Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હેમંત ઋતુ દરમ્યાન શરીરને ગરમ અને સક્રીય રાખવું જરૂરીઃ
ભારત દેશમાં ઋતુચકને આયુર્વેદમાં ખૂબ સુંદર રીતે વર્ણવેલ છે. ઋતુ એટલે કે સમયનું પરિવર્તન, જે પ્રકૃતિનું નિયમિત ચક્ર છે. ઋતુઓનું સતત પરિવર્તન થતું રહે છે, અને દરેક ઋતુ માનવ શરીર પર અલગ અલગ પ્રભાવ પાડે છે. આયુર્વેદ મુજબ વર્ષને છ ઋતુઓમાં વહેંચવામાં આવ્યું છે, વર્ષા, શરદ, હેમંત અને શિશિર, વસંત, ગ્રીષ્મ. દરેક ઋતુમાં વાતાવરણ, દોષોની સ્થિતિ, આહાર, વિહાર અને ઔષધનો અલગ અલગ ઉપયોગ હોય છે.
હવે શિયાળાની શરૂઆત થઇ છે. શિયાળાનું પ્રથમ ચરણ હેમંત ઋતુ છે . હેમંત ઋતુ વિસર્ગ કાળની છેલ્લી ઋતુ ગણાય છે. આ ઋતુ માર્ગશિર્ષ અને પૌષ માસ દરમ્યાન રહે છે, જે સામાન્ય રીતે મધ્ય નવેમ્બરથી મધ્ય જાન્યુઆરી વચ્ચે આવે છે, તેને પૂર્વશિયાળો અથવા પ્રિ-વિન્ટર સીઝન પણ કહેવામાં આવે છે. આમ, હેમંત ઋતુ એ ઠંડીની શરૂઆતનો સમય છે, જ્યારે પ્રકૃતિ ધીમે ધીમે શીતતામાં પ્રવેશ કરે છે. સૂર્ય ના કિરણો નરમ બને છે, દિવસો ટૂંકા અને રાત્રિઓ લાંબી થવા લાગે છે.
આ ઋતુમાં શરીરની પાચનશક્તિ પ્રબળ બને છે, એટલે યોગ્ય આહાર, વિહાર રાખવા થી શરીર બળવાન, તેજસ્વી અને આરોગ્યમય બને છે, જેનું વર્ણન આયુર્વેદ શાસ્ત્રો માં ખૂબ સરસ રીતે કરેલ છે, જેને હેમંતઋતુચર્યાના નામથી ઓળખવામાં આવે છે. હેમંત ઋતુ દરમિયાન વાત દોષ સ્વાભાવિક રીતે વધે છે, પરંતુ આ સમય દરમિયાન શરીરમાં જઠરાગ્નિ અત્યંત પ્રબળ બને છે. જો આ બળવાન અગ્નિને ખોરાક ન મળે, તો તે શરીરનાં ધાતુઓને દહન કરીને વાત પ્રકોપ કરી શકે છે. આથી, આ ઋતુમાં એવા આહાર-વિહાર રાખવા જોઈએ કે જેમાં વાત દોષનું શમન થાય, કફની અતિવૃદ્ધિ ટળે અને અગ્નિ પ્રબળ રહે. આથી આયુર્વેદ આ ઋતુમાં શરીરને તંદુરસ્ત, ગરમ અને પોષિત રાખવા માટે ઉત્તમ આહારની ભલામણ કરે છે.
આ સમયગાળામાં સ્નિગ્ધ આહાર જેમ કે ઘી અને ખાદ્ય તૈલ અને સ્નિગ્ધ દ્રવ્યો (તલતેલ, સરસવનું તેલ, બદામ, અખરોટ,કાજુ), ગોળ કે ખાંડ, ગરમ પ્રકૃતિ ધરાવતા આહાર જેમ કે આદુ, દાલચીની, લસણ, કાળી મરી, લવિંગ, હળદર, દહીં, છાસ, દૂધ તથા દૂધજન્ય પદાર્થો, નવા પાકેલા ચોખા, ઘઉંના લોટ થી બનેલા પદાર્થોનું સેવન કરવુ જોઈએ.
હેમંત ઋતુમાં અપથ્ય આહારની શ્રેણીમાં બરફ - ઠંડુ પાણી, કેળા, વટાણા, બટેટા વગેરે આવે છે, એટલેકે આ પદાર્થોનું સેવન ન કરવુ જોઈએ. આ ઋતુમાં અતિ ઉપવાસ, ડાયેટિંગ અથવા અતિ ઓછું ખાવું હાનિકારક ગણાય છે, કારણ કે તીવ્ર અગ્નિને ખોરાકની જરૂર હોય છે
આયુર્વેદ મુજબ હેમંત ઋતુ દરમિયાન શરીરને ગરમ અને સક્રિય રાખવું જરૂરી છે. આ ઋતુમાં અભ્યંગ એટલે કે તલ અને સરસવના તેલથી મસાજ કરવું, ઉત્સાદન એટલે કે સુગંધિત ઉબટણથી શરીરને ઘસવું, માથા પર તેલ લગાવવું, રોજ સવારે સૂર્યપ્રકાશમાં બેસવું, નિયમિત યોગ અને વ્યાયામ કરવો તથા ઉષ્ણ સ્થળોમાં સમય વિતાવવો આ બધું હેમંત ઋતુ માટે ઉત્તમ માનવામાં આવ્યું છે. આ ઋતુમાં હંમેશા જાડા અને ગરમ કપડાં પહેરવા જોઈએ.હળવાં ગરમ પાણીથી સ્નાન કરવું. તે ઉપરાંત, તીવ્ર ઠંડા પવનમાં વધુ સમય વિતાવવો, દિવસે ઊંઘ કરવી, ઠંડા પાણી એ સ્નાન કરવું, આ બધું શરીર માટે અનુકૂળ નથી.
હેમંતઋતુ માનવ જીવનમાં માત્ર ઋતુપરિવર્તનનો સમય નથી, પરંતુ આંતરિક શક્તિ, સંતુલન અને સ્વાસ્થ્ય જાગૃતિનું પ્રતીક છે. આ ઋતુ સ્વસ્થ શરીર, તેજસ્વી ત્વચા અને ઉર્જાસભર મન બનાવવા માટેનો સમય છે, પરંતુ એ સાથે જ તે આપણને ચેતવે છે કે જો આ સમયની આવશ્યકતાઓને અવગણીએ તો અસંતુલન અને રોગોના બીજ વાવી દઈએ છીએ. તેથી હેમંત ઋતુચર્યાનું પાલન એ માત્ર આરોગ્યની રીત નથી પરંતુ તે પ્રકૃતિ સાથે તાલમેલ કરવાનો અને સ્વસ્થ, જાગૃત જીવન તરફ આગળ વધવાનું પ્રથમ પગલું છે, એટલે જ હેમંત ઋતુને આયુર્વેદમાં બળવર્ધન અને સ્વાસ્થ્યરક્ષણ માટેનો શ્રેષ્ઠ સમય માનવામાં આવ્યો છે.
- ડો. વર્ષા આર. સોલંકી
(ડે.ડાયરેક્ટર, યુ.જી. પ્રોફેસર અને હેડ-અગડ તંત્ર વિભાગ, આઇ.ટી.આર.એ. ,જામનગર)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial