Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સૌને ખ્યાલ હશે કે હમણાં જ ગયા રવિવારે ૨૪ ઓગષ્ટ *વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી થઇ. હું ગુજરાતી અને મારી ભાષા ગુજરાતી. મને ગૌરવ છે ગુજરાતી હોવાનું. આજે જ ગુજરાતી સાહિત્ય વિષે વાંચતા કવિ મિત્ર શ્રી ભાવિન ગોપાણીની સુંદર પંક્તિઓ વાંચવામાં આવી.જે આ મુજબ હતી.
*શિખામણ આપનારું કોઈ જણ
ઘરમાં નથી તો શું?
ખૂણો ખાલી જ છે ,થોડા પુસ્તક
ગોઠવી નાખો.*
– ભાવિન ગોપાણી
વાત કેટલી સચોટ અને સરસ છે?આજના જમાનામાં જ્યારે લોકો અને ખાસ કરીને યુવા પેઢી મોબાઈલમાં વ્યસ્ત હોય છે અને જાણો છો કે મોબાઈલમાં દુનિયાભરની વાતો મળે, જોવાનું, ન જોવાનું. શીખવાનું , ન શીખવાનું વગેરે બધું જ મળે અને દરેક યુવા એમાં એમની રુચિ અનુસાર એમાં રચ્યા પચ્યા રહે. એમને કોણ સમજાવે? હવેના સમયમાં બાળકોને અંગ્રેજીમાં ભણાવવાની પરંપરા ચાલી છે , બરાબર છે એમાં જરાય વાંધો ન હોય પણ એ સૌને એક વાત શીખવવી જોઈએ કે આપણે *ભણો અંગ્રેજીમાં પણ માતૃભાષા ગુજરાતીને ન ભૂલો. આ યુવા પેઢીમાં બધા જ યુવાન-યુવતી મોબાઈલ/ સોશિયલ મીડિયાને કારણે ખોટી દિશામાં જઈ રહૃાા છે એવું નથી. એ લોકો મનોરંજક , રચનાત્મક , નવું સારું ,પ્રગતિકારક, દિશા સૂચક અને જીવનમાં પ્રગતિ માટે કામ લાગે એવું વાંચતા સાંભળતા હોય છે. અને ઘણી ટકાવારી કાંઈ જ કામ ન લાગે અને માત્ર ઉંધા રવાડે ચડાવે એવું જોતા હોય છે. આ બધાને યૌવનના મદમાં એમની વાત જ સાચી લાગે. કાંઈ કહેશો તો તમે જુનવાણી લાગો. એ કહેશે કે જમાનો બદલાઈ રહૃાો છે જમાના સાથે ચાલો. એમને કોઈ કહેવા વાળું નથી. શિખામણ આપવા વાળું નથી. અને કોઈ આપે તો એ સાંભળવાના નથી. આવા લોકો માટે કવિ શ્રી ભાવિન ગોપાણી એ લખ્યું છે કે *ખૂણો ખાલી જ છે , થોડા પુસ્તક ગોઠવી દ્યો.* ભલે એ ખૂણામાં પડ્યા હોય ક્યારેક મોબાઈલથી થાકી પુસ્તકના એક બે પાનાં વાંચશે અને રસ જાગશે. આમ તો પુસ્તક કોઈપણ ભાષાના મૂકી શકાય પણ આપણું ગુજરાત છે અને આપણી ભાષા ગુજરાતી છે એટલે સારા ગુજરાતી પુસ્તકો રાખવા જોઈએ. મને એક સરસ કિસ્સો યાદ આવે છે. * એક મિત્રને ઘેર મળવા ગયેલો. હું એ મિત્ર અને એના પિતાજી વાતો કરતા હતા અને એ સમયે એ મિત્રની દીકરી આવી અને કહે પપ્પા નાઈન્ટી ટુ એટલે કેટલા? મિત્ર કહેવા જતો હતો બાણુ ત્યાં દાદાજી એ અટકાવ્યો અને એ દીકરીને કહૃાું કે આ ખૂણામાં ટેબલના બીજા ખાનામાં જે લીલા કલરનું પુસ્તક પડ્યું છે એ લઇ લે , એ છોકરી ત્યાં જઈ ઊભી રહીને જોતી હતી. બીજા ખાનામાં પુસ્તકોઓ દસ જ હતા પણ એ મૂંઝાતી હતી કે લીલા કલરનું એટલે ? એણે પૂછ્યું દાદાજી લીલા કલરનું એટલે આ યેલો કે ગ્રીન? દાદાજી કહે ગ્રીન . બેટા ભલે ભણો અંગ્રેજીમાં પણ આપણી ગુજરાતી પહેલા શીખો. એ વાત એના મગજમાં એટલી બેસી ગઈ કે એ ખૂણામાં પડેલા પુસ્તકો શીખવા માટે વાંચતી ગઈ અને બે જ વર્ષમાં એ શુદ્ધ ગુજરાતી બોલતી વાંચતી અને લખતી પણ થઈ ગઈ. એણે એની સખીઓ અને મિત્રોને પણ કહૃાું કે દાદાજી એ કહૃાું છે ભણો અંગ્રેજીમાં પણ ગુજરાતી ન ભૂલો. આપણી માતૃભાષા છે. અને એ બધા અનુસર્યા. આ જ કારણ છે કે આપણી ગુજરાતી ભાષા માટે વિશ્વ ગુજરાતી દિવસ જોરશોરથી મનાવવો જોઈએ.
૨૪ ઓગસ્ટના રોજ *વિશ્વ ગુજરાતી ભાષા દિવસ* તરીકે મનાવવામાં આવે છે. કારણ કે ૨૪ ઓગસ્ટ ૧૮૮૩ કવિ વીર નર્મદ નો જન્મ દિવસ, એમનું પૂરું નામ નર્મદાશંકર લાલશંકર દવે હતું. ૨૨ વર્ષની ઉંમરે તેમણે પહેલી કવિતા લખી હતી. એ પછી એમણે સાહિત્યની વ્યાખ્યા કરવાની શરૂઆત કરી. એ સમયે તેઓ મુંબઈમાં શિક્ષક હતા અને એક સારા વક્તા, નાટ્યકાર ,નિબંધકાર અને કોશકાર હતા, એમનું લખેલું કાવ્ય *જય જય ગરવી ગુજરાત *રાજ્ય ગાન બની ગયું છે. અંગ્રેજ રાજમાં એ કહેતા કે * મને ફાંકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી પણ કડકડાટ ગુજરાતી આવડવાનું ગૌરવ છે* આપણા બાળકોને આ જ શીખવવાનું છે કે આંતરરાષ્ટ્રીય વહેવાર અંગ્રેજીમાં ચાલે છે. ભવિષ્યમાં પરદેશ ભણવા પણ જવું પડે એટલે અંગ્રેજીમાં ભણવું પડે વિશ્વમાં બધે અંગ્રેજી ચાલે પણ આપણે ગુજરાતી છીએ એટલે ગુજરાતી તો આવડવું જ જોઈએ. વિશ્વમાં એવો કોઈ દેશ નહી હોય કે જ્યાં ગુજરાતી નહિ હોય. બધે જ છે. એ ગુજરાતીઓ એ મળી સર્વત્ર ગુજરાતી સમાજ બનાવેલા છે. એ લોકો મળે ત્યારે વાતો ગુજરાતીમાં કરે છે પણ દુઃખની વાત એ છે કે એમાંના ઘણા બાળકો માત્ર ઈંગ્લીશ બોલતા હોય છે, એમના માતા પિતા પણ એમને એ નથી કહેતા કે ગુજરાતી આવડવું જોઈએ. મેં જોયું છે કે ત્યાં બીજા પ્રાંતના પરિવારો હોય છે, એ લોકો એમની માતૃભાષામાં જ વાતો કરે છે, એમના બાળકો પણ, ખાસ કરીને દક્ષિણ ભારત, પંજાબ, મહારાષ્ટ્રના લોકો. આપણા ગુજરાતીઓ કેમ ન કરે એવું? એમને નાનમ લાગતી હશે? આપણે ગુજરાતી છીએ આપણને આપણી ગુજરાતી ભાષા માટે ગૌરવ હોવું જોઈએ અને આપણા સંતાનોને એ શીખવું સમજાવવું જોઈએ.
અન્ય રાજ્યોની વાત નીકળી જ છે તો બે રાજ્યોની વાત કરીએ એક તો તામિલનાડુ , ત્યાંનો વ્યક્તિ માત્ર તામિલમાં જ વાત કરશે. અને જ્યારે ખબર પડશે કે તમે ગુજરાતી કે અન્ય રાજ્યના છો તો ખાસ. એવું નથી કે એને આવડતું નથી , આવડે છે પણ બોલવું નથી. બે વર્ષ પહેલા હું તામિલનાડુ એક મિટિંગમાં ગયેલો ત્યાં મિટિંગમાં વચ્ચે જમવાનો સમય થયો. સૌને કહેવામાં આવ્યું કે ચર્ચા ચાલુ જ રહેશે , એક બેચ અડધો કલાકમાં જમીને આવે પછી બીજી બેચ જશે. અમે ગયા . જમવાનું હજી ગોઠવાયું નહોતું. મેં ત્યાંના માણસને હિન્દીમાં પૂછ્યું કે *ખાના કબ ટેબલ પર લગેગા? * એ માણસે તામિલમાં જવાબ આપ્યો ,મેં કહૃાું હિન્દી બોલો તો પણ એણે તામિલમાં જ જવાબ આપ્યો.
આમ બે ત્રણ વખત અલગ અલગ લોકોને પૂછ્યું . એ તામિલમાં જ બોલે. મારાથી ન રહેવાયું મેં ગુસ્સામાં કહૃાું *અરે ઓ ગધે , ઉલ્લુ કે પઠ્ઠે, (એક અપશબ્દ) , એ તરત બોલ્યો સાહબ ગાળી મત દો , અભી લગતા હું... મેં કહૃાું તો બોલના હિન્દી મેં અભી તક તમિલ મેં ક્યુ બોલતા હૈ.* આવું આપણા ગુજરાતમાં નથી. આપણને સંસ્કાર નડે પણ ધ્યાન તો રાખવું પડે કે બીજાને એની ભાષાનું ગૌરવ હોય તો આપણને કેમ નહિ. બેંકમાં તો દરેક પ્રાંતના લોકો હોય. મેં બેંકમાં જઈ એક ઓફિસરને ગુજરાતીમાં પૂછ્યું તો એ કહે હિન્દીમાં બોલો. મેં કહૃાું મારા ગુજરાતમાં તમે મને હિન્દીમાં બોલવાનું કહો છો? સાહેબ તમે સમજી શકાય એટલું ગુજરાતી શીખી લ્યો. હું તમને ગુજરાતીમાં બોલવા દબાણ નહિ કરું. પણ એટલું કહીશ જે ગુજરાતી ગુજરાતીમાં પૂછે એ સમજી જવાબ ભલે હિન્દીમાં આપો પણ એને હિન્દીમાં બોલવા દબાણ ન કરો. આપણા ગુજરાતીએ મક્કમ રહેવું જોઈએ કે હું ગુજરાતી જ બોલીશ.
હમણાં મહારાષ્ટ્ર , ખાસ કરીને મુંબઈમાં કેવું જોર કરવામાં આવે છે કે મરાઠી બોલો, આપણા ઘણાં વિરોધ કરે છે કે અમે ગુજરાતી છીએ અને ગુજરાતી બોલશું તોય એ જોર કરે જ છે. આપણે સંસ્કારી પ્રજાએ આગ્રહ રાખવો જોઈએ કે અમારા ગુજરાતીની ભાષા સમજવા જેટલું તો શીખો જ , જવાબ હિન્દીમાં બહાર જાઓ અને ત્યાં જુદી ભાષા હોય તો રાષ્ટ્રભાષા અને આપણા ગુજરાતી સાથે માતૃભાષા. મુંબઈમાં ગયેલા એક ગુજરાતી , કરિયાણાની દુકાનમાં ગયા અને હિન્દીમાં કોઈ વસ્તુ માટે પૂછ્યું તો એ દુકાનદારે તરત કહૃાું કે ગુજરાતથી આવો છો ને? તો ગુજરાતીમાં બોલોને , અમે પણ ગુજરાતી છીએ. તમે તમારી માતૃભાષામાં બોલો એ ન સમજે તો રાષ્ટ્રભાષા હિન્દી.
એક નાનો દાખલો , આપણું એક ગુજરાતી પરિવાર વર્ષોથી લોસ એન્જલસ માં રહે , ત્યાં જ જન્મ્યા, મોટા થયા. એ પરિવાર અહીં આવ્યું. એમના અહીંના સગા, બાળકો, વડીલો બધા તેમના સ્વાગત માટે ગયા હતા. એ પરિવાર આવ્યું એમાંના બાળકો, યુવાનો અને એમના માતા-પિતા, દાદા, દાદી બધા હતા. એ બધા આવ્યા અને એમના બાળકોએ અહીં સ્વાગતમાં ઊભેલા સૌ વડીલોના ચરણ સ્પર્શ કર્યા , અહીં બે બહેનોએ પૂછ્યું *હાઉ આર યુ? હાઉ વોઝ જર્ની*? એ બાળકે બહુ જ સરસ રીતે કહૃાું અમે બધા મજામાં અને અમારી યાત્રા બહુ જ સરસ રહી તમે બધા કેમ છો? અમને બહુ આનંદ થયો અમારી ગુજરાતની ધરતી પર પગ મૂકીને, દાદાજીએ તો ફ્લાઈટમાંથી ઉતરીને ધરતી ને નમન કર્યા એટલે અમે પણ માથું ટેકવ્યું... મારું ગુજરાત છે... સ્વાગત કરવા આવેલા સૌની આંખો ભીંજાઈ ગઈ. વિદેશમાં રહેતા ઘણાં પરિવારોના ગુજરાતીઓ આજે પણ ગુજરાતીમાં બોલે છે. આપણા ઘણા દંભમાં જીવે છે.
એટલે જ ઘરના ખૂણામાં થોડા ગુજરાતી પુસ્તકો રાખો. મન થાય ત્યારે વાંચતા રહો, બાળકોને એ સંસ્કાર આપો. આપણી ગુજરાતી ભાષા આપણી માં છે માતૃભાષા છે.
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial