જામનગર તા. ૧૯ઃ જામનગરની એક યુવતી પર થયેલા જીવલેણ હુમલાની ફરિયાદમાં આરોપી તરીકે જયેશ મુળજી રાણપરીયાનું નામ આપવામાં આવ્યું હતું. તે પછી આરોપી તથા તેના સાગરીતોને ઝડપથી પકડી પાડી ફરિયાદીને ન્યાય અપાવવાના હેતુથી નગરના વૈષ્ણવ સાધુ સમાજ ટ્રસ્ટના નેજા હેઠળ કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું.
જામનગરની નિશા ગુલાબદાસ ગોંડલીયા નામની યુવતીને વાલકેશ્વરી નગરીમાં બાઈકચાલકોએ રોકી ધમકી આપ્યાના બનાવની ફરિયાદ પોલીસમાં થઈ હતી. તે ઉપરાંત રાજકોટ પોલીસમાં નિશા ગોંડલીયાએ જામનગરના કુખ્યાત ભૂમાફીયા જયેશ પટેલ સામે પોતાના બનેવીના બીટકોઈન પડાવી લેવા તેમજ ધમકી આપવા અંગે ફરિયાદ નોંધાવી હતી. આ ગુન્હાઓમાં આરોપીઓને ઝડપી પકડી પાડવા તેમજ નિશાને ન્યાય અપાવવા આજે જામનગરના વૈષ્ણવ સાધુ (બા.વૈ.) સમાજ ટ્રસ્ટ દ્વારા પ્રમુખ દિલીપભાઈ કાપડીના વડપણ હેઠળ જિલ્લા કલેક્ટરને ઉદ્દેશીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
સમસ્ત સાધુ સમાજ તથા સાધુ સમાજના આગેવાનોએ સમાજની દીકરી પર થયેલા જીવલેણ હુમલા તથા અગાઉ કરેલી પુરાવા સાથેની ફરિયાદની કાર્યવાહી ઝડપથી પૂરી કરવામાં આવે અને વહેલામાં વહેલી તકે આરોપીઓને પકડી લેવામાં આવે તેવી માંગણી આવેદનપત્રમાં કરવામાં આવી છે. કલેક્ટર વતી આવેદનપત્ર સ્વીકારવામાં આવ્યું હતું.
આજે આવેદન સુપ્રત કરતી વેળાએ સમાજ ટ્રસ્ટના અગ્રણીઓ સાથે જામનગર શિવસેનાના પ્રમુખ દિલીપભાઈ, બ્રહ્મસમાજના અગ્રણી દેવેનભાઈ એમ. જોશી, વિરલ એમ. જોશી, જસપાલસિંહ બી. જાડેજા, સંદીપ ધારવીયા, મહેશ કણઝારીયા, કિશન ચુડાસમા સહિતના અગ્રણીઓ સાથે રહ્યા હતાં.