Advertisement
Author: નોબત સમાચાર

શ્વાન પ્રેમ અને જનસુરક્ષાનું સમતુલન ધરાવતો 'સુપ્રિમ' ચૂકાદો... હવે સહિયારી જવાબદારી

                                                                                                                                                                                                      

પાણીનો અડધો કાચનો ગ્લાસ ભરેલો હોય, ત્યારે ઘણાં લોકોને તે જ ગ્લાસ અડધો ખાલી હોય તેવું લાગે, અને તેઓ પણ સાચા હોય છે. કાચનો અડધો ભરેલો ગ્લાસ હકીકતમાં અડધો ખાલી પણ હોય છે, કારણકે અત્યારે અડધા ભરેલા ગ્લાસને જ્યારે પૂરો ભરવામાં આવે, ત્યારે તેમાં અત્યારે ગ્લાસમાં હોય, તેથી થોડું વધુ પાણી સમાઈ જતુ હોય છે, કારણ કે મોટાભાગે ગ્લાસ નીચેથી સાંકડો અને ઉપરથી પહોળો હોય છે. આવું જ કંઈક હાઈકોર્ટ અને સુપ્રિમકોર્ટના કેટલાક અંતિમ ફેસલાઓના અર્થઘટનો કરતી વખતે પણ થતું હોય છે, તાજેતરમાં રખડતા શ્વાનને લગતો સુપ્રિમકોર્ટનો ચૂકાદો કાંઈક એવો જ જણાય છે., જેના વિવિધ અર્થઘટનો થઈ રહ્યા છે.

ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં તથા શહેરોમાં રખડતા શ્વાન કરડવા તથા આક્રમક કૂતરાઓની સમસ્યા તથા નિરૂપદ્રવિ કૂતરાઓની દેખભાળ માટે સમતુલન જાળવવાની રૂઢ વ્યવસ્થાઓ સંસ્થાકીય સહયોગથી તંત્રો કરવા લાગ્યા હોય તો તે સુપ્રિમકોર્ટની ત્રણ જજોની બેન્ચે આપેલા ફાયનલ ચૂકાદાને અનુરૂપ ગણાશે, સુપ્રિમકોર્ટની બે જજોની બેન્ચે આપેલા ફેસલા પર સ્ટે આપીને ત્રણ જજોની બેન્ચે સુનાવણી કર્યા પછી ઘણાં વિશ્લેષકો એવું અર્થઘટન કરી રહ્યા છે કે બે જજોની બેન્ચનો ફેસલો ત્રણ જજોની બેન્ચે પલટાવી નાખ્યો છે અને જીવદયાપ્રેમીઓની તરફેણ કરી છે, જ્યારે ઘણાં લોકો એવું પણ માને છે કે એ જજોની બેન્ચના ફેસલાને પલટાવાયો નથી, પરંતુ તેમા સુધારા-વધારા કરીને બે જજોનો જે નિર્ણય હતો, તે યથાવત રખાયો છે. ત્રણ જજોની બેન્ચે પણ અંતિમ ફેસલાને યથાવત રાખ્યો હોય, તેવા શબ્દપ્રયોગો કર્યા હોવાની દલીલ પણ થઈ રહી છે.

હકીકતે સુપ્રિમકોર્ટે બંને પક્ષકારોને સંતોષ થઈ જાય, આક્રમક અને બીમાર કૂતરાઓથી માનવજીવનને પહોંચતી હાનિના નિવારણના ઉપાયો પણ સૂચવાયા છે અને કૂતરાઓને આશ્રયસ્થાનોમાં રાખવા સામે જીવદયાપ્રેમીઓના વિરોધ અને તેના કારણોને પણ લક્ષ્યમાં લેવામાં આવ્યા છે, સુપ્રિમકોર્ટે કાઢેલો આ મધ્યમમાર્ગીય ફેસલો અડધા ભરેલા કે ખાલી ગ્લાસની ઉક્તિ સાથે સરખાવી શકાય કે કેમ, તે તો આપણે એટલે કે જનતાએ જ નક્કી કરવું પડે તેમ છે.

જામનગરની વાત કરીએ તો જામ્યુકોએ રખડતા કૂતરાઓના ખસીકરણ માટે રૂ. ૪ કરોડથી વધુ રકમનો કોન્ટ્રાક્ટ કોઈ પેઢીને આપ્યો છે, અને તે પેઢીના કર્મચારીઓ દરરોજ ૧૦ જેટલા કૂતરાઓને ખસીકરણ કરીને અને ચાર-પાંચ દિવસ ઓબઝર્વેશન હેઠળ રાખીને જ્યાંથી લાવ્યા હોય, તે જ વિસ્તારમાં છોડી દેતા હોવાનું કહેવાય છે. આ પ્રકારની વ્યવસ્થા છતાં જામનગરમાં નગરજનો રખડતા કૂતરાઓથી ત્રસ્ત હોવાના અહેવાલો પણ અવાર-નવાર ગુંજતા રહેતા હોય છે, જેથી શહેરમાં શ્વાનોની સંખ્યાને અનુરૂપ કૂતરાઓના ખસીકરણ તથા રોગપ્રતિરોધક રસીકરણની પ્રક્રિયા અનેકગણી વધારવી પડે તેમ છે. શહેરમાં દરરોજ ડોગ બાઈટીંગ (કૂતરૂ કરડવા)ના દસ-બાર કેસ નોંધાતા હોય ત્યારે સુપ્રિમકોર્ટે આપેલા તાજા ફેસલા મુજબના પગલા લેવામાં ઝડપ વધારવી અત્યંત જરૂરી હોવાનો જનમત છે. એવું કહેવાય છે કે, આ પેઢી દ્વારા ડઝનેક કર્મચારીઓ આ કામગીરી કરી રહ્યા છે અને દરરોજ ૧૦ ના બદલે ૨૦ કૂતરાઓનું ખસીકરણ કરાશે. આ પેઢી સાથે વેટરનરી સરકારી તંત્રનું સંયોજન કરીને ખસીકરણ અને રસીકરણની પ્રક્રિયા હજુ ઘણી વધુ ઝડપી કરવી જોઈએ, તેવા અભિપ્રાયોને લક્ષ્યમાં લઈને મનપા અને રાજ્ય સરકારે સંકલિત લોજિસ્ટિક સપોર્ટ સાથે ઝડપી પ્રતિક્રિયાની વ્યવસ્થાઓ કરવી જ જોઈએ ને ?

જામનગર મનપા હોય, જિલ્લા તંત્રો હોય કે રાજ્યની કોઈપણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા હોય, તંત્રોની આ કામગીરીમાં પણ જનતા તથા જીવદયાપ્રેમી સંસ્થાઓનો સક્રિય અને સમાયોજિત સહયોગ અત્યંત જરૂરી ગણાય. જામનગર મનપાના તંત્રે સુપ્રિમકોર્ટની ગાઈડલાઈનને અનુસરીને સ્ટ્રીટ ડોગ્સને પકડી, ખસીકરણ કરીને સ્વસ્થ થયા પછી તે જ વિસ્તારમાં છોડવાનું અભિયાન આદર્યું હોય તો તેમાં જનસહયોગ અને સંસ્થાકીય સહભાગિતાની પણ એટલી જ જરૂર રહે છે તે પણ નક્કર હકીકત છે.

સુપ્રિમકોર્ટે સ્ટ્રીટ ડોગ્ઝને જ્યાં ત્યાં ખોરાક આપવાના બદલે કોઈ ચોકકસ સ્થળ નક્કી કરીને ત્યાં જ ખોરાક-પાણીની વ્યવસ્થા કરવાની જે સૂચનાઓ આપી છે, તેવી વ્યવસ્થા માટે તંત્રો સતર્ક રહે, તો પણ જ્યાં સુધી કૂતરાઓને ખોરાક-પાણી જ્યાં ત્યાં ફેંકવાનું તથા ખાદ્યપદાર્થો-પીણાઓનો કચરો અને એંઠવાડ ગમે ત્યાં ફેંકી દેવાનું બંધ નહીં થાય, ત્યાં સુધી આ સમસ્યા સંપૂર્ણપણે ઉકેલાવાની જ નથી, અને આટલું ધ્યાન પણ આપણે ન રાખી શકીએ, તો કૂતરા કરડવા કે આડે ઉતરતા થતા અકસ્માતની ફરિયાદો કરતા રહેવાનો કોઈ અર્થ ખરો ?... જરા વિચારીએ...

જાણીતા જીવદયાપ્રેમી મેનકાબેન ગાંધીએ પણ સુપ્રિમકોર્ટના અંતિમ આદેશને યોગ્ય ઠરાવીને કહ્યું છે કે કૂતરાઓ માટે નક્કી કરેલા સ્થાન પર જ ખોરાક-પાણીની વ્યવસ્થા કરવી જોઈએ, અને જો ત્યાં કૂતરા ખાય નહીં તો ભલે ભૂખ્યા રહે !

ટૂંકમાં આ સમસ્યા માનવી તથા કૂતરાઓ બંને પ્રત્યે માનવતાના ધોરણે અભિગમ દાખવીને સુપ્રિમકોર્ટે સૂચવેલા વચલા માર્ગે ચાલવાથી સમસ્યા પણ ઘટાડી શકાશે અને શ્વાનોની સુરક્ષા અને સ્વાસ્થ્ય પણ જાળવી શકાશે. આ મુદ્દે સોથી વધુ જરૂર તંત્રોની ઈચ્છાશક્તિ સાથેની સક્રિયતા અને વ્યાપક જનસહયોગની છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh