Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ખીજડા મંદિરમાં પ્રાણનાથજી પ્રાગટયોત્સવ હેઠળ ત્રિદિવસિય કાર્યક્રમોઃ કાલે નીકળશે ભવ્ય શોભાયાત્રા

મહાઆરતી, ધ્વજારોહણ, નગરભ્રમણ પછી શ્રી તારતમ સાગર અખંડ પારાયણની પુર્ણાહૂતિ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: જામનગર શહેરની સુપ્રસિદ્ધ ધાર્મિક સંસ્થા શ્રી ૫ નવતનપુરીધામ, ખીજડા મંદિર ત્રિદિવસીય મહામતિશ્રી પ્રાણનાથજીના પ્રાગટ્ય મહોત્સવનો આજથી ઉત્સાહભેર પ્રારંભ થયો છે.

છોટીકાશી ગણાતી જામનગરની ઘરા પર મહામતિશ્રી પ્રાણનાથજીનું પ્રાગટ્ય વિક્રમ સંવત ૧૬૭૫ ભાદરવા વદ ચૌદશને રવિવાર (૬ સપ્ટેમ્બર  ૧૬૧૮)ના જામરાજાના દીવાન કેશવરાયજીને ત્યાં થયો હતો . તેઓએ જામનગરથી પન્ના ( મ.પ્ર .) સુધી ધર્મયાત્રા કરી સામાજિક જાગૃતિ , ધાર્મિક ચેતના અને રાજનીતિ ક્ષેત્રે નવા ક્રાંતિકારી મૂલ્યો પ્રસ્થાપિત કર્યા છે. ધર્મપ્રચાર યાત્રા દરમ્યાન ૧૮૭૫૮ ચોપાઈઓ પ્રકટી હતી. તેમનું સંકલન  શ્રી તારતમ સાગર''માં થયું છે . માનવીના આધ્યાત્મિક ઉત્થાનની સાથો-સાથ સમાજ સુધારણાનો ઉપદેશ આપી વિશ્વ ધર્મની બુનિયાદ ખડી કરી ભારતીય સંસ્કૃતિની ભવ્યતાને વિશ્વ કલ્યાણના મહાન સંદેશ દ્વારા વ્યક્ત કરી માનવ જાતને સાતા આપવાનો પ્રયત્ન કર્યો હતો .

આજે સવારે શ્રી ૫ નવતનપુરીધામ, ખીજડા મંદિરમાં શ્રી તારતમ સાગરની અખંડ પારાયણનો પ્રારંભ થયો છે. આ શુભ અવસરે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય જગદગુરુ આચાર્ય શ્રી ૧૦૮ કૃષ્ણમણીજી મહારાજ, શ્રી ૧૦૮ લક્ષ્મણદેવજી મહારાજ, શ્રી કૃષ્ણ પ્રણામી પિતાંબર પીઠ  આસામના સ્વામી શ્રી ૧૦૮ નારાયણ સ્વામીજી, શ્રી ૧૦૮ દિવ્યચેતન્યજી મહારાજ, સુરેન્દ્રજી મહારાજ, ગોરખપુરથી રમેશદાસજી મહારાજ, હરિહરાનંદજી મહારાજ સહિતના સંતો મહંતો અને શ્રી ૫ નવતનપુરીધામ- ખીજડા મંદિરના ટ્રસ્ટીઓ અને મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટય કરી મહોત્સવનો પ્રારંભ કરાયો છે.

શ્રી પ્રાણનાથજી મહારાજના પ્રાગટ્ય મહોત્સવ પ્રસંગે જામનગર અને આસપાસના અન્ય રાજ્યો ઉપરાંત દેશ વિદેશમાંથી આવેલા સુંદરસાથજી ભાવિકોની ઉપસ્થતિમાં તારતમ સાગરની અખંડ પારાયણના શુભારંભ બાદ શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય જગદગુરુ આચાર્ય શ્રી ૧૦૮ કૃષ્ણમણીજી મહારાજ અને ઉપસ્થિત સંતો મહંતોએ ધાર્મિક પ્રવચન કર્યું હતુ. અને મહામતિ શ્રી પ્રાણનાથજીના પ્રાગટ્ય બાદ હિન્દુ ધર્મ અને સનાતન ધર્મના પ્રચાર પ્રસાર માટે દેશ વિદેશની યાત્રા અને જીવન ચરિત્રમાંથી પ્રેરણા લેવા ઉપદેશ આપ્યો હતો.

ત્રિદિવસીય શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવનો આજે શુક્રવારે પ્રારંભ થયો છે. કાલે ૨૦, સપ્ટેમ્બર સવારે ૧૦ કલાકે મહામતી શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની મહાઆરતી, દર્શન તથા નૂતન ધ્વજારોહણ થશે ત્યારબાદ સાંજે ૪ કલાકે શ્રી ૫ નવતનપુરી ધામ, ખીજડા મંદિરથી વિશાળ શોભાયાત્રા પણ નીકળશે. જે શોભાયાત્રા વાજતગાજતે જામનગર શહેરના મુખ્ય માર્ગો પરથી ફરી મહામતિ શ્રી પ્રાણનાથજીના જન્મ સ્થાન 'શ્રી પ્રાણનાથ મેડી મંદિર' થઈ આ શોભાયાત્રા નગર પરિભ્રમણ કરી પુનઃ ખીજડા મંદિરે પહોંચી સંપન્ન થશે. તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૫ને રવિવારના શ્રી તારતમ સાગર''ની અખંડ પારાયણની સવારે ૧૦:૩૦ વાગ્યે પૂર્ણાહુતિ થશે. ત્રિદિવસીય શ્રી પ્રાણનાથજી પ્રાકટ્ય મહોત્સવમાં જોડાવા દેશ  વિદેશ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી સુંદરસાથજી ભાવિકોનો પ્રવાહ ઉમટી રહૃાો છે. તેમ  કિંજલ કારસરીયા જણાવેલ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh