નવી દિલ્હી તા. ૧૩ઃ બોલીવૂડના ગાયક મીકાસિંહ વિવાદના વંટોળમાં ફસાયા છે. મુશર્રફના સગાને ત્યાં મહેંદીની રસમ માટે યોજાયેલી પાર્ટી દરમિયાન મીકાસિંહે પરફોર્મન્સ આપ્યું હતું, તેનો ભારત અને પાકિસ્તાનમાં વિરોધ થઈ રહ્યો છે. પાક.ના વિપક્ષોએ પણ આ અંગે સવાલો ઊઠાવ્યા છે.
ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યા પછી ભારે તંગદિલી છે તેમ છતાં બોલીવૂડના ગાયક મીકાસિંહે પાકિસ્તાન જઈને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફના એક સગાને ત્યાં પરફોર્મન્સ આપવાથી ભારત અને પાકિસતાનમાં ભારે નારાજગી છે.
જો કે હવે આ આખી ઘટના સાથે જોડાયેલી વધુ એક ચોંકાવનારી માહિતી બહાર આવી છે. જણાવવામાં આવ છે કે, મીકાના પરફોર્મન્સ દરમિયાન પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈ.એસ.આઈ.ના ઉચ્ચ અધિકારીઓ અને ભારતના મોસ્ટ વોન્ટેડ દાઉદના પરિવારના સભ્યો પણ હાજર હતાં.
જનરલ પરવેઝ મુશર્રફના સગા અસદે પોતાની દીકરી સેલીનાની મહેંદી રસમ પર 'મીકા સિંહ નાઈટ'નું આયોજન કર્યું હતું. કાર્યક્રમનું આયોજન ડીફેન્સ હાઉસ ઓથોરીટીમાં કરાયું હતું. જે.ડી. કંપનીના સભ્ય અનીસ ઈબ્રાહીમ અને છોટા શકીલના કરાંચી સ્થિત નિવાસસ્થાનથી બહુ દૂર નથી. દાઉદના સગા મિંયાદાદ સહિત સ્ટાર ક્રિકેટરોના પરિવાર પણ કાર્યક્રમમાં હાજર હતાં.
પાકિસ્તાનના એક પત્રકાર અનુસાર ટીસ્યુ પેપર બનાવનાર અસદ વડાપ્રધાન ઈમરાન ખાન સાથે નજીકના સંબંધો ધરાવતા હોવાના કારણે મીકાસિંહ અને તેના ૧૪ સભ્યોના ગ્રુપને વીઝા અપાવવામાં સફળ થયા હતાં. પત્રકારે જણાવ્યું કે ઉચ્ચ નોકરિયાતો, સૈન્ય અને પોલીસના અધિકારીઓ અને મિંયાદાદ સહિત સ્ટાર ક્રિકેટરોના પરિવારને કાર્યક્રમમાં આમંત્રિત કરાયા હતાં.
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલી તંગદિલી દરમિયાન મનોરંજનના આ કાર્યક્રમની ટીકા સરહદની બન્ને બાજુ થઈ રહી છે. પાકિસ્તાનના વિરોધ પક્ષ પીપલ્સ પાર્ટીના સૈયદ ખુર્શીદ શાહે કહ્યું કે સરકારે અવશ્ય તપાસ કરવી જોઈએ કે આવા કટોકટીના સમયે મીકાસિંહને પાકિસ્તાન પ્રવાસ કરવા માટે સુરક્ષા સંબંધી મંજુરી અને વીઝા કોણે આપ્યા?