Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવરાત્રિ-દશેરા પછી આવતી અગિયારસ એટલે કે
શરદપૂર્ણિમાની ઉજવણી થઈ. આ વર્ષે ચોમાસું લાંબુ ચાલ્યું. નવરાત્રિના આયોજનો પર અસર થઈ જે લોકો અનુષ્ઠાન કરતા હતાં અને ખૂબ જ ભક્તિ, શ્રદ્ધા અને પારંપારિક રીતે ગરબી રમતા હતાં, તેઓને વરસાદનું વિઘ્ન બહું નહીં હોય, પરંતુ કોમર્શિયલ ધોરણે થતા મેગા આયોજનોને ખલેલ પણ પહોંચી હશે અને આ પ્રકારના કેટલાક આયોજનોમાં પણ જેઓ નફા-તોટાનો હિસાબ કરતા હશે, તેઓને નાણાકીય નુક્સાન પણ થયું હશે, જેવી માતાજીની ઈચ્છા...
આપણે દશેરા અથવા વિજ્યાદશમી પણ ધામધૂમથી ઉજવી. ભગવાન શ્રીરામે રાવણનો શ્રીલંકામાં સંહાર કર્યો અને તે જ પખવાડિયામાં ૧૪ વર્ષનો વનવાસ પૂર્ણ થતા ભગવાન શ્રીરામ અયોધ્યા પરત ફર્યા, અને શ્રીરામની અમાનત માનીને તથા પોતે પણ એક કુટિરમાં રહીને જેનું શાસન કર્યું હતું, તે અયોધયાની રાજગાદી ભગવાન શ્રીરામને માનભેર સુપ્રત કરી, અને તે પછી ભગવાન શ્રીરામ અયોધ્યાના રાજા બન્યા, તે પ્રસંગને સાંકળીને અયોધ્યામાં ઘેર-ઘેર દીપક પ્રજવલિત થયા, ઢોલ-નગારા-શરણાઈ ગૂંજ્યા, સમગ્ર રાજ્યમાં ઘેર-ઘેર આંગણામાં રંગોળીઓ રચાઈ અને ઉત્સવ ઉજવાયો, તે પરંપરા આજપર્યંત ચાલતી રહી છે અને દીપોત્સવી તરીકે દીપના ઉત્સવ તરીકે આપણે દિવાળીનો તહેવાર ઉજવતા રહ્યા છીએ.
દીપોત્સવીપર્વનું મહાત્મય
આપણાં દેશમાં દીપોત્સવી એટલે દિવાળીનો તહેવાર. સાર્વજનિક રીતે ઉજવાય છે, અને આ તહેવારો વિવિધતામાં એક્તા તથા દેશની પ્રાચીન સંસ્કૃતિ સાથે અર્વાચીનતાના સંગમ સાથે પૂરેપૂરી પવિત્રતા, મર્યાદા અને સભ્યતાથી ઉજવાય છે. દીપોત્સવીનો દિવસ અને તેની આગળ-પાછળના અગિયારસથી લઈને ભાઈબીજ-લાભપાંચમના અલગ-અલગ મહાત્મય અને સંદર્ભો ધરાવતા દિવસોની શ્રૃંખલાને દીપોત્સવ પર્વ તરીકે આપણે ઉજવીએ છીએ અને આ દરમિયાન વિક્રમ સંવત બદલતું હોવાથી કારતક સુદ એકમના દિવસે આપણે નૂતન વર્ષ પણ મનાવીએ છીએ. દીપોત્સવી વર્ષની આ શ્રૃંખલા આમ તો છેક દેવદિવાળી સુધી ચાલે છે, અને કારતક સુદ-૧૧ પછી દેવઊઠી એકાદશી-દેવદિવાળી પછી સંતપરંપરા મુજબ ચતુર્માસ પૂરા થાય છે, અને તે પછી હિન્દુ પરંપરા મુજબ સગાઈ-લગ્ન જેવા મંગલકાર્યોના મુહૂર્ત નીકળતા જ માહોલ શુભલગ્નો અને અન્ય મંગલકાર્યોથી ધમધમવા લાગે છે.
દિવાળીનું મહાત્મય
દિવાળી અથવા દીપોત્સવીનો મુખ્ય દિવસ ભગવાન શ્રીરામના રાજ્યાભિષેક અને અસૂરોના માતાજીએ કરેલા વધ સાથે સંકળાયેલો છે, તે આપણે બધા જાણીએ જ છીએ, પરંતુ તેની સાથે જોડાયેલી સામાજિક, વ્યાપારિક અને વ્યવહારિક-વ્યવસાયિક અલગ-અલગ અનેક પરંપરાઓ તથા માન્યતાઓના કાર્યો દિવાળીનું મહત્ત્વ વિવિધલક્ષી થઈ જાય છે. લક્ષ્મીપૂજન, ચોપડાપૂજન અને કૃષિ-ઓજારોનું પૂજન, કેટલાક સ્થળે શસ્ત્રપૂજન, વૃક્ષપૂજન, જળશક્તિનું પૂજન વિગેરે પરંપરાઓ આપણા વૈવિધ્યપૂર્ણ વિશાળ દેશના જુદા-જુદા પ્રદેશોમાં જુદી જુદી રીતે ઉજવાય છે.
રામાયણમાં ભગવાન શ્રીરામના રાજ્યાભિષેકનું વિસ્તૃત વર્ણન છે, તો કાલિકા પુરાણ મુજબ મહાકાળી માતાજીએ અસૂરોનો સંહાર કર્યો તેને સાંકળીને છોટી દિવાળી અથવા કાળી ચૌદશ દિવાળીના આગલા દિવસે મનાવાય છે. કેટલાક લોકો પૃથુરાજાના શાસન સાથે પણ દિવાળીને સાંકળે છે, ગૌપૂજન તથા ગોવર્ધન પૂજન સાથે ભગવાન વિષ્ણુને સાંકળીને પણ દિવાળીનું પર્વ ઉજવાય છે. દિવાળીનું પર્વ આખા દેશમાં તો ઉજવાય જ છે, પરંતુ આખી દુનિયામાં આ તહેવાર હવે બિન-ભારતીયો પણ ઉમંગભેર ઉજવે છે અને કેટલાક દેશોના રાષ્ટ્રપતિ ભવન કે પીએમઓમાં પણ દીપોત્સવી પર્વ ઉજવાય છે, જે આપણા દેશનું વૈશ્વિક ગૌરવ ગણાય. આ પર્વે દેશભરમાં આતશબાજી થાય છે, અને પર્યાવરણને નુક્સાન ન કરે, તેવા પ્રકારના ફટાકડા ફોડવાનો આગ્રહ રખાય છે.
ઉત્પત્તિ એકાદશીથી
દેવઊઠી એકાદશીની શ્રેણી
ઉત્પત્તિ એકાદશી દેવદિવાળી સુધીના તહેવારોના અલગ અલગ મહત્ત્વ છે, જે સર્વવિદીત છે અને આપણે બધા જાણીએ જ છીએ.
કારતક વદ અગિયારસના દિવસે આપણે ઉત્પત્તિ એકાદશી ઉજવીએ છીએ. ઉત્પત્તિ એકાદશીના દિવસે વ્રત અને સત્સંગ થાય છે. આ દિવસે ઘણાં ભાવિકો ઉપવાસ કરે છે. વૈષ્ણવો શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ રાખતા હોય છે.
વાઘબારસ અથવા ગોવત્સ દ્વાદશીની પૂજા કારતક વદ-૧ર ના દિવસે થાય છે. આ દિવસે ગાયમાતાજી તથા વાછરડા-વાછરડીઓનું પૂજન કરવામાં આવે છે, અને આ વ્રત અને પૂજન કરતા લોકો તે દિવસે ગાયના દૂધનું સેવન કરતા નથી, કે ગાયના દૂધના બાય પ્રોડક્ટ્સ એટલે કે ગાયના દૂધમાંથી બનેલા દૂધ, દહીં, છાસ, માખણ કે મીઠાઈ સહિત કોઈપણ ચીજવસ્તુઓનું સેવન કરતા નથી.
તે પછી ધનતેરસનો તહેવાર પણ વિવિધ મહાત્મયો ધરાવતો હોવાથી વિશેષ પૂજા-અર્ચના સાથે ભગવાન ધન્વન્તરિનો પ્રાગટ્ય દિવસ પણ મનાવવામાં આવે છે, અને આયુર્વેદિક ઉપચાર પદ્ધતિનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરવામાં આવે છે. અન્ય મહાત્મય મુજબ ધન, વૈભવ અને સમૃદ્ધિના પ્રતીક લક્ષ્મીજી અને કૂબેરજીની આરાધના કરવામાં આવે છે. જે આપણે બધા જાણીએ છીએ. આ દિવસે આભૂષણો, પ્રોપર્ટી, સોનું-ચાંદી, વાહનો, ફર્નિચર વિગેરેની ખરીદી થતી હોવાથી ધનતેરસનું આર્થિક દૃષ્ટિએ પણ માર્કેટીંગ તથા રોજગારીને સાંકળતું અનોખું મહત્ત્વ છે.
આસો વદ અમાસના આગળના દિવસને છોટી દિપાવલી પણ કહે છે. આ ચૌદસના પણ વિવિધ અને રસપ્રદ મહાત્મયો છે.
અમે નાના હતાં, ત્યારે બા અને બાપુજી અમને પરોઢિયે ચાર વાગ્યામાં ઊઠાડીને નવડાવતા અને કહેતા કે જો સૂર્યોદય પછી એ દિવસે સ્નાન કરીએ, એટલે કે સૂર્યોદય પહેલા નાહી લીધું ન હોય (સ્નાન કર્યું ન હોય) તો કાગડો રૂપ લઈ જાય!
હકીકતે પરંપરા મુજબ આ દિવસે પરોઢિયે સૂર્યોદય પહેલા તેલ અને સુગંધી દ્રવ્યો લગાવીને સ્નાન કરવાથી સૌંદર્ય વધે છે, તેવી માન્યતા છે. ભગવાન શ્રીકૃષ્ણે નરકાસુરનો વધ કર્યો તેની સ્મૃતિમાં આ પર્વ ઉજવાય છે, તેવી પણ એક માન્યતા છે.
આ પ્રકારના સ્નાનને અભ્યંગ સ્નાનથી પણ ઓળખવામાં આવે છે, ઘણાં લોકો તલ અને તેલ સાથે કડવા લીમડાના પાંદડા નાંખીને પણ સ્નાન કરતા હોય છે. આ ઉપરાંત આ દિવસે યમ દીપદાન કરવામાં આવે છે. ઘણાં લોકો ઘરની બહાર યમદીપ પ્રગટાવે છે. આવું કરવાથી નરકમાં જવું પડતું નથી, તેવી માન્યતા છે. આ દિવસે મહાકાળી માતાજીની વિશેષ પૂજા, હનુમાનજીની પૂજા પણ કરે છે. આ ઉપરાંત પણ કેટલીક પૌરાણિક કથાઓ પણ આપણી વચ્ચે પ્રચલિત છે.
દિવાળીના પર્વ અંગે આપણે આગળ વાત કરી છે. તેના બીજા દિવસે મોટાભાગે કારતક સુદ એકમના દિવસ વિક્રમ સંવત બદલતું હોવાથી નૂતનવર્ષ ઉજવાય છે, અને અબાલ વૃદ્ધ સૌ કોઈ એકબીજાને શુભકામનાઓ આપે છે. આ દિવસે લોકો એકબીજાના ઘરે જઈને મીઠાઈઓની આપ-લે કરે છે. નવા વર્ષની 'બોણી' વિષે પણ આપણે બધા પરિચિત છીએ. આ દિવસે માતા-પિતા, દાદા-દાદી, નાના-નાની, વડીલોને વંદન કરીને આશીર્વાદ લેવાનું અલાયદુ મહત્ત્વ છે.
તે પછી ભાઈબીજનું મહત્ત્વ તથા તેની સાથે જોડાયેલી કથાઓથી પણ આપણે બધા પરિચિત જ છીએ. આ દિવસે ભાઈ-બહેનનું સાથે યમુના સ્નાન કરવાનું મહાત્મય છે. આ દિવસે યમુનાજીએ તેના ભાઈ યમરાજાને પોતાના ઘરે બોલાવીને સત્કાર્યા હતાં, ત્યારે યમરાજાએ ભાઈબીજના દિવસે બહેનના ઘરે ભાઈ જઈને તિલક કરાવે, તો તેને ભય નહીં સતાવે, તેવું વરદાન આપ્યું હોવાની પણ કથા છે. તે પછી લાભપાંચમનું પણ અનોખું મહત્ત્વ છે. દેવઊઠી અગિયારસ અંગે આપણે આગળ વાત કરી છે, અને દેવદિવાળીના દિવસે ભગવાન શિવજીએ ત્રિપુરા સુરનો વધ કર્યો હોવાની પણ કથા પ્રચલિત છે. તુલસીજી અને શાલિગ્રામ વિવાહનું પણ આ પર્વ છે.
વિનોદ કોટેચા, એડવોકેટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial