Advertisement
Author: નોબત સમાચાર

"સુપ્રિમ" ટકોર, ગામના મોઢે ગરણાં ન બંધાય...

                                                                                                                                                                                                      

દિવાળીના તહેવારો આવી રહ્યા છે અને શાળાઓમાં વેકેશનની સાથે સરકારી કચેરીઓમાં વચ્ચેની રજાઓ જાહેર કરાતા અઠવાડિયા જેવુું વેકેશન પડવાનું છે, ત્યારે હવે બજારોમાં રોનક જોવા મળશે અને લોકો શોપીંગ, ખાણીપીણી અને હરવા-ફરવા માટે ઉમટી પડશે તથા ટૂર-ટ્રાવેલ્સ-હોટલોમાં બુકીંગ ઝડપભેર થવા લાગશે, તેવી આશા સેવવામાં આવી રહી છે., અને રેલવે તથા એસ.ટી. કોર્પોરેશન પણ પૂરતા પ્રમાણમાં વધારાની ટ્રેનો તથા બસો દોડાવાશે, તેવી આશા પણ લોકો રાખી રહ્યા છે. ખાણીપીણી, ચીજ-વસ્તુઓ, ખાનગી ટ્રાવેલ્સ તથા સ્થાનિક પરિવહનના ભાડા અને હોટલ-નિવાસમાં નફાઓની કે ઉઘાડી લૂંટ થાય નહીં, તે માટે સંબંધિત તંત્રો માત્ર કાગળ પર આદેશો કરીને નહીં, પરંતુ સતત ચેકીંગ કરતા રહીને ચૂસ્ત અમલ કરાવશે, તેવા કડક પ્રબંધો રાજ્યસ્તરેથી ગામડાઓ સુધી થાય, તેવું પણ લોકો ઈચ્છી રહ્યા છે.

આ વખતે સતત વરસાદ પડવાથી સાતમ-આઠમના તહેવારો સમયે લારી-ગલ્લા-પાથરણાંવાળાઓ સહિતના સિઝનલ ધંધો કરીને ગુજરાન ચલાવતા ઘણાં પરિવારોને નુકસાન થયું હતું. અથવા ધાર્યા મુજબની આવક થઈ નહોતી. આ પ્રકારના છુટક વ્યવસાયકો દિવાળીના તહેવારોમાં એ નુકસાન સરભર કરવા પ્રયાસો કરે, તે સ્વાભાવિક છે. બીજી તરફ દિવાળીના તહેવારોમાં સ્થાનિક પરિવહન તથા પગપાળા ચાલીને ખરીદી કરવા ગામડાઓમાંથી પણ લોકો શહેરમાં ઉમટી પડતા હોય છે, તેથી ટ્રાફિક નિયમન, પાર્કિંગ, અને ફૂટપાથો પર છુટક વ્યવસાયકારો તથા દુકાનદારો દ્વારા કામચલાઉ દબાણ થતું અટકાવવા અને આડેધડ પાર્કિંગ થતું રોકવા માટે પણ તંત્રોએ આ વખતે થોડો વધુ બંદોબસ્ત કરવો પડે તેમ છે, તેની સાથે સાથે ગરીબ વ્યવસાયિકોનો ધંધો-વ્યવસાય પણ અવરોધાય નહીં, તે માટે ટ્રાફિક અને જાહેર વ્યવસ્થાઓને નડે નહીં, તેવી રીતે વૈકલ્પિક સ્પોટ પણ નક્કી કરી દેવા જોઈએ. તે ઉપરાંત શહેરોમાં પૂરતા પ્રમાણમાં વોશરૂમ (જાહેર મુતરડી અને શૌચાલયો) અને ખાસ કરીને મહિલાઓ માટે યુરીનલ્સની તહેવારો દરમ્યાન જરૂર પડે તેમ હોય, કામચલાઉ ધોરણે ઠેર-ઠેર જેન્ટ્સ-લેેડીઝ યુરીનલ્સ અને શૌચાલયોની વ્યવસ્થા પણ સ્થાનિક તંત્રો તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ કરવી જ જોઈએ, પરંતુ કમનસીબે એવું થતું નથી, કારણ કે "જવાબદારો" પણ તે સમયે દિવાળી ઉજવવામાં વ્યસ્ત હોય છે, અથવા પ્રવાસ-પર્યટન માટે બહાર નીકળી જતા હોય છે.

યોગાનુયોગ સુપ્રિમકોર્ટે ગઈકાલે જ આપેલા એક ચૂકાદામાં રોડ-રસ્તા અને ફૂટપાથો પર ચાલતા રાહદારીઓની સુરક્ષાને સાંકળતો એક મહત્ત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. તમામ રાજ્ય સરકારો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને સુપ્રિમકોર્ટે આપેલા વ્યાપક આદેશમાં આમ તો ટ્રાફિક નિયમન અને હેલ્મેટ સહિતના ઘણાં મુદ્દાઓને આવરી લેવાયા છે, પરંતે ફૂટપાથો અને માર્ગો પર પગપાળા જતા રાહદારીઓ અને દિવ્યાંગોની સુરક્ષા સહિતના નિયમ-કાયદાઓના કડક અમલ ઉપરાંત વધુ કડક કાયદાઓ ઘડવાનો આદેશ પણ સુપ્રિમકોર્ટે આપ્યો છે. જો કે, આ માટે સુપ્રિમકોર્ટે રાજ્યને ૬ મહિનાની મુદ્દત આપી છે., પરંતુ આ ચુકાદો લક્ષ્યમાં લઈને વર્તમાન નિયમો-કાયદાઓનો કડક અમલ તો થઈ જ શકે ને ?

આ ચૂકાદામાં સુપ્રિમકોર્ટે પગે ચાલતા રાહદારીઓ અને દિવ્યાંગોને સાંકળીને ભારપૂર્વક સૂચનાઓ આપી છે અને આંખો આંજી દેતી હેડલાઈટ્સ, મોડીફાઈડ લાઈટો, નેશનલ હાઈ-વે સિવાયના રાજ્યોના માર્ગોની ડિઝાઈન, કન્સ્ટ્રકશન, નિભાવ, જાળવણી, અનધિકૃત રીતે ફૂટપાથો પર દબાણ, દુકાનના બોર્ડ કે સ્ટેન્ડ, માલસામગ્રી રાખવા કે પાથરણા-રેકડી રાખવા, પાર્કિંગ કરવા, વાહનોની ગતિમર્યાદા, હુટરો, રાહદારી ક્રોસીંગ, અનધિકૃત સ્ટોલ લાઈટ્સ સહિતની અનેક બાબતોને સંબંધિત કડકમાં કડક કાયદો ઘડવા અને વર્તમાન નિયમ-કાયદાઓનો કડક અમલ કરાવવા અતે તેમાં અદ્યતન ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવાની ટકોરો સહિતની ટિપ્પણીઓ સાથે જે ચૂકાદો આપ્યો છે, તેનો સંદર્ભ લઈને આગામી તહેવારોમાં તેનો ચૂસ્ત અમલ થાય, તે ઈચ્છનીય પણ છે અને અનિવાર્ય પણ છે, કારણ કે પગપાળા ચાલતા રાહદારીઓને રોડ ક્રોસીંગ માટે પણ થોડા થોડા સમયે ટ્રાફિક નિયમન કરીને નિયત સ્થળેથી વ્યવસ્થા કરવી પણ અત્યંત જરૂરી છે, જે હાલમાં આપણાં શહેરોમાં થતી નથી.

લોકો એવો વ્યંગ પણ કરી રહ્યા છે કે એ.સી. ગાડીઓમાં ફરતા "જનસેવકો" તથા સરકારી વાહનોમાં બેસીને "જનસેવા" કરતા સરકારી બાબુઓને નગરમાં પગપાળા ચાલતા રાહદારીઓ કે દિવ્યાંગોની તકલીફ ક્યાંથી સમજાય ?

ફૂટપાથો પર માત્ર ગરીબ-નાના છુટકીયા વ્યવસાયિકો જ દબાણ કરે છે, તેવું નથી, પરંતુ તેના કરતા પણ વધુ દબાણ તો કેટલાક મોટા મોટા દુકાનદારો, શોપીંગ મોલ વાળા, મોટા રેસ્ટોરન્ટ તથા ખાણી-પીણીનો ધમધોકાર ધંધો કરતા માલેતુજાર અને વગદાર મોટા માથાઓ અને તેના સંબંધીઓ તથા તંત્રોના "માનિતાઓ" કે "કમાઉ" હપ્તાદાતાઓ દ્વારા કરવામાં આવતું હોય છે, જે એક "ઓપન સિક્રેટ" જ છે ને ? આ દુષણ સર્વવ્યાપી, સર્વપ્રિય અને સર્વવિદિત છે. ટૂંકમાં, કોઈના વખાણ કરવા જેવા નથી !

જો કે, સુપ્રિમકોર્ટના જજો દ્વારા સુનાવણીઓ દરમ્યાન થતી કોમેન્ટો પણ ઘણી જ મહત્ત્વપૂર્ણ હોય છે. અને જે તે કેસના સંદર્ભે થતી ટિપ્પણીઓની વ્યાપક નોંધ લેવાતી હોય છે, પરંતુ સોશ્યલ મીડિયાના યુગમાં જજોની ટિપ્પણીઓને અલગ રંગ આપી દેવાતો હોવાથી એ સુપ્રિમકોર્ટના ચીફ જસ્ટીસે અન્ય જજોને મૌખિક ટિપ્પણીઓ પર અંકુશ રાખવાનું કહેવું પડી રહ્યું છે. બીજી તરફ જજોની મૌખિક ટિપ્પણીઓ જો કોઈ ચોક્કસ વ્યક્તિ, તંત્રો કે પક્ષકારને ચોક્કસ પ્રકારની સૂચના કે આદેશના સ્વરૂપ ન હોય, અને વ્યક્તિગત અથવા જાહેર અભિપ્રાય, મંતવ્ય કે પ્રતિભાવના સ્વરૂપમાં હોય, તો તેના વિચારોનું અલગ અને "અનુકૂળ" અર્થઘટન કરવું યોગ્ય નથી, પરંતુ લગભગ નિરંકુશ સોશ્યલ મીડિયામાં કોમેન્ટો થવા લાગે, ત્યારે સર્વોચ્ચ ન્યાયદેવીએ પણ બોલવું પડે કે, "ગામના મોેઢે ગરણું ન બંધાય."

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh