Advertisement
Author: નોબત સમાચાર

શેરબજારનો કચ્ચરઘાણઃ સેન્સેકસમાં પ્રારંભે જ ૧૯૦૦ પોઈન્ટનું ગાબડુ

નિફટી પણ સવારમાં જ ૫૦૦ તૂટ્યો હતોઃ સોનુ ૧૦ ગ્રામ દીઠ રૂ।. ૧૭૦૦ અને ચાંદી કિલે રૂ।. ૭૩૦૦ તૂટી

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૧૯: આજે શેરબજારમાં ગોઝારો ગુરૂવાર હોય તેમ પ્રારંભમાં જ ૧૯૦૦ પોઈન્ટના ઘટાડા સાથે સેન્સેકસ ગબડયો હતો. નિફટી પણ તૂટ્યો અને સોના-ચાંદીમાં પણ કડાકો થયો હતો, અને રોકાણકારોના લાખો કરોડ ધોવાયા હતાં.

શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફટી તૂટવા લાગ્યા હતા, અને  સેન્સેક્સ ૧,૯૫૩.૨૧ પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો. નિફટી ૫૦ પણ લગભગ ૫૦૦ પોઈન્ટ ઘટ્યો હતો. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરો યથાવત રાખવા અને કડક વલણ અપનાવવાના નિર્ણયથી વૈશ્વિક સ્તરે રોકાણકારોનો વિશ્વાસ ડગમગી ગયો હતો. તેની સીધી અસર શેરબજાર પર પડી હતી. સવારે ૧૦ વાગ્યે સેન્સેક્સ ૧૭૯૧ પોઈન્ટ ઘટીને ૭૪૯૧૨ તો નીફટી ૫૪૩ પોઈન્ટ ઘટીને ૨૩૨૩૪ ઉપર છે. રોકાણકારોના ૮ લાખ કરોડ સ્વાહા થઈ ગયા હતાં.

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ હવે મોટા તેલ યુદ્ધમાં ફેરવાઈ રહૃાું છે. ગલ્ફ દેશોમાં તેલ અને ગેસ ક્ષેત્રો પર શ્રેણીબદ્ધ મિસાઈલ હુમલાઓને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે, અને બ્રેન્ટ ક્રૂડનો ભાવ અચાનક પ્રતિ બેરલ ૧૧૩ પર પહોંચી ગયો છે. એશિયન શેરબજારોમાં ગભરાટ ફેલાયો છે, જ્યારે ભારતીય શેરબજાર ખુલતાની સાથે જ તૂટી પડ્યું છે. આજે ખુલતા જ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦-શેર સેન્સેક્સ ઇન્ડેક્સ (બીએસઈ સેન્સેક્સ) ગગડવા લાગ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી મોટા ઘટાડા સાથે ખુલ્યો હતો.

ભારતીય શેરબજારમાં ઘટાડાના સંકેતો વિદેશોમાંથી પહેલેથી જ દેખાઈ રહૃાા હતા. કતારમાં તેના સૌથી મોટા એલએનજી પ્લાન્ટ પર ઈરાન દ્વારા હુમલો અને ત્યારબાદ ગલ્ફ દેશો દ્વારા કરવામાં આવેલા વળતા હુમલાઓ પછી, ક્રૂડ ઓઇલના ભાવ અચાનક ૧૧૩ પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા. આનાથી બજારની ચિતા વધી ગઈ અને એશિયન બજારોમાં ગભરાટ ફેલાયો.

જાપાનનો નિક્કી ઇન્ડેક્સ ૧,૫૦૦ પોઈન્ટથી વધુ નીચે ટ્રેડ થઈ રહૃાો હતો, જ્યારે હોંગકોંગનો હેંગ સેંગ ૫૦૦ પોઈન્ટથી વધુ ઘટ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ પણ ૧.૫૦ ટકાથી વધુ ઘટ્યો. અન્ય વિદેશી બજારો પણ લાલ નિશાનમાં દેખાયા.

લાંબા ઘટાડા પછી, છેલ્લા ત્રણ દિવસથી શેરબજારમાં થોડી તેજી આવી રહી હતી, પરંતુ મધ્ય પૂર્વ યુદ્ધે તેને ભૂંસી નાખ્યું, જેના કારણે રોકાણકારો ફરી એકવાર ગભરાટમાં મુકાયા. ગુરુવારે શરૂઆતના કારોબારમાં સૌથી વધુ ઘટેલા શેરો પર નજર કરીએ તો, બીએસઈ લાર્જ કેપ શેરોમાં એચડીએફસી બેંક શેર (૪.૫૦%), એલટી શેર (૩.૫૦%), એટરનલ શેર (૩%), બજાજ ફાઇનાન્સ શેર (૨.૮૦%), એક્સિસ બેંક શેર (૨.૭૫%), એશિયન પેઇન્ટ્સ શેર (૨.૬૦%), કોટક બેંક શેર (૨.૫૬%), સ્સ્ શેર (૨.૪૦%), અદાણી પોર્ટ્સ શેર (૨.૩૫%) અને ઇન્ડિગો શેર (૨.૩૦%)નો સમાવેશ થાય છે.

આજે શેરબજારમાં નોંધપાત્ર ઘટાડા વચ્ચે, બેંકિગ અને ઓટો શેર સૌથી વધુ સંવેદનશીલ હતા. નિફટી બેંક તેના શરૂઆતના સમયે લગભગ ૩% ઘટ્યો હતો, જ્યારે નિફટી ઓટોમાં પણ સમાન ઘટાડો જોવા મળ્યો હતો.

નોંધનીય છે કે, મધ્ય પૂર્વમાં તેલ યુદ્ધની તીવ્રતાને કારણે, શેરબજારનો ભય માપક, ઇન્ડિયા વીઆઈએકસ, અચાનક ઉછળ્યો છે, જે છેલ્લા ત્રણ દિવસથી સતત ઘટી રહૃાો છે. તેમાં અચાનક લગભગ ૧૫% નો ઉછાળો આવ્યો, જે આગામી દિવસોમાં નોંધપાત્ર બજાર અસ્થિરતા દર્શાવે છે.

બીજી તરફ સોના-ચાંદીની કિંમતો સતત છઠ્ઠા દિવસે ઘટતી દેખાઈ રહી છે. જયારે આજે સોના કરતાં ચાંદીમાં ફરી એકવાર મોટું ગાબડું પડયું.

ઉલ્લ્ેખનિય છે એક તરફ ક્રૂડ ઓઈલના ભાવ આકાશ આંબી રહ્યા છે ત્યારે બીજી બાજુ ડોલર મજબૂત થવાને કારણે રૂપિયો રોજ રેકોર્ડ તળીયે પહોંચી રહ્યું છે. ડોલરની તુલનાએ રૂપિયા ૯૩.૧૩ની સપાટીને કૂદી ગયો છે.

વૈશ્વિક બજારમાં ચાલી રહેલા ઓઈલ સંકટ અને આર્થિક અસ્થિરતા વચ્ચે સોનાના ભાવમાં આજે સતત છઠ્ઠા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. એમસીએકસ પર સોનું આજે રૂ।. ૧,૫૧,૯૪૧ પર ખુલ્યા પછી રૂ।. ૧,૭૨૫ તૂટીને રૂ।. ૧,૫૧,૪૨૯ની સપાટીએ પહોંચ્યું છે. અગાઉ સોનું રૂ।. ૧,૫૩,૦૨૫ પર બંધ થયું હતું.

સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ આજે મોટું ધોવાણ થયું છે. ચાંદીના ભાવમાં એક જ દિવસમાં રૂ।. ૭,૩૪૦નો ઘટાડો નોંધાયો છે. રૂ।. ૨,૪૮,૧૯૪ના સ્તરે બંધ થયેલી ચાંદી આજે રૂ।. ૨,૪૫,૦૦૦ પર ખુલી હતી અને સમાચાર લખાયા સુધીમાં તે ઘટીને રૂ।. ૨,૪૧,૫૦૦ પર ટ્રેડ થઈ રહી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh