્ત વાતાવરણ સર્જી નાગરિકોના ફાયદા માટે સહિયારો પુરૂષાર્થ કરેઃ પત્રકારની ભૂમિકા ડોક્ટર જેવીઃ કલેક્ટર
જામનગર તા. ૧૭: જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને તથા સૌરાષ્ટ્ર ઝોનના સંયુક્ત માહિતી નિયામક મિતેશ મોડાસિયાની ઉપસ્થિતિમાં જામનગર ખાતે નેશનલ પ્રેસ ડેની ભવ્ય ઉજવણી કરાઈ હતી, જેમાં તંત્ર અને મીડિયા વચ્ચે તંદુરસ્ત વાતાવરણ કેળવી નાગરિકોના ફાયદા માટે સાથે મળીને કામ કરવા જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરનું આહ્વાન કર્યુ હતું. સત્ય અને જનહિતને પ્રાથમિકતા આપી પ્રેસની વિશ્વસનીયતા અને ગૌરવનું જતન કરવુ એ આપણા સૌની નૈતિક જવાબદારી-સંયુક્ત માહિતી નિયામક મિતેશ મોડાસિયાએ વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી જામનગરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં મીડિયા ઝોન - પત્રકારો ઉપસ્થિત રહ્યાં હતાં.
ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી, જામનગરના સંયુક્ત ઉપક્રમે તા. ૧૬ નવેમ્બરના રોજ 'નેશનલ પ્રેસ ડે' ની જિલ્લા કલેકટર શ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને તથા સૌરાષ્ટ્ર ઝોનના સંયુક્ત માહિતી નિયામક શ્રી મિતેશ મોડાસિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં કાર્યક્રમનો મુખ્ય વિષય *વધતી જતી ખોટી માહિતી વચ્ચે પ્રેસની વિશ્વસનીયતાનું રક્ષણ* ઉપસ્થિત મહાનુભાવોએ ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતાં જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરે મીડિયાની વિશેષ ભૂમિકા પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે મીડિયા પાસે ખૂબ મોટી અને મહત્વપૂર્ણ જવાબદારીઓ છે, અને ગમે તેવી અડચણ વચ્ચે પણ પત્રકારો પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક અદા કરે છે કારણ કે મીડિયા સાથે લોકોનો અખૂટ ભરોસો જોડાયેલો છે. આજના સોશિયલ મીડિયાના યુગમાં સમાચાર ભલે ઝડપી બન્યા હોય, પરંતુ તેમની ચકાસણી કરવી એ સમયની માંગ છે. તેમણે પત્રકારની ભૂમિકાને દર્દીને સાજા કરતા ડૉક્ટર જેવી ગણાવી હતી, જ્યાં સંપૂર્ણ ચકાસણી પછી જ સમાચારો પ્રસારિત થવા જોઈએ. અંતે, કલેક્ટરશ્રીએ તંત્ર અને મીડિયા વચ્ચે તંદુરસ્ત વાતાવરણ કેળવી લોકોના ફાયદા માટે સાથે મળીને કામ કરવા આહ્વાન કર્યું હતું.
સૌરાષ્ટ્ર ઝોનના સંયુક્ત માહિતી નિયામક મિતેશ મોડાસિયાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે આજના ડિજિટલ ટેકનોલોજીના યુગમાં પ્રેસની વિશ્વસનીયતા અનેક પડકારોનો સામનો કરી રહી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સોશિયલ મીડિયાના માધ્યમથી ભ્રામક માહિતી અને ફેક ન્યૂઝ ઝડપથી ફેલાય છે, જે નાગરિકોને ગેરમાર્ગે દોરીને લોકતંત્રમાં 'સ્વતંત્ર પ્રેસ'ના કાર્યને ગંભીર નુકસાન પહોંચાડે છે. તેમણે પેઈડ ન્યૂઝ, ન્યૂઝ અને જાહેરાતોનું મિશ્રણ તેમજ વ્યાપારી હિતોના વર્ચસ્વનો પણ ઉલ્લેખ કર્યો, જે 'શુદ્ધ ન્યૂઝ રિપોર્ટિંગ' અને પ્રેસની સ્વતંત્રતા વચ્ચેની ભેદરેખાને ધૂંધળી બનાવી પત્રકારિતાની અખંડિતતા નબળી પાડી રહ્યા છે.આથી તેમણે પત્રકારોને સનસનાટીભર્યા અહેવાલોને બદલે સત્ય અને જનહિતને પ્રાથમિકતા આપી પ્રેસની વિશ્વસનીયતાનું ધોવાણ અટકાવવા અપીલ કરી હતી.
આ પ્રસંગે જામનગર પત્રકાર મંડળના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ રાવલ તથા ઉપસ્થિત પત્રકારોએ માહિતી ખાતાના અધિકારીઓ સાથે રૂબરૂ સંવાદ યોજીને અરસપરસ સંકલન સાધવા અને એકબીજાના પૂરક બની કેવી રીતે વધુ અસરકારક રીતે કામ કરી શકાય તે અંગે રચનાત્મક ચર્ચા કરી હતી. કાર્યક્રમની શરૂઆતમાં નાયબ માહિતી નિયામક શ્રીમતી સોનલબેન જોષીપુરાએ શાબ્દિક સ્વાગત કરીને ઉપસ્થિત મહાનુભાવો અને પત્રકારોને આવકાર્યા હતા, જ્યારે આભારવિધિ સુશ્રી પારૂલબેન કાનગડે કરી હતી.
આ કાર્યક્રમમાં સહાયક માહિતી નિયામક રજાક ડેલા, પત્રકાર મંડળના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ રાવલ તથા મંડળના હોદેદારો સહિત જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારશ્રીઓ બહોળી સંખ્યામાં ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial