| | |

મમતા બેનર્જી નબળા પડે તો ફાયદો કોંગ્રેસને કે ભાજપને?ઃ વ્યાપક ચર્ચા જાગી

નવી દિલ્હી તા. ૧પઃ પ. બંગાળમાં થતી હિંસાને લઈને ચર્ચા જાગી છે કે જો મમતા બેનર્જી નબળા પડે, તો ચૂંટણીમાં તેનો ફાયદો કોને થાય? બીજી તરફ ભાજપ દ્વારા અમિત શાહની રેલી દરમિયાન થયેલી હિંસા તથા આગજનીને લઈને ભાજપ દ્વારા વિરોધ-પ્રદર્શન થઈ રહ્યું છે અને દેશભરમાં હલ્લાબોલ કરવામાં આવી રહ્યું છે.

છેલ્લા તબક્કાના મતદાન પછી ચૂંટણીનો કોલાહલ બંધ થઈ જવાનો છે, અને તે પછી તા. ર૩ મી સુધી એક્ઝિટ પોલની આંધિ આવવાની છે. આ અનુમાનો જેના તરફ ઢળતા હશે, તે સપના જોશે અને તેની વિરૃદ્ધ હશે, તેઓ આ પ્રકારના એક્ઝિટ પોલ ખોટા હોવાનું કહીને ભૂતકાળમાં ક્યારે ક્યારે ખોટા પડ્યા છે, તેના દૃષ્ટાંતો આપવા લાગશે!

આ વખતે પ. બંગાળમાં છેલ્લા તબક્કાનું મતદાન થતા પહેલા પણ હિંસા થઈ. આખા દેશમાં માત્ર પ. બંગાળમાં જ હીંસક તોફાનો થયા છે. આ તોફાનો કાં તો મમતા બેનર્જીને તેનો પરાજય દેખાતો હોય, તેથી તેના સમર્થકો કરતા હોય અથવા તેના વર્ચસ્વને તોડવાના પ્રયાસો માટે થતા હોય, પરંતુ આવી ગુંડાગીરી લોક તંત્રમાં સ્વીકાર્ય ગણાય નહીં.

ગઈકાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કોલકાતામાં રોડ-શો કર્યો હતો. તે દરમિયાન મારામારી, આગજની અને તોડફોડના કારણે અંધાધુંધી ફેલાઈ ગઈ. ભાજપે ચૂંટણીપંચ સમક્ષ પ. બંગાળમાં હિંસાને લઈને ફરિયાદ કરી અને કોલકાતામાં અમિત શાહના રોડ-શો માં ઉમટેલી જનમેદનીને જોઈને ટીએમસીના ગુંડાઓએ આવું હીન કૃત્ય કર્યું હોવાના આક્ષેપો કર્યા. આ મુદ્દે રાષ્ટ્રપતિને દરમિયાનગીરી કરવાની અપીલો પણ થઈ અને આજે દિલ્હીના જંતરમંતર પર વિરોધપ્રદર્શન થઈ રહ્યું છે.

બીજી તરફ ટીએમસીએ ચૂંટણીપંચ પાસે મુલાકાતનો સમય માંગીને આ હિંસક તોફાનોના કારણે પ. બંગાળની માલમિલકતને થયેલા નુક્સાન અંગે રજૂઆત કરવાનું નક્કી કરતા હવે આક્ષેપો-પ્રતિઆક્ષેપોનો દોર શરૃ થયો છે, ખાસ કરીને બાંગલા લેખક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા તોડી પાડવાની ફરિયાદ સાથે તૃણમુલ કોંગ્રેસે ભાજપને તોફાનો માટે જવાબદાર ગણાવ્યું છે. મમતા બેનર્જીએ કહ્યું કે બિહારના ગુંડાઓને ભાજપે મેદાનમાં ઉતાર્યા હતાં જ્યારે ભાજપે દેશભરમાં હલ્લાબોલની નીતિ અપનાવી છે.

મમતા બેનર્જીએ એમ પણ કહ્યું કે અમિત શાહ થોડા ભગવાન છે કે તેની સામે કોઈ વિરોધ પ્રદર્શન ન કરી શકે?

અમિત શાહના રોડ-શો પર વિદ્યાસાગર કોલેજમાંથી જ પથ્થરમારો કરાયો હોવાનો ભાજપે આક્ષેપ કર્યો હતો અને આવું કરનારા ટીએમસીના સમર્થકો હોવાની ફરિયાદ કરી છે. ભાજપ અને ટીએમસીના સમર્થકો વચ્ચે થયેલી ઝપાઝપી પછી ફેલાયેલી અંધાધુંધી પછી બન્ને પક્ષો એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. પ. બંગાળની પોલીસ ટી.એમ.સી.ની સમર્થક બની કામ કરી રહી હોવાનું જણાવીને ભાજપે પ. બંગાળમાં કાનૂનનું શાસન જ ખતમ થઈ ગયું હોવાના આક્ષેપો કર્યા છે. જવાબદાર કોઈપણ હોય, પરંતુ આવી હિંસાને ડામ્યા વગર મુક્ત અને ન્યાયી ધોરણે ચૂંટણી સંપન્ન કરવી અઘરી છે, તે હકીકત છે.

રાજકીય વિશ્લેષકો પણ હવે એવા તારણો કાઢવા લાગ્યા છે કે પ. બંગાળની લોકસભાની ચૂંટણીમાં મમતા બેનર્જીની સ્થિતિ નબળી પડી છે અને જો મતદાનમાં ગરબડો થઈ નહીં હોય તો મમતાને ફટકો પડવાનો છે.

મમતા બેનર્જીની પીછેહઠ થતી હોય તો તેનો ફાયદો કોને થાય તે અંગે રાજકીય પંડિતોમાં મતમતાંતરો છે. કેટલાક એવું માને છે કે પ. બંગાળમાં ડાબેરીઓના વર્ચસ્વને મમતા બેનર્જીએ ખતમ કરી દીધું છે, પરંતુ મમતા બેનર્જી નબળા પડે તો તેનો ફાયદો તેને થાય, જ્યારે ઘણાં વિશ્લેષકો આ કારણે પ. બંગાળમાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત થઈ હોવાનું માને છે. રાજકીય પંડિતોનો એક વર્ગ એવું પણ માને છે કે ભાજપે અહીં હિન્દુ કાર્ડ ખેલ્યું હોવાથી મમતા બેનર્જી નબળા પડે, તો તેનો સીધો ફાયદો ભાજપને જ થશે.

બીજી તરફ મણિશંકર ઐયરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નીચ કહ્યા હતાં તેને યોગ્ય ગણાવતા વિવાદ જાગ્યો છે. ગુજરાતની ચૂંટણી વખતે અને તે પહેલા પણ મણિશંકર ઐય્યરના આ પ્રકારના નિવેદનોના કારણે કોંગ્રેસને નુક્સાન પણ થઈ ચૂક્યું છે. જે-તે સમયે સસ્પેન્ડ  કરીને પાછળથી સસ્પેન્શન પાછું ખેંચી લેવાની રણનીતિ પર પણ સવાલો ઊઠી રહ્યા છે, ત્યારે કોંગ્રેસે આ નિવેદનને વખોડીને પાર્ટીને મણિશંકરના આ નિવેદનથી અલગ કરી લીધી છે.

હવે કોંગ્રેસ બે દિવસમાં કદાચ મણિશંકર ઐય્યર અંગે કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. શામ પિત્રોડાના 'હુવા તો હુવા'ના નિવેદન પછી મણિશંકર ઐય્યરના આ નિવેદનના કારણે બેટફૂટ પર આવી ગયેલી કોંગ્રેસ હવે આ બન્ને નેતાઓને લઈને કોઈ કડક નિર્ણય લેશે, તેવા સંકેતો પણ મળી રહ્યા છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit