ઘોર-અઘોરી

 (પ્રકરણ ઃ ૧૦)

ઘરમાં ઘૂસીને સરપંચ સીધા જ ખાટલા પર જ પછડાયા અને એમણે જબરજસ્તી આંખો મીંચી દીધી. રંભા કંઈ બોલી નહિ. એણે એક નજર સરપંચ તરફ નાખી અને પછી ધાબળો લાવીને એમને ઓઢાડી દીધો.

સરપંચે એક પળ માટે આંખો ખોલીને રંભા સામે જોયું. પછી આંખ મીંચી દીધી. હવે એમની આંખો સામે અઘોરીનો ભયાનક ચહેરો ઘૂમી રહ્યો હતો. એમની નજર સામે જમનાને ચૂંથી રહેલો અઘોરી ફરી રહ્યો હતો. એમની સામે ભયાનક અઘોરીનો ચહેરો ફરી રહ્યો હતો. એમની નજર સામે રેવાનો રડતો-કકળતો-અઘોરીના હાથમાંથી છટકવાના ધમપછાડા કરતો રેવાનો ચહેરો ફરી રહ્યો હતો....હવે એમની સામે પોતાની પત્ની રંભાનો ચહેરો દેખાયો....અને પછી દેખાયો અઘોરીની ચહેરો...અને એ સાથે જ સરપંચ 'નહિ....નહિ...' કહેતાં બેઠા થઈ ગયા. રંભા હજુ સામે જ ઊભી હતી. 'શું થયું ?' કહેતાં રંભા એમની સામે બેસી ગઈ.

'કંઈ નહિ !' કહેતાં પાછું સરપંચે માથું ઓશીકા પર મૂકયું.

રંભા એમના માથે હાથ ફેરવવા લાગી.

'રંભા....' સરપંચ ધીમેથી બોલ્યા.

'હં....' રંભાએ સરપંચના માથે હાથ ફેરવવાનું ચાલુ રાખતાં કહ્યું.

'હું આજે અઘોરીને મળવા જઈશ.'

સરપંચના માથે ફરી રહેલો રંભાનો હાથ, સરપંચની આ વાત સાંભળીને અટકી ગયો. 'શા   માટે ? એ ખૂબ જ ભયાનક છે...તમને કંઈક....'

'રંભા ! હું ગામનો સરપંચ છું, એક માણસ પણ છું. મારાથી ગામની સ્ત્રીઓની આવી હાલત નથી જોવાતી. મારી બહેનો અને દીકરીઓની લાજ અઘોરી લૂંટી રહ્યો છે. એમને ખતમ કરી રહ્યો છે. અને હું કયાં સુધી જોતો રહું ? આજે રેવાના પતિએ મને ધુત્કાર્યો-એની વાત સાચી હતી. કાલે આખું ગામ પણ મને ધુત્કારશે. ત્યારે મારી જાત મને પોતાને ધિક્કારશે. પરંતુ...પરંતુ એ પહેલાં હું આનો ઉકેલ લાવી દેવા માગું છું અને એ માટે મારે અઘોરીને મળવું જરૂરી છે.' કહેતાં સરપંચે રંભા સામે જોયું. રંભાની આંખો ભીની બની થઈ ગઈ હતી. 'પરંતુ તમે એને શોધશો કયાં ? એ તમને મળશે કયાં ?'

'અઘોરી મોટા ભાગે તો એની હવેલીના ખંડેરમાં જ હશે. પરંતુ જો એ ત્યાં નહિ હોય તો સ્મશાનમાં તો જરૂર હશે જ. જો એ ત્યાં પણ નહિ હોય તો હું એને ગમે ત્યાંથી શોધી કાઢીશ, પરંતુ આજે આ અધર્મનો કોઈક તો ઉકેલ જરૂર લાવીશ.'

રંભા કંઈ બોલી નહિ. એણે સરપંચના માથે હાથ ફેરવવાનું ચાલુ રાખ્યું. એણે મનોમન ભગવાનને પ્રાર્થના પણ કરી, 'હે ભગવાન ! મારા પતિદેવ ગામને અઘોરીના ઓછાયામાંથી બચાવવાના સારા કામ માટે તૈયાર થયા છે. એમની રક્ષા કરજે.'

અને રાતના સાડા અગિયાર વાગ્યા એટલે જાગતા બેઠેલા સરપંચ ઊભા થયા. એમની સાથે રંભા પણ ઊભી થઈ.

અત્યારે આખુંય ગામ ઊંઘી રહ્યું હતું. ગામમાં સન્નાટો હતો. કાળું ભમ અંધારું હતું રડયું-રખડયું કૂતરું બસીને પછી શાંત થઈ જતું હતું.

સરપંચ ચાલીને દરવાજા પાસે આવ્યા અને ઘરના દરવાજાની બહાર નીકળીને એમણે પાછા ફરીને રંભા સામે જોયું. રંભાની આંખોમાં આંસુ હતા છતાંય એ બોલી, 'જાવ, એ શયતાનને મળીને એને આ ગામમાંથી ભાગી જવાનું કહેજોે...અને....' પછી એણે દરવાજો બંધ કરી દીધો અને ધ્રુસકે-ધ્રુસકે રડી પડી. 'હે ભગવાન ! મારા સુહાગની એ શયતાનના ક્રૂર હાથમાંથી રક્ષા કરજે.'

સરપંચે એક નજર રંભાએ બંધ કરેલા દરવાજા પર નાખી અને પછી હવેલી તરફ ચાલી નીકળ્યા. સરપંચના પગમાં મક્કમતા હતી. રંભાનાં છેલ્લાં વાકયોમાં એમના પગમાં ઝડપ ઉમેરી હતી.

સરપંચ હવેલી પાસે પહોંચ્યા. હવેલીનાં ખંડેરો અડધા ચંદ્રનો અજવાસમાં ભૂતાવળ જેવાં ભાસી રહ્યા હતા. પત્ની રંભાનો ખ્યાલ આવતાં એક પળ માટે હવેલીમાં ઘૂસતા સરપંચ ખચકાયા, પરંતુ પછી આફતમાં મુકાયેલા ગામવાળાઓનો ખ્યાલ આવતાં જ સરપંચે હવેલીના ખંડેરમાં પહેલો પગ મૂકયો.

સરપંચે બીજો પગ પણ ખંડેરમાં મૂકયો અને બે-ચાર ડગલાં આગળ વધ્યા ત્યાં જ ઘુવડનો અવાજ આવ્યો અને એ સાથે જ સામેના કમરામાંથી કોઈ ઝાંડી-ઝાંખરા પર ચાલતું-ચાલતું આવી રહ્યું હોય એવું સરપંચને લાગ્યું. સરપંચનું મન ગભરાવા લાગ્યું. બાજુના કમરામાંથી કોઈ એ તરફ જ આવી રહ્યું હતું. અને પછી એ અવાજ એકદમ નજીક આવી ગયો. અને પછી એક કૂતરો પૂંછડી પટપટાવતો નીકળ્યો, અને સરપંચને જોઈને એ ત્યાંથી ભાગી ગયો.

સરપંચનો શ્વાસ હેઠો બેઠો. એ કૂતરો ઝાડી-ઝાંખરાં પર ચાલતો-ચાલતો અવાજ કરતો આવી રહ્યો હતો. પરંતુ હવે સરપંચનો ગભરાટ ઓછો થઈ ગયો હતો. સરપંચ સામેના કમરામાં ઘૂસ્યા, પરંતુ ત્યાં તૂટેલા-ફૂટેલા ફર્નિચર તેમજ ઝાડી-ઝાંખરા સિવાય બીજું કંઈ જ સરપંચની નજરમાં ચઢયું નહિ. અઘોરી દેખાયો નહિ. એ કમરામાંથી સરપંચ બહાર નીકળ્યા અને બાજુના કમરામાં ઘૂસ્યા.

આ એ જ કમરો હતો જ્યાં રાકેશે અજગર જોયો હતો, અને આની આગળ સામેના કમરામાં રાકેશ અને રાજુ પર અઘોરીએ હુમલો કર્યો હતો, પરંતુ સરપંચને આ વાતની ખબર નહોતી. એ આ વાતથી બિલકુલ અજાણ હતા.

એમણે એ કમરામાં નજર ફેરવી. અડધા ચંદ્રના અજવાળાથી જ એમને થોડું-ઘણું પણ દેખાતું હતું. બાકી બૅટરી તો એ લાવ્યા જ નહોતા ને !

એમને સામે બીજો કમરો હોય એવું દેખાયું. જોકે, એનો દરવાજો બંધ હતો. સરપંચ એ તરફ આગળ વધ્યા. અને દરવાજાને ધક્કો માર્યો. કિચૂડ..... ડ....ડ....ડ... કરતો દરવાજો ખૂલ્યો. અંદર અંધારું હતું. કંઈ દેખાતું નહોતું, તેમ છતાંય સરપંચ બે પગલાં અંદર ઘૂસ્યા. પછી એમને શી ખબર મનમાં શું થયું કે આગળ વધેલા બે પગલાં તેઓ પાછળ ખસી ગયા અને દરવાજો પાછો બંધ કરી દીધો.

સરપંચ જો એ કમરામાં બીજા ચાર-પાંચ પગલાં આગળ ચાલ્યા હોત તો એમના પગે રાજુ અને રાકેશના હાડપિંજરો જરૂર અથડાયા હોત.

સરપંચ એ કમરામાંથી બહાર નીકળ્યા અને બાજુના બીજા કમરામાં ઘૂસ્યા. એ કમરો પણ ઝાડી-ઝાંખરાઓથી ભરાયેલો હતો. એ કમરામાંથી સરપંચ બહાર નીકળ્યા પછી ત્રીજા કમરામાં ઘૂસ્યા....

પછી ચોથા કમરામાં ઘૂસ્યા...

પછી પાંચમાં કમરામાં ઘૂસ્યા....

સરપંચ હવેલીના એક-એક કમરામાં ફરી વળ્યા, પરંતુ એમને અઘોરી દેખાયો નહિ. સરપંચે ખૂણા-ખાંચરાઓમાં જોવાની પરવા કરી નહોતી. કારણ કે એમને ખ્યાલ હતો કે એમના કમરામાં ઘૂસતાં જ, જો એ કમરામાં અઘોરી હશે તો તરત જ એની સામે આવીને યમની જેમ ખડો થઈ જશે. એટલે એમણે વિચાર્યું કે જરૂર અઘોરી સ્મશાનમાં જ હશે.

સરપંચ સાવચેતીભરી નજર ઘૂમાવતા-ઘૂમાવતા હવેલીના ખંડેરમાંથી બહાર નીકળ્યા, એ સાથે જ પેલું કૂતરું પાછું પૂંછડી પટપટાવતું અંદરના કમરા તરફ દોડી ગયું.

આ વખતે સરપંચને બીક લાગી નહિ. અડધો કલાક આ ભૂતાવળ જેવી ભાસતી હવેલીમાં હર્યા-ફર્યા પછી સરપંચના મનમાંથી પોણા ભાગની બીક ભાગી ગઈ હતી.

ખભા પરની શાલ સરખી કરતા સરપંચ સ્મશાન તરફ ચાલવા લાગ્યા.

સ્મશાન હવેલીને પછવાડે, ગામની બહાર એક છેડે આવેલું હતું. સરપંચ મક્કમ પરંતુ ધીમી ચાલે સ્મશાન તરફ આગળ વધવા લાગ્યા.

સ્મશાન પાસે આવીને સરપંચ ઊભા રહ્યા.

સ્મશાનમાં આ રીતે રાત્રે બાર વાગ્યે એકલા પોતાની જિંદગીમાં આજે એ પહેલીવાર આવતા હતા. વળી હવેલીના નામમાં ભયનો ભાર નહોતો. જ્યારે સ્મશાનના નામમાં જબ્બર ભયનો ભાર હતો, એટલે હવેલીમાં ખાસ ન ગભરાયેલા સરપંચના શરીરમાં અત્યારે સ્મશાનમાં પગ મૂકતાં જ ગભરાટનો એક લિસોટો દોડી ગયો હતો. તેમ છતાંય બીજી વાર એ ગભરાટનો લિસોટો આખાય શરીરમાં ફરી ન વળે એની સાવચેતી સાથે સરપંચે સ્મશાનની જમણી તરફથી પોતાની નજર ફેરવવા માંડી.

અડધા ચંદ્રના અજવાસમાં ખાસ લાંબે સુધી સરપંચની નજર પહોંચતી નહોતી. તેમ છતાંય લાંબે સુધી નજર પહોંચાડવાનો પ્રયત્ન કરતાં સરપંચે જમણેથી ડાબી તરફ આવી એટલે એમને દૂર...દૂર....ઝાડ પાસે કોઈ બેઠું હોય એવું દેખાયું. અને એવું જ દેખાતાં જ ઠંડીમાં પણ સરપંચના ચહેરા પર પરસેવાના ટીપાં ઊપસી આવ્યાં. સરપંચે શાલથી એ ટીપાં લૂછયા અને એ ઝાડ તરફ આગળ વધ્યા.

ત્યાં અઘોરી બેઠો હશે એવું એમનું મન કહેતું હતું. કારણ કે આટલી રાત્રે સામાન્ય માણસ કે કાચો-પોચો માણસ તો આ રીતે સ્મશાનમાં ન જ બેસે. અને એ અઘોરી ન હોય તો શું ભૂત-બલા...

'આવો સરપંચ...' ઝાડની થોડેક દૂર સુધી પહોંચી ગયેલા સરપંચના વિચારોમાં ખલેલ પાડતો અઘોરીનો અવાજ સંભળાયો. એ સાથે જ પહેલાં તો સરપંચ ચોંકયા. પરંતુ પછી રાહતનો શ્વાસ લીધો. હાશ ! આને જ મળવા માટે તો પોતે અત્યારે રખડી રહ્યા હતા, છેવટે મળી ગયો ખરો.'

અઘોરીથી લગભગ ચાર ફૂટ દૂર આવીને સરપંચ ઊભા રહી ગયા. અઘોરી માણસની ખોપરીઓ અને હાડકાંઓ વચ્ચે બેઠો હતો, અને હાથથી એ હાડકાંઓથી રમતો હતો.

'આવો સરપંચ...કેમ આવવું થયું અહીંયાં?' અઘોરીનો કર્કશ અવાજ ફરી ગૂંજ્યો.

'લાલા! હું ઘણી બધી હિંમત ભેગી કરીને તારી પાસે આવ્યો છું.' અઘોરીના શરીરની વાસ નાકમાં ઘૂસતાં જ સરપંચે નાક પર રૂમાલ દાબી દીધો.

'કેમ ? શું વાત છે ! કહોને મને ? લાલા અઘોરી તો તમારો નોકર છે સરપંચ !'

'તું જે શયતાનિયભર્યા કામો કરતો ગામમાં ફરી રહ્યો છે એ શું સારું છે?' સરપંચે હવે વાતની લગામ પકડતાં કહ્યું.

'હું પણ તો ઈન્સાન છું સરપંચ ! તો પછી બીજું શું કરું ?'

'તું ઈન્સાન છે? તું તો શયતાનથી પણ વધુ ખતરનાક અને ભયાનક છે. તેં આખાય ગામને ડરાવી દીધું છે.'

'કેમ ડરે છે ગામવાળાઓ મારાથી? ન ડરે!' અઘોરી હસ્યો.

સરપંચ સામે લાશોના કપાયેલા માથા અને અઘોરીના શરીરેથી નીકળતા પીળા લોહીને જોઈને ડરી ગયેલા ગામવાળાઓના ચહેરાઓ દોડી ગયા. એમણે અઘોરીને પૂછયું, 'લાલા! શું તું મેલી વિદ્યાનો જાણકાર છે ને?'

'હા છું.' અઘોરી ફરી હસી પડયો.

'ગામવાળાઓ તારાથી પરેશાન થઈને તારા દુશ્મન બની બેઠા છે. એ બધાની ઈચ્છા છે કે તને ખતમ કરી નાંખવામાં આવે.' સરપંચે ધમકીભર્યા લહેજામાં, પરંતુ એને સાવચેત કરવા માગતા હોય એમ કહ્યું.

'હા...હા....હા..હી...હી...હી....હુ...હુ...' આ વખતે અઘોરી વિચિત્ર રીતે હસ્યો. પછી એકાએક હસતો બંધ થઈ ગયો અને એણે સરપંચની નજર સામે પોતાના ડોળા મેળવ્યા. સરપંચે નજર ફેરવી લીધી. જોકે, અત્યાર સુધી પણ સરપંચે અઘોરીના ચહેરા પર નજર ઠેરવીને વાત કરી જ નહોતી.

'સરપંચ ! હું મારા એક-એક દુશ્મનોને જોઈ લઈશ. હા...હા...હા....હા...હી...હુ...હુ....' એ ફરી હસ્યો.

'તું અહીંથી આ ગામ છોડીને જતો રહે લાલા!' સરપંચે કડક અવાજમાં કહ્યું. સરપંચ હવે એને આ ગામમાંથી કાઢવાના બધા જ ઉપાયો અજમાવી લેવા માગતાં હતાં.

'હું અહીંથી નહિ જાઉં તો તમે લોકો શું કરી    લેશો?' અઘોરીએ સરપંચને સવાલ પૂછયો.

સરપંચ પાસે આનો જવાબ નહોતો. કારણ કે એ પોતે જાણતા હતા, સારી રીતે જાણતા હતા કે આખાય ગામવાળાઓમાંથી કોઈ માઈનો લાલ અઘોરીનો વાળ વાંકો કરી શકે એમ નથી. ગામનો એક-એક માણસ હજાર-હજાર વખત આસમાનથી નીચે પટકાય તો પણ એ અઘોરીનો વાળ વાંકો કરી શકે નહિ.

સરપંચે કોઈ જવાબ ન આપ્યો એટલે અઘોરી જ બોલ્યો, 'હું મારી માલ-મિલકત છોડીને કયાં જાઉં સરપંચ ? અહીંયાં મારી હવેલી મોજૂદ છે. એમાં ખજાનો છુપાયેલો છે અમારો. એટલે હું અહીંથી કઈ રીતે જાઉં?'

'તું એ સમયે હવેલીમાં નહોતો, જે સમયે હવેલીમાં આગ લાગી હતી?'

'હતોને સરપંચ ! પરંતુ સળગતી હવેલીમાંથી હું બહાર નીકળી ગયો અને અમારી હવેલીને સળગાવનાર હરિરામને મેં સળગાવી નાખ્યો. એ વાત તો મેં તમને પહેલાં જ કહી હતી અને હા ! આજે અત્યારે હું તમને એક ખેલ બતાવું છું, સરપંચ ! ગઈકાલે પેલા શંકરે મારા શરીર પર લાઠીઓ વીંઝી હતીને, હું હવે એનો ખેલ બતાવીશ.' કહેતાં અઘોરીએ હાથમાં પકડેલા હાડકાંથી રેતીમાં એક માણસનું ચિત્ર બનાવ્યું, અને પછી સરપંચ સામે જોયું. સરપંચની નજર એણે જમીન પર બનાવેલા ચિત્ર પર હતી.

'સરપંચ! આ છે શંકર. હું આ શંકરના માથે જુઓ એક લાઠી મારું છું હોં!' કહેતાં અઘોરીએ પોતાના હાથમાંનું હાડકું જમીન પર ચિતરેલા માણસના માથા પર ફટકાર્યું. 'અને આ બીજી લાઠી શંકરની કમર પર.' કહેતાં એણે હાડકું ચિતરાયેલા માણસની કમર પર માર્યું. 'અને આ બે લાઠી શંકરના બે પગ પર.' કહેતાં એણે ચિતરાયેલા માણસના બેય પગ પર હાડકું માર્યું. પછી એણે સરપંચ સામે જોયું. સરપંચની નજર હજુ પણ જમીન પરના માણસ પર જ હતી, પરંતુ એમના ચહેરા પર મૂંઝવણના ભાવ હતા. કંઈક ન સમજી શકવાના-અણસમજવાના ભાવ હતા.'

(ક્રમશઃ)

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ઘોર-અઘોરી

(પ્રકરણ: ૯)

ઘરમાં ઘૂસીને બેઠેલા પુરુષોની આંખોની સામે અઘોરીનો ભયાનક ચહેરો અને પીળા લોહીના રેલાઓ દેખાઈ રહ્યા હતા. સરપંચ અને જીવણલાલ સોની સિવાય બાકીના બધા જ પુરુષોએ આજે પહેલી વાર જ અઘોરીને જોયો હતો. હવેલી સળગી એ પહેલા લાલાનો ચહેરો ભયાનક જરૂર હતો, પરંતુ હવેલી સળગી ગયા પછી લાલો અઘોરીના વેશમાં વધુ ભયાનક લાગતો હતો.

નીચે બેઠેલો અઘોરી એક ઝાટકે ઊભો થઈ ગયો. એ એ રીતે ઊભો થયો હતો કે એમ માની જ ન શકાય કે શંકરે હમણાં થોડીક વાર પહેલાં જ આને લાઠીનો માર માર્યો હશે.

અઘોરી પાછો જીવણલાલના ઘર તરફ ફર્યો.

રેવાએ પણ દરવાજો બંધ કરી દીધો હતો. એ અંદર થર-થર ધ્રુજી રહી હતી. હવે એને પોતાની ભૂલ પર પસ્તાવો થતો હતો કે શંકર જ્યારે અઘોરીને માર મારી રહ્યો હતો ત્યારે એ પોતે બાજુમાં અમથાલાલના ઘરમાં જતી રહી હોત તો સારું થાત. ત્યાં એને એમનો સથવારો અને સધિયારો મળી રહેત.

અહીંયા તો પોતે એકલી જ છે. બિલકુલ એકલી.

પેલો અઘોરી જો ફરી વાર ઊઠીને અહીં આવશે તો....?

રેવાના શરીરે પરસેવો વળી ગયો. એ ખાટલા પાસે આવી અને ધીમેથી એના પર બેઠી અને પછી દરવાજા તરફ જોવા લાગી. એનું દિલ ધડક-ધડક...થઈ રહ્યું હતું.

ધીમી ચાલ ચાલતો અઘોરી જીવણલાલના ઘર સુધી પહોંચી ગયો. અત્યારે એના ભયાનક ચહેરા પર મક્કમતા હતી.

જીવણલાલના ઘરના દરવાજા પાસે આવીને અટકયો. પછી એણે દરવાજો ખટખટાવવા માટે હાથ અદ્ધર કર્યો, પરંતુ એ અટકી ગયો. એ હસ્યો, અને પછી જોરથી એક લાત દરવાજાને મારી અને એ સાથે જ દરવાજો ખૂલી ગયો અને એ સાથે જ દરવાજા તરફ તાકીને બેઠેલી રેવા પણ ઊછળી. અને એણે ચીસ પાડી.

આસપાસના ઘરવાળાઓને પણ આ ચીસ સંભળાઈ. પરંતુ કોઈનામાં બહાર નીકળીને જોવાની હિંમત નહોતી. રેવા કરતાં એ સૌને પોતાનો જીવ વહાલો હતો. આ ચીસ સરપંચના ઘર સુધી સંભળાઈ નહોતી. જો સરપંચના ઘર સુધી સંભળાઈ હોત તો સરપંચ કદાચ દોડયા હોત, કદાચ અઘોરીને લાઠીથી મારી-મારીને થાકીને લોથપોથ ગઈ ગયેલો શંકર પણ રેવાને બચાવવા માટે દોડતો હોત. પરંતુ નસીબમાં જે લખાયું હતું એ અત્યારે થવાનું હતું.

અઘોરીએ દરવાજો બંધ કરી દીધો હતો અને એ ધીમે-ધીમે રેવા તરફ આગળ વધી રહ્યો હતો. રેવાની આંખો અઘોરીનો ભયાનક ચહેરો જોઈને જ બંધ થઈ ગઈ હતી અને અત્યારે એના હોઠ ફફડી રહ્યા હતા. એનું હૃદય ઉછળી-ઉછળીને એના ગળા સુધી આવી રહ્યું હતું. અને એટલે એ ચીસ પણ પાડી શકતી નહોતી. એણે પાડેલી પહેલી ધીમી ચીસ પછી જાણે એની જીભ ચોંટી ગઈ હતી. એ ઘણા પ્રયત્નો છતાંય બોલી શકતી નહોતી, ચીસ પાડી શકતી નહોતી. એણે ધીમેથી આંખ ખોલી એ સાથે જ એના મોઢામાંથી ચીસ નીકળી ગઈ...બીજી ચીસ એના મોઢામાંથી નીકળી શકી નહિ. કારણ કે અઘોરી એની બિલકુલ નજીક આવી ગયો હતો અને એણે રેવાના હોઠને પોતાના ગંદા-ભદ્દા હોઠથી બંધ કરી દીધા હતા.

હવે રેવા કંઈ જ બોલી શકતી નહોતી. એના નાકમાં અઘોરીના શરીરની વાસ ભરાઈ ગઈ હતી અને એણે પોતાની આંખો પણ બીડી દીધી હતી અને એ શયતાન અઘોરીના હાથમાં છટકવાની કોશિશ કરી રહી હતી, ધમપછાડા કરી રહી હતી. અઘોરીએ રેવાને ખાટલા પર પટકી અને એ સાથે એ પણ એની સાથે પટકાયો.

પછી...

બહાર-પોતપોતાના ઘરમાં અઘોરીની બીકથી લપાઈને બેઠેલાઓને ખબર હતી કે અત્યારે રેવાની હાલત કેવી થતી હશે.

અઘોરી એક વરૂની જેમ રેવાને કચડી રહ્યો હતો-ચૂંથી રહ્યો હશે-ચાવી રહ્યો હતો.

પરંતુ અત્યારે એ લોકો કંઈ જ કરી શકે તેમ નહોતા-કંઈ જ નહિ.

આખી રાત બધાએ ભય અને ડરમાં પસાર કરી.

વહેલી સવારે રેવાના પાડોશી અમથાલાલે ધીમેથી દરવાજો ખોલીને જોઈ લીધું કે અઘોરી કયાંય ઊભો તો નથીને ? અઘોરી નહોતો. વળી દિવસનું અજવાળું પણ ફેલાઈ ચૂકયું હતું એટલે અમથાલાલ બહાર નીકળ્યા અને થોડેક દૂર જ આવેલા સરપંચના ઘરે પહોંચ્યા. સરપંચ જાગતા જ હતા. શંકર અને સરપંચના પત્ની હજુ સૂતેલા જ હતાં. કદાચ અઘોરીના અજંપામાં ને અજંપામાં તે બન્નેની આંખો સવારે જ લાગી હશે.

અમથાલાલે અઘોરી રેવાના ઘરમાં ઘૂસ્યો હતો ત્યાંથી લગાવીને રેવાની ચીસ સંભળાઈ હતી એ બધી વિગતવાર વાત કરી હતી.

અમથાલાલની વાત સાંભળીને સરપંચની આંખ સામે રેવાની લાજ લૂંટાયેલી, લોહીમાં લથપથ થયેલી, ધડમાંથી માથું અલગ થયેલી લાશ તરવરી ઊઠી.

સરપંચને પોતાની જાત પર ગુસ્સો ચઢયો. શું પોતે ગામવાળાઓની ગળા કપાયેલી લાશ જ જોયા     કરશે ? શું એ પોતે એમને અઘોરીના પંજામાંથી છોડાવવા માટે કંઈ જ નહી કરે ?

એ પોતે હવે કંઈક ને કંઈક જરૂર કરશે. હવે એ ચૂપ નહિ બેસી રહે, પરંતુ અત્યારે રેવાની હાલત શું થઈ છે એ જોવાની જરૂર છે. કદાચ રેવાને કંઈ થયું ન પણ હોય ! કદાચ રેવા જીવતી પણ હોય.

અમથાલાલ સાથે સરપંચ રેવાના ઘર પાસે પહોંચ્યા ત્યારે જેમણે-જેમણે રેવાની ધીમી ચીસ રાત્રે સાંભળી હતી, તેઓ ત્યાં ભેગા થઈ ચૂકયા હતા અને એમના મોઢેથી જેમને-જેમને કાને આ વાત પહોંચી હતી તેઓ પણ ભેગા થઈ રહ્યા હતા.

સરપંચ રેવાના ઘરના દરવાજા પાસે પહોંચ્યા. એમને પણ ખબર હતી કે જીવણલાલ પોતાના દીકરા રમણને બાજુના શહેરમાં બોલાવવા માટે ગયા છે એ આવશે તો પોતે એમને શું જવાબ આપશે ! 'તમે આખાય ગામવાળાની હાજરી વચ્ચે એ શયતાન અઘોરી મારી રેવાને લૂંટી ગયો-ખતમ કરી ગયો અને તમે બધાય કાયરની જેમ જોતાં રહ્યા...!'

પોતે કાયર નહોતા. હા ! ભયના શિકાર જરૂર બન્યા હતા. પરંતુ આજે પોતે એ અઘોરીની વાતનો ઉકેલ જરૂર લાવશે. કોઈપણ હાલતે.

પરંતુ પહેલા-અત્યારે રેવાના શું હાલ થયા છે એ જોવું જોઈએ અને એટલે રેવાના ઘરના દરવાજાને ધક્કો માર્યો-એ સાથે જ દરવાજો ખૂલી ગયો અને સામેનું દૃશ્ય જોઈને સરપંચની આંખો પહોળી થઈ ગઈ. શરીરમાં એક ધ્રૂજારી જરૂર થઈ ગઈ.

સામે સરપંચના માનવા મુજબ જ રેવાની લાજ લૂંટાયેલી લોહીમાં લથપથ કપાયેલી લાશ પડી હતી.

આ પહેલાં પણ સરપંચ જમનાની આવી જ લાશ જોઈ ચૂકયા હતા અને એ પહેલાં પણ માલતીની આવી જ લાશ જોઈ ચૂકયા હતા અને અત્યારે તેઓ રેવાની એ જ હાલતમાં પડેલી લાશ જોઈ રહ્યા હતા. આજુબાજુ વેરણ-છેરણ થઈ ગયેલી વસ્તુથી સાફ દેખાઈ આવતું હતું કે પોતાની લાજ બચાવવા માટે રેવાએ ઓછા ધમપછાડા નહોતા કર્યા.

સરપંચ આગળ વધ્યા અને એમણે પોતે ઓઢેલી શાલ રેવાના લૂંટાયેલા શરીર પર ઢાંકી. એ અંદર ઘૂસ્યા એટલે થોડી-ઘણી પણ કઠણ છાતી ધરાવતા માણસો અંદર ઘૂસી આવ્યા. એમની આંખો પણ પહોળી થઈ ગઈ. કારણ કે એમણે પણ જમના અને માલતીની આવી હાલતમાં પડેલી લાશને જોઈ હતી.

સરપંચે બાજુમાં ઊભેલા યુવાનોને રેવાની અંતિમક્રિયા કરવા માટેની તૈયારીઓ માટેની સૂચનાઓ આપવા માંડી. જોકે, રેવાનો અગ્નિસંસ્કાર તો જીવણલાલ અને રમણ આવે એ પછી જ કરવાનો હતો.

સરપંચની સૂચનાઓ મુજબ ગમગીન ચહેરે અને દુઃખી હૃદયે યુવાનો કામે લાગ્યા.

સરપંચના ઘરમાં રાત્રે અઘોરીને માર મારીને થાકીને લોથ-પોથ થઈ ગયેલો શંકર ઊઠયો, ત્યારે રંભાબહેને આંસુભરી આંખે જોતાં એને કહ્યું, 'શંકર... શંકર...તેં રાત્રે પેલા અઘોરીને કેમ ખતમ કર્યો નહિ....તેં એને ખતમ કરી નાખ્યો હોય તો રેવાની આવી હાલત તો....'

'શું થયું રેવાને...?' શંકરના મગજ પર ફરી પાગલપણું સવાર થવા લાગ્યું. એ ત્યાંથી દોડયો સીધો રેવાના ઘર તરફ. રેવાના ઘરની બહાર છૂટાછવાયા બે-ચાર ટોળામાં, અંદરો-અંદર ધીમે-ધીમે અઘોરીની શયતાનિયતની વાતો કરતા લોકો ઊભા હતા. એ લોકો તરફ જોયા વિના જ ધડડડડ.... કરતો શંકર રેવાના ઘરના દરવાજા પાસે પહોંચ્યો અને પછી એ જ ઝડપે અંદર પ્રવેશ્યો. સામે નજર પડતાં જ શંકર ચિલ્લાઈ ઊઠયો, 'જમના... જમના...હું એને નહિ છોડું...નહિ છોડું....'ની બૂમો મારતો-મારતો દોડી ગયો. બધાયની નજરમાં નવાઈ હતી, શું શંકરનું પાગલપણું ખતમ થયું નથી?

હકીકતમાં અઘોરીને માર્યા પછી શંકરની દિમાગની હલચલમાં થોડોક ફરક પડયો હતો. પરંતુ અત્યારે રેવાને જમના જેવી જ હાલતમાં પડેલી જોઈને પૂરા કાબૂમાં નહિ આવેલું એનું દિમાગ કાબૂ ગુમાવી બેઠું હતું. એને કપાઈ ગયેલો રેવાનો ચહેરો જમાનાના ચહેરા જેવો લાગ્યો હતો એટલે એને એવી હાલતમાં જોઈને ફરી એની પર પાગલપન સવાર થઈ ગયું હતું.

રેવાની અંતિમક્રિયાની વ્યવસ્થા કરવામાં સમય કયાં પસાર થઈ ગયો એની સરપંચને ખબર પડી નહિ, પરંતુ દૂર દૂરથી જીવણલાલ અને રમણને આ તરફ આવતા જોઈને એમના મનમાં ફરી સવાલ ઘોળાયો ઃ 'પોતે જીવણલાલને શું જવાબ આપશે?'

પોતાના ઘર પાસે આટલી ભીડ અને ઘરના દરવાજા પાસે સરપંચને ઊભેલા જોઈને જીવણલાલના મનમાં ધ્રાસ્કો પડયો. એમણે થોડીક ઝડપ વધારી અને ભીડમાં સહુથી આગળ ઊભેલા અમથાલાલને જોઈને એમને પૂછયું, 'શું...શું... થયું? કેમ બધા અહીંયાં ભેગા થયા છો ?'

અમથાલાલે કંઈ જ જવાબ ન આપ્યો. એમણે દરવાજા પાસે ઊભેલા સરપંચ સામે જોયું એટલે જીવણલાલ સરપંચ પાસે પહોંચ્યા અને પૂછયું, 'શું...' ત્યાં જ એમની નજર અંદર પડી અને એ સાથે જ એ ધ્રુસકું મૂકીને અંદર દોડયા. અને રેવાના શબને વળગી પડયા અને પોક મૂકીને રડવા લાગ્યા. પાછળ-પાછળ રમણ પણ દોડી આવ્યો હતો, એણે પોતાની માનું શબ જોઈને એક ધ્રૂસકું મૂકયું અને પછી બાજુમાં દીવાલમાં માથું છુપાવીને રડવા લાગ્યો.

રેવાની અંતિમક્રિયા લગભગ સાંજે ચાર વાગે પતી ગઈ. અને પછી સૌ ગમગીન ચહેરે અને મનના ખૂણામાં ઘર કરી ગયેલા અઘોરીના ભય સાથે પોતપોતાના ઘર તરફ ચાલ્યા ગયા.

સરપંચ અને રંભા જીવણલાલના ઘરમાં જ રહ્યા. સરપંચે રંભાને પોતાના ઘરેથી કંઈક નાસ્તો-પાણી લઈ આવવા માટે મોકલી, અને પછી પોતે રડી રહેલા જીવણલાલ અને સૂનમૂન બેઠેલા રમણ સાથે બેઠા.

સૂનમૂન બેઠેલા રમણે નજર અદ્ધર કરીને સરપંચ સામે જોયું, 'કાકા! મા કઈ રીતે....' એ આગળ બોલી શકયો નહિ.

'દીકરા ! તું તો શહેરમાં રહે છે એટલે તને કદાચ ખબર નહિ હોય. આ ગામમાં પેલા રણજિતસિંહનો લાલો હવે અઘોરી બની ગયો છે. હવે એ પહેલાં કરતા પણ વધુ ભયાનક અને ખતરનાક બની ગયો છે. એણે ગામને હેરાન-પરેશાન કરી નાખ્યું છે. ગઈકાલે રાત્રે રેવાને એણે ખતમ....'

'તો....તો....એ નાલાયક અઘોરીએ મારી રેવાની હાલત આવી કરી અને તમે ગામવાળા જોતા રહ્યા....મારી રેવાને કોઈએ ન બચાવી....કોઈએ નહિ....થૂં છે...એવા ગામવાળા પર....' જીવણલાલ આવેશમાં બોલી ગયા.

સરપંચ કંઈ જ ન બોલ્યા. જીવણલાલની વાત સાચી હતી. આટલા બધા ગામવાળા વચ્ચે અઘોરી ગામની લાજ રેવાને લૂંટી રહ્યો હતો છતાંય ગામનો કોઈ માઈનો લાલ એને બચાવી ન શકયો !

રંભા જમવાનું લઈ આવી, એણે જીવણલાલ અને રમણ સામે એ મૂકયું.

જીવણલાલ જમવાનું જોઈને બરાડયા, 'લઈ જાવ અહીંથી આ જમવાનું. હવે હમદર્દી બતાવવા માટે આવ્યા છો સરપંચ. એ વખતે કયાં ગયા હતા જ્યારે મારી રેવાની લાજ....' કહેતાં જીવણલાલ હીબકાં ભરવા લાગ્યા.

રંભા તો સાવ અવાચક જ થઈ ગઈ. સરપંચ કંઈ જ ન બોલ્યા. પરંતુ એમની આંખોમાં, એમણે કોઈ નિર્ણય કર્યો હોય એવી ચમક સાફ દેખાતી હતી. એ ઊભા થયા અને જીવણલાલના ઘરની બહાર નીકળ્યા. પાછળ-પાછળ રંભા પણ બહાર નીકળી.

હજુ એ માંડ દસ પગલા ચાલ્યા હશે ત્યાં જ રમણ દોડતો-દોડતો આવ્યો. 'કાકા !' એટલું કહેતાં તો ફરી એને ગળે ડૂબો બાઝી ગયો.

સરપંચ ઊભા રહી ગયા. એમણે સામે જોયું. રમણની આંખોમાં આંસુઓ વહી રહ્યા હતા. 'કાકા' એ માંડ-માંડ બોલ્યો, 'બાપા જે બોલ્યા એનું ખોટું ના.'

'નહિ રે દીકરા!' કહેતાં સરપંચે રમણને છાતીસરસો ચાંપી લીધો અને એ સાથે જ રમણ ધ્રુસકે-ધ્રુસકે રડી પડયો. સરપંચ અને રંભાની આંખોમાં પણ આંસુ આવી ગયા. આજુબાજુના ઘરના દરવાજે ઊભેલા પાડોશીઓની આંખો પણ ઊભરાઈ આવી.

'એમાં ખોટું શું લગાડવાનું, દીકરા... જીવણલાલની વાત સાચી જ છે ને ! મુસીબતનો ઉકેલ ન શોધી શકું તો પછી હું સરપંચ બનીને શું જખ મારી રહ્યો છું. એમની વાત સાચી છે. દીકરા... જા...એમની પાસે જા....અને એમને જમાડ...તું પણ જમજે....જા....!'

રમણ સરપંચથી છૂટો પડયો અને પોતાના ઘર તરફ પાછો વળ્યો. સરપંચ અને રંભા પણ ધીમી ચાલ ચાલતાં પોતાના ઘર તરફ ચાલવા લાગ્યાં.

રમણ ઘરમાં ઘૂસ્યો એટલે અમથાલાલ અને એની પત્ની પણ જીવણલાલ અને રમણને જમાડવા માટે અંદર ઘૂસ્યા.

સરપંચ અઘોરીથી ગામલોકોને કેવી રીતે છોડાવવા એ અંગે વિચારવા લાગ્યા.

(ક્રમશઃ)

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ઘોર-અઘોરી

 (પ્રકરણ ઃ ૮)

શંકર પણ એ વાતથી બેખબર હતો. અત્યારે એ ખેતરમાં કામ કરતો-કરતો વિચારી રહ્યો હતો કે, 'જેમ બને એમ જલદી હવે જમનાના લગ્ન કરી નાખવા જોઈએ. પણ...પણ...જમનાનાં લગ્ન થઈ જશે એટલે એ પોતાને સાસરે જતી રહેશે...પછી...પછી...પોતે બિલકુલ એકલો થઈ જશે. પછી પોતાની સંભાળ કોણ રાખશે.?'

આખો દિવસ જમનાના લગ્ન વિશે વિચારતો રહ્યો. પછી સાંજે સરપંચને જમનાના લગ્ન વિશેની વાત કરવાનું વિચારીને શંકર સાંજે પાંચેક વાગ્યે જ ખેતરનું કામ આટોપીને ગામ તરફ-સરપંચના ઘર તરફ ચાલી નીકળ્યો.

શંકરના માતા-પિતા હતા નહિ, એટલે શંકર નાની-મોટી વાત સરપંચને કહેતો અને એમની પાસેથી સલાહ-સૂચનો લેતો. સરપંચને એ પોતાના પિતા સમાન ગણતો હતો.

એ સરપંચના ઘેર પહોંચ્યો ત્યારે સરપંચ પલંગ પર આડા પડયા હતા. એણે સરપંચને કહ્યું, 'મારે આપની સાથે એક વાત કરવી છે, જો તમે મારા ઘરે આવો તો નિરાંતે વાત કરીશું.'

'સારું! તું જા ! હું તારી પાછળ જ આવું છું.' કહેતાં સરપંચ ઊભા થયા. ગામના કોઈનું પણ, કોઈપણ કામ કરવા માટે સરપંચ હરહંમેશ તૈયાર જ રહેતા હતા.

શંકર ગયો એટલે સરપંચે મોઢું ધોયું અને પછી રંભાને કહીને તેઓ શંકરના ઘર તરફ ચાલ્યા.

શંકર પોતાના ઘર સુધી પહોંચી ચૂકયો હતો. એણે જોયું તો ઘરનો દરવાજો બંધ હતો. એણે દરવાજો ખટખટાવવા માટે દરવાજાને હાથ લગાવ્યો ત્યાં જ દરવાજો ખૂલી ગયો.

શંકરને નવાઈ લાગી. એ આગળ વધતા મનમાં બબડયો પણ ખરો, 'આ જમનાને કેટલી વાર કહ્યું કે દરવાજો બંધ....' ત્યાં જ એની નજર સામે પડી અને મોઢામાંથી એક ચીસ નીકળી ગઈ. પાછળ આવી રહેલા સરપંચ શંકરની ચીસ સાંભળીને અંદર દોડી આવ્યા અને પૂછયું, 'શું થયું ?' પછી એમણે પણ સામે જોયું.

સામે જમનાની લાશ પડી હતી. એ લાશનું માથું-એટલે જમનાની લાશનું માથું કપાઈને દૂર પડયું હતું. એના ધડ પર નહિ જેવા જ કપડાં હતા. એના શરીર પર ઉઝરડાંના નિશાન હતા. કોઈએ જમનાની ઈજ્જત સાથે ખેલ ખેલીને એને ખતમ કરી નાખી હતી એની સાબિતી લાશની હાલત પોતે જ પૂરતી હતી.

શંકર હસવા લાગ્યો-જોર જોરથી હસવા લાગ્યો.

સરપંચ પહોળી આંખે શંકરને જોવા લાગ્યા, 'શું શંકર જમનાની લાશ જોઈને પાગલ તો નથી થઈ ગયો ને?'

શંકર હજુ પણ હસી રહ્યો હતો, પરંતુ એની આંખોમાંથી આંસુઓની ધાર પાણીની જેમ વહી રહી હતી.

સરપંચને થયું પોતે પણ હસે. પોતાની લાચારી પર હસે. એમને માથું કપાયેલી જમનાની લાશ અને એના ધડની હાલત જોઈને ખ્યાલ આવી ગયો હતો કે, 'જમનાની આવી હાલત કરનાર બીજું કોઈ નહિ પરંતુ શયતાન અઘોરી જ હોવો જોઈએ.'

અચાનક શંકર હસતો બંધ થઈ ગયો. અચાનક એની આંખોમાં લોહી ઊપસી આવ્યું. એ બરાડયો, 'અઘોરીની ઓલાદ, હું તને નહિ છોડું.' કહેતાં હાથમાં લાઠી લઈને પાગલની જેમ શંકર બહાર દોડયો.

અઘોરીને શોધવા, અઘોરીને મારવા, પોતાની બહેન જમનાની આવી હાલત-બેહાલત કરનાર શયતાન અઘોરીના ટુકડા કરવા માટે પાગલની જેમ શંકર આમ-તેમ દોડવા લાગ્યો. અઘોરીને શોધવા લાગ્યો.

પવનવેગે આખાય ગામમાં આ સમાચાર ફરી વળ્યા. એ સાથે જ ગમગીનીની છાયા પણ. બધાયના ચહેરા પર દુઃખ હતું, આંસુ હતાં, શંકર પ્રત્યેની દયા અને અઘોરી પ્રત્યેનું ખુન્નસ અને નફરત હતી.

સરપંચે કઠણ દિલે ગામના જુવાનિયાઓ પાસે જમનાની અંતિમક્રિયાની વ્યવસ્થા કરાવડાવી.

આ દરમિયાન શંકર બે વાર દોડતો-દોડતો જમનાના શબ પાસે આવી ગયો હતો. અને પછી બબડી ગયો હતો, 'જમના...હું હમણાં જ એ અઘોરીને ખતમ કરીને આવું છું હોં....ત્યાં સુધી તું આરામ કર....હોં....' અને પછી એ ફરી ભાગી ગયો હતો.

ગામવાળા બધાયને ખ્યાલ આવી ગયો હતો કે, 'શંકર પાગલ થઈ ગયો છે.' ગામવાળાઓને એ પણ ખ્યાલ આવી ગયો હતો કે અઘોરીનો ઓછાયો હવે પોતાની આવી જ હાલત કરશે. કદાચ આનાથી પણ બદત્તર....

અંતિમક્રિયાની વ્યવસ્થા થઈ ગઈ એટલે સરપંચે પાંચ જુવાનિયાઓને શંકરને પકડી લાવવા માટે મોકલ્યા.

અડધો કલાક પાછા કૂવા પાસે દોડાદોડી કરતા શંકરને પકડીને એ પાંચેય જુવાનિયા પાછા ફર્યા.

'છોડી દો મને...છોડી દો...હું...અઘોરીને પકડવા જાઉં છું.' શંકર બબડી રહ્યો હતો.

સરપંચે સળગતો અગ્નિ જબરજસ્તી શંકરના હાથમાં આપ્યો. પોતે પણ એ પકડી રાખ્યો અને પછી એ શંકરને ચિતા પાસે લઈ ગયા. શંકરે એ સળગતો અગ્નિ ચિતા પર મૂકયો અને પછી ભાગી ગયો. 'હું જાઉં છું પકડવા અઘોરીને...હું જાઉં છું...' કહેતાં લાઠી લઈને ત્યાંથી ભાગી ગયો.

સૌ પોતપોતાના ઘરે પાછા ફર્યા. બધાયના ચહેરા પર દુઃખ અને ભયની છાયા હતી.

સરપંચ પણ ધીમા પગલે પોતાના ઘેર પહોંચ્યા. ગામનું શું થવા બેઠું છે ? હે ભગવાન ! આ ગામને તું કયા જનમની સજા આપી રહ્યો છે. એ અઘોરીએ રાજુ અને રાકેશને ખતમ કરી નાખ્યાં. જીવણલાલ સોનીની પત્નીને બીવડાવી અને આજે એણે ફૂલ જેવી જમનાની ઈજ્જત ધૂળમાં મેળવીને એનું ગળું કાપી નાખ્યું. શંકર પાગલ થઈ ગયો. હે ભગવાન ! આ અઘોરીના કાળા કામો કયાં સુધી સહન કરવા પડશે...

આખી રાત સરપંચે વિચારોમાં અને પડખાં ઘસવામાં વિતાવી. મોટાભાગના ગામવાળાની પણ આ જ હાલત હતી.

સવારની પહેલી કિરણો ફેલાવવાની તૈયારી જ હતી ત્યાં જ 'અઘોરી.... અઘોરી....અઘોરી...' એવા બૂમબરાડા સંભળાયા. એ સાથે જ અડધા જાગતા લોકો ફટાફટ બારી-બારણાં ખોલીને જોવા લાગ્યા. પાગલ શંકર દોડતો-દોડતો 'અઘોરી'ની બૂમો મારતો-મારતો કૂવા તરફ જઈ રહ્યો હતો.

આજે કોઈને કામે જવાનું, કે કામ કરવાનું મન નહોતું, મૂડ નહોતો.

ખરું પૂછો તો અઘોરીની બીકે ઘરે સ્ત્રીઓને એકલી મૂકીને કામે જવાનું કોઈનું મન માનતું નહોતું.

એ આખો દિવસ ગામના લોકોએ ગમગીનીની ચાદર ઓઢીને વીતાવ્યો. આખા દિવસમાં શંકર પણ 'નહિ છોડું....નહિ છોડું.....'ની બૂમો મારતો ગામના આ છેડેથી બીજે છેડે પસાર થઈ ગયો હતો.

સાંજે એ નીકળ્યો ત્યારે સરપંચ અને બીજા બે-ત્રણ જણાએ એને પકડીને ઘરમાં પૂરી દેવાની કોશિશ કરી. પરંતું શંકર એ બધાયના હાથમાંથી છટકીને દોડી ગયો

સરપંચે શંકરને એના હાલ પર જ છોડી દેવાનું મુનાસિબ માન્યું. એ સિવાય બીજું તેઓ કરી પણ શું કરવાના હતા ?

બીજા દિવસે ગામના પુરુષો ચાર-ચાર પાંચ-પાંચની ટોળકીમાં ખેતર તરફ કામે નીકળ્યા.

ઘરની સ્ત્રીઓ પુરુષોને કામ પર જવાની ના પાડતી હતી. એ બધાયને બીક હતી કે અચાનક અઘોરી આવી ચઢશે તો...

પરંતુ કામે ગયા વિના છૂટકો નહોતો. એટલે ઘરના દરવાજા બરાબર બંધ રાખીને, અને કોઈ આવે તો પૂછીને જ ખોલવાની સૂચના આપીને પુરુષો કામે નીકળી ગયા હતા.

એ દિવસે કંઈ અજુગતું બન્યું નહિ. અઘોરી પણ ફરકયો નહિ.

હા ! ચાર-પાંચ વખત શંકર 'મારી નાખીશ...અઘોરીને મારી નાખીશ...' એવું બબડતો પસાર જરૃર થયો હતો. ગામની સ્ત્રીઓને શંકરની આવી હાલત જોઈને દુઃખ થતું હતું. પરંતુ એ અઘોરી ગામમાં ફરકશે તો પણ શંકરના હાથમાં ઝડપાઈને એ ખતમ થઈ જશે એ વાતની બધાયના દિલમાં ધરપત હતી.

ત્રીજો દિવસ પણ એ જ રીતે પસાર થઈ ગયો.

આજે ચોથા દિવસની, ચોથી રાત હતી. રાતના લગભગ નવા વાગ્યા હતા.

ગામના મોટા ભાગના લોકો પથારી ભેગા થઈ ગયા હતા.

બરાબર એવા જ સમયે જીવણલાલના ઘરનો દરવાજો ખખડયો.

ઠક....ઠક....ઠક....ઠક...

પલંગ પર જાગતી પડેલી રેવા બેઠી થઈ ગઈ. અત્યારે ઘરમાં બિલકુલ એકલી હતી. જીવણલાલ-પોતાના પતિ તો બાજુના ગામે અઘોરીની બીકે એકથી બે ભલા સમજીને પોતાના દીકરા રમણને લેવા માટે આજે બપોરે જ ગયા હતા. અને કાલ બપોર સુધી તો એ આવી શકે એવી શકયતા નહોતી. તો પછી અત્યારે કોણ હશે ?

ઠક....ઠક...

ઠક...ઠક....

બહાર અઘોરી ઊભો હતો. એ જ દરવાજો ખટખટાવી રહ્યો હતો.

રેવા ઊભી થઈ.

અઘોરી ફરી વખત દરવાજો ખટખટાવવા જતો હતો. બરાબર એ સમયે 'નહિ છોડું...નહિ છોડું...' કરતો શંકર હાથમાં લાઠી લઈને નીકળ્યો અને અચાનક એની નજર જીવણલાલના ઘરનો દરવાજો ખટખટાવી રહેલા અઘોરી પર પડી.

શંકરે આ પહેલાં અઘોરીને જોયો નહોતો છતાંય અડધા પાગલ બની ગયેલા શંકરને ખ્યાલ આવી ગયો કે, આ એ જ અઘોરી છે જેણે જમના....અને એ સાથે જ શંકરે છલાંગ લગાવી અને અઘોરી કંઈ સમજે એ પહેલાં જ મેદાનમાં ઢસડી લાવીને એને પોતાની લાઠીથી ધીબવા માંડયો. અને 'નહિ છોડું....નહિ છોડું...' જોરજોરથી બોલવા લાગ્યો.

'નહિ છોડું તને...હવે હાથમાં આવ્યો છે તે તને નહિ છોડું.' એવો શંકરનો અવાજ સંભળાયો એટલે પહેલાં તો લોકોને લાગ્યું કે શંકર બકવાસ કરી રહ્યો છે પરંતુ પછી શંકર કોઈને લાઠીથી ધીબતો હોય એવો અવાજ આવવા લાગ્યો એટલે લોકોએ ધીમે-ધીમે બારી ખોલીને જોયું તો ખરેખર શંકર અઘોરીની ધોલાઈ કરી રહ્યો હતો. સહુ પહેલાં સરપંચ ઘરમાંથી બહાર નીકળ્યા અને શંકર પાસે પહોંચ્યા. એ પછી જ ધીમે-ધીમે બીજા માણસો પણ ઘરમાંથી બહાર ફાનસ લઈને શંકર અઘોરીને મારતો હતો એની આસપાસ જમા થવા લાગ્યા.

સ્ત્રીઓ પોતપોતાના ઘરનાં બારી-બારણાંમાંથી જ જોતી હતી. પરંતુ એમને પુરુષોની ભીડ સિવાય કંઈ જ દેખાતું નહોતું.

રેવાએ પણ ધીમેથી દરવાજો ખોલ્યો અને ભીડ તરફ જોયું. એનું આખું શરીર કાંપી રહ્યું હતું. જો એણે દરવાજો ખોલી નાખ્યો હોત તો...પેલા અઘોરીએ...

રેવા વધુ આગળ વિચારી શકે એમ નહોતી. એણે મનોમન શંકરને લાખ-લાખ આશીર્વાદ આપ્યા. જો એ સમયસર આવી પહોંચ્યો ન હોત તો પોતાની પણ જમના જેવી જ....

બીજી બધી જ સ્ત્રીઓના મનમાં એક જ અવાજ પડઘાતો હતો. 'માર શંકર, માર એ અઘોરીને, એણે એ જ જમનાની લાજ લૂંટીને એને મારી નાખી છે. મારી નાખ એને એટલે ફરી કોઈ સ્ત્રીની લાજ ન લૂંટાય.'

શંકર અઘોરીની પીઠ પર લાઠી વીંઝી રહ્યો હતો. અઘોરી ઘૂંટણમાં મોઢું મૂકીને જમીન પર બેઠો હતો. એ લાઠીના મારથી પિડાતો નહોતો-બૂમ પાડતો નહોતો.

એક પછી એક એમ લાઠીના ઘા અઘોરીના શરીર પર શંકર વિંઝયે જતો હતો. બધા જ પુરુષોના મનમાં પણ 'મારી નાખ આને...' એવો અવાજ પડઘાતો હતો.

શંકર હજુ પણ લાઠી વીંઝી રહ્યો હતો. બધાનું માનવું હતું કે અત્યાર સુધી તો અઘોરીના હાડકાં-પાંસળાંનો ભુક્કો થઈ જવો જોઈતો  હતો, પરંતુ હજુ પણ અઘોરી એ રીતે જ બેઠો હતો.

અત્યાર સુધી તો લાઠીના મારથી અઘોરીનું શરીર લોહીલુહાણ થઈ જવું જોઈતું હતું, પરંતુ પછી અચાનક બધાની આંખોમાં ભય દેખાયો. બધાયની આંખો પહોળી થવા લાગી.

કારણ....

કારણ કે શંકરની લાઠીના મારથી અઘોરીના શરીરમાંથી લાલ લોહીને બદલે પીળું પ્રવાહી નીકળી રહ્યું હતું.

લોહી લાલ જ હોય એ હકીકતની ખબર આખાય ગામના દરેક પુરુષોને હતી. એમની પોતાની જિંદગીમાં કયારેય સાંભળ્યું નહોતું કે લોહી પીળા રંગનું પણ હોઈ શકે.

અત્યારે શંકર અઘોરીને લાઠી ફટકારી રહ્યો હતો અને અઘોરીના શરીરમાંથી પીળું પ્રવાહી નીકળી રહ્યું હતું.

પીળું પ્રવાહી જોતાં જ જમા થયેલા લોકોના શરીરમાં એક ભયની ધ્રુજારી દોડી અને પછી બધા ત્યાંથી દોડયા. પાછળ ભૂત પડયું હોય એવી રીતે પોતપોતાના ઘર તરફ દોડયા. અઘોરી હકીકતમાં હવે ભૂત જેવો જ ભયાનક થઈ ગયો હતો. એના શરીરમાંથી લાલ લોહીને બદલે પીળું પ્રવાહી નીકળી રહ્યું હતું અને શંકરની લાઠીના મારથી ચીસો પાડવાને બદલે હવે એ શંકર તરફ, શંકરને મારી નાખવાની નજરે ઘૂરી ઘૂરીને જોઈ રહ્યો હતો.

અત્યાર સુધીમાં સરપંચ અને કેશવ સિવાય બધા જ ત્યાંથી ભાગી ચૂકયા હતા. પરંતુ શંકર હજુ પણ અઘોરી પર લાઠીઓ વરસાવી રહ્યો હતો. સરપંચ અને કેશવ બન્નેએ શંકરને પકડયો અને પછી એને ત્યાંથી ઘસડીને સરપંચના ઘરમાં લઈ આવ્યા, સરપંચે શંકરને અંદરના ઘરમાં ધક્કો મારીને દરવાજો બંધ કરી દીધો અને કેશવ પોતાના ઘર તરફ દોડી ગયો.

હવે ગામમાં ફરી સન્નાટો છવાઈ ગયો હતો.

(ક્રમશઃ)

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ઘોર-અઘોરી

 (પ્રકરણ ઃ ૭)

જમનાને થયું કે પોતે પોતાના મોટાભાઈ શંકરની વાત તરફ ધ્યાન ન આપીને, પૂછયા વિના જ દરવાજો ખોલીને મોટી ભૂલ કરી હતી.

કેવો ભયાનક હતો એ અઘોરી ? એની આંખો-આંખો નહોતી પરતુ ધૂણીના સળગતા અંગારા હતા.

પેલા અઘોરીએ 'કૂવા પર આવવાનું' કહ્યા પછી દરવાજાની વચ્ચે પગ ખસેડી લીધો હતો અને પોતે ફટાક કરતો દરવાજો બંધ કરી દીધો હતો. એ પછી અત્યારે સાંજ થવા આવી હોવા છતાંય પોતે ફરી દરવાજો ખોલ્યો નહોતો કે પછી બહાર ડોકિયું કાઢીને જોયું નહોતું કે અઘોરી છે કે નહિ એની ખાતરી કરવા જતાં ફરી વાર ફસાવા માંગતી નહોતી. હકીકતમાં એનામાં એટલી હિંમત પણ રહી નહોતી કે એ ફરી વાર જઈને દરવાજો ખોલે. આખા દિવસમાં એણે કંઈ ખાસ કામકાજ પણ કર્યું નહોતું. અત્યારે પણ ઘરમાં આંટા મારતાં-મારતાં વારેઘડીએ એની નજર દરવાજા તરફ દોડી જતી હતી.

ઠક...ઠક...ઠક....

ચારે તરફ સાંજનું અંધારું ઊતરી આવ્યું હતું.

'કોણ હશે ? અઘોરી હશે ?' જમનાના મનમાં સવાલો સળવળ્યા. એનું મન પણ ગભરાઈ ઊઠયું.

'જમના ! દરવાજો ખોલ, હું છું.' બહારથી અવાજ આવ્યો એ સાથે જ જમના દરવાજો ખોલવા માટે દોડી. અને દરવાજો ખોલી નાખ્યો. થાકેલો-પાકેલો શંકર અંદર આવ્યો. અને ખૂણામાં પોતાના હાથની લાઠી મૂકતાં એ ખાટલા પર આડો પડયો.

દરવાજો બંધ કરીને, જમના લોટામાં પાણી ભરી લાવી અને શંકરના હાથમાં આપ્યું. એક જ ધારમાં શંકર લોટાનું બધું પાણી પી ગયો. અને 'હાશ' કરતાં એણે જમના સામે જોયું.

શંકરને જમનાનો ચહેરો કંઈક ઊતરેલો, કંઈક ઉદાસ દેખાયો.

'શું થયું જમના ? કેમ આજે આવી ઉદાસ દેખાય છે ?'

'કંઈ નહિ ભાઈ ! પહેલાં તમે જમી લો.' કહેતાં જમના જમવાનું લેવા માટે ધીમે ડગલે ગઈ અને થોડી જ વારમાં હાથમાં થાળી લઈને પાછી આવી.

જમનાના હાથમાં એક જ થાળી જોઈને શંકરને નવાઈ લાગી-આંચકો પણ લાગ્યો.

'કેમ ? તારી થાળી કેમ નથી લાવી ?'

'મારે આજે જમવું નથી ભાઈ !' જમના માંડ-માંડ બોલી શકી. મા-બાપ મર્યા પછી એ પોતે શંકરભાઈના હાથમાં ઊછરી હતી. મોટી થઈ હતી. સાથે જ ધીંગા-મસ્તી કરતાં-કરતાં જમવાનો એનો નિયમ હતો. પરંતુ આજે એનું મન બેચેન હતું. આજે એણે પોતાના મોટાભાઈ શંકરની વાત ન માનીને, અઘોરી સામે આવી ભૂલ કરી હતી.

'શું થયું છે તને જમના ?' શંકરે જમનાના ખભા પકડીને હલબલાવી નાખી અને એ સાથે જ જમના ધ્રુસકે-ધ્રુસકે રડી પડી.

'શું થયું ? કંઈક કહે તો ખરી ?'

'પેલો લાલો અઘોરી આવ્યો હતો....!'

'શું ? ? ?' શંકર વીંછીએ ડંખ માર્યો હોય એમ ખડો થઈ ગયો.

'બપોરના સમયે એણે દરવાજો ખટખટાવ્યો.' જમનાએ ડુસકું ભર્યું, 'મેં દરવાજો ખોલ્યો અને....'

'શું....શું....થયું....પછી...? ?'

'એણે મને પૂછયું, દાળ બનાવી  છે ? એટલે મેં એને દાળ આપી.'

'પછી....?'

'પછી, હું એનું ભયાનક મોઢું જોઈને બી ગઈ હતી એટલે દરવાજો બંધ કરવા જતી હતી ત્યાં જ એણે દરવાજા પાસે વચ્ચે પગ મૂકીને, મને કહ્યું કે, 'કાલે તું પાદરવાળા કૂવા પર આવજે.'

'સ્સા....ની આ મજાલ....!' શંકરની આંખોમાં લોહી ધસી આવ્યું. એણે લાઠી ઉઠાવી અને ઘરની બહાર નીકળ્યો.

'ભાઈ....તમે અત્યારે કયાં ચાલ્યા ?' એવું જમના પણ શંકરની પાછળ દોડતાં-દોડતાં બોલી. પણ ત્યાં સુધીમાં તો શંકર કયાંય દૂર નીકળી ગયો હતો. જમના ઘરના દરવાજા પાસે જ અટકી ગઈ. એણે દરવાજો બંધ કર્યો અને પછી દરવાજાના ટેકે ધીમે-ધીમે બેસતાં એણે મનોમન પ્રાર્થના કરી, 'હે ભગવાન, અઘોરીનો સામનો શંકરભૈયા સાથે ન થાય તો સારું.' અને પછી એ ધ્રુસકે-ધ્રુસકે રડી પડી.

બહેન જમના પાસેથી અઘોરીની વાત સાંભળીને શંકર બહાવરો બન્યો હતો. એ દોડી રહ્યો હતો. અઘોરીએ તો કાલ સવારે જમનાને કૂવા પર મળવાનું કહ્યું હતું. પરંતુ અત્યારે શંકર એ તરફ દોડી રહ્યો હતો જાણે અઘોરી ત્યાં ઊભો હશે. એ એની લાઠીથી એક ઘા અને અઘોરીના બે ટુકડા કરી નાખશે.

હાંફતો-હાંફતો શંકર કૂવા પાસે પહોંચ્યો. કૂવા પાસે કોઈ જ નહોતું. કૂવાની આસપાસ પણ કોઈ નહોતું. હા - ઝાડી-ઝાંખરાં જરૃર હતાં. ચારે તરફ ઘોર અંધારું જરૃર હતું. પરંતુ ઘોર અઘોરી શંકરને દેખાયો નહિ. હજુ પણ શંકરના દિલમાં જ્વાળામુખી ભભૂકી રહ્યો હતો. એેણે આસપાસનાં ઝાડી-ઝાંખરા ખસેડીને જોયાં કે કયાંક અઘોરી મળી જાય અને એ એનું માથું ફોડી નાખે.

અડધો કલાક સુધી એ આસપાસમાં તપાસ કરતો રહ્યો, પરંતુ એને અઘોરી દેખાયો નહિ. એ મનોમન અઘોરીને મણ-મણની ગાળો આપી રહ્યો હતો. 'પોતાની બહેન જમનાને એણે....'

જમના યાદ આવતાં એને એ પણ યાદ આવ્યું કે એ ગુસ્સામાં ને ગુસ્સામાં જમનાને એકલી મૂકીને અઘોરીની શોધમાં દોડી આવ્યો છે.

'કદાચ...' એના મનમાં એક અમંગળ શંકા જાગી, 'કદાચ પોતે અઘોરીને અહીંયાં શોધી રહ્યો છે ને અત્યારે અઘોરી પોતાના ઘરે, જમના પાસે પહોંચી ગયો હોય તો...? ! ?'

તો શું થાય ? એ વિચારવાનો અત્યારે સમય નહોતો. શંકર દોડયો. પાછો ઘર તરફ દોડયો. દોડતાં-દોડતાં પણ એના હૃદયમાં એક જ વાત ઉછળતી હતી-કૂદતી હતી. 'હે ભગવાન, અઘોરીથી મારી બહેનની લાજ બચાવજે.' અને એ સાથે શંકર પણ દોડી રહ્યો હતો. નાના-મોટા ખાડા-ટેકરા કૂદતો-ઓળંગતો શંકર ઘર પાસે આવ્યો અને ધક્કો માર્યો. દરવાજો ખૂલ્યો નહિ-અંદરથી બંધ હતો. 'જમના...દરવાજો ખોલ... જમના...' એક-એક પળ હવે શંકરના હૃદય પર છરી ફેરવતી હતી.

અંદરથી જમનાનું એક ધીમું ડુસકું સંભળાયું અને એ પછી એણે દરવાજો ખોલ્યો. સામે શંકરને ઊભેલો જોઈને એ એને વળગી પડી.

શંકર એને લઈને અંદર આવ્યો. પગથી જ એણે દરવાજો બંધ કરીને, પીઠ પાછળ હાથ લઈ જઈને સાંકળ બંધ કરી. અને પછી જમનાને ખાટલા પર લઈ જઈને બેસાડી.

'જમના ! રડ નહિ. હવે કાલે સવારે એ અઘોરીને જોઈ લઈશ.'

'મારી ભૂલને કારણે તમારે પરેશાન થવું પડે છે ભાઈ....અને અત્યારે જો એ તમને મળી જાત તો....તો...તમારું શું થાત....!'

'તું ફિકર ન કર જમના...એણે આજે ઘરનો દરવાજો ખટખટાવીને પોતાના મોતને બોલાવ્યું છે. કાલે સવારે તું કૂવા પર જજે...બેધડક જજે...એ અઘોરી તને મળશે....કે તારી સામે આંખ ઉઠાવવાની કોશિશ કરશે તો હું એની આંખો ફોડી નાખીશ.'

જમનાનું હૃદય ધ્રુજી ઊઠયું. એની નજર સામે અઘોરીની ભયાનક આંખો ફરી વળી. 'જવા દો ને ભાઈ ! હવે એ અહીં પાછો આવશે જ નહિને !'

'ના ! તારે કાલે સવારે કૂવા પર જવાનું છે. હું પણ તારી પાછળ-પાછળ સંતાતો આવીશ. એ તને મળશે એટલે પછી હું જોઈ લઈશ. હવે તું બેફિકર થઈને સૂઈ જા.' શંકરે કહ્યું. એટલે આંસુ લૂછતા જમના ઊભી થઈ. એને ખબર હતી કે હવે શંકરભાઈ માનવાના નહોતા. હવે એ અઘોરીની ખેર-ખબર લીધે જ છૂટકો કરશે. અને એ પોતે નહોતી ચાહતી કે શંકરભાઈ પેલા ખતરનાક અને ભયાનક અઘોરીની સામે જાય. પરંતુ હવે એણે પોતે જ પૂછયા વિના દરવાજો ખોલીને ભૂલ કરી હતી ને એ ભૂલનું પરિણામ એને ભોગવવાનું હતું.

સવાર પડી. શંકર લાઠી લઈને તૈયાર ઊભો હતો.

જમનાએ માથે ઈંઢોણી મૂકી અને પછી ઘડો મૂકયો. અત્યારે એના દિલમાં છાનો ડર હતો. એ પોતે પણ ફરી વખત એ અઘોરી સામે જવા નહોતી માંગતી.

'તું આગળ ચાલ જમના. હું તારી પાછળ જ આવું છું.' શંકરે કહ્યું.

જમના કંઈ બોલી નહિ. એ કંઈ બોલી શકે એમ પણ નહોતી. એ ઘરની બહાર નીકળી. પચીસેક પગલાં જેટલી એ દૂર નીકળી. પછી જ શંકરે ઘરનો દરવાજો બંધ કર્યો અને જમનાનો દૂરથી જ પીછો કરતાં-કરતાં ચાલવા લાગ્યો.

જમના કૂવા પર પહોંચી. ત્યાં ગામની એક સ્ત્રી પાણી ભરીને પાછી ફરી રહી હતી. એણે જમના સામે સ્મિત કર્યું અને પછી પોતાના ઘર તરફ ચાલતી થઈ. હવે કૂવા પર જમના સિવાય કોઈ જ નહોતું.

જમનાએ ડોલ કૂવામાં નાખી, પાણી ભરીને પાછી કાઢી અને પોતાના ઘડામાં એ ડોલનું પાણી ઠાલવ્યું.

ત્યાં સુધી પણ અઘોરી ફરકયો નહોતો એ દૂર..દૂર ઊભેલો શંકર જોઈ રહ્યો હતો.

જમનાએ માથે ઘડો મૂકયો ત્યાં સુધી પણ અઘોરીના આવવાનો કોઈ અણસાર દેખાયો નહિ.

જમના ફરી ઘર તરફ ચાલવા લાગી.

કદાચ શંકરની હાજરીની ખબર પડી ગઈ હતી એટલે જ અઘોરી ફરકયો નહોતો.

બીજા દિવસે પણ જમના સવારે પાણી ભરવા માટે ગઈ ત્યારે એ જ રીતે શંકરે એનો પીછો કર્યો, પરંતુ બીજા દિવસે પણ અઘોરી દેખાયો નહિ.

ત્રીજા દિવસે પણ જમના પાણી ભરવા ગઈ ત્યારે શંકરે એનો પીછો કર્યો પરંતુ એ દિવસ પણ અઘોરી આવ્યો નહિ કે ન તો એના આવવાના અણસાર દેખાયા. એટલે વળી જમનાના મનમાંથી પણ અઘોરીનો ડર ઓછો થયો. એને થયું કે અમસ્તા જ અઘોરીએ એને બીવડાવવા માટે બીજા દિવસે કૂવા પર આવવાનું કહ્યું હશે.

શંકરને પણ એવું લાગ્યું કે હવે પેલો અઘોરી ફરી વાર આ ગામમાં ફરકશે જ નહિ. કદાચ એણે પોતાને પહેલે દિવસે જ લાઠી સાથે જોયો હશે અને ત્યારે જ એ ગામ છોડીને ભાગી ગયો હશે.

ચોથા દિવસે સવારે જમનાએ શંકરને કહ્યું, 'ભાઈ, આજે તમારે કૂવા પર આવવાની જરૃર નથી. પેલો અઘોરી તો આ ગામ છોડીને કયારનોય ભાગી ગયો હશે.'

'સારું !' શંકરે કહ્યું એટલે જમના પાણી ભરવા જતી રહી. પંદર મિનિટમાં તો એ પાણી ભરીને પાછી પણ આવતી રહી. એ આવી ત્યારે ખેતરે જવા માટે શંકર તૈયાર થઈ ચૂકયો હતો.

'એ મળ્યો હતો....?' શંકરે ખભે પાવડો મૂકતાં પૂછયું.

'ના....એ તો તમારી લાઠી જોઈને જ ભાગી ગયો લાગે છે. હવે તમ-તમારે બેફિકર થઈને ખેતરે જાઓ.' હસતાં-હસતાં જમનાએ કહ્યું. હવે એ ફરી પહેલાં જેવી રમતિયાળ અને બેફિકર થઈ ગઈ હતી.

શંકર પણ હસ્યો. 'સારું ત્યારે હું જાઉં છું.' એમ કહેતાં જમનાને વહાલભરી ટપલી મારતાં શંકર ખેતર તરફ જઈ રહેલા લોકોમાં ભળી ગયો. અને પોતાના ખેતર તરફ ચાલી નીકળ્યો.

જમના પણ પોતાના કામમાં પરોવાઈ. કામમાં ને કામમાં કેટલો સમય વીતી ગયો એ જમનાને ખ્યાલ રહ્યો નહિ.

પરંતુ હકીકતમાં બપોર થઈ ચૂકી હતી. અને ગામમાં બપોરે મધરાત હોય એટલી શાંતિ અને સન્નાટો રહેતો હતો. કારણ કે મોટાભાગના પુરુષો ખેતરે જતા હતા તો મોટાભાગની સ્ત્રીઓ પણ ભાથું આપવા ખેતરે જતી હતી. જમના શંકરને ભાથું આપવા માટે ખેતરે જતી નહોતી. કારણ કે શંકરને એ પસંદ નહોતું કે પોતાની બહેન ભર બપોરે તડકામાં શેકાતી પોતાને ભાથું આપવા માટે આવે. એટલે એ સવારે જ બાજરાનો રોટલો, શાક અને ડુંગળી પોતાની સાથે જ લઈ જતો હતો.

અને એટલે જમનાએ પણ અત્યારે બે-ત્રણ કોળિયા જેમ-તેમ કરીને પેટમાં પધરાવ્યા. એ પેટ ભરીને તો રાતે, શંકરભાઈ સાથે જ ખાતી હતી.

એ જમીને ઊભી થઈ ત્યાં જ એને લાગ્યું કે ઘરનો દરવાજો ખોલી કોઈ અંદર આવી ચૂકયું છે. 'અત્યારે બપોરે કોણ હોય ?' એમ એના મનમાં આવેલી વાતને ખંખેરતી એણે અમસ્તા જ દરવાજા તરફ જોયું તો એની આંખો પહોળી થઈ ગઈ. એણે મોઢામાંથી ચીસ પાડવાની કોશિશ કરી પરંતુ જાણે એ બોબડી હોય એમ અવાજ નીકળ્યો નહિ.

સામે અઘોરી ઊભો હતો. પાંચ દિવસ પહેલાં અહીં આવી ગયેલો ભયાનક ચહેરાવાળો અઘોરી ઊભો હતો.

દરવાજો જમનાએ બંધ કર્યો હતો કે ખુલ્લો હતો એ એને યાદ નહોતું, પરંતુ અત્યારે અઘોરી ઘરમાં ઘૂસીને, દરવાજો બંધ કરીને, એને ટેકો દઈને ઊભો હતો એ વાત સાચી હતી.

અઘોરીએ એક વાર સામે ઊભેલી જમનાને ઉપરથી નીચે સુધી જોઈ.

જમના થર-થર ધ્રુજી રહી હતી.

અઘોરીના લાલઘૂમ ડોળામાં અત્યારે કબૂતરીને જોઈને બિલાડાની આંખોમાં જેવી ચમક હોય એવી ચમક હતી. એ ધીમે-ધીમે જમના તરફ આગળ વધ્યો. જમના ફાટેલા ડોળે-અઘોરીને પોતાની તરફ ન આવવા માટે બેઉ હાથ હલાવતી ખસી. પાછળ ખાટલો હતો એટલે એ સીધી ખાટલા પર પડી અને એ સાથે જ જાણે અચાનક એનો અવાજ આવ્યો હોય એમ એના મોઢામાંથી 'શંકર...' નીકળ્યું, પરંતુ 'ભાઈ' એવું વાકય એના મોઢેથી નીકળે એ પહેલાં જ અઘોરીએ એક છલાંગ લગાવી અને એ સીધો જ ખાટલા પર આવીને પડયો.

બિલાડાના ભાર નીચે કબૂતરી તરફડતી રહી.

બિલાડો કબૂતરીની હાલત કરે એનાથીય બદતર હાલત અત્યારે અઘોરી જમનાની કરી રહ્યો હતો.

જ્યારે બહાર પહેલાં જેવો સન્નાટો હતો.

અત્યારે જમના જાણે બોબડી જ થઈ ગઈ હતી, પરંતુ એ બોલી શકત કે ચીસો પાડી શકત તો પણ એ ચીસો બહાર સુધી પહોંચી શકત કે નહિ, કોઈના કાન સુધી પહોંચી શકત કે નહિ એ વિશે કંઈ ચોક્કસ કહી શકાય એમ નહોતું.

બધા જ અત્યારે અઘોરી જમનાની કેવી હાલત કરી રહ્યો હતો એનાથી બેખબર હતા.

(ક્રમશઃ)

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ઘોર-અઘોરી

 (પ્રકરણ ઃ ૬)

દરવાજો ખખડતાં જોઈને, સવાર હોવા છતાં સરપંચની આંખોમાં ભય ડોકાયો.

'સરપંચ! દરવાજો ખોલો!' કેશવનો અવાજ હતો.

સરપંચે દરવાજા પાસે પહોંચીને દરવાજો ખોલ્યો. સામે કેશવ ઊભો હતો અને એની પાછળ બીજા પણ આઠ-દસ માણસો ઊભા હતા.

'સરપંચ...રાજુ અને રાકેશ કયાંક ભાગી ગયા છે. એમના ઘરવાળા કાગારોળ કરી રહ્યા છે.' કેશવે કહ્યું.

'કયાં ભાગી ગયા છે ?' સરપંચને ખબર હતી કે રાજુ અને રાકેશની હાલત શું થઈ હતી, છતાંય એમણે અજાણ હોવાનો ડોળ કર્યો. રાજુ અને રાકેશના માતા-પિતાની આશા અડીખમ રહે કે, 'એમને એકલા-અટૂલા મૂકીને ભાગી ગયેલા રાજુ અને રાકેશ જરૃર પાછા આવશે.' એ માટે પણ સરપંચે ખોટો ડોળ કરવાનો હતો. ખોટું બોલવાનું હતું.

'એ કાંઈ ખબર નથી.' કેશવે જવાબ આપ્યો.

'તમે ચાલો, હું આવું છું.' કહેતાં સરપંચ પાછા અંદર ગયા અને ઝડપથી મોઢું ધોઈને બહાર નીકળ્યા તો બાકીના માણસો જતા રહ્યા હતા, ફકત કેશવ જ ત્યાં ઊભો હતો.

'હું પણ ત્યાં આવું છું.' અંદરથી રંભાનો અવાજ સંભળાયો એટલે 'સારું' કહેતાં સરપંચ કેશવ સાથે રાજુના ઘર તરફ ચાલ્યા. રાજુ અને રાકેશના ઘર આમને-સામને જ હતા. બન્ને એકબીજાના જિગરજાન મિત્રો હતા.

રાજુ અને રાકેશના ઘર સામે ભીડ જમા થયેલી હતી. સરપંચને આવેલા જોઈને લોકોએ રસ્તો કરી આપ્યો. પહેલાં સરપંચ રાજુના ઘરમાં ઘૂસ્યા. રાજુના માતા-પિતા અને નાનકડી બહેન રડી રહ્યાં હતાં.

'વેલજીભાઈ, રડયે કાંઈ કામ હાલતું હશે, પહેલાં ગામમાં તપાસ તો કરાવો. એ આટલામાં જ હશે.' સરપંચે આવતાં જ પોતાનું વડીલપણું દાખવવાની કોશિશ કરી.

'સરપંચ ! એ ગઈકાલ રાતના ઊંઘ્યો ત્યાં સુધી હતો. રાતના લગભગ હું અઢી વાગ્યે પાણી પીવા માટે ઊભો થયો ત્યારે રાજુ ખાટલા પર નહોતો. એટલે મેં થોડીક વાર વાટ જોઈ કે આસપાસમાં લોટે ગયો હશે. પરંતુ કલાક થઈ ગયો છતાંય એ ન આવ્યો ત્યારે હું લાઠી લઈને એને શોધવા માટે નીકળ્યો. પરંતુ એ મને કયાંય મળ્યો નહિ. સવારનું અજવાળું ફેલાતા, રાજુની બા ફિકર કરતી હશે, એમ મનમાં વિચારતો હું પાછો ફરતો હતો ત્યાં જ રાકેશના બાપુ સામે મળ્યા. એમનો રાકેશ પણ નહોતો. મતલબ કે, બન્ને કયાંક સાથે જ ગયા હતા. અમે બન્નેએ મળીને ફરી ગામનો ખૂણે-ખૂણો જોયો, પરંતુ એમનો કયાંય પત્તો ન લાગ્યો.' વેલજીભાઈએ કહ્યું.

'હવેલીમાં જોયું ? ત્યાં કદાચ તમને રાજુ ને રાકેશ જીવતા તો ન મળત, પરંતુ એમની લાશ તો જરૃર મળત.' હોઠ સુધી આવી ગયેલા શબ્દો સરપંચ પાછા ગળી ગયા.

'ધીરજ રાખો વેલજીભાઈ ! આપણે આસપાસ ગામડાઓમાં એમની તપાસ માટે આઠ-દસ જુવાનિયાઓને દોડાવીએ છીએ. પરંતુ શું તમારે રાજુ સાથે બોલાચાલી તો નહોતી થઈને ?'

'ના, બાપલિયા ! એ તો મારો રાજો હતો.' વેલજીભાઈએ ફરી રડતાં-રડતાં કહ્યું. રાજુની મા અને એની બહેનના રડી-રડીને હાલ-હવાલ ખરાબ થઈ ગયા હતા.

'ધીરજ રાખો ! એ જરૃર પાછા આવી જશે.' કહેતાં એક વહાલભર્યો હાથ વેલજીભાઈની પીઠે ફેરવીને સરપંચ બહાર નીકળ્યા. અને રાકેશના ઘર તરફ આગળ વધ્યા. ત્યાં ઊભેલા લોકોએ જગ્યા કરી આપી.

'મારા દીકરા ! મારા જીવનનો આધાર...અમને મૂકીને તું કયાં ગયો ?' રાકેશના માતા-પિતાની પોક સંભળાઈ.

'ધીરજ રાખો...ધીરજ રાખો....' કહેતાં-કહેતાં તો સરપંચને ગળે ડૂમો બાઝી ગયો. પોતાની જાતને સંભાળતા સરપંચ બહાર નીકળી ગયા અને પોતાના ઘર તરફ ચાલતા થયા.

એક દિવસ થયો, બે દિવસ થયા, ત્રણ દિવસ થયા, ચાર દિવસ થયા, પરંતુ રાજુ કે રાકેશ બન્નેમાંથી કોઈ પાછું આવ્યું નહિ. સરપંચને ખાતરી હતી, ખબર હતી કે હવે રાજુ કે રાકેશ બન્નેમાંથી કોઈ કયારેય આવવાનું નથી.

'દુઃખનું ઓસડ દા'ડા' એ મુજબ રાજુ અને રાકેશના માતા-પિતાના મનમાંથી એ બન્નેનું દુઃખ ઓછું થતું જતું હતું.

પરંતુ સરપંચના મગજમાંથી રાજુ અને રાકેશનો ચહેરો ખસતો નહોતો. એમના મગજમાંથી રાજુ અને રાકેશની ગરદન કપાયેલી ન જોયેલી લાશો પણ ખસતી નહોતી. એમના મગજમાંથી પેલો અઘોરી પણ ખસતો નહોતો. રંભાબહેને પણ અઘોરી આવ્યો હતો એ પછીની ત્રણ રાતો બેચેનીમાં વિતાવી હતી.

સરપંચ મનમાં ને મનમાં ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા, 'હે ભગવાન ! એ અઘોરીનો ભયાનક ચહેરો અને એ અઘોરીના ઘોર કામોથી આ ગામને બચાવજે. ફરી એ અઘોરી આ ગામમાં ન દેખાય તો સારું.'

પરંતુ માણસ વિચારતો કંઈક હોય છે અને ભગવાનને કંઈક બીજું જ મંજૂર હોય છે.

એ દિવસે બપોરના લગભગ બાર વાગ્યા હતા. જમવાનો સમય હોવાથી અને મોટા ભાગના પુરુષો ખેતરે-કામે ગયા હોવાથી ગામમાં સન્નાટા જેવું લાગતું હતું.

એવા સમયે જીવણલાલ સોનીના દરવાજા પર ટકોરા પડયા.

ઠક...ઠક...ઠક...ઠક....

જીવણલાલ સોનીની પત્ની રેવાએ દરવાજો ખોલ્યો અને સામે નજર પડતાં જ એ બેહોશ થઈને જમીન પર ઢળી પડી.

સામે ઘોર અઘોરી ઊભો હતો. એનો ચહેરો એટલો ભયાનક હતો કે દિવસે પણ કાચા-પોચા દિલની વ્યક્તિનું દિલ ધડકતું બંધ થઈ જાય.

રેવાની ચીસ સાંભળીને અંદર આરામ કરી રહેલા જીવણલાલ દોડી આવ્યા. એમણે પણ સામે દરવાજા પાસે જોયું અને એમની આંખો પહોળી થઈ ગઈ. લાલો તો હવેલીની આગ સાથે સળગી ગયો હતો. પછી અત્યારે એ અઘોરી બનીને આવ્યો કઈ રીતે? અઘોરીએ જીવણલાલ તરફ જોતાં પૂછયું, 'કાકા! શું દાળ બનાવી છે?'

જીવણલાલે અઘોરીના આ સવાલનો કોઈ જવાબ ન આપ્યો. એ જવાબ આપવાની હાલતમાં પણ નહોતો. એણે અઘોરી તરફ જ નજર રાખીને, પોતાની પત્નીને ઉપાડી અને પછી ધડામ કરતો દરવાજો બંધ કરી દીધો. અને સાંકળ બંધ કરી. પછી ધડકતા હૃદયે જીવણલાલે પોતાની પત્નીને પલંગ પર સૂવડાવી દીધી. જીવણલાલનું દિલ હજી પણ ડરથી કંપી રહ્યું હતું. જીવણલાલ લગભગ ૩પ વરસના હતા, જ્યારે રેવા ૩૦ વરસની હતી. ૩૦ વરસની હોવા છતાંય રેવા ૧૭ વરસની છોકરીને શરમાવે એવી સુંદર હતી. ઘરમાં અત્યારે એ બે સિવાય કોઈ જ નહોતું. એમણે પોતાના એકના એક દીકરા રમણને બાજુના ગામમાં ભણવા માટે મૂકયો હતો. ગામમાં જીવણલાલનો સારો માન અને મોભો હતો. એમને એક સમજદાર માણસ સમજવામાં આવતાં હતાં. પરંતુ અત્યારે એમને કંઈ સમજ પડતી નહોતી. બાજુમાં પોતાની પત્ની રેવા બેહોશ પડી હતી. પરંતુ એને હોશમાં લાવવાની એમને સમજ પડતી નહોતી. બહાર ઊભેલા અઘોરી લાલાનું શું કરવું એની પણ એમને સમજ પડતી નહોતી.

દસેક મિનિટ સુધી એમ ને એમ જ બેસી રહ્યા પછી જીવણલાલ ઊભા થયા અને દરવાજા પાસે પહોંચ્યા. તેઓ દરવાજો ખોલીને જોવા જતા હતા કે બહાર અઘોરી-લાલો ઊભો છે કે નહિ ? પરંતુ પછી એમને ડહાપણ સૂઝયું. દરવાજો ખોલવા માટે સાંકળ સુધી પહોંચી ગયેલો એમનો હાથ એમણે પાછો લઈ લીધો. અને પછી દરવાજા પાસે નીચે બેસી ગયા અને પછી દરવાજાની તિરાડમાંથી બહાર જોવા લાગ્યા. બહાર હવે અઘોરી-લાલો નહોતો. એનો મતલબ એ અઘોરી-લાલો જતો રહ્યો હતો.

જીવણલાલે ધીમેથી દરવાજો ખોલ્યો અને પછી એક ડગલું આગળ વધીને એમણે ડાબી તરફ જોયું.

 'જીવણલાલ...!' જમણી તરફથી અવાજ આવ્યો એ સાથે જ તેઓ ઊછળ્યા અને જમણી તરફ જોયું. જમણી તરફ જોતા જ તેઓ હાશ કરતાં નીચે બેસી ગયા. જમણી તરફથી સરપંચ આવી રહ્યા હતા. એમણે જ પોતાના નામની બૂમ મારી હતી.

'કેમ છો જીવણ-લાલ...? કેમ ચોરની જેમ તમે ભડકયા.' સરપંચે જીવણલાલ પાસે આવતાં પૂછયું.

'કંઈ નહિ. તમે અંદર આવોને, મારે તમારી સાથે વાત કરવી છે.' કહેતાં જીવણલાલ અંદર આવ્યા.

'શું વાત હશે ?' એવું વિચારતા સરપંચ પણ એમની પાછળ અંદર આવ્યા.

રેવા ભાનમાં આવી ગઈ હતી. એના મનમાં જીવણલાલ અને સરપંચને જોઈને થોડીક હાશ થઈ. એણે જીવણલાલ તરફ જોતાં પૂછયું, 'પેલો અઘોરી ગયો ?'

'કોણ અઘોરી ?' સરપંચના મનમાં ફાળ પડી. તેઓ આગળ વધતાં અટકી ગયા. 'તો.... તો....અઘોરી લાલો અહીં આવ્યો હતો ? ! ?'

'પેલો અઘોરી ગયો. હવે તું ડર નહિ, જા ! સરપંચ માટે ચા બનાવી લાવ.' જીવણલાલે કહ્યું એટલે રેવા ઊભી થઈ અને રસોડા તરફ ચાલી. સરપંચે જોયું કે રેવાની ચાલમાં અત્યારે પણ ડર દેખાતો હતો.

'સરપંચ ! મેં તમને એટલા માટે જ અંદર બોલાવ્યા હતા.' સરપંચ મનમાં કંઈક વિચારતા ખાટલા પર બેઠા એટલે  જીવણલાલે કહ્યું, 'અત્યારે, તમે આવ્યા એની દસ મિનિટ પહેલાં જ અઘોરી આવ્યો હતો. લાલો, લાલો અઘોરી ! પરંતુ....પરંતુ એ તો છ મહિના પહેલાં હવેલીમાં સળગીને રાખ થઈ ગયો હતો પછી આજે એ કઈ રીતે આવ્યો....?' જીવણલાલે સરપંચને પૂછતા હોય એ રીતે સવાલ પૂછયો. હકીકતમાં એ પોતાની જાતને આ સવાલ પૂછી રહ્યો હતો.

'શું કહ્યું એ અઘોરીએ ? શું કર્યું અહીં આવીને એણે ?'

'એણે દરવાજો ખટખટાવ્યો. મારી પત્નીએ દરવાજો ખોલ્યો અને એનો ભયાનક ચહેરો જોતાં જ એ ચીસ પાડીને બેહોશ થઈને ઢળી પડી. એની ચીસ સાંભળીને હું દોડીને દરવાજા પાસે આવ્યો તો અઘોરી ઊભો હતો. એણે મને પૂછયું, 'કાકા ! દાળ બનાવી છે ?' પરંતુ મેં કંઈ જ જવાબ ન આપ્યો ને દરવાજો બંધ કરી દીધો. એ પછી થોડી વાર પછી મેં દરવાજો ખોલ્યો ને તમે દેખાયા.' જીવણલાલે વિગતવાર વાત કરી.

'હં....!' સરપંચે કહ્યું, 'આપણે ગામવાળાઓને આ વિષે સાવચેત કરવા પડશે. નહિતર આ અઘોરી આપણા માટે ખતરનાક સાબિત થઈ શકે છે.' કહેતાં સરપંચ ઊભા થઈ ગયા. અને પછી કંઈક વિચારતા-વિચારતા બહાર નીકળી ગયા.

રેવા ચા લઈ આવી ત્યારે સરપંચ કેશવના ઘર તરફ નીકળી ચૂકયા હતા.

સાંજે કેશવ મારફતે કહેવડાવીને સરપંચ ગામવાળાઓને ભેગા કર્યા અને પછી અઘોરી લાલો જીવતો છે એ વાત કરી. એ સાથે જ બેઠેલા લોકોમાં ભયની એક ધ્રુજારી પસાર થઈ ગઈ. એનો મતલબ એ કે હવેલીનો એક શયતાન બચી ગયો  હતો. હજુ જીવતો હતો. ગામને રંજાડવા માટે. 'હે ભગવાન ! આ જમીનદારની જાલિમતાથી કયારે આ ગામને છોડાવશે ?' બધાંયના મનમાં આ એક જ વાત હતી.

'શાંતિ રાખો !' સરપંચે મોટા અવાજે કહ્યું, 'લાલો અઘોરી ભલે જીવતો હોય, પરંતુ હવે આપણે બધાએ મળીને એનો સામનો કરવાનો છે. બને ત્યાં સુધી એને આ વસ્તીથી દૂર રાખવાનો છે. અને એ ત્યારે જ શકય બનશે જ્યારે આપણે ગામના સાથે મળીને એનો સામનો કરીશું.' સરપંચે કહ્યું.

'હા....!' બધાએ આટલું જ કહ્યું.

'અને એક વાત બીજી. ઘરની બધી જ સ્ત્રીઓને સમજાવી દેજો કે પૂછયા વિના બારણું ખોલે નહિ અને બને ત્યાં સુધી અઘોરીની નજરે ચઢે નહિ. અને આપણા પુરુષોએ પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે.' બોલી રહેલા સરપંચની નજર સામેથી ગળું કપાયેલા રાજુ, રાકેશ અને સળગી રહેલા હરિરામ પસાર થઈ ગયા. 'કોઈએ બને ત્યાં સુધી હવેલીની આસપાસ ફરકવું નહિ કે હવેલીની અંદર જવાની કોશિશ કરવી નહિ. બસ ! આપણે હવે છૂટા પડીએ.' સરપંચે કહ્યું, એટલે બધા ઊભા થયા અને પોતપોતાના ઘર તરફ ચાલતા થયા. અઘોરીની બીજી વારના આગમને બધાયના દિલમાં ધ્રાસકો પાડી દીધો હતો. કંઈક અશુભ બનવાની શરૃઆત થઈ જશે એવું એમનું મન કહેતું હતું.

બીજા દિવસે અઘોરી દેખાયો નહિ. ત્રીજા દિવસે પણ એ ફરકયો નહિ. એટલે ગામવાળાના મનનો ફફડાટ ઓછો થયો. પરંતુ ત્રીજા દિવસે કોઈએ શંકરના ઘરનો દરવાજો ખટખટાવ્યો. શંકરની નાની બહેન જમનાએ દરવાજો ખોલ્યો તો સામે ઊભેલા અઘોરીને જોઈને એનું મોઢું પહોળું થઈ ગયું. એ કંઈ જ બોલી શકી નહિ.

'જમના...શું તેં દાળ બનાવી છે ?' અઘોરીએ જમનાને માથાથી પગ સુધી જોતાં પૂછયું.

અઘોરીની ભયાનકતાથી ગભરાયેલી જમનાએ હામાં ગરદન હલાવી દીધી. સવારે ખેતરે જતી વખતે પણ શંકરભાઈએ પૂછયા વિના દરવાજો ખોલવાની ના પાડી હતી તેમ છતાંય એણે અત્યારે દરવાજો ખોલી નાખ્યો હતો. જમના થોડીક વધુ પડતી હિંમતવાળી હતી.

'તો....એક રોટલી પર દાળ નાખીને લઈ આવને જમના...!' અઘોરીની ભયાનક આંખોએ જાણે કંઈક જાદુ કર્યો હોય એમ જમના ચૂપચાપ અંદર ગઈ અને રોટલી અને દાળ લાવીને એને આપી દીધી. અને પછી એ ઝડપથી દરવાજો બંધ કરવા જતી હતી ત્યાં જ દરવાજા વચ્ચે પોતાનો મજબૂત અને મેલો પગ મૂકતા અઘોરીએ કહ્યું, 'જમના ! કાલે તું પાદરના કૂવા પાસે આવજે, હું તારી વાટ જોઈશ.' કહેતાં એણે પગ ખસેડી લીધો.

જમનાએ દરવાજો બંધ કરી દીધો. હવે એનો શ્વાસ ઝડપથી ચાલતો હતો. શંકરભાઈએ સાવચેત કર્યા હોવા છતાં એણે આજે પૂછયા વિના દરવાજો ખોલીને મોટી ભૂલ કરી હતી. એણે અઘોરીની આંખો સામે આવીને એનાથી પણ મોટી ભૂલ કરી હતી.

(ક્રમશઃ)

ઘોર-અઘોરી

 (પ્રકરણ ઃ ૪)

'નહિ...નહિ....મને જવા દો....!' રણજિતસિંહને ભૂખ્યા વરુની જેમ આગળ વધતા જોઈને માલતીએ રડતાં-રડતાં કહ્યું.

'જવા દઈશ તને...મારે કયાં તને આખી જિંદગી રાખવાની છે. કાલે સવારે જતી રહેજે ને !' રણજિતસિંહે એક ડગલું આગળ વધતાં કહ્યું.

'નહિ...નહિ....મને અત્યારે જ જવા દોને...!' ચીસ પાડતી હોય એવા અવાજે બોલીને માલતીએ હાથોમાં મોઢું છુપાવી લીધું. આંસુઓથી એના હાથ ભીંજાઈ ગયા.

'જો...ચીસો પાડવાથી કે રડવાથી કંઈ વળવાનું નથી. અમસ્તો-અમસ્તો તારો અવાજ બેસી જશે. એના કરતાં ચૂપચાપ....!'

'નહિ...તમને ભગવાન કયારેય માફ નહિ કરે...' માલતીએ રડતાં-રડતાં જ કહ્યું.

'લે ! એમાં ભગવાન કયાં વચ્ચે આવ્યા ? ચલ રડ નહિ. મોટા માણસની હંમેશાં વાત માનવી જોઈએ.' કહેતાં છેક પાસે પહોંચી ગયેલા રણજિતસિંહે માલતીના ચહેરા પરથી હાથ ખસેડયો.

'નહિ....છોડી....દો....'

સટાક....રણજિતસિંહે એક ઝાપટ માલતીના ડાબા ગાલ પર મારી અને માલતીનું માથું તકિયા પર જઈને પડયું.

રણજિતસિંહે બત્તી બુઝાવી દીધી.

ગામવાળા હજુ પણ પોતાના ઘરમાં બારી-બારણા પાસે ઊભાં હતાં. હજુ પણ માલતીની બેબસ ચીસો સંભળાઈ રહી હતી. માલતીની સહેલીઓ તેમજ ગામની બધી જ સ્ત્રીઓની આંખમાં આંસુઓ હતાં અને ગામના બધા જ પુરુષો ડોક નીચી કરીને કે પછી પોતાનું મોઢું ઘરની જ સ્ત્રીઓથી સંતાડતા ઊભા હતા.

થોડીક વાર પછી માલતીની ચીસો બંધ થઈ ગઈ. ગામના લોકોએ પોતપોતાની આંખો પરના આંસુ લૂછયા. હવે રડવાથી કોઈ ફાયદો નહોતો. જે થવાનું હતું એ થઈ ગયું હતું એ થઈ ગયું હતું. એક વરુના હાથે ભોળી કબૂતરી કચડાઈ ચૂકી હતી.

ગામ આખું પોતાના નસીબ પર રડતું હતું, પોતપોતાની પથારી પર પડયું અને પછી ઊંઘવાની કોશિશ કરવા લાગ્યું.

સવાર પડી. પોતપોતાના કામે નીકળતા પુરુષો ઘરના દરવાજા પાસે જ થંભી ગયા હતા. સ્ત્રીઓ પણ બહાર જ ઊભી હતી. બધાના ચહેરા પર ગમગીની હતી અને બધાની નજર હવેલી તરફ હતી. ગામનો સરપંચ અંગૂઠાથી જમીન ખોતરતો પોતાના ઘરને ઓટલે બેઠો હતો. માલતી હવેલીમાંથી બહાર નીકળે એ પછી આત્મહત્યા કરવાનો વિચાર પણ ન કરે એની જવાબદારી સરપંચે નિભાવવાની હતી. 'નસીબમાં લખાયેલું છે.' એમ સમજાવીને એને જીવવા માટે સમજાવવાનું હતું.

હમણાં માલતી, પિંખાઈ ગયેલી માલતી હવેલીમાંથી નીકળવી જ જોઈએ એવી બધાને ખાતરી હતી.

હરિરામ પણ ગઈકાલે રાતે જે માણસે, જેનું નામ કેશવ હતું, એણે ઘરમાં સૂવડાવ્યો હતો એના ઓટલા પર બેઠો હતો. એની બાજુમાં જ કેશવ અને એની પત્ની સીતા ઊભી હતી. અત્યારે હરિરામ રડતો નહોતો, કકળતો નહોતો. એની નજર સ્થિર હતી. હવેલી તરફ જ હતી.

હવેલી બિલકુલ શાંત હતી.

ત્યાં જ ગામવાળાઓએ ત્યાં જોયું કે કનૈયો કુંભાર હવેલીના બાજુના રસ્તા પરથી હાંફળો-ફાંફળો દોડતો આવી રહ્યો હતો.

'શું થયું....?' કનૈયો પાસે આવ્યો એટલે એક જણાએ પૂછયું. પરંતુ કનૈયો કંઈ બોલ્યો નહિ, રોકાયો પણ નહિ, એ દોડતાં-દોડતાં સરપંચ પાસે આવ્યો. સરપંચે મોઢું અદ્ધર કર્યું. એની નજરમાં સવાલ હતો. 'શું થયું ?'

'ભાગોળના કૂવા પાસે માલતીની લાશ...' કનૈયો ઓટલા પર બેસી ગયો અને સરપંચ એક ઝાટકા સાથે ઊભા થઈ ગયા.

'આપઘાત કર્યો એણે...બહુ ઉતાવળ કરી માલતી...!' સરપંચની આંખો ભીની થઈ ગઈ. માલતી ગામમાં આવી હોત તો જરૃર એને સમજાવી લેત. જીવવા માટે મનાવી લેત. પણ....

ગામના લોકો સરપંચના ઘર પાસે ભેગા થવા લાગ્યા હતાં. પરંતુ હરિરામ હજુ પણ હવેલી સામે જોતો જ બેઠો હતો.

'સરપંચજી ! માલતીએ આપઘાત નથી કર્યો....' કનૈયાનો શ્વાસ થોડોક હેઠો બેઠો એટલે એણે કહ્યું.

'તો....?' સરપંચે કનૈયાનો ખભો પકડતાં પૂછયું. બધાંની આંખોમાં પણ આ જ એક શબ્દ હતો.

'એની છાતી પર ચપ્પુ ઘૂસેલું છે એટલે એનું ખૂન...'

'નહિ....' સરપંચના હાથની મુઠ્ઠીઓ વળી ગઈ. બીજા બધાયના કલેજાં પણ ફફડી ઊઠયા.

અત્યાર સુધી તો જમીનદાર ગામની વહુ-દીકરીઓની ઈજ્જત જ લૂંટતો હતો, પરંતુ હવે ખૂન પણ કરવા લાગ્યો....?'

ધીમે-ધીમે ગામ આખામાં વાત ફેલાઈ ગઈ. અને બધા ભાગોળના કૂવા તરફ જવા લાગ્યા. ઘણા લોકો કેશવના ઘરને ઓટલે બેઠેલા હરિરામની આસપાસ ઊભા રહ્યા. કોઈને સમજ નહોતી પડતી કે હરિરામને કઈ રીતે કહેવું કે, 'હરિરામ....તારી દીકરી-તારી લાડલી માલતી હવે આ દુનિયામાં રહી નથી.'

કેશવે હરિરામના ખભા પર હાથ મૂકયો. 'હરિરામ....ચાલ તો જરા....'

હરિરામ કંઈ બોલ્યો નહિ પરંતુ ઊભો જરૃર થઈ ગયો. એટલે કેશવે હરિરામનો હાથ પકડયો અને ભાગોળના કૂવા તરફ આગળ વધ્યો. પાછળ-પાછળ ત્યાં ઊભેલા લોકો પણ ચાલવા લાગ્યા.

ભાગોળનો કૂવો અવાવરું હતો. એટલે આસપાસ ઝાડી-ઝાંખરા ઊગી નીકળ્યાં હતાં. બાજુમાં જ કચરાના ઢગલા પર માલતીની લાશ પડી હતી. એની લાશ પર કોઈએ કપડું ઓઢાડી દીધું હતું.

'હરિરામ....તારી માલતી તને છોડીને જતી રહી છે...ભગવાનને ઘરે...' લાશને જોઈને હરિરામની સામે રજૂ કરવાનો કેશવે પ્રયાસ કર્યો.

'હં....' હરિરામ ફકત એટલું જ બોલ્યો.

ખૂનથી લથપથ થયેલી માલતીની લાશ જોઈને પણ એ રડયો-કકળ્યો નહિ, કે બોલ્યો નહિ. હા ! એની આંખોમાં સફેદીની જગ્યાએ લાલાશ આવી ગઈ હતી.

સાંજે ચાર વાગે માલતીનો અંતિમસંસ્કાર કરી દેવામાં આવ્યો. એ દરમિયાન પણ હરિરામ કંઈ જ બોલ્યો નહોતો. કંઈ જ નહિ.

રાત્રે કેશવ અને એની પત્નીએ ઘણી કોશિશ કરી, પરંતુ હરિરામે ખાધું નહિ.

સરપંચે સાંજે સાત વાગે ગામના લોકોને પોતાની ડેલીએ બોલાવ્યા હતા. કેશવ હરિરામને લઈને પહોંચ્યો. ત્યાં મોટા ભાગના ગામના લોકો ભેગા થઈ ચૂકયા હતા. હરિરામ અને કેશવની જ વાટ જોવાતી હતી. બન્નેને આવેલા જોઈને બે જણા ઓટલા પરથી ઊભા થઈ ગયા અને એ બન્નેને બેસવાની જગ્યા કરી આપી.

સરપંચે એક નજર હરિરામ પર નાખી અને એક નજર એણે બેઠેલા લોકો પર નાખી, એમાં એક જમીનદાર રણજિતસિંહનો પાળેલો ગુંડો પણ બેઠો હતો. સરપંચની સભાની જાસૂસી કરવા.

પરંતુ સરપંચ હવે વધુ સહન કરી શકે એમ નહોતા. એમણે બોલવાનું શરૃ કર્યું, 'હવે જમીનદારના જુલમની તો હદ આવી ગઈ છે. હવે એ વહુ-દીકરીઓનાં ખૂન પણ કરવા લાગ્યો છે....હવે આનો કંઈક ઈલાજ...'

સરપંચ આગળ કંઈ બોલે એ પહેલાં જ હરિરામ ઊભો થઈ ગયો અને પછી કંઈ પણ બોલ્યા વિના પોતાના ઘર તરફ ચાલતો થયો.

બધા નવાઈથી પહોળી થયેલી આંખોએ હરિરામને જતો જોઈ રહ્યા. કેશવ મનમાં જ બબડયો, 'સારું થયું હરિરામ જતો રહ્યો. સરપંચ કે પછી ગામનું બીજું કોઈપણ, બોલ્યા સિવાય બીજું કયાં કંઈ કરી શકવાનું છે ? જમીનદાર સામે બધાની જીભ સિવાઈ જાય છે કે પછી એમ કહો કે જીભ સીવી લેવી પડે છે, નહિતર પછી જીવથી હાથ ધોઈ નાખવા પડે છે.

સરપંચના મનમાં પણ કંઈક એવી જ ગડમથલ થઈ હોય એવું લાગ્યું. એ પણ કંઈપણ બોલ્યા વિના પોતાના ઘરમાં જતા રહ્યા અને પછી બારણું બંધ  કરી દીધું. બેઠેલા લોકો પણ ઊભા થઈ ગયા અને પછી કોઈની જીભ હોય જ નહિ એ રીતે કંઈ પણ બોલ્યા વિના પોતપોતાના ઘર તરફ ચાલતા થયા.

જમીનદારનો પાળેલો ગુંડો મીઠું મહેકતો હવેલી તરફ ચાલતો થયો. કેશવ હરિરામના ઘર તરફ ગયો. હરિરામ અંદરથી દરવાજો બંધ કરીને દઈને અંદર પુરાઈ ગયો હતો. કેશવને દરવાજો ખટખટાવવાનું વાજબી લાગ્યું નહિ અને સવારે આવવાનું વિચારીને પોતાના ઘર તરફ આગળ વધી ગયો.

અડધી રાત્રે ચીસાચીસથી આખુંય ગામ જાગી ઊઠયું. ચીસો હવેલી તરફથી આવતી હતી. ફટાફટ ઘરના દરવાજા ખૂલવા લાગ્યા અને ચીસો આવી રહી હતી એ હવેલી તરફ જોતાં જ ગામવાળાઓના ચહેરા પર ખુશી ઉભરાવા લાગી.

અત્યારે જમીનદાર રણજિતસિંહની હવેલી આગમાં ભડકે બળી રહી હતી અને એમાંથી જમીનદારના કુટુંબના લોકો અને ત્યાં રહેતા લોકોની ચીસો સંભળાઈ રહી હતી.

જમીનદાર રણજિતસિંહે ગામવાળાઓ પર એટલા જુલમ અને સિતમ કર્યા હતા કે કોઈના મગજમાં આગની જ્વાળાઓમાં  ભડકે બળતી હવેલી અને એમાં ચીસાચીસ કરી રહેલા લોકોને બચાવવાનો વિચાર સુદ્ધાં આવ્યો નહોતો. આ ! અત્યારે બધાંયના મનમાં એક સવાલ હતો ઃ 'હવેલીમાં આગ લાગી કઈ રીતે ?'

કેશવના મગજમાં પણ આ સવાલ સળવળ્યો. એ સાથે જ એના મનમાં વિચાર આવ્યો કયાંક હરિરામે તો પોતાની લાડલી માલતીની બેઈજ્જતીનો બદલો લેવા આ હવેલીને નહિ સળગાવી હોયને ! આ વિચાર આવતાં જ કેશવ લોકોની નજર બચાવતો હરિરામના ઘર તરફ ઊપડયો. હરિરામના ઘર પાસે પહોંચ્યો ત્યારે ત્યાં સરપંચ પણ ઊભા હતા.

તેઓ હરિરામના ઘર તરફ જોઈ રહ્યા હતા. કેશવ એમની પાસે પહોચ્યો એટલે સરપંચે કેશવ સામે જોયું. કેશવની આંખોમાં સવાલ હતો. 'હરિરામ છે ઘરમાં કે પછી એણે જ....'

'હા !' સરપંચે કહ્યું, 'હરિરામ ઘરમાં નથી, કદાચ એણે જ હવેલી સળગાવી હોવી જોઈએ.'

પછી બન્ને ચૂપચાપ પોતાના ઘર તરફ ચાલતા થયા.

હજુ પણ હવેલી ભડકે બળી રહી હતી, પરંતુ હવે એમાંથી ચીસો નહોતી સંભળાતી. હા ! અંદર સળગી ગયેલા માણસોના ધીમા-ધીમા પીડાભર્યા ઊંહકારા સંભળાઈ રહ્યા હતા.

સવાર સુધીમાં તો હવેલી સળગીને ખંડેર બની ગઈ. હવેલીના બધા જ લોકો સળગીને રાખ થઈ ગયા એટલે ગામ લોકોમાં ખુશીની લહેર દોડી ગઈ.

સવારે સરપંચ અને કેશવે હરિરામના ઘરે જઈને જોયું તો હરિરામ ત્યાં હતો નહિ.

સરપંચ અને કેશવ પાછા ફર્યા. હવેલીમાં આગ લાગી હતી એ વિશે પૂછપરછ કરવા માટે પોલીસ સરપંચને ત્યાં આવી પહોંચી હતી.

સરપંચે કહ્યું કે, 'હવેલી સળગી એ વિશે પોતાને કાંઈ જ ખબર નથી. હું પોતે પણ એ જ વિચારી રહ્યો છું કે આખરે આ હવેલી સળગાવી કોણે ?'

ગામવાળાઓએ 'પોતાને કંઈ ખબર નથી.' એમ પોલીસને કહી દીધું. પરમ દિવસે માલતીના બનાવ અને હરિરામના વર્તાવ વિશે કોઈએ એક શબ્દ સુદ્ધાં પોલીસ સામે કહ્યો નહિ.

આખોય દિવસ હવેલીની તપાસ કર્યા પછી નિરાશ થઈને પોલીસ પાછી ફરી ગઈ. સરપંચ અને કેશવ તેમજ ગામના લોકોએ પણ હરિરામની ઘણી તપાસ કરી, પરંતુ એ મળ્યો નહિ. સરપંચ અને કેશવના માનવા મુજબ હરિરામે રણજિતસિંહની હવેલીને સળગાવીને બદલો લીધા પછી આપઘાત કરી લીધો હશે.

જેમ-જેમ સમય જતો ગયો એમ એમ સળગેલી હવેલીની દીવાલો ધીમે-ધીમે ખરવા લાગી અને એની આસપાસ જમીન પર ઝાડી-ઝાંખરા ઊગવા લાગ્યાં.

થોડાક વખત પછી ગામના લોકોને હવેલીમાં   અને એની આસપાસ રાત્રે ભૂતના પડછાયા દેખાવા લાગ્યા.

લોકોનું માનવું હતું કે રણજિતસિંહ અને એના પિતા રામેશ્વરસિંહે લોકો પર જુલમ કરીને ઘણું-બધું ધન ભેગું કર્યું હતું અને હવેલીના નોકરોના મોઢામાંથી સાંભળ્યા મુજબ રણજિતસિંહના દાદાના જમાનાનો હીરા-ઝવેરાતનો ખજાનો પણ એ હવેલીમાં કયાંક દટાયેલો છે. એ ધનની લાલસામાં જ મરી ગયેલા લોકો ભૂત બની ગયા છે.

ગામના ઘણા લોકોને એ ખજાનો મેળવવાની લાલચ હતી,  પરંતુ પછી એ હવેલીમાં ભૂત ફરે છે એ વાત યાદ આવતાં જ ખજાનાની લાલચ ગાયબ થઈ જતી હતી.

પરંતુ થોડાક દિવસથી ગામના બે યુવાન એ ખજાનો મેળવવા માટે તૈયાર થયા હતા. એ બે યુવાન હતા રાજુ અને રાકેશ. પરંતુ આ બેઉ જણાએ ગામવાળાને કે પોતાના ઘરનાઓને આ વાત કરી નહોતી. જો એ વાત કરે તો પછી એમને કોઈ ભૂતની બીકે હવેલી તરફ કોઈપણ હિસાબે જવા દે તેમ નહોતા.

એટલે રાજુએ અને રાકેશે દિવસને બદલે રાત્રે એ હવેલીમાં જઈને ખજાનો શોધવાનું નક્કી કર્યું.

અત્યારે રાતના બાર વાગ્યા હતા. રાજુ અને રાકેશ બેટરીઓ અને ખોદકામના સાધનોથી સજ્જ થઈને હવેલીના ખંડેર તરફ ચાલી નીકળ્યા. બન્નેમાંથી કોઈનાય મનમાં બીક નહોતી. ભૂતનો ડર નહોતો. એમની નજર સામે બસ ખજાનો જ ખજાનો દેખાતો હતો.

બન્ને જણા હવેલીના ખંડેર પાસે પહોંચ્યા. ખંડેરમાં પણ હજુય અલગ-અલગ કમરાઓ હતા. એ બધાય કમરાઓમાં પણ ઝાડી-ઝાંખરાઓ ઊગી આવ્યા હતા. ઝાડી-ઝાંખરાને ખસેડતાં બન્ને ખંડેરના એક મોટા કમરામાં આવ્યા. એ સાથે જ બન્નેના શરીરમાં ભયની એક ધ્રુજારી ફરી વળી.

(ક્રમશઃ)

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ઘોર-અઘોરી

 (પ્રકરણ :૩)

પઠાનભાઈને ગયે અડધો કલાક ઉપર થઈ ગયો હતો છતાંય હજુ માવજીદાદાને લઈને પાછા આવ્યા નહોતા. વિનોદનું મન કંઈક વધુ જ પરેશાની અનુભવી રહ્યું હતું. એણે લાશ જોઈ નહોતી છતાંય જાણે એની આંખો સામે ઘોર અઘોરીનો ભયાનક ચહેરો તરવરી રહ્યો હતો.

વિનોદે ગરદનને એક ઝાટકો આપ્યો અને ન જોયેલા ઘોર અઘોરીના ભયાનક ચહેરાને નજર સામેથી ભગાડવાની કોશિશ કરતો એ ઊભો થયો અને બહાર ઓસરીમાં આવ્યો. આ ખૂણેથી-પેલે ખૂણે આંટા મારવા લાગ્યો. હજુ એણે ચારેક આંટા માર્યા હશે ત્યાં જ સામેથી એને જીપની લાઈટ દેખાઈ.

જીપ નજીક આવીને રોકાઈ. એમાંથી પહેલા પઠાનભાઈ, પછી મોહન મજૂર અને પછી માવજીદાદા ઊતર્યા.

વિનોદે માવજીદાદાને ધ્યાનથી જોયા. એ એક શાનદાર વૃદ્ધ હતા. એમની ચાલમાં અત્યારે ૯૯ વરસની ઉંમરે પણ જાણે જવાનીની ઝલક દેખાતી હતી.

માવજીદાદાએ વિનોદને જોતાં જ હાથ જોડયા. સામે વિનોદે પણ હાથ જોડયા અને પછી એમને લઈને અંદર બેઠકરૃમમાં આવ્યો.

'આ માવજીદાદા છે, સાહેબ !' પઠાનભાઈએ માવજીદાદાની ઓળખાણ કરાવી.

'ઘણી ખુશી થઈ, દાદા આપને મળીને. એ સંજોગ જ છે કે આપણી આ પહેલાં મુલાકાત નથી થઈ.' વિનોદે કહ્યું.

માવજીદાદા નીચે જમીન પર બેસવા જતા હતા ત્યાં જ વિનોદે એમનો હાથ પકડીને જબરજસ્તી સોફા પર બેસાડયા અને પછી પઠાનભાઈ અને મોહન મજૂર જાજમ પર બેઠા. એ પછી વિનોદ પણ માવજીદાદાની સામે સોફા પર બેઠો.

'મને કેમ બોલાવ્યો છે, સરકાર ? જોકે, આપને મળીને ઘણી જ ખુશી થઈ. પઠાને તો મને કોઈ વાત કરી જ નથી.'

વિનોદે અનુભવ્યું કે માવજીદાદાના અવાજમાં સહેજપણ ઘડપણ નહોતું. એ પોતાની તન્દુરસ્તી સાથે તાકાતમાં પણ જવાન હતા.

'પેલો મઠ તોડયો અને એમાંથી....!'

'હા...મોહન મજૂરે મને વાત કરી. ઘણું જ ખરાબ થઈ ગયું, સરકાર !'

'હા, માવજીદાદા ! મારાથી એ ભૂલ થઈ ગઈ. પરંતુ હવે શું કરી શકાય...!'

'હું શું કરી શકું માલિક ! ગામમાં જેમ-જેમ આ વાત ફેલાતી જાય છે તેમ-તેમ લોકોનો ભય અને પરેશાની વધતાં જાય છે. અમુક લોકો ડરના માર્યા ગામ છોડીને જતા પણ રહે તો કહેવાય નહિ.' માવજીદાદાએ કહ્યું અને વિનોદ આંખો ફાડીને એમને જોવા લાગ્યો. 'આખરે એવી કઈ વાત છે, માવજીદાદા...! અને એ વિશે વિગતવાર વાત તો કરો ?'

'સરકાર ! એ મઠ ઘોર અઘોરીનો હતો.'

'પણ એ ઘોર અઘોરી આખરે હતો કોણ ?' વિનોદથી હવે રહેવાતું નહોતું.

'ખૂબ જ મોટો પાપી અને ગંદો માણસ હતો, જેણે ઘણા સમય સુધી આ ગામના લોકોને હેરાન-પરેશાન કર્યા....'

'કઈ રીતે એણે હેરાન-પરેશાન કર્યા ? એ શું કરતો હતો ?'

'સરકાર ! આખીય વાત આમ છે. મારી ઉંમર એ વખતે ઘણી જ નાની હતી. હા, એટલો મોટો તો હું જરૃર હતો કે વાતની હળવાશ અને ગંભીરતાને સમજી શકું. મારા પિતાજી પણ એ ઘોર અઘોરીથી તંગ આવી ગયા હતા. પરંતુ હું તમને શરૃઆતથી જ વાત કરું છું.'

જગનપુર ગામની પશ્ચિમ દિશામાં, છેવાડે એક હવેલીનું ખંડેર આજેય ખડું છે. પહેલાં એ ખંડેર ખંડેર નહોતું. હવેલી હતી ત્યારે એની આસપાસ પણ ઘણી વસ્તી હતી. પછી એ હવેલીમાં ભૂત-પ્રેત આવીને વસ્યા એટલે ગામના લોકો પાછળ ખસ્યા અને પછી ત્યાં ભેંકારતા અને સન્નાટો ફેલાવા લાગ્યો. ધીમે-ધીમે બીજા લોકો પણ ત્યાં ખસતા રહ્યા અને હવેલીથી થોડેક દૂર એટલે અહીંયાં આવીને વસ્યાં. હવે અત્યારે  એ ખંડેર પાસે કોઈ જ ફરકતું નથી. એની ચારે બાજુ ઝાડી - ઝાંખરાંઓએ પોતાની ગીચ વસ્તી ફેલાવી દીધી છે.

એ હવેલી જમીનદાર રણજિતસિંહની હતી. રણજિતસિંહ પાપનો ઘડો હતો. જગનપુરના લોકો એનાથી તંગ આવી ગયા હતા. એ મહાલુચ્ચો અને મહા બદમાશ હતો. એના કામધંધા ઘણાં જ ગંદા હતા. કોઈની વહુ-દીકરી જો એની નજરમાં ચઢી જાય તો પછી એની ઈજ્જતને ધૂળમાં મેળવીને જ રહેતો. કોઈની ઈજ્જતની સલામતી નહોતી. પરંતુ કોઈની હિંમત નહોતી કે રણજિતસિંહ સામે થઈ શકે કે એને પડકારી શકે. રણજિતસિંહની આસપાસ ઘણા પાળેલા ગુંડાઓ રહેતા હતા. જે રણજિતસિંહના એક અવાજ પર પૂંછડી પટપટાવતા ગામવાળાની વહુ-દીકરીઓને ઉઠાવીને રણજિતસિંહના પલંગ પર પછાડી દેતા હતા. ગામવાળો કોઈ સામે થતો ત્યાર રણજિતસિંહ પોતાના આ પાળેલા ગુંડાઓ પાસે રાતોરાત ખતમ કરાવી દેતો હતો. ગામવાળાઓ રણજિતસિંહના જુલમો સહન કરતા જીવતા હતા. અને રણજિતસિંહને મોટા-મોટા શ્રાપ આપતા હતા. અને કદાચ એટલે જ રણજિતસિંહની કોઈ ઓલાદ નહોતી.

પરંતુ ભગવાનને પણ પડકારતો રણજિતસિંહ એમ હાર માને તેમ નહોતો. તે કયાંકથી દસેક વરસનો છોકરો લઈ આવ્યો. અને એને ખોળે બેસાડી લીધો. એને પોતાનો દીકરો બનાવી લીધો. પોતાનો વારસદાર બનાવી લીધો. અને એનું નામ પાડયું લાલો.

આ લાલો કોણ હતો અને કયાંથી આવ્યો હતો એ વિશે કોઈને કાંઈ જ ખબર પડી નહોતી. પરંતુ લાલાને જે કોઈ પણ જોતું કે તરત જ એ એક ચીસ સાથે આંખો મીંચી જતું. લાલો ખૂબ જ ભયાનક ચહેરાવાળો હતો. લાંબું કદ, દૂબળા-પાતળા સૂકાયેલા-સૂકાયેલા હાથ-પગ, ચહેરો એવો હતો જાણે હાડકાં પર માંસ ચઢાવ્યા વિના જ ચામડી ચોંટાડી હોય. એની આંખોના ડોળા બહાર નીકળી આવ્યા હતા. અને એ બન્ને ડોળા પણ એક લાઈનમાં નહોતા, પરંતુ જમણી બાજુનો ડોળો ડાબી બાજુના ડોળા કરતા કંઈક વધુ જ ઊંચે જતો હતો. નાની ઉંમરમાં જ એ એટલો ભયાનક લાગતો હતો કે ન પૂછો વાત, અને પછી જેમ-જેમ એ મોટો થતો ગયો તેમ-તેમ એ વધુ ને વધુ ખતરનાક અને ભયાનક થતો ગયો. અને એનાં કામ પણ એના બાપ રણજિતસિંહની જેમ સારાં નહોતા. આ લાલો જ પછીથી ઘોર અઘોરી થયો હતો અને એ ભયાનક રાતથી જ અઘોરીની દાસ્તાન શરૃ થઈ હતી.'

માવજીદાદાએ પહેલીવાર ખોંખારો ખાધો. પઠાનભાઈએ અને મોહન મજૂરે પોતાની પલાંઠીમાં હેરફેર કર્યો. જ્યારે વિનોદ દૂર...દૂર... જાણે કોઈ દૃશ્ય જોઈ રહ્યો હતો. માવજીદાદાનો એક-એક શબ્દ એની નજર સામે દૃશ્ય બની જતો હતો.

માવજીદાદાએ વાત આગળ વધારી, 'એ રાતની વાત છે...!'

પરંતુ વિનોદને માવજીદાદાના શબ્દો સંભળાતા દૃશ્ય બનીને એની આંખો સામે દેખાતા હતા.

'ગામમાં અંધારું છવાયેલું હતું. રાતના લગભગ નવ વાગ્યા હતા. ગામના મોટાભાગના લોકો પોતપોતાના દરવાજા બંધ કરીને સૂઈ ગયાં હતાં.

એવા સમયે રણજિતસિંહના પાળેલા ચાર ગુંડાઓ હરિરામના ઘર તરફ આગળ વધી રહ્યા હતા.

હરિરામ ગામનો ખૂબ જ ગરીબ ખેડૂત હતો. ઘરમાં એ અને એની દીકરી માલતી સિવાય કોઈ જ નહોતું. માલતીએ હમણાં જ પંદરમા વરસનું પગથિયું પાર કરીને સોળમા વરસમાં પ્રવેશ કર્યો હતો. માલતીના શરીરનો રંગ ખૂબ જ ગોરો હતો. એની આંખો અણિયાળી હતી. એના શરીરનું એક-એક અંગ ભગવાને જાણે કે ફુરસદના સમયે ખૂબ જ મહેનતની ઘડયું હતું.

માલતીનું આ ખૂબસૂરત શરીર રણજિતસિંહની નજરમાં ચઢી ગયું હતું અને એટલે એણે આજે પોતાના પાળેલા ચાર ગુંડાઓને માલતીને હવેલીમાં ઘસડી લાવવા માટે મોકલ્યા હતા.

'ઠક...ઠક...ઠક....' એક ગુંડાએ હરિરામના નબળા દરવાજા પર પોતાના કઠોર હાથથી અવાજ કર્યો.

માલતી સૂઈ ગઈ હતી અને હરિરામ હજુ ઊંઘવાની તૈયારી કરતો હતો.

'કોણ છે...?' હરિરામે પૂછયું.

'સરપંચે મોકલ્યા છે. દરવાજો ખોલો.' એક ગુંડાએ બને એટલા ઢીલા અવાજે કહ્યું.

'સરપંચને વળી મારું શું કામ પડયું ?' એમ મનમાં બબડતાં હરિરામે દરવાજો ખોલ્યો અને એ સાથે જ વાવાઝોડાની જેમ ચારેય ગુંડા અંદર ધસી આવ્યા. અને બે ગુંડાઓ માલતી તરફ આગળ વધ્યા. બે સેકન્ડ માટે સ્તબ્ધ બની ગયેલા હરિરામને જ્યારે ખ્યાલ આવ્યો ત્યારે એણે જોરથી બૂમ મારી, 'માલતી દીકરી... ભાગ...' એક ગુંડાએ હરિરામના પેટમાં એક જોરદાર મુક્કો લગાવી દીધો. અને 'ઓય....વોય...' કરતો હરિરામ બેવડ વળી ગયો. બૂમાબૂમ અને અવાજ સાંભળીને હમણાં જ સૂતેલી માલતી જાગી ગઈ. અને એ ઊભી થાય, કંઈ સમજે એ પહેલાં જ એક ગુંડાએ બે હાથો વડે માલતીને પકડીને ઉઠાવી અને પછી ખભા પર લઈ લીધી. માલતી સમજી ગઈ. એની ઈજ્જત લૂંટવા કૂતરાઓ આવ્યા હતા. એ બૂમાબૂમ અને ચીસાચીસ કરવા લાગી. એ કબૂતરીની જેમ કૂતરા જેવા ગુંડાના હાથમાંથી છટકવા માટે પગ ઉછાળવા લાગી અને ગુંડાની પીઠ પર મુક્કીઓ મારવા લાગી.

હરિરામની પાસે ઊભેલા બેય ગુંડાઓ બહાર નીકળ્યા. એની પાછળ-પાછળ માલતીને લઈને ત્રીજો ગુંડો પણ બહાર નીકળ્યો. રડતી-કકળતી બૂમો પાડતી માલતીએ જોયું તો એનો બાપ હરિરામ કણસતો-કણસતો ઊભા થવાની કોશિશ કરી રહ્યો હતો.

બહાર નીકળી રહેલા ચોથા ગુંડાએ ઊભા થઈ ગયેલા હરિરામને એક લાત લગાવી દીધી. હરિરામ ફરી 'ઓય માડી રે...' કરતો બેવડ વળી ગયો. અને એ ગુંડો બહાર નીકળી ગયો.

માલતીની ચીસાચીસ અને હરિરામની બૂમાબૂમથી આજુબાજુના લોકો જાગી ગયાં હતાં. બધા પોતપોતાના ઘરની બારી ખોલીને, તેમજ દરવાજાની તિરાડમાંથી રસ્તા પર જોઈ રહ્યા હતા.

રસ્તા પરથી શાન સાથે હસતા-હસતા ચારેય ગુંડાઓ જઈ રહ્યા હતા. અને માલતી પોતાને બચાવવા માટેની બૂમાબૂમ કરી રહી હતી, પગ ઉલાળી રહી હતી. મુક્કીઓ મારી રહી હતી. માલતીને બચાવવાની કોઈનામાં હિંમત નહોતી. પોતે વચ્ચે પડે તો પોતાની વહુ-દીકરીની ઈજ્જત જોખમાઈ જાય, એ ગામનો દરેક માણસ-આદમી જાણતો હતો. દરેક માણસ જમીનદાર રણજિતસિંહની નજરથી ડરતો હતો.

પેટ પર હાથ દબાવતો-દબાવતો હરિરામ બહાર નીકળ્યો. એ ચાલી શકતો નહોતો. છતાંય પેટની પીડાને દબાવતો રસ્તા પર આવ્યો અને બૂમો મારવા લાગ્યો.

'અરે, બચાવો.... મારી માલતીને કોઈ બચાવો...' એની આંખમાંથી આંસુઓના રેલા ઊતરી રહ્યા હતા. 'ઓ મેઘજીભાઈ.... રામજીભાઈ... મારી દીકરીને બચાવોને... બચાવોને....'

બધા બારી-બારણાંમાંથી જોઈ રહ્યા હતા. બધાની આંખોમાં આંસુઓ હતા. એ બધા મજબૂર હતા. માયકાંગલા હતા.

એ ચારેય ગુંડાઓ માલતીને લઈને હસતા-હસતા ઘણા આગળ નીકળી ગયા હતા.

હરિરામ ઘરે-ઘરની બારીઓ પાસે જઈને, પાગલની જેમ બરાડતાં, પેલા ગુંડાઓ જતા હતા એ તરફ આંગળી બતાવતાં-બતાવતાં-'બચાવો.... બચાવો'ની બૂમ મારી રહ્યો હતો.

પરંતુ કોઈ એની માલતીને બચાવી શકવાનું નહોતું. આ પહેલાં પણ ઘણી વહુ-દીકરીઓને આ રીતે જ ઉપાડી જવામાં આવી હતી અને એમને કોઈ બચાવી શકયું નહોતું. કોઈ જ નહિ.

પેલા ગુંડાઓ ઘણે દૂર પહોચી ગયા હતા. એમની પાછળ-પાછળ આગળ વધી રહેલા હરિરામમાં હવે શક્તિ રહી નહોતી. દૂર...દૂર....થી જ હરિરામે જોયું કે એ ચારેય ગુંડાઓ હવેલીનો ઝાંપો ખોલીને અંદર ઘૂસી ગયા....હવે કોઈ જ દેખાતું નહોતું. પોતાની માલતી દેખાતી નહોતી...પરંતુ એની ચીસો 'બચાવો, બાપુ....બચાવો... બાપુ....' એનું કાળજું ચીરી રહી હતી.

ગામવાળાના કાનમાં પણ માલતીની બેબસ ચીસ સંભળાતી હતી.

દીકરીની ચીસો સાંભળી સાંભળીને હરિરામનું કાળજું કપાઈ ગયું હતું. હવે પેટની પીડા આગળ વધવા દેવા માગતી નહોતી. એમની આંખોમાં અંધારા આવવા લાગ્યાં હતાં.

'બાપુ....'ની એક છેલ્લી ચીસ સાંભળીને હરિરામ બેહોશ થઈને જમીન પર ઢળી પડયો.

નજીકના ઘરનો દરવાજો ધીમેથી ખૂલ્યો અને એમાંથી એક માણસ બહાર આવ્યો. અને ઝડપથી એણે હરિરામને પોતાના હાથોમાં ઉઠાવ્યો અને પોતાના ઘરમાં દોડી આવ્યો. એણે હરિરામને પલંગ પર લેટાવ્યો. એ માણસની પત્ની આંસુભરી આંખે હરિરામના મોઢે હાથપંખાથી હવા નાખવા લાગી.

હજુ પણ માલતીની ચીસો સંભળાઈ રહી હતી. એ ગુંડાએ માલતીને પલંગ પર પછાડી અને બહાર નીકળી ગયો.

હવે એ કમરામાં બીજું કોઈ નહોતું. કમરો ઘણો જ મોટો હતો. અને એ કમરાના મોટા પલંગ પર માલતી કબૂતરીની જેમ ફફડતી-તરફડતી રડતી બેઠી થઈ અને હજુ એ પલંગ પરથી ઊતરવા માટે આગળ વધતી હતી ત્યાં જ ખટાક કરતો દરવાજો બંધ     થયો. એણે દરવાજા તરફ જોયું તો કોઈ લાંબો- પાતળો માણસ દરવાજો બંધ કરી રહ્યો હતો. એ માણસ માલતી તરફ ફર્યો. એ જમીનદાર રણજિતસિંહ હતો. રણજિતસિંહ હાથ મસળતો, લુચ્ચું-ખડખડાટ હસતો, કબૂતરીની જેમ ફડફડી  રહેલી અને ચીસો પાડી રહેલી માલતી તરફ આગળ વધ્યો.

(ક્રમશઃ)

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ઘોર-અઘોરી

 (પ્રકરણ ઃ ૨)

'હવે થઈ ગયું એ થઈ ગયું.' વિનોદે ગિરધારીલાલ તરફ જોતાં કહ્યું, 'આપણને કયાં ખબર હતી કે આ મઠની નીચે સમાધિમાં કોઈ સંતની લાશ છે. હવે તો એ સંત ખુદ પોતે જ અહીંયાંથી ગાયબ થઈ ગયા છે, તો આપણે શું કરી શકીએ. ભગવાન આપણને માફ કરે એટલી પ્રાર્થના જ કરી શકીએ.'

થોડીક વાર શાંતિ છવાયેલી રહી. પછી ગિરધારીલાલે જ પોતાના હોઠ ખોલ્યા, 'સાહેબ, હવે આપનો શો હુકમ છે ?'

'આ સમાધિને પૂરી દો અને સડકનું ખોદકામ ચાલુ કરી દો.'

'સારું સાહેબ !' ગિરધારીલાલે કહ્યું. જોકે, એના ચહેરા પર ચિંતાની રેખાઓ સાફ દેખાતી હોય અને મજૂરોના માથે પણ ઘણો-બધો ભાર મૂકી દેવામાં આવ્યો હોય એવું એમના ચહેરા પર દેખાતું હતું.

વિનોદ ધીમે પગલે ચાલતો-ચાલતો જીપ પાસે આવ્યો અને જીપમાં બેઠો. પછી એણે ગિરધારીલાલ તરફ જોયું. ગિરધારીલાલની નજર વિનોદની સાથે મળતાં જ એમણે બૂમ મારી, 'કામ શરૃ કરો, ખાડો પૂરો...!' અને નાછૂટકે કરતા હોય એ રીતે મજૂરોએ નીચે પડેલા કોદાળી-પાવડા ઉઠાવ્યાં. અમુક મજૂરોએ ખાડાને પૂરવા માટે માટી સરકાવવા માંડી અને અમુક મજૂરોએ આગળનું ખોદકામ શરૃ કર્યું.

થોડીક જ વારમાં ખાડો પુરાઈ ગયો અને ત્યાં સીધી-સપાટ જમીન લાગવા માંડી. હવે ત્યાં કાળો મઠ નહોતો-ખાડો નહોતો, ફકત સીધી-સપાટ જમીન જ હતી.

ગિરધારીલાલે વિનોદને હાથ અદ્ધર કર્યો. વિનોદે જીપ ચાલુ કરી અને હાથ અદ્ધર કર્યો પછી પોતાના તંબુ તરફ જીપ દોડાવી મૂકી. એ સાથે જ ગિરધારીલાલ ધબ કરતા બાજુના રેતી અને પથ્થરના ઢગલા પર બેસી પડયા. એમના ચહેરા પર ફરીથી ચિંતાની રેખાઓ દેખાઈ રહી હતી. એમના મનમાં વારંવાર એક જ વાત વાગોળાતી હતી, 'પોતે જોયેલી લાશ ગઈ કયાં ? અને એ લાશ હતી કોની ?'

દૂર કામ કરી રહેલા મોહન મજૂરની નજર ગિરધારીલાલ પર પડી. એણે કોદાળી ખભા પર મૂકી અને ચાલતો-ચાલતો ગિરધારીલાલ પાસે આવ્યો. 'સાહેબ ! શું થયું ?' મજૂર મોહને પૂછયું એ સાથે જ ગિરધારીલાલ ચોંકયાં. 'કંઈ નહિ-કંઈ નહિ.' કહેતાં હસવાનો પ્રયત્ન કરતાં એ ઊભા થયા.

'સાહેબ ! જે થયું એ સારું તો નથી જ થયું, હેં ને !' મોહન મજૂરે ગિરધારીલાલને કહ્યું.

'હા !' ગિરધારીલાલે એક શ્વાસ છોડતાં કહ્યું, 'જે થવાનું હોય છે એ થઈને જ રહે છે. એ પછી સારું હોય કે ખરાબ. હવે ભગવાન આ ગામને અને વિનોદબાબુને આફતમાંથી બચાવે.'

'ભગવાન આ ભૂલ માફ કરે.' કહેતાં મોહન મજૂર ફરી પોતાના કામની જગ્યાએ પહોંચ્યો અને કોદાળીથી ખાડો ખોદવા લાગ્યો.

ગિરધારીલાલ પણ પોતાના મનની શંકાઓ અને ચિંતાઓને ખંખેરતાં પોતાના કામે આગળ વધ્યા.

વિનોદ તંબુમાં પહોંચી ચૂકયો હતો અને અત્યારે એ ખુરશી પર બેઠો હતો. એના મનમાં પણ ડર આંટા મારી રહ્યો હતો. એ ભણેલો-ગણેલો હતો. એ વહેમમાં માનતો નહોતો. અંધશ્રદ્ધાને હસી કાઢતો હતો, તેમ છતાંય અત્યારે એના મનમાં ડરની સાથે દુઃખ પણ હતું. એણે ગામવાળાઓ પાસેથી આ મઠ વિશે જાણી લીધું હોત તો સડકને થોડીક બાજુમાંથી પસાર કરી શકાત. મઠને તોડીને ખોદકામ કરવું પડત, પરંતુ એ મુશ્કેલ નહોતું.

પરંતુ હવે જે થવાનું હતું તે થઈ ગયું હતું. એમાં એનો વાંક નહોતો. વિનોદે વિચાર્યું અને આ ઘટનાને દિલ પરથી ભુલાવવા કોશિશ કરવા લાગ્યો અને થોડાક અંશે એ કોશિશમાં સફળ પણ થયો. સાંજ સુધીમાં એ ઘટનાને ભૂલી પણ ગયો.

પરંતુ મજૂરો એ વાત ભૂલ્યા નહોતા. સાંજે મજૂરોના મોઢેથી ફેલાતાં-ફેલાતી આખાય ગામમાં એક-એક માણસ સુધી પહોંચી ગઈ.

ગામવાળાઓ નવાઈ અને થોડાક ભયથી આ ઘટનાને અલગ-અલગ માણસના મોઢે સાંભળી રહ્યા હતા. જેને કાને આ વાત જતી હતી એના કાન પર ખડા થઈ જતા હતા.

ગામનાં સહુથી વૃદ્ધ ૯૯ વરસના માવજીદાદાને કાને મોહન મજૂરે આ વાત નાખી, 'દાદા ! આજે વિનોદબાબુના કહેવાથી પેલો કાળો મઠ તોડવામાં આવ્યો અને...'

'શું....?' માવજીદાદાના કાને આ વાત જતાં જ તેઓ ખડા થઈ ગયા.

માવજીદાદએ નવ્વાણું વરસ આ ધરતીની અને આ ગામની લીલી-સૂકી જોઈ હતી. આજે તેઓ નવ્વાણું વરસ અને ઉપર બે-ત્રણ મહિનાના થયા હોવા છતાંય એમનું શરીર કસાયેલું હતું. આજે પણ તેઓ જાતે ખેતરે જઈને કામકાજ સંભાળતા હતા. એ તંદુરસ્ત અને શક્તિશાળી હતા.

'હા, દાદા ! અને એ મઠ તોડયા પછી નીચેથી સમાધિ નીકળી હતી અને સમાધિ ખોદતાં....!'

'એક લાશ નીકળી હતી ને !' મોહન મજૂર આગળ બોલે એ પહેલાં જ માવજીદાદા બોલી ગયા.

'હા, દાદા, પણ તમને કઈ રીતે ખબ....'

'એ લાશ-લાશ નહોતી, ત્યારથી ઓળખું છું. મતલબ કે એ લાશ-એ અઘોરી જીવતો હતો ત્યારે મેં એને જોયો હતો. એ....એ ખૂબ જ જાલીમ અને ખતરનાક હતો....

મેલી વિદ્યાનો એ જાણકાર હતો. એના રસ્તામાં આવનારને એ પળમાં ખતમ કરી નાખતો હતો. ગામ આખાયમાં એણે હાહાકાર અને કાળો કેર મચાવી મૂકયો હતો. ગામલોકો એના પડછાયાથી પણ ડરતા હતા.

અઘોરીનો રસ્તો રોકનાર, એની વાત ન માનનારને એ પોતાની મેલી વિદ્યાથી મોતને હવાલે કરી દેતો હતો.

પણ....પણ....તમે એ લાશને ફરી દફનાવી દીધીને....મઠ પાછો ખડો કરી દીધો ને ?'

'ના...એ લાશ ગાયબ થઈ ગઈ છે.'

'શું....? ! ?' કહેતાં માવજીદાદા નીચે ફસડાઈ પડયા. 'હે ભગવાન ! આ ગામ અને વિનોદબાબુને એ અઘોરીથી બચાવજે...'

૦૦૦

રાતના લગભગ આઠ વાગ્યા હતા. ગીતા સોફા પર બેઠી હતી અને વિનોદ એના ખોળામાં માથું મૂકીને સૂતો હતો. એની આંખો મીંચાયેલી હતી. અને ગીતા વિનોદના ગાલ અને વાળ પર પોતાનો કોમળ હાથ ફેરવી રહી હતી.

એટલામાં જ બારણું કોઈએ ખટખટાવ્યું. 'હંહ' વિનોદના ચહેરા પર અણગમો આવ્યો.

'જુઓ ! ઊઠો હવે, જુઓ તો ખરા કોણ છે ?' ગીતાએ હોઠ કરડતાં કહ્યું.

ફરી દરવાજો ખટખટાયો.

દરવાજો કોઈ અધીરાઈથી ખટખટાવતું હોય એવું લાગતું હતું.

'ઓહ.....' કહેતાં વિનોદ ઊઠયો અને દરવાજો ખોલવા આગળ વધ્યો.

હજુ પણ કોઈ અધીરાઈપૂર્વક દરવાજો ખટખટાવી રહ્યું હતું.

'ખોલું છું...!' કહેતાં વિનોદે દરવાજાની સ્ટૉપર ખોલી.

સામે પઠાનભાઈ ઊભા હતા.

જગનપુરમાં જે લોકો સાથે વિનોદને ઓળખાણ-પિછાણ થઈ હતી એમાં પઠાનભાઈ ખૂબ જ નેક અને ઈમાનદાર માણસ હતા. પઠાનભાઈ બીજા-ત્રીજા દિવસે સાંજે આવીને વિનોદને ઘરે શાકભાજી આપી જતા હતા. એ સિવાય પણ પઠાનભાઈ વિનોદનું કોઈપણ કામ કરવા માટે ખડેપગે તૈયાર રહેતા હતા.

'આવો...આવો....પઠાનભાઈ....' વિનોદ આવકાર આપતાં દરવાજા પાસેથી ખસ્યો.

પઠાનભાઈ ધીમે પગલેે કમરામાં આગળ વધ્યા.

'આવો...આવો...પઠાનચાચા ! આજે કાંઈ શાકભાજીની ઝોળી વિના આવ્યા છોને !' ગીતાએ મોઢા પર સ્મિત રેલાવતાં કહ્યું.

'એ તો હું ભૂલી જ ગયો બેટા, વિનોદબાબુનું કામ હતું એથી ઉતાવળમાં....'

'કંઈ વાંધો નહીં, પઠાનચાચા, કાલે લઈ આવજો. અત્યારે હું તમારે માટે ચા બનાવીને લાવું છું.' કહેતાં ગીતા રસોડામાં જતી રહી.

પઠાનભાઈ જમીન પર બેસી ગયા. એમના ચહેરા પર પરેશાની સાફ દેખાતી હતી. એમની સામે ખુરશી પર બેસતાં વિનોદે પૂછયું, 'પઠાનભાઈ ! તમે કંઈ પરેશાન દેખાઓ    છોને !'

'સાહેબ ! પેલો જે મઠ તમે તોડી નાખ્યોને, એ સાંભળતા જ હું અહીંયાં દોડી આવ્યો, એ સારું નથી થયું, સાહેબ. મને ખબર નહોતી કે આપ એ મઠ તોડાવી નંખાવશો. જો આપ મને એ વિશે વાત કરત તો હું તમને કયારેય એ મઠ તોડવા દેત નહીં.'

'ઓહ, પઠાનભાઈ ! સારું થયું, તમે જ યાદ દેવડાવી દીધું. ઘણી વિચિત્ર વાત બની ગઈ છે. મઠ વિશે તો મને કોઈ માહિતી નહોતી. મેં માણસોને એ મઠ તોડવાનો હુકમ આપી દીધો. જ્યારે એ મઠ તૂટી ગયો ત્યારે ગિરધારીલાલ અને મજૂર મોહને આવીને મને ખબર આપી કે એની નીચેથી એક લાશ મળી છે.'

'લાશ...!' પઠાનભાઈની આંખોમાં ભયનો અણસાર દેખાયો. ગામમાં એમણે ફકત એટલું સાંભળ્યું કે વિનોદબાબુએ મઠ તોડાવી નાખ્યો છે, એ સાંભળતાં જ તેઓ અહીં દોડી આવ્યા હતા. મઠ તોડયો એ જ એમના માટે સારી વાત નહોતી ત્યાં વિનોદે લાશ મળ્યાની વાત કરતાં પઠાનભાઈ વધુ ચોંકયા.

'અને એ લોકોએ કહ્યું કે એ લાશની ચામડી ઠેકઠેકાણેથી ફાટેલી હતી અને એ લાશના વાળ પણ હતા. એ લાશ એટલી જૂની નહોતી જેટલો જૂનો એ મઠ હતો. મને નવાઈ લાગી. મેં વિચાર્યું કે બની શકે કે એ કોઈ સંતની સમાધિ હોય. ગમે તેમ પણ હું ગિરધારીલાલ અને મોહન મજૂર સાથે એ લાશ જોવા માટે ગયો. મેં એમ વિચારેલું કે લાશને ફરીવાર માન સહિત બીજી જગ્યાએ દફનાવી દઈશું. પરંતુ હું ત્યાં પહોંચ્યો ત્યારે મજૂરોએ ખૂબ જ વિચિત્ર અને આશ્ચર્યજનક વાત સંભળાવી. એમણે કહ્યું કે લાશને એમણે કપડાંથી ઢાંકી તો દીધી હતી, પરંતુ કપડું ઊડી જતાં બીજી વાર એને કપડું ઓઢાડવા જતાં લાશ ત્યાંથી ગુમ થઈ ગઈ હતી.'

'ખુદા રહેમ કરે... ખુદા રહેમ કરે...' પઠાનભાઈ ગભરાઈને ઊભા થઈ ગયા, 'તો એનો મતલબ એ છે કે એ બધી જ વાતો સાચી હતી. ઘણું જ ખરાબ થયું સાહેબ ! ઘણું જ ખરાબ થઈ ગયું.' પઠાનભાઈના ચહેરા પર વધુ પરેશાની ઊભરાઈ  આવી હતી.

'શું વાત છે, પઠાનભાઈ ? મને બતાવો તો ખરા, આખરે આ મઠમાં કોની સમાધિ હતી ?'

'મારા ખ્યાલ મુજબ સાહેબ, આ વાત તમે માવજીદાદાને પૂછો તો વધુ સારું રહેશે.' પઠાનભાઈએ કહ્યું.

'માવજીદાદા કોણ ?'

'માવજીદાદા જગનપુરના સહુથી મોટી ઉંમરના માણસ ગણાય છે. એમની ઉંમર લગભગ ૯૯ વરસની છે. પરંતુ એમનું શરીર ખૂબ જ ખડતલ અને તંદુરસ્ત છે. એ રોજ ખેતરે જાય છે અને ત્યાંથી લાકડાં વગેરે વીણીને લાવે છે. આ મઠની નીચે જેની લાશ હતી એ ઘોર અઘોરીની ઘટના એમના જીવનમાં જ બની છે. માવજીદાદાનું કહેવું છે કે ઘોર અઘોરીની ઘટના બની ત્યારે એમની ઉંમર લગભગ સત્તર-અઢાર વરસની હતી.'

'ઘોર અઘોરી ? એ કોણ છે ?'

'મેં કહ્યુંને, સાહેબ ! માવજીદાદા એ વાતો વિશે બરાબર જાણે છે. હવે તમે કહો તો હું માવજીદાદાને અહીં બોલાવી લાવું અને કહો તો આપણે ત્યાં એમની પાસે જઈએ.'

'તમને જેમ ઠીક લાગે એમ કરીએ, પઠાનભાઈ. પણ શું કંઈ ખૂબ જ ખાસ વાત છે ?'

'હા, સાહેબ ! ખૂબ જ ખાસ વાત છે, કેમ કે અમે ઘોર અઘોરી વિશેની વાતો સાંભળતા આવ્યા છીએ એ ઘણી જ કમકમાટીભરી અને ડરામણી છે અને આપ કહો છો એમ મઠ નીચેથી કોઈ લાશ મળી હતી તો પછી એ બધી જ વાતો સાચી સાબિત થાય છે.' પઠાનભાઈઅ કહ્યું.

'ઘણી જ વિચિત્ર વાત કહેવાય, ખેર. તમે મારી જીપમાં ડ્રાઈવર સાથે જાઓ અને માવજીદાદાને અહીં બોલાવી લાવો. જ્યાં સુધી મને બધી જ વાત પૂરેપૂરી જાણવા નહિ મળે ત્યાં સુધી મને ચેન નહિ પડે.' વિનોદે પઠાનભાઈના ચહેરા તરફ જોયું.

પઠાનભાઈએ 'હા'માં ગરદન હલાવી અને બહારની તરફ આગળ વધવા જતા હતા ત્યાં જ ગીતા ચા લઈને આવી.

'અરે, પઠાનભાઈ ! કયાં ચાલ્યા, ચા તો પીતા જાવ.' ગીતાએ પઠાનભાઈને આગળ વધતા અટકાવ્યા.

'હા..હા..પઠાન-ભાઈ' વિનોદે કહ્યું.

પઠાનભાઈ ખૂબ જ ઉતાવળમાં હોય, અને નાછૂટકે રોકાતા હોય એ રીતે રોકાઈને અડધી ચા પીને ઝડપથી બહાર નીકળી ગયા.

'શું થયું છે, પઠાનભાઈને આજે, કંઈક પરેશાન દેખાય છે ?' ગીતાએ વિનોદ તરફ જોતાં પૂછયું. વિનોદના ચહેરા પર પણ એને કંઈક પરેશાની દેખાઈ.

'ના....ના....કંઈ એવું ખાસ નથી, એ હમણાં પાછા આવે છે, તું જઈને આરામ કર, કામ હશે તો બોલાવી લઈશ.' કહેતાં વિનોદે સોફા પર પીઠ ટેકવતાં આંખો મીંચી દીધી.

ગીતા કંઈક બોલવા-કંઈક પૂછવા જતી હતી, પરંતુ વિનોદની આંખો બંધ થયેલી જોઈને એણે બોલવા-પૂછવાનું માંડી વાળ્યું અને ટ્રેમાં પઠાનભાઈનો ખાલી ચાનો કપ મૂકયો. વિનોદનો ચાનો કપ હજુ એમ જ પડયો હતો.

'ચા તો પી લો...' ગીતાએ ધીમેથી કહ્યું.

'હા...તું જા...આરામ કર.' વિનોદે કહ્યું.

પઠાનભાઈને ગયે અડધો કલાક ઉપર થઈ ગયો હતો છતાંય હજુ માવજીદાદાને લઈને પાછા આવ્યા નહોતા. વિનોદનું મન કંઈક વધુ જ પરેશાની અનુભવી રહ્યું હતું. એણે લાશ જોઈ નહોતી છતાંય જાણે એની આંખો સામે ઘોર અઘોરીનો ભયાનક ચહેરો તરવરી રહ્યો હતો.

(ક્રમશઃ)

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ઘોર-અઘોરી

(પ્રકરણ ઃ ૧)

જગનપુર ગામની નદીને કિનારે-કિનારે બે માણસો હાથમાં જીવ લઈને દોડતા હોય એ રીતે દોડી રહ્યા હતા. એમનો શ્વાસ દોડતા પગની ઝડપ કરતાં અનેકગણી ઝડપે દોડી રહ્યો હતો. એ બન્નેની આંખોમાં ભય હતો. કંઈક અજુગતું અને અનોખું જોયાનો અણસાર હતો.

આગળ દોડી રહેલા માણસે જોયું કે હવે તંબુ દૂર નથી એટલે એણે પોતાની દોડવાની ઝડપ વધારી. એની પાછળ-પાછળ દોડનારે પણ પોતાની દોડવાની ઝડપ વધારી.

આગળ દોડી રહેલા માણસે તંબુ પાસે પહોંચીને એક ઝાટકે એનો પડદો ખસેડયો અને અંદર ઘૂસ્યો. પાછળનો માણસ પણ અંદર ઘૂસી આવ્યો.

તંબુમાં બેઠેલા ઍન્જિનિયર વિનોદે નકશામાંથી નજર ખસેડીને બન્ને તરફ જોયું. આગળ ઊભેલો આદમી ઓવરસિયર ગિરધારીલાલ હતો અને પાછળ ઊભેલો આદમી મજૂર મોહન હતો. બન્નેના શ્વાસ હજુ પણ દોડી રહ્યા હતા અને છાતી ધમણની જેમ ઝડપથી ઉપર-નીચે થતી હતી.

'શું થયું ગિરધારીલાલ?' વિનોદે ગિરધારીલાલ અને મોહન તરફ જોતાં પૂછયું.

'સાહેબ ! પેલો કાળો મઠ જે આપે તોડવાનું કહ્યું હતું ને....' ગિરધારીલાલનો શ્વાસ થોડોક હેઠો બેઠો હતો, પરંતુ આંખોમાં ભય તો હતો જ.

'હા ! તો એનું શું છે ? મઠ તોડી નાખ્યો ને ?' વિનોદે પૂછયું. બન્નેની સ્થિતિ જોઈને વિનોદને કંઈક અજુગતું થયું હોય એવું લાગ્યું.

'સાહેબ ! એ મઠ તો તોડી નાખ્યો, પરંતુ એની નીચેથી એક લાશ મળી આવી છે.' પાછળથી થોડેક આગળ આવતાં મોહન મજૂરે કહ્યું.

'તો....એમાં શું ? એમાં આટલા ગભરાવવાની શી જરૃર છે ?' વિનોદે સિગારેટ સળગાવતાં કહ્યું, 'ખોદકામ થાય ત્યારે હાડપિંજરો મળી આવે તે નવાઈની વાત ન કહેવાય. પહેલાં કોઈને ત્યાં દાટ....'

'પણ સાહેબ ! એ મઠની નીચે કબરમાંથી હાડપિંજર નથી મળ્યું, પરંતુ એક લાશ મળી આવી છે.' મોહને કહ્યું.

'અને સાહેબ ! આ મઠ ઘણાં વરસો પહેલાં બનાવવામાં આવ્યો છે. કયારે અને કોણે બનાવ્યો હતો એ મને પણ ખબર નથી. એટલે આવા જૂના મઠ નીચેની કબરમાંથી તો હાડપિંજર મળવું જોઈએ, અને મારું તો માનવું છે કે એ હાડપિંજરના હાડકાં પણ ગળીને માટીમાં મળી જવા જોઈએ, પણ.... પણ....આ....તો...' ગિરધારીલાલે મોહન સામે જોયું.

'આ તો હાડપિંજર નથી, પરંતુ કોઈક અઘોરીની લાશ છે. એ લાશના શરીર પર ચામડી પણ મોજૂદ છે. ચામડી જગ્યા-જગ્યાએથી વિચિત્ર રીતે ફાટેલી છે. જોકે, એ ચહેરો ખૂબ જ ભયાનક છે.'

'ઓહ !' વિનોદે પેન ટેબલ પર મૂકી, 'આ વાત આપણાં માટે સારી ન કહેવાય. કયાંક એવું તો નથી કે એ મઠ કોઈ પહોંચેલા સંતની સમાધિ હોય..... તો.....તો...પછી આપણાં માથે ઘણી મુસીબતો આવી શકે છે.' વિનોદ દૂર...દૂર જોતો હોય એ રીતે જોતાં બોલ્યો.

ગિરધારીલાલ અને મોહનના પેટમાં રહેલી વાત મોઢામાંથી નીકળી ગઈ હતી એટલે હવે એમનો શ્વાસ હેઠો બેસી ગયો હતો. ગિરધારીલાલે પણ હવે પોતાની જાતને સંભાળી લીધી હતી.

'સાહેબ ! હવે મઠ તો તૂટી જ ચૂકયો છે. હવે શું કરીશું ?' બહાર નીકળી રહેલા વિનોદની સાથે બહાર નીકળતાં ગિરધારીલાલે કહ્યું. મોહન પણ બન્નેની પાછળ-પાછળ તંબુની બહાર સરકયો.

'હવે શું કરીશું ?' વિનોદે પણ ગિરધારીલાલને એનો જ સવાલ પૂછતો હોય એ રીતે પૂછયું, 'તમે જ બતાવો, મને તો ખબર જ નહોતી ને કે આ મઠ નીચે કોઈ સમાધિ જેવું છે કે ન તો ગામવાળા સાથે આ વિશે કોઈ વાત થઈ શકી છે. જો આ વિશે આપણે ગામવાળાને પૂછી લેત તો સારું થાત. પરંતુ હવે એ શકય નથી કે આપણે જે સડક બનાવી રહ્યા છીએ એને આડી-અવળી કરી શકાય. હવે જ્યારે મઠ તૂટી જ ચૂકયો છે તો હવે બધી જ વાતો બેકાર છે. હવે એ લાશને બીજે ઠેકાણે દફનાવીને સડક બનાવવાનું કામ આગળ ધપાવવાનું જ ઠીક રહેશે.'

વિનોદની વાત મોહન મજૂર અને ઓવરસિયર ગિરધારીલાલને સાચી લાગી.

'સારું સાહેબ, આવી ઘટનાઓ ઘણી વાર બની જાય છે અને એવા સમયે ઘણી મુસીબતો આવી પડે છે.' મોહન મજૂરે કહ્યું.

'જે થવાનું હતું તે થઈ ગયું. હવે સારું એ જ છે કે એ લાશની કોઈ બીજી સમાધિ બનાવી દેવામાં આવે અને એ લાશને પૂરા માન અને સન્માન સાથે એમાં દફનાવી દેવામાં આવે.' ગિરધારીલાલે પોતાની વાત રજૂ કરી.

'તમારી વાત તો સાચી છે. પરંતુ મારો વિચાર છે કે ગામવાળાને પણ આ વિશે પૂછપરછ કરી લઈએ તો વધુ સારું. આખરે એ સમાધિ કોની છે ? એ લાશ કોની છે ?'

'સાહેબ, હું પૂછપરછ કરી લઈશ. પણ આપ જરા ત્યાં આવીને જોઈ તો લો અને લાશ કયાં દફનાવીશું એની પણ વ્યવસ્થા કરી લઈએ.'

'સારું ! ચાલો...' કહેતાં વિનોદ જીપ પાસે આવ્યો. ડ્રાઈવર આસપાસમાં દેખાયો નહિ એટલે સમય બગાડવાને બદલે વિનોદ ખુદ ડ્રાઈવરની સીટ પર બેસી ગયો. બાજુમાં ગિરધારીલાલ બેઠા અને પાછળ મજૂર મોહન બેસી ગયો. વિનોેદે જીપ ચાલુ કરી અને મઠ તરફ હંકારી. મઠ અહીંથી ખાસ દૂર નહોતો. વિનોદે રસ્તા પર નજર જમાવી. જીપ આગળ વધી રહી હતી.

વિનોદ એક કુશળ એન્જિનિયર હતો. એને જગનપુરમાં આવ્યે હજુ થોડોક સમય જ થયો હતો.

રાજ્ય સરકારે જગનપુરમાં વહેતી નદી પર પુલ બનાવવાનો ફેંસલો કર્યો હતો. પુલની સાથે એક પાકી સડક જે જગનપુરને મળી જાય એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું. સર્વે અધિકારીઓએ સડકનો નકશો પણ પાસ કરી દીધો હતો. કામ શરૃ થઈ ગયું હતું એટલે જગનપુર ગામના એક ખૂણે એક નાનકડું મકાન બાંધી લેવામાં આવ્યું હતું અને એની ચારે તરફ નાના-નાના તંબુ જેવા મકાન પણ બનાવી લેવામાં આવ્યાં હતાં.

સડક માટેની એક લાઈન બનાવવામાં આવી અને એ મુજબ નિશાન પણ કરી દેવામાં આવ્યાં. નિશાનોની વચમાં એ નાનકડો મઠ પણ આવતો હતો. કાળા રંગનો એ મઠ કાચી ઈંટોથી બનેલો હતો. એ કોઈની સમાધિ હતી કે બીજું કંઈક ? એ વિશે કોઈને કંઈ જ ખબર નહોતી. જોવામાં એ મઠનો કોઈ ઉપયોગ પણ નહોતો. એટલે એને તોડવાનો હુકમ વિનોદે આપી દીધો હતો.

આ સડક બનાવવાનું કામ વિનોદની દેખરેખ નીચે થતું હતું. વિનોદ આમ તો દિલ્હીનો હતો. ત્રણ મહિના પહેલાં જ એના લગ્ન થયાં હતાં અને ત્યાં જ એના માથે જગનપુરની આ સડકનું કામ સંભાળવાની જવાબદારી આવી પડી હતી.

પોતાની નવી-નવેલી દુલ્હન ગીતાને વિનોદ છોડવા માગતો નહોતો કે એનાથી દૂર જવા માગતો નહોતો. એટલે એ પોતાની પત્ની ગીતાને પણ જગનપુરમાં સાથે જ લઈને આવ્યો હતો. જગનપુરના એક કિનારે બનેલું મકાન એના હાથમાં આવ્યું હતું. એમાં ચાર કમરાઓ હતા. ખુલ્લી ઓસરી હતી, અને ચારે બાજુના તંબુ જેવાં મકાનોમાં બીજા કર્મચારીઓ રહેતાં હતાં એટલે સારી એવી વસ્તી પણ હતી. એટલે ખુદ વિનોદ અને ગીતાને અહીંયા આવ્યા પછી ખૂબ જ ગમી ગયું હતું. શહેરની ભીડ-ભાડ અને ધમાચકડીથી કંટાળી ગયેલી ગીતાને ગામનું શાંત વાતાવરણ ખૂબ જ ગમી ગયું હતું. જ્યારે વિનોદ પણ જગનપુરના મધુર વાતાવરણમાં પોતાની નવી-નવેલી દુલ્હન ગીતા અને સડકના કામમાં ખોવાઈ ગયો હતો.

રાત આખી પોતાની પત્ની ગીતા સાથે આનંદમાં વિતાવ્યા પછી સવારે વિનોદ સડકના કામને જોવા માટે નીકળી પડતો હતો. સહુથી પહેલા એણે સડક બનાવવાની તૈયારીમાં જ ધ્યાન આપ્યું હતું. પુલ બનાવવાની વ્યવસ્થા હજુ ચાલુ હતી. શહેરમાંથી સામાન લાવનારી ટ્રકો આવતી હતી અને સામાન ઠાલવીને ચાલતી પકડતી હતી.

વિનોદને એક જીપ પણ મળી હતી. જગનપુરના ભલા ભોળા લોકો વિનોદને ખૂબ માનની નજરે જોતાં હતાં અને એની સાથે ખૂબ જ પ્રેમથી વર્તતાં હતાં. થોડાક દિવસોમાં જ વિનોદ ગામવાળાઓનો વહાલો શહેરીબાબુ બની ગયો હતો.

અત્યારે સડક બનાવવાનું શરૃઆતનું ખોદકામ ચાલુ થઈ ગયું હતું અને આ ખોદકામ આગળ વધતાં-વધતાં કાળા મઠ સુધી આવી પહોંચ્યું હતું. વિનોદે આજે પોતાના માણસોને એ મઠ તોડી પાડવાનો હુકમ આપી દીધો હતો અને એટલે કામદારોએ મઠ તોડવાની શરૃઆત કરી દીધી હતી.

વિનોદ ત્યારે ત્યાંથી ઘણે દૂર એક તંબુમાં બેઠો-બેઠો સડક પર થનારા કામ વિશે વિચારી રહ્યો હતો. એની સામે નકશાઓ ફેલાયેલા હતા. એ વહેલામાં વહેલી કે સડકનું કામ પૂરું કરીને પુલ બનાવવાના કામમાં લાગી જવા માંગતો હતો. એ એ વિશે જ વિચારી રહ્યો હતો ત્યાં જ ઓવરસિયર ગિરધારીલાલ અને મોહન મજૂર દોડતાં-દોડતાં એની પાસે આવી પહોંચ્યા હતા અને મઠની નીચેની કબરમાંથી નીકળેલી લાશ વિશે વાત કરી હતી અને એ લાશને જોવા અને ફરીથી કબરમાં દફનાવવાની વ્યવસ્થા કરવા માટે અત્યારે વિનોદ જીપમાં જઈ રહ્યો હતો.

મઠથી થોડેક દૂર વિનોદે જીપ ઊભી રાખી. ત્યાં કામ કરતા બધા જ મજૂરો અત્યારે ટોળું વળીને એક જ જગ્યાએ ઊભા હતા. વિનોદ છલાંગ મારતો જીપમાંથી ઊતર્યો. ગિરધારીલાલ અને મોહન મજૂર પણ જીપની નીચે ઊતર્યા.

વિનોદ એ મજૂરો તરફ આગળ વધ્યો. એ મજૂરોના ચહેરા પર અત્યારે ચકલીઓ ઊડી રહી હતી, મતલબ કે એમના ચહેરા પર ભય ડોકાઈ રહ્યો હતો.

'શું વાત છે, તમે લોકો પરેશાન દેખાવ છો ?' વિનોદે મજૂરો પાસે પહોંચતાં પૂછયું. ગિરધારીલાલ અને મોહન મજૂર પણ પાસે આવીને ઊભા રહ્યા.

'ગિરધારીજી!' એક મજૂરે આગળ આવતાં ગિરધારીલાલને પૂછયું, 'સાહેબ, તમે હમણાં થોડીક વાર પહેલાં જ સમાધિમાં મડદું જોયું હતું ને ?'

'જોયું હતુંથી તારો મતલબ શું છે?' ગિરધારીલાલે ચોંકતાં પૂછયું.

'સાહેબ...સાહેબ...અત્યારે એ મડદું ત્યાં નથી.....'

'શું....?' ગિરધારીલાલના મોઢામાંથી નવાઈ અને ભયથી રાડ નીકળી ગઈ અને પછી એ ખાડા તરફ આગળ વધી ગયા. વિનોદ, મોહન મજૂર અને બીજા મજૂરો પણ એમની પાછળ ધીમે પગલે ચાલ્યા.

ગિરધારીલાલે ખાડામાં જોયું. ખાડો ખાલી હતો. થોડાંક સમય પહેલાં જ એમણે આ ખાડામાં એક લાશ જોઈ હતી, કોઈક અઘોરી જેવા લાગતા આદમીની લાશ જોઈ હતી...અને અત્યારે એ લાશ ત્યાં નહોતી. કયાં ગઈ ? કઈ રીતે...?'

'સાહેબ ! આપ વિનોદબાબુને બોલાવવા ગયા ત્યારે અમે એ લાશ ઉપર સફેદ કપડું ઓઢાડી દીધું હતું અને પછી ત્યાંથી થોડેક દૂર આવીને આપની વાટ જોતાં બેસી ગયા હતા. ત્યાં જ હવાના એક સૂસવાટાની સાથે લાશ પરનું કપડું દૂર ઊડી ગયું. હું દોડીને એ કપડું લઈ આવ્યો અને સાથે એક પથ્થર પણ લઈ લીધો, જેથી એ લાશને કપડું ઓઢાડયા પછી એ કપડા પર મૂકી દઉં કે જેથી એ ઊડી ન જાય. પરંતુ હું જેવો ખાડા પાસે પહોંચ્યો ત્યાં જ...' એ મજૂરની જીભ જાણે સિવાઈ ગઈ હોય એમ ચૂપ થઈ ગયો એટલે બીજા મજૂરે આગળ વાત વધારી, 'આના મોઢામાંથી ચીસ નીકળી અને એ સાથે અમે પણ ખાડા પાસે દોડી ગયા. અને ખાડામાં જોયું તો આપણે જોયેલી લાશ ગાયબ હતી.'

વિનોદને આ મજૂરોની વાત સાંભળીને કંઈક નવાઈ લાગી. મનમાં થોડોક ફફડાટ પણ જાગ્યો. એણે ગિરધારીલાલ સામે જોયુ તો ગિરધારીલાલ પોતાની સામે જ જોઈ રહ્યા હતા. એમની એક આંખમાં નવાઈની ચમક હતી તો બીજી આંખમાં ભયની છાપ હતી.

'તમને લોકોને કોઈ ભ્રમ કે નજરચૂક તો નથી થઈને કે લાશ જ ન હોય અને...' વિનોદ આગળ બોલે એ પહેલાં જ ગિરધારીલાલે કહ્યું, 'સાહેબ ! ભ્રમ કે નજરચૂકનો સવાલ જ નથી. મેં મારી સગી આંખે એ લાશને જોઈ હતી. આ કિશોરી, જગત, ધન્નો, જગ્ગા, ચમનો અને મોહને પણ એ લાશ જોઈ હતી, સાહેબ.' ગિરધારીલાલે જાણે પોતાની વાતની સચ્ચાઈ સાબિત કરવા માગતો હોય એમ કહ્યું.

વિનોદે આગળ ઊભેલા મોહન મજૂર સામે જોયું.

મોહન મજૂરે ડોક હલાવી અને કહ્યું, 'મેં મારી આ બે આંખોથી એ ભયાનક લાશ જોઈ હતી, સાહેબ...!'

બાજુમાં ઊભેલા જગને પણ ડોક હલાવી, 'હા, સાહેબ...મેં પણ જોઈ હતી...એ લાશનું મોઢું ખૂબ જ ભયાનક...'

કિશોરી એક મજૂરને બાજુમાં ખસેડતાં આગળ આવ્યો, 'સાહેબ ! હું મારી આ આંખોની કસમ ખાઈને કહું છું કે મેં એ લાશ જોઈ હતી.'

ચમનાએ ફકત હામાં ડોક જ હલાવી. એ એ લાશ વિશે બોલી શકે એવી હાલતમાં જ નહોતો.

'અને સાહેબ ! અમે લાશ પાસે જ બેઠા હતા. લાશ કઈ રીતે ગાયબ....'  ગિરધારીલાલ આગળ બોલતા અટકી ગયા. એમના ચહેરા પર ચિંતાની રેખાઓ દેખાઈ રહી હતી. એમના મનમાં વારંવાર એક જ વાત વાગોળાતી હતી, 'પોતે જોયેલી લાશ ગઈ કયાં ? અને એ લાશ હતી કોની ?'

(ક્રમશઃ)

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

close
Ank Bandh