Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'સ્વચ્છતા હી સેવા' અભિયાન
જામનગર તા. ૧૯ જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા હી સેવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ખૂબ જ આવકારદાયક બાબત છે કે સ્વચ્છતા જાળવણી માટે લોકોને સ્વયંભૂ સહકાર આપવાનો સંદેશ આપવાનો પ્રયાસ થાય છે.
જામનગરમાં મનપા તંત્રના સફાઈ વિભાગની કામગીરી પ્રત્યે કાયમ માટે ઘેરા અસંતોષ અને ઉગ્ર રોષની લાગણી ફેલાયેલી હોય છે, કારણ કે શહેરના લગભગ તમામ વિસ્તારો, જાહેર માર્ગો, રહેણાક વિસ્તારો, શેરી-ગલીઓમાં કચરા-ગંદકીની ફરિયાદો વ્યાપક અને કાયમી છે.
તેમાંય રસ્તા ઉપર, તો ક્યાંકં રસ્તા વચ્ચોવચ્ચ રાખેલા કચરાના કન્ટેનરો તો ઉકરડાના મોટા સ્થળ બની ગયા છે. અખબારોમાં અનેક વખત અને વારંવાર અલગ અલગ સ્થળોના ફેલાઈ રહેલા ગંદકીના સામ્રાજ્યની તસ્વીરો સાથેના અહેવાલો પ્રસિદ્ધ થાય છે, પણ મનપાના સફાઈ વિભાગની નિષ્ક્રિયતા, ફરજ પ્રત્યેની બેદરકારી, નિંભરતાના કારણે તેમજ શાસક ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આંખે પાટા બાંધીને બહેરા બનીને બેઠા હોય તેવી સ્થિતિમાં ગંદકી, કચરાની સમસ્યાનો કોઈ સંતોષકારક ઉકેલ આવ્યો નથી.
અત્યારે સ્વચ્છતા હી સેવાના નામે જે અભિયાન શરૂ કરાયું તેમાં ભાજપના ઉચ્ચ નેતાઓ, મનપાના પદાધિકારીઓ અને ભાજપના કોર્પોરેટરો દ્વારા હાથમાં સાવરણા લઈને લોકોને સ્વચ્છતા જાળવણીની અપીલ સાથે કચરો સાફ કરતા હોય તેવો પ્રતિકાત્મક સંદેશો આપવામાં આવ્યો... પણ આ સંદેશ આપતી વેળાએ શહેરમાં કચરો-ગંદકી-એંઠવાડ, પ્લાસ્ટિકના ડૂચ્ચાથી ઉભરાતા કન્ટેનરો અને ત્યાં ઢોરના અડીંગા ફેલાયેલા છે. દુર્ગંધ અને ગંદકીવાળા સ્થળોના બદલે જ્યાં વૃક્ષોના માત્ર ખરેલા પાંદડા જેવા ચોખ્ખા ચણક સ્થળે સફાઈ કરતા હોય તેવા દૃશ્યો જોવા મળ્યા... અને આ કાર્યક્રમો માત્ર ફોટોસેશન જ બની રહ્યા હોય અને મફતમાં પ્રસિદ્ધિ મેળવવા માટેની સ્પર્ધા હોય તેવો ઘાટ થયો છે, કારણ કે પા-અડધી કલાકના આવા નાટકની ન તો આમજનતાને ખાસ અસર થાય છે તો જેની સીધી જવાબદારી છે તેવા સફાઈ વિભાગ અને મહાનગરપાલિકા તેમજ ભાજપના નેતાઓ પર તો કોઈ અસર જ જોવા મળતી નથી.
જામનગરમાં રણજીત રોડ પર ખાદીભંડાર પાસે આવેલ જાહેર મૂતરડી પાસે ર૪ કલાક અડધા રસ્તામાં કચરો ફેલાયેલો રહે છે, ઢોરના અડીંગા જામેલા રહે છે. જુની દિપક ટોકીઝથી લઈને શાક માર્કેટ સુધી અને શાક માર્કેટ પાસે તો શહેરનો સૌથી મોટો ઉકરડો હોય તેવી સ્થિતિ કાયમ જોવા મળે છે. આ તો માત્ર બે ઉદાહરણો છે, બાકી અગાઉ ઉલ્લેખ કર્યો તેમ સમગ્ર શહેરમાં આવી દોઝખભરી સ્થિતિ છે. જ્યારે એક ટીખ્ખળખોર ટીકાકારે જણાવ્યું કે સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સાવરણા હાથમાં લઈને ફોટા પડવાનારા નેતાઓએ ખરેખર તો આવા સ્થળોની સફાઈ કરવી જોઈએ... પણ આવા સ્થળો તો તેમને ક્યારે ય દેખાતા નથી, રજૂઆતો સંભળાતી નથી.
મહાત્મા ગાંધીજીએ સ્વચ્છતાનો સંદેશ આપ્યો તેને આજના ભાજપના શાસકો ભલે ખૂબ જ મહત્ત્વ આપતા હોય, પણ આ જ પક્ષના કેટલાક બેશરમ ચોક્કસ વર્ગ દ્વારા ગાંધીજીને બદનામ કરવામાં પણ સોશિયલ મીડિયા પર કોઈ કચાશ છોડતા નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial