| | |

સાધના કોલોનીમાં ભત્રીજાની હત્યા નિપજાવનાર બંને કાકાની ધરપકડ

જામનગર તા. ૧૫ઃ જામનગરની સાધના કોલોનીમાં ભત્રીજાની ધોકો મારી હત્યા નિપજાવનાર બંને કાકાની ગઈકાલે પોલીસે ધરપકડ કરી હત્યામાં વપરાયેલો ધોકો કબજે કર્યો છે. કામધંધો કરવા આવેલો ભત્રીજો મદદ કરતો ન હોય કાકાઓએ તેને મોતને ઘાટ ઉતાર્યો હતો.

જામનગરના સાધના કોલોની વિસ્તારમાં આવેલા ત્રીજા ઢાળીયા નજીકના એલ-૩૦/૩૨૬૫માં કાકા વિક્રમસિંહ નારુભા તથા દોલુભા નારુભા રાઠોડ સાથે કામધંધો કરવા ધ્રોલથી આવીને રહેતા ભત્રીજા મહાવીરસિંહ રાઠોડ (ઉ.વ. ૩૦) નામના યુવાનને સોમવારની સાંજે બંને કાકાઓએ કોઈ કામધંધો કેમ કરતો નથી? તેમ કહી બોલાચાલી કર્યા પછી અત્યંત ઉશ્કેરાટમાં આવી ધોકો ફટકારી તેની હત્યા નિપજાવી હતી. ત્યારપછી બંને કાકા જમીન પર ઢળી પડેલા ભત્રીજા મહાવીરસિંહને મૂકી ઓરડાનો આગળીયો મારી પોબારા ભણી ગયા હતાં.

ત્યારપછી ધ્રોલથી ધસી આવેલા માતા ગુલાબબાએ પોતાના પુત્રની હત્યા નિપજાવવા અંગે દિયર વિક્રમસિંહ તથા દોલુભા સામે સિટી 'એ' ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી. કાકાઓના ફ્રુટના વેપારમાં મદદ કરવા જામનગર આવેલા ભત્રીજાને બંને કાકાએ મોતને ઘાટ ઉતારવાના આ કિસ્સાની પોલીસે આઈપીસી ૩૦૨ વિગેરે કલમો હેઠળ નોંધ કરી સિટી ડીવાયએસપી એ.પી. જાડેજાના વડપણ હેઠળ તપાસ આદરી હતી.

ઉપરોક્ત બંને આરોપીઓની ગઈકાલે સિટી 'એ' ડિવિઝનના પીઆઈ એસ.એચ. રાઠવા તથા સ્ટાફે ધરપકડ કરી હત્યામાં વપરાયેલો ધોકો કબજે કરી તેઓની ઝીણવટભરી પુછપરછ હાથ ધરી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit