પ્રેમ એટલે શું? પ્રેમને સીમાડા હોય? પ્રેમને ઉંમર કે અન્ય મર્યાદાઓ હોય! પ્રેમની વ્યાખ્યા શું?

ઢાઈ અક્ષર પ્રેમ કે, પઢે સો પંડિત હોય.. વેલેન્ટાઈન દિવસે આવો પ્રેમની જ ચર્ચા કરીએ...

'પ્રેમ' એટલે શું ? પ્રેમ તો બધા કરે છે, પણ પ્રેમ વિશે પુછીએ તો જવાબ આપતા અચકાય છે. પ્રેમ માટે બધાની વ્યાખ્યા અલગ અલગ હોય છે. ખરેખર તો પ્રેમ બહુ સરળ છે, તેમાં કોઈ જટીલતા નથી... પ્રેમ એ શ્વાસની જેમજ સ્વાભાવિક છે. પ્રેમ કોઈ કસબ નથી... પ્રેમનો સંબંધ આત્મા સાથે છે. પ્રેમ શબ્દ નથી, પ્રેમ અભિવ્યક્તિ છે. ગમે તેટલી કવિતાઓ, ગમે તેટલી વાર્તાઓ અને ગમે તેટલી વાતો કહ્યા કરીએ... પણ પ્રેમ સમજાય નહીં.. અને અચાનક કોઈની સાથે આંખ મળે અને કંઈક એવું મનમાં અનુભવાય કે બધી કવિતા, બધી વાર્તા, બધી વાતો અચાનક સમજાય જાય,.. આપણી ભ્રમણા એ છે કે આપણે બધા માનીએ છીએ કે આપણે પ્રેમ વિશે બધું જ જાણીએ છીએ... અને આ માન્યતાને કારણે જ પ્રેમને સમજવાની, શીખવાની, શોધવાની કે અનુભવવાની જરૂર લાગતી નથી.... અને આથી જ દુનિયામાંથી પ્રેમ ખોવાય જાય છે, આજે પ્રેમીઓ છે, પણ કદાચ પ્રેમ નથી.. એટલે જ પ્રેમના દિવસ '૧૪ ફેબ્રુઆરીએ પ્રેમ એટલે શુ'ં એ સવાલ લઈને 'નોબત' વતી દિપા સોનીએ જામનગરના લોકોના વિચારો જાણ્યા... તો આવો... આપણે વાંચીએ કે પ્રેમ એટલે શું..??

- દિપા સોની

૦૦૦

આપણે પ્રેમને કોણ જાણે કેવા દુર્ગમ સ્થાને બેસાડી દીધો છે કે માણસ આખી જિંદગી 'સાચા પ્રેમ'ની શોધમાં ભટક્યા કરે છે, અને કમનસીબે એ મળતો જ નથી, કારણ કે આપણે જેને 'સાચો પ્રેમ' માનીએ છીએ તેમાં તો કવિઓની કલ્પના, લેખકોના વિચાર વિહાર અને ફિલ્મોના મેઘધનુષી રંગો પુરાયેલા હોય છે. આપણે ભૂલી જઈએ છીએ કે એ બધી તેમની કલ્પનાઓ છે અથવા તો તેમની અંગત અનુભૂતિ છે, જ્યારે આપણો પોતાનો અનુભવ જાતે જ મેળવવાનો હોય છે. બીજાના અનુભવ સાથે આપણા અનુભવની સરખામણીથી માત્ર અસંતોષ જ હાથ લાગે, એટલે પરિસ્થિતિ એ થાય છે કે કયારેક કોઈને 'સાચો પ્રેમ' મળી જાય તો પણ તેની સત્યતા પર શ્રદ્ધા હોતી નથી., આપણા પૌરાણિકથી લઈને આધુનિક સાહિત્યમાં પ્રેમને અનેક રીતે વર્ણવવામાં આવ્યો છે, પણ મારું માનવું એવું છે કે આ એક અવ્યાખ્યાયિત લાગણી છે અને તેનો કોઈ ચોક્કસ પ્રકારનો અનુભવ બધા માટે સરખો ન હોઈ શકે. વ્યક્તિએ વ્યક્તિએ એની અનુભૂતિ અલગ અલગ જ રહેવાની.... હું તો એથી પણ આગળ વધીને કહીશ કે એક જ વ્યક્તિમાં પણ સમયે સમયે પ્રેમ તેની તીવ્રતા, અભિવ્યક્તિ અને અવસ્થા બદલતો રહે છે. સોશિયલ મીડિયાના યુગમાં ચેટથી શરૂ કર્યા પછીનો ત્રીજો જ મેસેજ 'આઈ લવ યુ'નો કરનારને કયારેય ન સમજાય કે ચંદ્રકાંત બક્ષી કહે છે એમ પ્રેમ થવો એ તડકો જોવા જેવું કામ છે, તડકો જોવાની ક્રિયાને વૈજ્ઞાનિક રીતે સમજાવવી અઘરી પડે પણ આંધળો માણસ બંધ આંખોથી સમજી શકે છે કે તડકો ખૂલી ગયો છે... આ વેલેન્ટાઈન ડે પર સૌ વાચકોને પોત પોતાનો પ્રેમ પ્રાપ્ત થાય એવી શુભકામના..

- આશિષ ખારોડ

૦૦૦

'પ્રેમ એટલે શું ?'... આજે વેલેન્ટાઈન ડે પર આ સવાલના જવાબમાં પ્રત્યેક વ્યક્તિ, અલગ અલગ અભિવ્યક્તિ કરી શકે, પ્રેમની કે પ્રેમ કરવા માટેની કોઈ ઉંમર તો ના હોય, પરંતુ દરેક ઉંમરવાળી વ્યક્તિનું પોતાનું એક અલાયદુ ભાવ-વિશ્વ જરૂર હોય છે.. મારા મતે પ્રેમ કરવા માટે... પ્રેમમાં હોવા માટે... પ્રેમની અભિવ્યક્તિ માટે કોઈ ઉંમર બાધ નથી કે સંબંધ બાધ પણ નથી.... લોકો કહેતા હોય છે કે લગ્ન થઈ ગયા બાદ પ્રેમ ઓછો થતો જાય છે, પણ ના... હકીકતે તો લગ્ન બાદ પ્રેમને વ્યકત કરવાનું ઓછું થતું જાય છે.... હું તમે આપણે સૌ કેટલીક ગેર સમજને દિલ-દિમાગમાં રાખી બેઠા છીએ... જેમ કે પુરૂષો માનશે કે પત્નીને 'આઈ લવ યુ' કહેવાના વેવલાવેડા શું કરવા ? તો સામે પક્ષે સ્ત્રીઓ શરમનું બહાનું કરશે.. પણ આજે હું કહીશ... જાહેરમાં કહીશ કે, 'હા હું પ્રેમમાં છું... એ મહિલાના પ્રેમમાં છું' જેનું મારા હૃદયમાં, મારા રોજીંદા વ્યવહારમાં, મારા જીવનમાં એક અલાયદુ સ્થાન છે.' અને હા... તેના પ્રેમમાં મારા હોવાનું કારણ કે  મારી બેવકુફીથી લઈને ફિલસુફી સુધીના, તમામ કિસ્સાઓ પચાવી જાય... એનો દિવસ કેવો ગયો ? હું કયારેય ન પૂંછું... પણ 'ઓફિસમાં શું ચાલે છે ? એ મને રોજ પુછે... અને હું કહું ત્યાં સુધી સાંભળતી જ રહે.. એને ગમે છે કે નહીં એનો મને ખ્યાલ નથી તો પણ... ફિલ્મો જોવી, મુશાયરા માણવા, અમસ્તુ રખડવા.. મારી સાથે જોડાય... પોતાના સ્વાસ્થ્યની જરા પણ ચિંતા ન કરે... પણ મારી પીડાને પળવારમાં પામી જાય... અને આ છે... મારી પત્ની... છેલ્લે એટલું કહીશ કે તેને પામીને પ્રેમનો અર્થ સમજાયો.... 'પ્રેમિકા જ પત્ની થાય કે ન થાય, પણ પત્ની પ્રેમિકા થાય તેનાથી રૃંડું બીજું શું કહેવાય...!!

- સેજપાલ શ્રીરામ

૦૦૦

મારા વિચારે પ્રેમ એ સમયના બંધનમાં બંધાયેલી લાગણી નથી પરંતુ જેને વર્ષો સુધી મળ્યા પછી અને મળીએ ત્યારે સમય વચ્ચે ન આવે તે પ્રેમ છે. જેની પસંદગી, ગમો-અણગમો, આદતો કે જેનું લિસ્ટ લાંબુ હોય તો પણ યાદ રહી જાય એ પ્રેમ છે, જેને ખુશ જોઈને ખુશ થઈએ અને દુઃખી જોઈને દુઃખ થાય એ પ્રેમ છે ગમે તે સમયે ફોન કરવાનો હકક એ પ્રેમ છે. તેના નામ માત્રથી ચહેરા પર સ્માઈલ આવે એ પ્રેમ છે, તેના નહીં બોલાયેલા શબ્દો પણ સમજી જવાય તે પ્રેમ છે. તેના અવાજનો થડકાટ કે વર્તનમાં થતો ફેરફાર અનુભવી શકાય એ પ્રેમ છે, જે સતત યાદ આવે એ પ્રેમ છે, જેની ગેરહાજરીથી મન મુંજાય એ પ્રેમ છે.... પ્રેમ એટલે... કાલી ઘેલી ભાષામાં, કે ખિલખિલાટ હાસ્યમાં કે આંસુ દ્વારા કહેવાતી બાળકોની વાતો..., એકલા એકલા હસવું, સતત ખોવાયેલા રહેવું, સતત કોઈને શોધવા રહેવું... ઉંમર વધતા જવાબદારીની જંજાળમાં એકબીજાને સમજવા છતાં સમય ન આપી શકવાનો સંતાપ એ પ્રેમ,... વૃદ્ધાવસ્થામાં જુની યાદીમાં ખોવાય જવું અને એકબીજાને સમયસર દવા લેવા માટે ખીજાતા રહેવું એ પ્રેમ... પ્રેમ જન્મથી લઈને મૃત્યુ સુધી સાથે જ હોય છે. કયારેક દેખાય છે., કયારેક છુપાય છે... પણ પ્રેમ એટલે જ જીવન....

- રેખા ઓઝા

૦૦૦

આજે પ્રેમ એટલે શું ? એ સવાલ સામે આવ્યો તો મનમાં કેટકેટલા વિચાર આવ્યા. વિચાર કરતા લાગ્યું કે હમણાં થોડા સમય પહેલા સુધી મગજમાં પ્રેમની જે વ્યાખ્યા હતી તે ખોટી હતી, મારી સમજણ મુજબ પ્રેમી-પ્રેમિકા એકબીજાને 'આઈ લવ યુ' કહે, ગીફટ આપે, એકબીજા સાથે સમય વીતાવે એ પ્રેમ.. .પણ મારી આ સમજણ આજે મને ત્યારે ખોટી લાગે છે... જ્યારે મારી બે વર્ષની દીકરી મારી પાસે આવીને ગળે લાગે છે, મને વ્હાલ કરે છે, મારી આંખમાં આંસુ આવે તો નાની નાની આંગણીથી લુછીને 'મમ્મી... નો....નો...' એમ કહે છે, ત્યારે મને લાગે છે કે હા... આ પ્રેમ છે.... લોકો કહે છે કે ભગવાન બધે નહીં પહોંચી શકે એટલે ભગવાને મા બનાવી, પણ હું એમ કહીશ કે આપણી કલ્પનાની પરીને હકીકત બનાવવા ભગવાને દીકરી બનાવી... મારી દીકરી... મારો પ્રેમ... મારી દુનિયા... મારા પ્રેમની વ્યાખ્યા તેના સુધી આવીને પૂરી થાય છે. દુનિયામાં દરેક સંબંધમાં કંઈકને કંઈક સ્વાર્થ હોય છે. પણ દીકરીનો પ્રેમ બિલકુલ નિઃસ્વાર્થ... દિવસભરનો થાક તેની હસીથી ઉતરી જાય છે. આઈ લવ યુ મારા વેલેન્ટાઈન... બસ આ જ હશે પ્રેમની વ્યાખ્યા...

- ભૂમિ મહેતા

૦૦૦

'પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ જાનત નહીં કોઈ, પ્રેમ જાને જો જગમે, તો તો જુદા રહે ન કોઈ'

દરેક વ્યક્તિએ પ્રેમની વ્યાખ્યા અલગ અલગ હોય છે. પણ મારા મતે પ્રેમની કંઈ વ્યાખ્યા હોતી હશે ? હાથ ફેલાવીને હૈયુ આપી દે એ પ્રેમ .. પછી એ પ્રેમ માતા-પિતાનો હોય, ભાઈ-બહેનનો હોય, પતિ-પત્નીનો હોય, પ્રેમી-પ્રેમિકાનો હોય, દોસ્તોનો હોય કે ભકત અને ભગવાનનો હોય... પ્રેમ એટલે પામવું કે માપવું જ નહીં, પણ આપવું પણ છે, કોઈને બિનશરતી પ્રેમ કર્યા પછી સામેથી એટલો જ પ્રેમ મળે કે ન મળે છતાં આપણાં પ્રેમમાં લેશમાત્ર ઘટાડો ન થાય તે પ્રેમ... પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકાનો પ્રેમ એટલે પહેલી નજરના પ્રેમથી લઈને સાથે વૃદ્ધ થવા સુધીની સફર... માતા-પિતા અને સંતાનો વચ્ચેનો પ્રેમ એટલે સંતાનોને પહેલું ડગલું ભરાવવાથી લઈને માતાપિતાને અંતિમ ડગલા ભરાવવા સુધીની સફર... ભાઈ-બહેનના પ્રેમ એટલે નાનપણમાં મારું-મારુંથી લઈને મોટા થયા પછી તારા માટે- તારા માટેમાં પરીવર્તન થાય એ પ્રેમ- પ્રેમ વિશે અત્યાર સુધી કેટલું બધું લખાયું છે, અને છતાં એ પ્રશ્ન હજી શાશ્વત જ છે કે 'પ્રેમ એટલે શું ? '... અંતે એટલું જ... તું કહે તો બે શબ્દમાં, હું પ્રેમને વ્યકત કરું.. પણ એમાં મજા શું કે... સાગરને ગાગરમાં ભરું...'

- રૂપલ મહેતા

૦૦૦

'પ્રેમ એટલે શું ? પ્રેમ એ જ બધું છે. પ્રેમ સુખ પણ છે, પ્રેમ દુઃખ પણ છે, પ્રેમ ગુસ્સો પણ છે, પ્રેમ શાંતિ પણ છે. એ પુછો કે પ્રેમ શું નથી? કોઈ વ્યક્તિ સાથે તમે રહો અને એ વ્યક્તિ તમને મારા બધા જ દુઃખ અને તકલીફ ભુલવા મજબુર કરે, તેની સાથે રહીને તમને શાંતિનો અનુભવ થાય, એ સુખ પણ પ્રેમ જ ગમતી વ્યક્તિ સાથે વાત ન થાય, મુલાકાત ન થાય, તો એ વિરહનું દુઃખ પણ પ્રેમ જ છે. આજના બોયફ્રેન્ડ, ગર્લફ્રેન્ડના સમયમાં પ્રેમ એક સાથે સંબંધ બાંધે છે, પણ પ્રેમમાં કયારેય આશા ન હોય, કોઈ અપેક્ષા ન હોય, લેતી-દેતીનો વ્યવહાર તો વેપારમાં હોય, પ્રેમમાં પ્રેમમા હોય એ કોઈપણ સ્વાર્થ વગર એકબીજાને સમર્થન કરે... પ્રેમમાં લાગણી હોય, માગણી ન હોય...

- મીત ઉમરાણીયા

૦૦૦

અઢી અક્ષરનો શબ્દ 'પ્રેમ' કેટલો સુંદર અને સુમધુર છે પ્રેમ એટલે એકબીજા પ્રત્યે કંઈક કરી છુટવાની ભાવના, એકબીજાની ભૂલને નજર અંદાજ કરી લેવાની ભાવના... પ્રેમ એટલે બે દિલને જોડતો સેતુ... પ્રેમ હૃદયના ઉંડાણથી ઉદ્ભવવો જોઈએ... પ્રેમ પરિપકવ અને નિખાલસ હોવો જોઈએ.. ચિંતા, લાગણી, વિશ્વાસ, હુંફ અને પ્રામાણિકતા બન્ને પક્ષેથી સરખા હોવા જોઈએ. પ્રેમ અને મોહમાં અંતર હોય છે. મોહથી જોડાયેલો સંબંધ જલદી તૂટી જાય છે, પ્રેમથી જોડાયેલો સંબંધ મજબુત હોય છે. જિંદગીમાં સુખ-દુખ તો પડછાયાની જેમ સાથે આવે જ છે.. પણ દરેક સમયે સાથ આપે એ પ્રેમ. પ્રેમમાં બંધન ન હોય, પ્રેમમાં શરત ન હોય, પ્રેમ સ્વતંત્ર હોવો જોઈએ.. પ્રેમ એ એકમેક સાથે જોડાતા હૃદયનો ધબકાર છે.

- વત્સલા શાહ

૦૦૦

પ્રેમ એટલે શું ? પ્રેમ એટલે બસ પ્રેમ... અઢી અક્ષરના આ શબ્દને માત્ર થોડા શબ્દોમાં વર્ણવવું અઘરું છે. પ્રેમ તો અઢી અક્ષરનું આખું પુસ્તકાલય છે. પ્રેમ વિશે બધાના મંતવ્યો અલગ અલગ હોય શકે છે, પરંતુ મારા માટે પ્રેમ એ સમર્પણ છે, પ્રેમ એ ત્યાગ છે, પ્રેમ એ અપેક્ષા વગર સતત વહેતી લાગણી છે, પ્રેમ એ માત્ર પ્રેમી-પ્રેમિકા પૂરતો મર્યાદિત નથી, પ્રેમ તો કોઈ પણ સાથે થઈ શકે, ભગવાન શ્રી રામએ કરેલો ત્યાગ એ માતા-પિતા પ્રત્યેનો પ્રેમ છે, કૃષ્ણએ કરેલું સમર્પણ એ મિત્ર પ્રત્યેનો પ્રેમ છે. રાધાએ કરેલું સમર્પણ એ પ્રિયજન પ્રત્યેનો પ્રેમ છે. ધીરૂભાઈ અંબાણીએ કરેલી મહેનત એ પોતાના સપના પ્રત્યેનો પ્રેમ છે, પ્રેમના તો આવા અનેક રૂપ છે... આજે ૧૪ ફેબ્રુઆરી છે એટલે એમ કહેવાય કે 'પ્રેમનો દિવસ', પણ હું કહીશ કે ૧૪ ફેબ્રુઆરી એ લોકો માટે ખાસ છે જે તારીખની રાહ જોવે છે, તમારા પ્રિયજનને પ્રેમ કરવા કે દર્શાવવા માટે કોઈ એક દિવસ ના હોય, પ્રેમ તો જીવનના દરેક ડગલેને પગલે વ્યકત કરી શકાય એવી લાગણી છે, મારા માટે પ્રેમ એ ૧૪ ફેબ્રુઆરીએ આપેલ ગુલાબ, ચોકલેટ કે મોબાઈલ નથી, પરંતુ પ્રેમ એટલે પ્રિયજન દ્વારા લેવામાં આવતી કાળજી, સંબંધમાં કરવામાં આવતો આદર અને એકબીજા પ્રત્યેની લાગણીનો સતત થતો અહેસાસ... પ્રેમનો પ્રભાવ દરેક પ્રકારના અભાવને દૂર કરે છે. પ્રેમ એટલે માત્ર કોઈના હૃદયમાં સ્વીકાર નહીં, પણ હૃદયથી સ્વીકાર.... છેલ્લે એટલું જ કહીશ.... કરો જો પ્રેમ તો અર્થ છે અનેક... સમજો તો તે પોતે જ અર્થ છે એક.

- અંજની પંડ્યા

૦૦૦

૧૪ ફેબ્રુઆરી આવે એટલે આજના છોકરા-છોકરીઓ હાથમાં ગુલાબ લઈને હેપ્પી વેલેન્ટાઈન ડે કરવા દોડી જાય છે., જે માત્ર ઉપરછલ્લું એક આકર્ષણ હોય છે. પ્રશ્ચિમી સંસ્કૃતિની નકલ માત્ર હોય છે, કે જે એક વર્ષની અંદર જ બ્રેકઅપમાં પરિણમે છે, અને આવા એક નહીં, અનેક લોકો સાથે બ્રેકઅપ થવા લાગ્યું છે, તો ખરેખર સવાલ થાય કે 'પ્રેમ એટલે શું ?' આનો  જવાબ તો બધા પાસે હશે, પણ દરેક પાસે પ્રેમની વ્યાખ્યા જુદી જુદી હશે એ તો પાક્કુ જ છે,મારા મત મુજબ પ્રેમ એટલે હુંફ, એવી હુંફ કે તમને મારા અસ્તિત્વ ઉપર બાજેલી ધુમ્મસને દૂર કરી તમને તમારા ખુદનું મહત્ત્વ સમજવામાં આવતી પરિભાષા... .પ્રેમ એટલે એવી હુંફ કે જેમાંથી લાગણીઓની મહેક સાથે પોતાના ખુદનું આ જગતમાં હોવું જ માત્રથી તમારા અસ્તિત્વને ખીલવી દે... પ્રેમ એટલે એવી હુંફ કે કોઈને પામ્યા વગર જ કોઈ એકની પાછળ ખુદની તલાશમાં રહેવું અને સતત તેના જ સાંનિધ્યની લાલચમાં રહેવું... પ્રેમ એટલે શિયાળાના તડકાની હુંફ... ગરમીમાં છાયાની હુંફ.... ચોમાસામાં ભીની ભીની માટીની મહેક.... છેલ્લે કહું તો પ્રેમ એટલે કોઈને પામવાની ઈચ્છા કરતા માત્ર ને માત્ર ચાહવાની હુંફ.... પ્રેમ એટલે તારી સ્પર્શેલી વસ્તુને મેં કરેલું વહાલ.... પ્રેમ એટલે લાગણીનો મહાસાગર...

- નિમિષા હિરાણી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



close
Ank Bandh