વાંચન વિશેષ

જામનગર તા. ૧૮ઃ જામનગર મહાનગર પાલિકાના નિંભર, નિષ્ક્રિય, ભ્રષ્ટ અને સત્તાના મદદમાં રાચતા તંત્રના પાપે આખું 'મહાનગર' મહા ઢોરવાડો બની ગયું છે. ચારે તરફ રખડતા, રઝળતા, ઢીંકે ચડાવતા, ગંદકી ફેલાવતા ઢોરના ત્રાસને દૂર કરવામાં આ તંત્રની કામગીરીમાં ઢીલીનીતિ માટે ભ્રષ્ટાચાર જ કારણભૂત હોય તેમ જણાય છે.
અખબારોમાં વારંવાર, ફોટાઓ સાથે, વિસ્તારોના નામ સાથે ઢોરના ત્રાસની પીડા વ્યક્ત થાય છે. તેમ છતાં કોઈ કરતા કોઈ નક્કર પગલા ન લેવાતા હોય ત્યારે સમજી લેવાનું કે આ તંત્રને પ્રજાની આ અતિ ત્રાસદાયક પીડા પ્રત્યે કોઈ દરકાર નથી!
ઢોર માલિકો પ્રત્યે આટલી બધી લાગણી શા માટે? (માત્ર હપ્તા જ હોય શકે?) શા માટે ઢોરને પકડ્યા પછી ઢોર માલિકો સામે કડકમાં કડક શિક્ષાત્મક, દંડાત્મક કાર્યવાહી કરવામાં આવતી નથી? ઢોર પકડવાનો સ્ટાફ માત્ર પગાર ખાવા સિવાય અને ગામમાં મનપાના વાહનોમાં આંટા મારવા સિવાય કામગીરી કરતો નથી! પકડવા જાય ત્યાં અગાઉથી જ ઢોર માલિકોને જાણ કરી દેવાય છે! નંબરીંગ આપવા, નોંધણી કરાવવી, ઢોર માલિકોના નામ, સરનામા, તેની પાસે ઢોરની સંખ્યાની વિગતો, તેટલા ઢોર સાચવવાની જગ્યા સુવિધા વગેરે અંગે ક્યારેય કોઈ ઠોસ કામગીરી કરવામાં આવી નથી. પરિણામે આ ઢોર માલિકો રીતસર ફાટીને ધુંવાડે ગયા છે અને પ્રજાજનો સામે દાદાગીરી કરતા થઈ ગયા છે. કારણકે તંત્રને ભ્રષ્ટતંત્ર અને રાજકીય નેતાઓનું પીઠબળ છે!
જામનગરમાં એક પ્રૌઢનું ઢોરે ઢીંકે ચડાવતા કરૃણ મૃત્યુ નિપજ્યું છે. આ ઘટના ઢોરના ત્રાસની ચરમસીમા બતાવે છે. મનપાના કોઈ અધિકારી કે ચૂંટાયેલા કોઈ પ્રતિનિધિના સગા કે પરિવારજનોને જો ઢોરે હડફેટે લીધા હોત તો કદાચ તેમને એક મહામૂલી માનવ જિંદગીની ખુવારીની અસર થાત! પણ આપણા શહેરમાં તો ભાજપના તો ઠીક વિપક્ષના પણ કોઈ કોર્પોરેટરે રખડતા-રઝળતા ઢોરના પ્રશ્ને ક્યારેય અવાજ સુદ્ધાં ઉઠાવ્યો નથી. સૌની મીલીભગત હોય તેવી સ્થિતિ છે.
જામનગરમાં મુખ્યમંત્રી કે વડાપ્રધાન જેવા રાજકીય મહાનુભાવનો પ્રોગ્રામ હોય ત્યારે રાતોરાત આ બધા ઢોર ગાયબ થઈ જાય છે? અરે.. ખૂદ ભાજપના જ કાર્યાલય પાસે સૌથી મોટો ઢોરવાડો જાહેર માર્ગ પર ત્રાસ ફેલાવે છે, ત્યાં જો સત્તાધારી ભાજપવાળા જ તેને દૂર ન કરાવી શકતા હોય તો પછી બાકીની સામાન્ય પ્રજાનું તો શું ગજ્જુ?
સત્તા સ્થાને બેસેલાઓને જામનગરની પ્રજા લાચારીથી દર્દભરી કાલકૂદી કરી રહી છે. પ્લીઝ... આ એક ક્ષેત્રમાં તો ભ્રષ્ટાચાર છોડો! કમ સે કમ માનવ જિંદગીનું મૂલ્ય ઢોર સાથે ન આંકો??