Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લૈયારા પાસે ગાય આડી ઉતરતા એકનું મૃત્યુઃ અન્ય બે અકસ્માતમાં બેને ઈજાઃ
જામનગર તા. ૨૭: જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર લૈયારા પાસે બે સપ્તાહ પહેલાં શાકભાજી તથા ફળ ભરેલા છકડા આડે ગાય ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં ધ્રોલના યુવાનનું મૃત્યુ થયું છે. ચેલા પાસે ધોકાની રાત્રે રોંગ સાઈડમાં આવેલા ટ્રકે બાઈકને ઠોકર મારતા કાકા-ભત્રીજાના ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યા છે. જામનગરના દંપતી તથા તેમના પુત્રને ધ્રોલ પાસે અકસ્માતમાં ઈજા થઈ છે અને સપ્તાહ પૂર્વે સમર્પણ હોસ્પિટલ પાસે એક્ટિવાને બાઈકે ઠોકર મારતા એક યુવતી ઘવાયા છે.
ધ્રોલ શહેરમાં આવેલા ગાયત્રીનગરમાં રહેતા અને છકડામાં શાકભાજી તથા ફળ ભરી જુદા જુદા ગામડાઓમાં વેચાણ કરવા માટે જતા સુરેશભાઈ બટુકભાઈ રાઠોડ નામના ૩૪ વર્ષના યુવાન ગઈ તા.૮ની સવારે જીજે-૧૦-એક્સ ૩૮૭૯ નંબરના છકડામાં શાકભાજી તથા ફળ ભરીને ધ્રોલ તાલુકાના લૈયારા ગામ તરફના ગામડાઓમાં તેનું વેચાણ કરવા માટે ગયા હતા.
જ્યાંથી તેઓ બપોરે સાડા અગિયારેક વાગ્યે છકડો લઈને ધ્રોલ તરફ પરત ફરતા હતા. ત્યારે લૈયારા ગામથી એકાદ કિલોમીટર આગળ જ્યારે તેઓનો છકડો પહોંચ્યો ત્યારે અચાનક રોડ પર એક ગાય આડી ઉતરતા તેની સાથે અકસ્માત ન થાય તે જોવા જતા સુરેશભાઈએ જોરથી બ્રેક મારી હતી. જેમાં છકડો ગોથું મારી ગયો હતો. આ અકસ્માતમાં છકડા પરથી પછડાયેલા સુરેશભાઈને પેટ તથા કમરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ યુવાનને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ત્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. મૃતકના મોટાભાઈ રમેશભાઈ બટુકભાઈ રાઠોડે પોલીસને જાણ કરી છે.
જામનગરથી લાલપુર વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલા ચંગા ગામમાં જૂની પંચાયત કચેરી પાસે રહેતા ચંદુભા માનસંગજી કેર નામના પ્રૌઢ તથા તેમના ભત્રીજા રાજદીપસિંહ ધોકાની રાત્રે જીજે-૧૦-બીસી ૨૧૪૧ નંબરના મોટરસાયકલમાં દરેડથી ચેલા જવા માટે નીકળ્યા હતા. તેઓ જ્યારે રાત્રે નવેક વાગ્યે ચેલા રોડ પર મંદિર નજીક પહોંચ્યા ત્યારે જીજે-૧૨-બીડબલ્યુ ૨૬૩ નંબરનો ટ્રક રોંગ સાઈડમાં ધસી આવ્યો હતો. તે ટ્રકના ચાલકે મોટરસાયકલને હડફેટે લેતા રોડ પર પછડાયેલા ચંદુભા તથા તેમના ભત્રીજા રાજદિપસિંહને ગંભીર ઈજા થઈ હતી. બંને કાકા-ભત્રીજાને સારવાર માટે ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી પરંતુ સારવાર કારગત નિવડે તે પહેલા બંને વ્યક્તિના મૃત્યુ નીપજ્યા છે. અકસ્માત સર્જનાર ટ્રકના ચાલક સામે મૃતક ચંદુભાના પુત્ર હરદીપસિંહે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પંચકોશી બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
જામનગરના ગોકુળનગર વિસ્તારમાં રડાર રોડ પર રહેતા મનસુખભાઈ લક્ષ્મણભાઈ કણઝારીયા ગામના યુવાન તથા તેમના પત્ની પૂનમબેન અને પુત્ર દિવ્યેશ જીજે-૧૦-બીએ ૮૧૯ નંબરના મોટરસાયકલમાં બેસતા વર્ષના દિવસે ચોટીલા દર્શન કરવા માટે ગયા પછી સાંજના સમયે પરત ફરતા હતા. ત્યારે ધ્રોલ નજીક એક હોટલ પાસે જીજે-૩-એલઆર ૨૩૬૮ નંબરની મોટરના ચાલકે પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવી મોટરસાયકલને હડફેટે લેતા મનસુખભાઈ, પૂનમબેન તથા તેમના પુત્ર દિવ્યેશને ઈજા થઈ છે. મનસુખભાઈએ ધ્રોલ પોલીસમાં મોટરના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
જામનગરના કામદાર કોલોની વિસ્તારમાં વસવાટ કરતા ટીનાબેન દિનેશભાઈ ખીમસીયા નામના મહાજન યુવતી ગઈ તા.૧૮ના દિને પોતાના જીજે-૩૭-એફ ૩૫૯૫ નંબરના એકટીવા સ્કૂટરમાં સમર્પણ સર્કલ પાસેથી પસાર થતા હતા. માટીના વાસણ લેવા ગયેલા આ યુવતીને સ્વામિનારાયણ મંદિર સામે પેટ્રોલપંપ નજીક જીજે ૩૭-સી ૯૪૬૬ નંબરની બાઈકના ચાલકે ઠોકર મારી દીધી હતી. આ અકસ્માતમાં ટીનાબેનને હેમરેજ સહિતની ઇજાઓ થઈ છે. તેમના ભાઈ જય દિનેશભાઈ ખીમસિયાએ મોટરસાયકલ ચાલક સામે પોલીસમાં ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial