દ્વારકા તા. ૧૪ઃ દ્વારકાધીશજીના પરમ ભક્ત પરિમલભાઈ નથવાણીના યુવાન ઉદ્યોગપતિ પુત્રે કામી વ્યસ્તતા વચ્ચે તૈયાર કરેલ કૃષ્ણ આધારિત મ્યુઝીક આલ્બમ કોફી ટેબલ બુક અને કલાત્મક પીછવાઈઓનું પ્રદર્શન અમદાવાદના વાયએમસી હોલમાં ખુલ્લુ મુકાયું ત્યારે કૃષ્ણપ્રેમ અને ભાવ ભક્તિની સુગંધ પ્રસરી ગઈ હતી.
દ્વારકાધીશજીના પરમ ભક્ત, જેના કણકણમાં ભગવાન શ્રીકૃષ્ણની સુવાસ વસેલી છે એવા પરિમલ નથવાણીના યુવા ઉદ્યોગપતિ પુત્ર ધનરાજ નથવાણીએ ધર્મ પ્રત્યેની તેમની આગવી કોઠાસૂઝ અને ભાવ૫ૂર્વકની શ્રદ્ધાના કારણે તૈયાર કરેલ અલભ્ય તસ્વીરો સાથે મહાભારત સ્કંદ શ્લોક સાથેની કોફી ટેબલ બુક અને દ્વારકાધીશજીના પ્રચલીત ગીતો તથા કલાત્મક પીછવાઈઓનું પ્રદર્શન ખુલ્લું મુકાયું ત્યારે હોલમાં ભાવ ભક્તિ અને કૃષ્ણપ્રેમની સુગંધ પ્રસરી ગઈ હતી.
ધનરાજ નથવાણીના આ મહાન વિચાર થકી સમગ્ર વિશ્વનું જાણીતું પૌરાણિક દ્વારીકા નગરીનું આ ધર્મ કાર્ય આજની યુવા પેઢીને ધર્મ પ્રત્યે વધુને વધુ ઉજાગર કરવામાં મહત્વપૂર્ણ બની રહેશે.
વ્યવસાય અને જીવનની રોજિંદા વ્યવસ્થામાંથી પણ ધનરાજ નથવાણીએ બે વર્ષ સુધી 'શબ્દ' ગીતા અને ચિત્રોનું આ અદ્દભુત આલ્બમ તૈયાર કરવામાં સમય અને પુરૃષાર્થ કરી ધર્મ અને સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવાની તક ઝડપી તે માટે પણ નથવાણી ધન્યવાદને પાત્ર છે.
અમદાવાદના વાય.એમ.સી. હોલમાં ઉપરોક્ત આલ્બમ તથા પ્રદર્શન ખુલ્લા મુકતા ત્યારે 'નોબત' પરિવારના ચેતનભાઈ માધવાણી તથા દ્વારકાના પ્રતિનિધિ ચંદુભાઈ બારાઈ, રવિ બારાઈ અને હોટેલ એસોસિએશનના પ્રમુખ નિર્મલ સામાણી પણ આ ગરિમામય પ્રસંગના સાક્ષી બન્યા હતા.
'બોડાણાનું ગાડુ હાંકે રે... મારો દેવ દ્વારકાવાળો' ગીત રજુ થતા જ
પરમ કૃષ્ણભક્ત પરિમલ નથવાણી ભાવુક થયા
રાજાધિરાજ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદના વાય.એમ.સી. હોલમાં જ્યારે સૌરાષ્ટ્ર-ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર કીર્તિદાન ગઢવીના સ્વરે 'બોડાણાનું ગાડુ હાંકે રે મારો દેવ દ્વારકાવાળો' નામક ગીત રજુ થયું ત્યારે કાર્યક્રમમાં સ્ટેજ ઉપર જ દ્વારકાધીશજીના પરમ ભક્ત પરિમલભાઈ નથવાણી ગીતના શબ્દો સાથે જ ભારે ભાવુક થઈ ગયા હતા. થોડી જ ક્ષણોમાં તેમના મુખ ઉપર હર્ષના આંસુ સરી પડ્યા હતા.