Advertisement
Author: નોબત સમાચાર

લગ્ન વિચ્છેદઃ કાયદાની દૃષ્ટિએ એક સમજૂતી

                                                                                                                                                                                                      

ભારતમાં લગ્ન માત્ર સામાજિક વિધિ નથી, પરંતુ કાયદાકીય રીતે એક બાંયધરી સંબંધ છે. વિવિધ ધર્મો મુજબ લગ્નના કાયદા અલગ છે, અને તે કાયદાઓમાં છૂટાછેડાની પ્રક્રિયા તથા શરતો સ્પષ્ટ રીતે નક્કી કરવામાં આવી છે. દેશના બંધારણે દરેક વ્યક્તિને પોતાના ધર્મ અને પરંપરા મુજબ લગ્ન કરવાનો અધિકાર આપ્યો છે. આ કારણે લગ્ન કાયદા વ્યક્તિગત કાયદાઓ (પર્સનલ લોઝ) દ્વારા સંચાલિત થાય છે. ભારતમાં લગ્ન ધર્મ અનુસાર અલગ અલગ કાયદાઓ હેઠળ થાય છે.

હિંદુ લગ્નઃ હિંદુ, બુદ્ધ, જૈન અને શીખ સમુદાય માટે લગ્ન હિંદુ લગ્ન અધિનિયમ, ૧૯૫૫ હેઠળ થાય છે. આ કાયદા મુજબ લગ્ન એક પવિત્ર સંસ્કાર માનવામાં આવે છે અને તેમાં નક્કી કરેલી વિધિ, સંમતિ અને કાયદેસર ઉંમર આવશ્યક છે.

મુસ્લિમ લગ્નઃ મુસ્લિમ ધર્મમાં લગ્નને ધાર્મિક કરાર (નિકાહ) તરીકે માનવામાં આવે છે. કુરાન અને સુન્નતના સિદ્ધાંતો સાથે, મુસ્લિમ લગ્ન કાયદા મુજબ નિકાહ માટે બંને પક્ષની સંમતિ અને મહેર ફરજિયાત છે.

વિશેષ લગ્નઃ જો વર અને કન્યા અલગ અલગ ધર્મના હોય અથવા કોઈ ધાર્મિક વિધિ વિના લગ્ન કરવા ઈચ્છે, તો લગ્ન વિશેષ લગ્ન અધિનિયમ, ૧૯૫૪ હેઠળ થાય છે. આ કાયદામાં નોટીસ, નોંધણી અને જાહેર જાહેરાતની પ્રક્રિયા ફરજિયાત છે.

છૂટાછેડા શું છે?

છૂટાછેડા એટલે પતિ-પત્ની વચ્ચે થયેલું કાયદેસર વિચ્છેદન. તે લગ્નના બંધનને કાયદાકીય રીતે સમાપ્ત કરે છે અને બંને પક્ષને ફરીથી લગ્ન કરવાની છૂટ આપે છે. તલાકનો હક્ક કાયદા પ્રમાણે પતિ અથવા પત્ની બંનેને છે.

હિંદુ લગ્ન અધિનિયમ હેઠળ છૂટાછેડા

હિંદુ, જૈન, બૌદ્ધ અને શીખ ધર્મના લોકો માટે હિંદુ લગ્ન અધિનિયમ, ૧૯૫૫ હેઠળ લગ્ન અને છૂટાછેડા સંબંધિત નિયમો લાગુ પડે છે.

(૧) પરસ્પર સંમતિથી છૂટાછેડા

જ્યારે પતિ અને પત્ની બંને લગ્ન ચાલુ રાખવા ઇચ્છતા ન હોય અને પરસ્પર સંમતિ આપે, ત્યારે કાયદાની જોગવાઈ મુજબ ૬ મહિના સુધી અલગ રહેવું ફરજિયાત છે.

લગ્નજીવન અંગેના તમામ વિવાદોનું સમાધાન ન થયું હોય, સંતાનના પાલનપોષણ અને સંપત્તિ વહેચણી અંગે લખિત સમજુતી થઈ હોય, ત્યારે અદાલત છૂટાછેડા મંજુર કરે છે.

(૨) એકતરફી છૂટાછેડા

એક પક્ષ બીજા પક્ષની સંમતિ વિના પણ છૂટાછેડાની અરજી કરી શકે છે, જો નીચે મુજબના કારણો સાબિત થાય

પરસ્ત્રી અથવા પરપુરૂષ સાથેના અયોગ્ય સંબંધ

કઠોર, અમાનવીય કે અપમાનજનક વર્તન

નિર્લજ્જતાપૂર્વક ત્યાગ

માનસિક અસ્થિરતા અથવા અસાધ્ય રોગ

ધાર્મિક રૂપાંતર અથવા લાંબા સમય સુધી ગાયબ રહેવું

ભરણપોષણ અને

સ્ત્રીધનના હક્ક

કાયમી ભરણપોષણ

છૂટાછેડા પછી કાયમી ભરણપોષણનો હક્ક કાયદા મુજબ પત્ની અને સંતાનને છે. પતિને કાયમી ભરણપોષણ મળતું નથી.

આ ભરણપોષણ જીવનભરનું હોઈ શકે છે અથવા અદાલત દ્વારા નક્કી કરેલા સમયગાળામાં ચૂકવવાનું હોઈ શકે છે.

સંતાન નાબાલિક હોય તો, તેનું પાલનપોષણ પિતાએ કરવાનું ફરજિયાત છે.

જો સંતાન માટે કાયમી ભરણપોષણ નક્કી ન પણ થાય, તો પણ પિતાની વંશપરંપરાગત મિલકત પર નાબાલિક સંતાનનો હક્ક યથાવત રહે છે, જો કે તે હક સ્પષ્ટપણે લેખિત રીતે છૂટો ન કરવામાં આવ્યો હોય.

અંતરિમ (અસ્થાયી) ભરણપોષણ

છૂટાછેડાની અરજી દાખલ થયા બાદ અને કાયમી ભરણપોષણ નક્કી થાય તે પહેલાં, પત્ની અને સંતાન માટે અંતરિમ ભરણપોષણ આપવામાં આવે છે, જેથી કેસ ચાલુ હોય તે દરમ્યાન તેમનું જીવનયાપન સુનિશ્ચિત રહી શકે.

આ હક્ક મુસ્લિમ સ્ત્રીઓને પણ ઉપલબ્ધ છે, તેમનાં કાયદાઓ અનુસાર.

સ્ત્રીધન

લગ્ન દરમિયાન સ્ત્રીને મળેલી ભેટો, આભૂષણ, રોકડ કે અન્ય મિલકત જેને કાયદામાં સ્ત્રીધન કહે છે તેના પર સ્ત્રીનો સંપૂર્ણ હક્ક છે. છૂટાછેડા પછી પણ પતિ કે તેના પરિવારજનોનો તે પર કોઈ અધિકાર નથી.

મુસ્લિમ લગ્ન કાયદાની ખાસિયત

મુસ્લિમ કાયદા હેઠળ લગ્ન એક ધાર્મિક વિધિ હોવા છતાં કાયદાકીય રીતે એક કરાર (કોન્ટ્રાક્ટ) માનવામાં આવે છે. લગ્ન સમયે મહેર (દહેજ નહીં) ફરજિયાત છે, અને છૂટાછેડાની પ્રકિયા તલાક, ખુલા અથવા ફસખ જેવા માર્ગોથી થઈ શકે છે.

મુસ્લિમ પત્નીને પણ કાયદાની જોગવાઈ મુજબ અંતરિમ અને કાયમી ભરણપોષણનો હક છે, જો કે તેનું પરિમાણ અને સમયગાળો તેમના પર્સનલ લો મુજબ નક્કી થાય છે.

વિશેષ લગ્ન અધિનિયમ, ૧૯૫૪ હેઠળ છૂટાછેડા

આ કાયદો તેઓ માટે છે, જેઓ અલગ અલગ ધર્મના હોવા છતાં લગ્ન કરવા ઇચ્છે છે અથવા કોઈ ધાર્મિક વિધિ વિના કાયદાકીય લગ્ન કરવા માગે છે. લગ્ન માટે અદાલતમાં નોટિસ આપવી, જાહેર જાહેરાત, અને નોંધણી ફરજિયાત છે.

છૂટાછેડાની જોગવાઈઓ

પરસ્પર સંમતિથી છૂટાછેડાઃ પતિપત્ની બંને મળીને છૂટાછેડાની અરજી કરી શકે છે, જો તેઓ ઓછામાં ઓછા ૧ વર્ષ સુધી લગ્નમાં રહૃાા હોય અને છેલ્લા ૧ વર્ષથી અલગ રહેતા હોય.

એકતરફી છૂટાછેડાઃ વ્યભિચાર, અમાનવીય વર્તન, ત્યાગ, માનસિક અસ્વસ્થતા, અથવા અન્ય ગંભીર કારણો હોય ત્યારે એક પક્ષ અદાલતમાં અરજી કરી શકે છે.

વિશેષ લગ્ન અધિનિયમ હેઠળ પણ પત્ની અને સંતાનને અંતરિમ અને કાયમી ભરણ પોષણનો હક્ક છે. પતિને આ હક્ક નથી. નાબાલિક સંતાનનો પિતાની વંશપરંપરાગત મિલકત પરનો હક્ક યથાવત રહે છે.

લગ્નજીવનનો પવિત્ર સંબંધ છે, પરંતુ જ્યારે આ સંબંધમાં પરસ્પર સન્માન, વિશ્વાસ અને સમજૂતી ખતમ થઈ જાય, ત્યારે કાયદો એક માર્ગ આપે છે જેથી બંને પક્ષો પોતાના જીવનમાં નવો પ્રારંભ કરી શકે. છૂટાછેડા કદીપણ પ્રથમ વિકલ્પ ન હોવો જોઈએ, પરંતુ જ્યારે તે જરૂરી બને, ત્યારે કાનૂની પ્રક્રિયાનો યોગ્ય માર્ગ અપનાવવો જરૂરી છે.

સ્ત્રીઓ અને સંતાનના હક્કોની રક્ષા માટે કાયદામાં સ્પષ્ટ જોગવાઈઓ છે ભલે તે ભરણપોષણ, સ્ત્રીધન કે સંતાનનો વંશપરંપરાગત મિલકત પરનો હક હોય. સાથે સાથે, દરેક ધર્મના કાયદા પોતપોતાની પદ્ધતિઓ અને શરતો નક્કી કરે છે, પરંતુ અંતિમ હેતુ એક જ છે ન્યાય, સુરક્ષા અને ગૌરવ.

છૂટાછેડાની પ્રક્રિયા દરમિયાન યોગ્ય કાનૂની સલાહ, ધીરજ અને પરસ્પર સન્માન જાળવવાથી વિવાદો ઓછા થઈ શકે છે અને એક નવું જીવન સુખદ રીતે શરૂ થઈ શકે છે. કાયદો માત્ર વિચ્છેદ માટે નથી, પરંતુ ન્યાયસંગત સમાધાન માટે છે અને તે દરેક વ્યક્તિના સન્માન, સુરક્ષા અને ભવિષ્ય માટે છે.

ધ્વનિ લાખાણી, એડવોકેટ, ગુજ. હાઈકોર્ટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh