વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટને લાગ્યુ ગ્રહણઃ જાપાને બુલેટ ટ્રેન માટેનું ફંડિંગ અટકાવ્યું / ચીનની ર૦૦ અબજની પ્રોડક્ટ ઉપર અમેરિકાએ ટેરિફ  ઝીંક્યો / ભારતીય સેનાની વધુ એક સર્જિકલ સ્ટ્રાઈકથી ફફડી ઉઠયું પાકિસ્તાન /

બાળકીઓ-કિશોરીઓ પર જાતિય અત્યાચાર અટકાવવા જનક્રાંતિ જરૃરીઃ સમાજ પણ જાગે

દ્વારકાના વરવાળા જેવા નાના ગામની ઘટના જેવા બનાવો દેશભરમાં વધવા લાગ્યા છે, અને પોતાની જ ભત્રીજી, ભાણેજ કે પિતરાઈ બહેનને જાતિય સતામણી કે બળાત્કારનો ભોગ બનાવવાના કિસ્સાઓ અસામાજિક વિકૃતિ અને વિકૃત માનસની વ્યક્તિમાંથી કાનૂન કે સમાજનો ડર અદૃશ્ય થઈ રહ્યો હોવાનું પૂરવાર કરે છે. જે સામાજિક જાગૃતિ અને જનક્રાંતિની માંગે છે.

તાજેતરમાં રૃપાણી સરકારના એક મંત્રીની પુત્રવધૂએ તેમની કૂખેથી દીકરી જન્મી હોવાથી તેમના સાસરિયાએ તેમને ઘરમાંથી કાઢી મૂકી હોવાનો આક્ષેપ કરીને તેને છૂટાછેડા કે ભરણપોષણ નહીં, પરંતુ તેમની દીકરીનો અધિકાર જોઈએ છે અને સાસરિયા તેમને દીકરી સાથે અપનાવે તેવી માંગણી કરી છે. આ ઘટનાને મંત્રીની અંગત બાબત ગણીને હાથ ઊંચા કરી દેવાના બદલે તટસ્થ તપાસ કરાવીને શાસને 'બેટી બચાવો, બેટી પઢાઓ'ના સૂચનને સાર્થક કરવું જોઈએ. ગુજરાતમાં મહિલાઓ અને યુવતીઓ સાથે જાતિય સતામણીના કિસ્સાઓ વધી રહ્યા હોવાની સાથે સાથે હવે કિશોરીઓ અને બાળકીઓ સાથે જાતિય દૂવ્યવહાર કે બળાત્કારની ઘટનાઓ સભ્ય સમાજ માટે શરમજનક છે, તેથી સમાજે પણ આ વિકૃતિઓ અટકાવવા આગળ આવવું જોઈએ.

બાળકીઓ-કિશોરીઓ પર જાતિય અત્યાચાર કે રેપની ઘટનાઓ પાછળ કાનૂનનો ભય તો રહ્યો નહીં હોય, પરંતુ પોતાની સામાજિક અને નૈતિક બદનામીનો ભય પણ આવા ગુનાખોરોને રહ્યો નથી. જ્યારે નાની બાળકી કે કિશોરી પર ચાલીસ-પચાસ વર્ષ કે તેથી વધુ ઉંમરના ઢગાઓ નજર બગાડે કે રેપ કરે ત્યારે કળિયુગને દોષ દઈને બેઠા રહેવાની વૃત્તિ પણ આવી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપે છે. હકીકતે તો આવી વ્યક્તિને સમાજનો અને બદનામીનો પણ ડર લાગવો જોઈએ, જ્યારે ઘર-પરિવાર કે નજીકના પારિવારિક સંબંધો ધરાવતી વિકૃત વ્યક્તિઓ જ આ પ્રકારનું ઉત્પીડન કરે ત્યારે પોલીસની ભૂમિકા પણ મર્યાદિત બની જતી હોય છે. આ માટે કાનૂનના ડર ઉપરાંત સામાજિક બદનામીનો ડર લાગે, તે જરૃરી છે, અને આવું વાતાવરણ ઊભું કરવા માટે સામાજિક જાગૃતિની જરૃર છે. ભૂતકાળમાં દીકરીને દૂધ પીતી કરવાની કુપ્રથા, સતીપ્રથા અને અન્ય કુરિવાજો સામે કાનૂન કરતા પણ વધુ અસરકારક ભૂમિકા સામાજિક જાગૃતિ અને જનક્રાંતિની રહી હતી. આવી જનક્રાંતિ ફરીથી ઊભી થવી જરૃરી છે.

ગુજરાતમાં ક્રાઈમનો આંકડો વધતો રહ્યો છે કે ઘટતો રહ્યો છે, તે વિવાદનો વિષય નથી, પરંતુ ગુનાખોરીના બદલી રહેલા પ્રકારો ચિંતાજનક છે. થોડા દાયકાઓ પહેલા સુધી જાતિય સતામણી કે બળાત્કાર કરનારને સમાજનો ફીટકાર અને બહિષ્કાર જેવા કદમ ઊઠાવાશે, તેવો ડર સતાવતો હતો. તે ઉપરાંત નૈતિક પતન થશે અને આખો પરિવાર શરમજનક સ્થિતિમાં મૂકાશે, તેવો ભય પણ રહેતો હતો. હવે અદ્યતન માધ્યમો અને સેલફોનની માધ્યમથી અશ્લીલ વીડિયો-તસ્વીરો દેખાડીને નાની બાળકીઓ સાથે અડપલાં કે  રેપ કરવાની વધી રહેલી ઘટનાઓ શું સૂચવે છે?

ગુજરાતની રક્ષાશક્તિ યુનિવર્સિટી-આરએસયુનો સંદર્ભ આપીને જાહેર કરાયેલા આંકડાઓ મુજબ વર્ષ ર૦૧૦ થી ર૦૧૭ દરમિયાન ગુજરાતમાં રર,પ૦૦ વ્યક્તિ ગુમ થઈ હોવાનું નોંધાયું હતું. જે પૈકી ૧૩,૭૦ર એટલે કે લગભગ ૬૦ ટકા વ્યક્તિ ૧પ થી ૧૮ વર્ષની હતી. તે ઉપરાંત ૧ર થી ૧પ વર્ષની ઉંમરના ૬ હજાર બાળકો પણ ગુમ થયા હતાં. જે ર૬ ટકા જેવા થાય છે.

નેશનલ ક્રાઈમ બ્યૂરો (એનસીબી) ના રિપોર્ટ મુજબ દેશમાં દર દસ લાખે લગભગ એક હજાર લોકો ગુનેગાર અથવા ગુનાખોરીમાં સંકળાયેલા છે. ગુજરાતમાં વર્ષ ર૦૧૪-૧પ માં ગુનખોરીનો આંકડો ૧.૩૧ લાખની આસપાસ  હતો, તે વર્ષ ર૦૧પ-૧૬ માં ઘટીને ૧.ર૬ લાખ નોંધાયો હતો, પરંતુ વર્ષ ર૦૧૬-૧૭ માં ફરીથી ઉછળીને ૧.૪૭ લાખ થયો, તેની પાછળ વર્ષ ર૦૧૭ ની ચૂંટણીનો માહોલ જવાબદાર હતો, કે અન્ય કોઈ કારણ હતું, તે સંશોધનનો વિષય છે. ગુનાખોરીમાં ગુજરાતનું સ્થાન દેશના ૩૬ રાજ્યોમાંથી ૧૧ મા ક્રમે રહ્યું છે. આને થોડું સુશાસન કહેવાય?

રાજકીય ક્ષેત્રે પણ ગુનાખોરીનો પ્રભાવ જરાયે ઓછો થયો નથી. રાજનેતાઓ પર પુત્રવધૂની સતામણીના  આરોપ લાગી રહ્યા છે, તે પ્રવર્તમાન વિસ્ફોટક અને અનૈતિક બની રહેલી પારિવારિક વ્યવસ્થાઓ અને જોખમાઈ રહેલી મહિલા સુરક્ષાને ઉજાગર કરે છે. દિયોદર પહેલા જામનગરમાં પણ ભાજપના એક દિગ્ગજ નેતાની પુત્રવધૂએ કરેલા આક્ષેપો ચર્ચાના ચાકડે ચડ્યા હતાં. જો ઘમંડમાં ચૂર રાજકીય પક્ષો સમયસર નહીં જાગે, તો આ પ્રકારની વિકૃતિઓને નાથવી કદાચ અસંભવ બની જશે, કારણ કે હવે તો તંત્રોમાં પણ આ બદી પ્રવેશી ગઈ છે. મહિલા કર્મચારીની જાતિય સતામણી કરતા જામનગરના એસ.ટી. નિગમના એક ઉચ્ચ અધિકારીને તો જેલની હવા ખાવી પડી, પરંતુ આ પ્રકારની ફરિયાદો જ નોંધાવાતી ન હોય, કે પછી નોંધાતી ન હોય તેવા કિસ્સાઓનું પ્રમાણ રાજ્યમાં અનેકગણું વધારે હશે. સમાજમાં ફેલાતી વિકૃતિઓ અંગે નવેસરથી વિચારવું પડશે. કાનૂનનો ડર કે સમાજની શરમ રહી નહીં હોવાથી આ મુદ્દો ગહન ચિંતન માંગે છે.

રાજનેતાઓની વાત કરીએ તો ગુજરાત વિધાનસભામાં ચૂંટાયેલા ધારાસભ્યો પૈકી અનેક ધારાસભ્યો સામે ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. વર્ષ ર૦૧ર ની વિધાનસભાની ચૂંટણી પછી વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યો પૈકી પ૭ ધારાસભ્યો સામે ક્રિમીનલ કેસ નોંધાયેલા હતાં. એનસીબીના આંકડાઓનો સંદર્ભ આપીને આવી રહેલા અહેવાલો મુજબ વર્ષ ર૦૧૭ ની ચૂંટણી પછી તેમાં ઘટાડો થયો છે. 'ઈલેક્શન વોચ'ના દાવા મુજબ લગભગ ર૬ ટકા ધારાસભ્યો પર ક્રિમીનલ કેસ નોંધાયેલા છે. ૧૮ર માંથી ૪૭ ધારાસભ્યો કોઈને કોઈ કેસનો સામનો કરી રહ્યા છે. આ કેસો પૈકી કેટલાક કેસો એવા છે જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, બળાત્કારનો પ્રયાસ  કે પછી જાતિય સતામણી જેવા ગંભીર આક્ષેપો હોય.

રાજનેતાઓ મોટાભાગે આવા આક્ષેપોને રાજકીય ગણાવીને તેને બદનામ કરવાનું કાવતરૃ કરાયું હોવાના પ્રતિઆક્ષેપો કરતા હોય છે. આ પ્રકારની ઘટનાઓમાં મહિલા સુરક્ષા અને 'બેટી બચાવો' જેવા હેતુઓ જ મરી પરવારતા હોય, તેવી આશંકાઓ રહેતી હોવાથી આવી દરેક ઘટનાઓને રાજકીય ષડ્યંત્ર ગણાવીને ઉલાળી દેવાનો ટ્રેન્ડ બંધ થવો જોઈએ.

જો કે, દરેક ઘટનાની તપાસ ન્યાયિક રીતે ઊંડાણપૂર્વક થવી જ જોઈએ. કારણ કે દરેક આક્ષેપો સાચા જ હોય તેવું નથી, પરંતુ જ્યારે બાળસુરક્ષા, મહિલા સુરક્ષા કે મહિલાની ઈજ્જત-આબરૃ જેવી સંવેદનશીલ બાબતે જ્યારે કોઈ મહિલા કે બાળકી-કિશોરી આક્ષેપો કરતી હોય, ત્યારે તેના જ એન્ગલથી તપાસ શરૃ થવી જોઈએ. શું આવું થાય છે ખરૃ?

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00