Advertisement
Author: નોબત સમાચાર

પ્રદર્શન મેદાનમાં લોકમેળો ન યોજાય તે માટે કરવામાં આવેલો દાવો નામંજૂરઃ દંડ ફટકારાયો

વાદી આ દાવો કરવા હક્કદાર ન હોવાનું તારણઃ વાદીએ ભરવા પડશે ૧૦ હજારઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગરના એક આસામીએ પ્રદર્શન મેદાનમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા લોકમેળો યોજવામાં ન આવે તેવી માગણી સાથે અદાલતમાં મનાઈહુકમ માંગતો દાવો કર્યાે હતો. તે દાવાની તાત્કાલિક ધોરણે શરૂ કરાયેલી સુનાવણી પછી અદાલતે તે દાવો ફગાવી દીધો છે અને દાવો કરનાર વ્યક્તિને કાયદાનો દૂરઉપયોગ કરવા બદલ રૂ. ૧૦ હજારનો દંડ ભરવા પણ આદેશ કર્યાે છે.

આ કિસ્સાની વધુ વિગત મુજબ જામ્યુકો દ્વારા સાતરસ્તા નજીકના પ્રદર્શન મેદાનમાં દર વર્ષની માફક આ વખતે પણ શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે પ્રદર્શન મેદાનમાં હંગામી ધોરણે એસટી ડેપોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેના કારણે મેળામાં ઉમટેલા લોકો અને તેની વચ્ચે દોડતી એસટી બસના કારણે અકસ્માત સર્જાશે તેવી ભીતિ સાથે જામનગરના કલ્પેશ આસાણી નામના વ્યક્તિએ જામ્યુકો ત્યાં મેળો ન યોજે તે માટે મનાઈહુકમ મેળવવા જામનગરની અદાલતમાં દાવો નોંધાવ્યો હતો.

ચાલુ મહિનાની ૧૦ તારીખથી ૨૪ તારીખ સુધી બે સપ્તાહ માટે આ સ્થળે લોકમેળો યોજાનાર છે ત્યારે પ્રદર્શન મેદાનમાં એસટી બસની આવન જાવન અને મેળો માણવા ઉમટતા નાગરિકો અનેક સમસ્યાનો સામનો કરશે તેવી દહેશત બતાવી અદાલતનો આશરો લેવામાં આવ્યો હતો.

આ દાવો દાખલ કર્યા પછી ૧૦ તારીખથી મેળો શરૂ થતો હોવાના કારણે અદાલતમાં આ દાવાની તાત્કાલિક સુનાવણી શરૂ કરાઈ હતી. જેમાં સોમવાર તથા મંગળવારના દિવસોમાં જામ્યુકોના વકીલ વિરલ રાચ્છ તથા કલ્પેશ આસાણીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી. જેમાં અદાલતે અવલોકન પછી વાદી આ પ્રકારનો દાવો કરવા હક્કદાર નથી તેવી દલીલ ગ્રાહ્ય રાખી દાવો નામંજૂર કર્યાે છે અને વાદીએ અદાલતને રૂ. ૧૦ હજારનો દંડ પણ ભરી આપવો તેવો આદેશ કર્યાે છે.

જે વ્યક્તિ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો તે વ્યક્તિ દ્વારા ગયા વર્ષે પણ આવી જ રીતે દાવો કરાયો હતો પરંતુ તે દાવો કોઈપણ કારણસર તેણે પરત ખેંચી લીધો હતો પરંતુ આ વખતે જામ્યુકો દ્વારા તેમાં વકીલ વિરલ રાચ્છ મારફત લડત આપવામાં આવી હતી અને સીપીસીની કલમ ૯૧ હેઠળ આ દાવો ટકવા પાત્ર નથી અને જીપીએમસીની કલમ ૪૮૭ હેઠળ કોર્પોરેશનને દાવા પહેલા આપવાની થતી નોટીસ તો અપાઈ હતી પરંતુ તેની મુદ્દત પૂર્ણ થાય તે પહેલા દાવો કરી નખાતા દાવો અપરિપકવ જાહેર કરાયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh