Advertisement
Author: નોબત સમાચાર

જન પ્રતિનિધિઓ અને જાગૃત નાગરિકોની સ્ટ્રકચરલ અને પબ્લિક સેફટીની રજૂઆતોને ગંભીર ગણોઃ કલેકટર

જામનગરમાં સરકારી સલામતી સુનિશ્ચિત કરવા યોજાઈ જિલ્લાકક્ષાની બેઠક

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: જામનગરમાં સરકારી બાંધકામોની સલામતી સુનિશ્ચિત કરવા જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં સંસદ સભ્ય, ધારાસભ્યો તથા નાગરિકો તરફથી સ્ટ્રકચરલ અને પબ્લિક સેફટી સંદર્ભે મળેલ રજૂઆતોને ગંભીરતાપૂર્વક લઈ તાત્કાલિક જરૂરી પગલાં લેવા કલેકટરે તાકીદ કરી હતી.

જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લામાં આવેલા તમામ સરકારી બાંધકામોની સલામતી અને સુરક્ષા અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરે ઉપસ્થિત અધિકારીઓને સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સલામતી બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું અને લોકોની સુખાકારી, સલામતી અને સુરક્ષાને પ્રાથમિકતા આપવા પર ભાર મૂક્યો હતો.

કલેક્ટરે બેઠકમાં સ્ટ્રક્ચરલ સેફ્ટી અને પબ્લિક સેફ્ટી એમ બે મુખ્ય વિભાગોમાં કામગીરીની સમીક્ષા કરી હતી.જેમાં તેમણે જણાવ્યું કે આપત્તિ નિવારણનું પ્રથમ ધ્યેય માનવ જીવનને બચાવવાનું છે. આ માટે સંબંધિત વિભાગોએ સુરક્ષિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવું જોઈએ જેથી માનવ જિંદગી જોખમાય નહીં. કોઈપણ પ્રોજેક્ટ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરતાં પહેલાં માનવ જીવનને કેન્દ્રસ્થાને રાખવું અને આ બાબતે કોઈપણ પ્રકારની બાંધછોડ ન કરવી. માનવ જીવન સાથે સંકળાયેલા કોઈપણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કોઈપણ પ્રકારની શરતચૂક ચલાવી શકાય નહીં. તેમણે આવા બાંધકામોની નિયમિત તપાસણી કરવા અને તપાસણી દરમિયાન જ્યાં પણ સુધારાની આવશ્યકતા જણાય ત્યાં અવગણના કર્યા વિના માનવ જીવનને જોખમ ન થાય તેવા તકેદારીના પગલાં તાત્કાલિક લેવા આદેશ આપ્યો હતો.

માર્ગ અને મકાન વિભાગને કલેક્ટરે જિલ્લાના તમામ વિભાગોની ક્રિટીકલ એસેટ્સની યાદી તૈયાર કરવા અને સમયાંતરે તેની યોગ્ય તપાસણી માટે ટેક્નિકલ અને સુપરવાઇઝરી ટીમ બનાવવા સૂચના આપી હતી. આ ઉપરાંત, જો કોઈ બ્રિજ ભારે વાહનો કે સંપૂર્ણ ટ્રાફિક માટે બંધ જાહેર કરાયો હોય, તો ત્યાં જરૂર જણાયે સીસીટીવી કેમેરા અને હાઇટ બેરિયર સહિતનો ઉપયોગ કરી જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરાવવા જણાવ્યું હતું. તેમણે બ્રિજની નીચેના વિસ્તારમાં થતા ગેરકાયદેસર ખનનને રોકવા માટે પણ યોગ્ય પગલાં લેવા પર ભાર મૂક્યો હતો.

વધુમાં કલેક્ટરે ભયજનક સ્ટ્રક્ચર કે બ્રિજ આગળ ચેતવણી સૂચક બોર્ડ લગાવવા, મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં આવેલી ભયજનક ઇમારતો નિયમોનુસાર તાત્કાલિક દૂર કરવા, ભારે વાહનોનો ટ્રાફિક રહેતો હોય તેવા વિસ્તારોમાં રસ્તા અને બ્રિજની ક્ષમતા કરતાં વધુ ટ્રાફિક પસાર ન થાય તેની તકેદારી રાખવા, સિનેમા હોલ તથા પબ્લિક એક્ઝિબિશન્સમાં જરૂરી તમામ સેફ્ટી પેરામિટર્સનું પાલન કરાવવા, સમયાંતરે ઔદ્યોગિક એકમોમાં ઔદ્યોગિક સેફ્ટીના તમામ માપદંડનું ઇન્સ્પેક્શન તેમજ મોકડ્રીલનું આયોજન કરવા, પાણીજન્ય રોગચાળો અટકાવવા ગ્રામ્ય કક્ષાએ પાણીના સંગ્રહ કરવાની તમામ ટાંકીઓની સમયાંતરે યોગ્ય સફાઇ કરવા, ખાદ્યસામગ્રીઓમાં થતી ભેળસેળ અટકાવવા ખાસ ઝુંબેશ તરીકે કામગીરી કરવા, અધિકારીઓએ પ્રવાસ દરમિયાન વિવિધ સરકારી બાંધકામોની ચકાસણી કરવા તેમજ સંસદસભ્ય, ધારાસભ્યો તથા નાગરિકો તરફથી સ્ટ્રક્ચરલ અને પબ્લિક સેફ્ટી સંદર્ભે મળેલ રજૂઆતોને ગંભીરતાપૂર્વક લઈ યોગ્ય તપાસ કરી તાત્કાલિક જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેર, સર્વે પ્રાંત અધિકારીઓ સહિત સંલગ્ન વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh