| | |

ઓખામાં ચાર વર્ષ પહેલાં થયેલી ઘરફોડ ચોરીની નોંધાવાઈ ફરિયાદ

જામનગર તા. ૧૫ઃ ઓખામાં મફતીયાપરામાં રહેતા એક પરપ્રાંતિય આસામી ચાર વર્ષ પહેલાં પોતાના વતન ગયા ત્યારે તેઓના બંધ મકાનમાં તસ્કરોએ સોનાના દાગીનાની ચોરી કરી હતી જેની ચાર વર્ષ પછી પોલીસે ફરિયાદ નોંધી છે. ફરિયાદ મોડી થવા પાછળ જણાવાયું છે કે ફરિયાદી પોતાની રીતે તપાસ કરતા હતાં! ઉપરાંત જામજોધપુરમાં એક દુકાનમાંથી કોઈ તસ્કરે રૃા. સીત્તેર હજાર રોકડા તફડાવ્યાની પોલીસમાં રાવ થઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં બર્માસેલ ક્વાર્ટર પાસે મફતીયાપરામાં વસવાટ કરતા સુશિલકુમાર જલેશ્વરપ્રસાદ મહંતો નામના આસામીના મકાનમાં ગઈ તા. ૨૭-૦૫-૨૦૧૫થી તા. ૧૭-૦૭-૨૦૧૫ના સમયગાળા દરમ્યાન કોઈ શખ્સો બારીની ગ્રીલ તોડી અંદર ઘૂસી ગયા હતાં. તસ્કરોએ મકાનમાં ખાંખાખોળા કરી લાકડાનો એક પેટારો શોધી કાઢ્યો હતો. જેની કોઈ ચાવીથી ખોલી અંદર પડેલા સાડા ત્રણ ગ્રામ વજનના સોનાના ટીકા, ઝુમ્મર કાનની વાળી, સોનાનુ પેન્ડલ તેમજ એક નાનું પેન્ડલ મળી કુલ રૃા. ૩૧,૬૨૫ના દાગીનાની ચોરી કરી હતી.

ઉપરોક્ત આસામી પોતાના વતનમાં યોજાયેલા એક લગ્નપ્રસંગમાં જ્યારે ભાગ લેવા માટે ગયા ત્યારે પાછળથી બંધ પડેલા આ મકાનમાં હાથફેરો કર્યાની ચાર વર્ષ પછી ગઈકાલે ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે. આ ફરિયાદ મોડી થવા પાછળ જણાવાયેલા કારણમાં ફરિયાદી ઉપરોક્ત ચોરીની પોતાની રીતે તપાસ કરતા હતાં! પરંતુ.... તેઓને ચાર વર્ષ પછી કોઈ ફળદાયી હકીકત જણાઈ ન આવતા તેથી તેઓએ વીલંબથી ફરિયાદ નોંધાવી છે! ઉપરોક્ત ફરિયાદ પોલીસે આઈપીસી ૩૮૦, ૪૫૪, ૪૫૭ હેઠળ નોંધી તપાસ શરૃ કરી છે. જામજોધપુરમાં તીરૃપતિ સોસાયટીમાં રહેતા અને ગીંગણી રોડ પર વિજય ટ્રેડર્સ નામની ખાદ્ય તેલની દુકાન ચલાવતા જીતેન્દ્રભાઈ જમનાદાસ પટેલ ગઈકાલે સવારે અગિયારેક વાગ્યે થોડી મિનિટો માટે પોતાની દુકાન રેઢી મૂકી કામસર ગયા હતાં જ્યાંથી તેઓ પરત ફર્યા એટલી મિનિટોમાં દુકાનમાં પ્રવેશી ગયેલા શખ્સે ટેબલનું ખાનું ખોલી તેમાંથી રૃા. ૭૦,૦૦૦ની રોકડની ચોરી કરી હતી. જેની જીતેન્દ્રભાઈએ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ત્યાં રહેલા કેટલાક સીસીટીવીના ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit