Advertisement
Author: નોબત સમાચાર

"ધોકો" એટલે શું ?... આજે ધોકો, કાલે નૂતનવર્ષ, જલારામ જયંતીની તૈયારી, રાજકીય ક્ષેત્રે "નવી ઘોડી નવો દાવ..."

                                                                                                                                                                                                      

ગઈકાલે આપણે દિવાળી ધામધૂમથી ઉજવી. રાતભર રોશની, ખાણીપીણી અને હરવા-ફરવાના આયોજનો થયા, તો ફટાકડા પણ ફૂટ્યા. આનંદોત્સવ ઉજવાયો. અયોધ્યામાં દિવાળીની ઉજવણી કાંઈક અલગજ આકર્ષણ સાથે ઉજવાઈ. દેશ-દુનિયામાં ઉજાસ અને ઉમંગના પર્વને મનભરીને ઉજવવામાં આવ્યું.

વિક્રમ સંવતમાં આ વખતે આસો વદ અમાવસ્યા બે ભાગમાં વહેંચાયેલી હોવાથી આજે ખાલી દિવસ છે, જેજે તળપદી ભાષામાં "ધોકો" કહેવામાં આવે છે. આવતીકાલે સંવત ૨૦૮૨નો પ્રારંભ થશે. આજે જે ખાલી દિવસ અથવા ધોકો છે, તે પ્રકારે ઘણી વખત જુદી જુદી વિક્રમ સંવતની તિથિઓ વચ્ચે ખાલી દિવસ આવતો હોય છે, જે ક્યા કારણે આવે છે, અને તેની પાછળનું ગણિત કેવું હોય છે, તે જાણવું પણ રસપ્રદ બની રહ્યું છે.

ઈસ્વીસન પહેલા ૫૭ વર્ષ અગાઉ વિક્રમ સંવતની શરૂઆત રાજા વિક્રમાદિત્યે કરાવી હતી. વિક્રમ સંવતમાં તિથિઓનો ક્ષય અથવા તિથિઓની વૃદ્ધિ અવાર-નવાર આવે છે, જેથી ઘણી વખત એકજ તિથિ બે દિવસ વચ્ચે વહેંચાઈ જાય છે. આ જ કારણે આ વર્ષે વિક્રમ સંવત ૨૦૮૧ની આસો વદ અમાસ બે તારીખો વચ્ચે વહેંચાયેલી છે., અને ૨૦મી ઓક્ટોબરે દિવાળી પછી આજે પણ સાંજ સુધી અમાસ છે, અને તે પછી વર્ષ ૨૦૮૨ બેસતું હોવાથી આવતીકાલે નૂતનવર્ષ ઉજવાશે. અને આજે વચ્ચેના ખાલી દિવસે પણ ધાર્મિક આયોજનો સહિતના વિશેષ દિવસોની ઉજવણી થઈ રહી છે, તેનું મહાત્મય પણ ઘણું જ મહત્ત્વપૂર્ણ અને કાંઈક અલગ જ છે.

ચંદ્ર અને સૂર્યની પરિક્રમા પર આધારિત જુદા જુદા કેલેન્ડરો વચ્ચે તાલમેલ બેસાડવા વિક્રમ સંવતમાં તિથિક્ષય અને તિથિવૃદ્ધિ થતા હોય છે. જાણકારોના જણાવ્યા મુજબ ચંદ્ર પર આધારિત એક મહિનામાં ૨૯.૫ દિવસો હોય છે, જ્યારે સૂર્ય પર આધારિત કેલેન્ડર મુજબ વર્ષના ૩૬૫ દિવસો હોય છે. આથી દર મહિને આ તફાવતને સરભર કરવા માટે ગણતરી થતી હોય છે, અને તે મુજબ સમયાંતરે તિથિક્ષય અથવા તિથિવૃદ્ધિ થતી હોય છે. યોગાનુયોગ સંવત ૨૦૮૧ના અંતિમ દિવસે જ તિથિવૃદ્ધિ થતા આ વર્ષે દિવાળી અને નૂતનવર્ષની વચ્ચે "ધોકો" આવ્યો છે અને આવતીકાલે જ નૂતનવર્ષની ઉજવણી થવાની છે.

ચંદ્રના ૧૨ ચક્કર લગભગ ૩૫૪ દિવસોમાં થાય છે, જ્યારે સૂર્યના ૧૨ ચક્કર અંદાજે ૩૬૫ દિવસે સંપન્ન થતા હોય છે, તેથી અંદાજે ૧૧ દિવસોનો તફાવત સરભર કરવા તિથિક્ષય અને તિથિવૃદ્ધિનો આધાર લેવો પડતો હોય છે. ચંદ્ર આધારિત હિન્દુ કેલેન્ડરને સૂર્ય આધારિત કેલેન્ડર સાથે સમયોજિત કરવા માટે કેલેન્ડરમાં તિથિક્ષય અથવા તિથિવૃદ્ધિ કરીને બંને કેલેન્ડરને સંરેખિત રાખવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે.

તિથિ નક્કી કરવા માટે ભારતીય પંચાંગ અનુસાર ઈસ્વીસનની તારીખની જેમ હિન્દુ કેેલેન્ડરમાં તિથિ બદલતી હોતી નથી. સૂર્ય અને ચંદ્રની અલગ-અલગ ગતિ અને જુદા જુદા પથ હોવાથી તિથિ અને તારીખનું નિર્ધારણ અલગ-અલગ રીતે થાય છે, અને બીજા દિવસે કોઈપણ સમય સુધી ચાલુ રહે છે. ટૂંકમાં તારીખ જે રીતે રાત્રે ૧૨ વાગ્યે બદલી જાય છે, તેવી રીતે તિથિ બદલતી હોતી નથી.

ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મ પછી શરૂ થયેલા ઈસ્વીસન અનુસાર અત્યારે વિશ્વના મોટાભાગના દેશોમાં વહીવટ ચાલે છેે, પરંતુ તે શાસકીય, નાણાકીય અને વ્યવહારિક સમાનતા અને સંયોજન જાળવવા માટે હોય છે, જ્યારે ભારતમાં વિક્રમ સંવત મુજબ કારતક સુદ એકમથી આસો વદ અમાસ સુધીના વર્ષને પારંપારિક, સાંસ્કૃતિક અને વ્યવહારિક દૃષ્ટિએ એક વર્ષ માનવામાં આવે છે, જો કે, મૂળ હિન્દુ સંસ્કૃતિમાં યુગાબ્દની દૃષ્ટિએ અલગ મહિનાઓ વચ્ચેનું વર્ષ ગણાય છે, જ્યારે ઈસ્વીસન ૭૮માં શરૂ થયેલા શકસંવત મુજબ કેટલાક દેશોમાં વ્યવહારો ચાલે છે. આ તમામ ભૌગોલિક અને પંચાંગની ગણતરીઓના કારણે જ તિથિક્ષય, તિથિવૃદ્ધિ અને અધિક મહિનો આવે છે, અને આ વિષય ઘણો જ ગહન, ગાણિતિક અને અટપટો લાગે છતાં, તે ઘણો જ મહત્ત્વપૂર્ણ અને પારંપારિક છે.

આપણાં જ્યોતિશ શાસ્ત્રમાં ઘણુંજ ઊંડુ ગણિત તથા ગ્રહોની ગતિ, સૂર્ય ચંદ્રના ભ્રમણ અને ઋતુચક્રની માઈક્રોમેથ્સ ગણતરીઓ આધારિત ભવિષ્ય લખવાની પદ્ધતિઓ શિખવવામાં આવે છે, અને ગ્રહોની ભ્રમણગતિ તથા સ્થાનના આધારે સુત્રો અને દાખલા ગણીને જુદા જુદા તારણો કાઢવામાં આવતા હોય છે.

એકાદશી, વાગબારસ અથવા વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, ધોકો, લાભ પાંચમ અને છઠ્ઠનું પર્વ મળીને એક અઠવાડિયા જેટલું લાંબુ હોવાથી તથા તેમાં શિક્ષણક્ષેત્રે તથા ન્યાયક્ષેત્રે વેકેશનોનું સંયોજન થતા આ વર્ષે દિવાળીનું પર્વ લોકો પૂરેપૂરા સમયનો ઉપયોગ કરીને મનભરીને માણી રહ્યા છે, તેવા સમયે અગ્નિશામક તંત્રો, હેલ્થ સેક્ટર, સેનીટેશન, સ્ટ્રીટલાઈટ, ટ્રાફિક નિયમન, કાયદો-વ્યવસ્થા અને યાત્રાધામો તથા પ્રવાસ પર્યટન સ્થળોમાં જરૂરી મૂળભૂત વ્યવસ્થાઓ જાળવતા પાણી પુરવઠો, વીજ પુરવઠો, આવશ્યક પુરવઠો જાળવી રાખવાની વ્યવસ્થાઓ જાળવવા માટે રજાઓનો ત્યાગ કરીને કાર્યરત રહેતા અધિકારી-કર્મચારીઓ, સ્વયંસેવકો તથા સરહદે બાહ્ય અને ગામડાઓ, શહેરોમાં આંતરિક સુરક્ષા જાળવવા કાર્યરત તૈનાત જવાનો અને ઈન્ટરનેટના અદ્યતન ઓનલાઈન વ્યવસ્થાઓ જાળવતા તમામ લોકોને બિરદાવવા જોઈએ.

આજે ધોકો છે, અને આવતીકાલે નૂતનવર્ષ પછી ભાઈબીજથી લાભપાંચમ સુધી વેકેશનનો માહોલ રહેવાનો છે, અને હવે તો છઠ્ઠ માતાજીના તહેવારની ઉજવણી પણ દેશવ્યાપી બની છે. યુ.પી. અને બિહારમાં છઠ્ઠના પર્વનું વિશેષ મહત્ત્વ છે અને ઉત્તર ભારતના રાજ્યોમાં આ તહેવાર ધામધૂમથી મનાવાય છે. અને સૌરાષ્ટ્ર સહિત હવે વિશ્વભરમાં રઘુવંશી પરિવારો દ્વારા કારતક સુદ સાતમના દિવસે જલારામ જયંતી ધામધૂમથી ઉજવાય છે. જામનગર સહિત જલારામ જયંતીની ઉજવણી માટે તૈયારીઓ આજથી શરૂ થઈ ગઈ છે. "નોબત" પરિવાર આ તમામ તહેવારોની શુભકામનાઓ સૌ કોઈને પાઠવે છે.

ગુજરાતીમાં એક કહેવત પ્રચલિત છે કે, "નવી ઘોડી, નવો દાવ..." ગુજરાતમાં રાજકીય ક્ષેત્રેથી એવા સંકેતો મળી રહ્યા છે કે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મહત્તમ ફેરફારો કર્યા પછી હવે નવા પ્રદેશ ભાજપ પ્રમુખ પોતાની ટીમ બનાવશે અને પ્રદેશ ભાજપમાં નવા હોદ્દેદારો તથા કારોબારી નિમાશે. આ નવા પ્રાદેશિક માળખામાં હાલારમાંથી કોને મહત્ત્વનો હોદ્દો અપાશે, અને મંત્રીમંડળમાંથી પડતા મૂકાયેલા મંત્રીઓના કારણે ઊભી થયેલી નારાજગી દૂર કરવા રાજ્યભરના ભાજપના માળખામાં કેવા ફેરફારો થશે તેની ઉત્કંઠા વધી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh