Advertisement
Author: નોબત સમાચાર

શિવજીએ શ્રી વિષ્ણુને સુદર્શન ચક્ર અર્પણ કર્યું...

                                                                                                                                                                                                      

એક સમયે દૈત્યો ખૂબ જ બળવાન થઈ અને ધર્મનો લેપ કરવા લાગ્યા હતા. તે વખતે દૈત્યો વડે પીડિત થયેલા દેવતાઓએ ભગવાન શ્રી વિષ્ણુ પાસે પ્રાર્થના કરી અને કહ્યું કે, દૈત્યો અમને ત્રાસ આપે છે. માટે અમને મુકિત અપાવો અમે તમારે શરણે આવ્યા છીએ."

વિષ્ણુ ભગવાને દેવતાઓને હૈયા ધારણ આપતા કહ્યું, " આ શત્રુ બલિષ્ટ છે માટે તમેને પ્રયત્નથી જીતવા પડે તે માટે ભગવાન શંકરની મદદની જરૂર હોઈ હું ભગવાન શંકરનું આરાધન કરીશ અને ભગવાન શંકર મને પ્રસંન્ન થશે એટલે હું તમારું કાર્ય અવશ્ય કરીશ. આ પ્રમાણે વિષ્ણુ ભગવાને જવાબ આપ્યો એટલે સૌ દેવતાઓ પોતપોતાના સ્થાને ગયા, ત્યાર પછી દેવતાઓનો જય કરવા માટે ભગવાન વિષ્ણુએ શિવજીને પ્રસન્ન કરવા માટે કૈલાશની સમીપ જઇ અને તપસ્યા કરી. પાર્થીવ લિંગનું શાસ્ત્રોક્ત વિધાનથી નાના પ્રકારના મંત્રો તથા સ્ત્રોતો વગેરેથી શંકરજીને પ્રસન્ન કરવા પ્રયત્નો શરૂ કર્યા.

હરિ એવા વિષ્ણુ ભગવાને પ્રતિજ્ઞા લીધી કે, જયાં સુધી સાક્ષાત શિવજી પ્રસન્ન ન થાય ત્યાં સુધી તપસ્યાના સ્થળથી હટીશ નહીં . પછી માનસરોવરમાંથી મંગાવેલા કમળો વડે મહાદેવજીનું પૂજન કરવા લાગ્યા ત્યારે પણ શિવજી પ્રસન્ન ન થયા તેથી ભગવાન વિષ્ણુ વિચાર મગ્ન બન્યા. બહુ વિચાર પછી કષ્ટરૂપ તપ કર્યું. એ રીતે પણ તપ કર્યા પછીએ સદાશિવ પ્રસન્ન થયા નહીં. આખરે શિવજીના સહસ્ત્ર નામનું એક પછી એક ઉચ્ચાર કરી પરમહર્ષથી પ્રભુના મસ્તક પર એક એક કમળ અર્પણ કરવા લાગ્યા. ત્યારે ભગવાન સદાશિવને વિષ્ણુ ભગવાનની ભક્તિની પરીક્ષા કરવાની ઇચ્છા થઈ. તેથી હજાર કમળ માંગી એક કમળ હર એવા મહાદેવજીએ હરિ લીધું. શિવજીની આ અદ્ભુત લીલાને વિષ્ણુ ભગવાન જાણી શક્યા નહીં, જેથી ૫ૂર્વ સંકલ્પ પ્રમાણે વિષ્ણુ સહસ્ત્ર કમળમાં એક કમળ ઓછું થયું જાણી શ્રી વિષ્ણુ સંખ્યા પૂરી કરવા પોતાનું નેત્ર કમળ કાઢયું. બરાબર એ જ સમયે ભગવાન સદાશિવ પ્રગટ થયા અને શ્રી હરિને સંબોધી અને કહ્યું કે, "તમારી ઉપર હું પ્રસન્ન થયો છું માટે તમે વરદાન માંગો. તમે જે માંગશો તે આપવા હું તત્પર છું."

શિવજીના વચનનું શ્રવણ કરી ભગવાન વિષ્ણુ ખૂબ જ હર્ષ પામ્યા અને શિવજીને સંબોધીને કહ્યું, "હે શંકર ! હે મહાદેવ ! તમારી પાસે હું શું યાચના કરુ ? તમે તો અંતરયામી છો અને સર્વના હૃદયમાં રહ્યાં છો. આ દૈત્યોને લીધે સમગ્ર વિશ્વ પીડા ભોગવે છે માટે તેને સુખ આપો. દૈત્યોને હણવા માટે કોઈ આયુધ પ્રવર્તમાન નથી. માટે હું તમારે શરણે આવ્યો છું.'  એમ કહી પરમાત્મા એવા શિવને નમસ્કાર કરી ઊભા રહ્યાં. ત્યારે પ્રસન્ન થયેલા શિવજીને સુદર્શન નામનું ચક્ર ભગવાન વિષ્ણુને આપ્યું. તેના વડે શ્રી હરિ એ સર્વે દૈત્યોને પીડિત કર્યા અને દેવતાઓને દૈત્યોની પીડામાંથી મુક્ત કર્યા.

- દેવેન કનકચંદ્ર વ્યાસ (અંજાર, કચ્છ)

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh