કોંગ્રેસમાં વધુ એક ગાબડુંઃ જુનાગઢમાં જીતુ વાઘાણીએ કોંગ્રેસના શહેર પ્રમુખને ભાજપનો ખેસ પહેરાવ્યો / જેટ એરવેઝની સંપત્તિઓ વેચવા માટે લેન્ડર્સ આ સપ્તાહથી બોલી પ્રક્રીયા શરૃ કરે તેવી શક્યતાઓ / ગૃહમંત્રી અમીત શાહનો સંસદમાં હુંકારઃ દેશની એક-એક ઈંચ જમીન પરથી ઘૂસણખોરોને હાંકી કઢાશે /

રાજ્યમાં પ્રવાસન વિકાસ થકી સુવિધાઓ-રોજગારી વધે તે આવકાર્ય, પણ ભ્રષ્ટાચારનું શું?

જામનગર/ગાંધીનગર તા. ૧૭ઃ વિધાનસભામાં અપાયેલી માહિતી મુજબ રાજ્યમાં પાંચ વર્ષમાં ૧૪ ટકા પ્રવાસીઓ વધ્યા છે, અને ચાલુ વર્ષે ૬ કરોડ લોકો ગુજરાતના પ્રવાસે  આવે તેવી સંભાવના છ. બીજી તરફ દ્વારકામાં સ્થાનિક સ્થળોને જોડતી નાની ટ્રેન શરૃ કરવાની વાતો થઈ રહી છે, ત્યારે પ્રવાસન વિકાસથી રોજગારી વધારવાની સાથે સાથે આ ક્ષેત્રે વ્યાપક ભ્રષ્ટાચાર અંકુશમાં લેવો જોઈએ તેવા પ્રત્યાઘાતો પડી રહ્યા છે.

કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં ગયેલા જવાહરભાઈ ચાવડા અત્યારે રાજ્યના પ્રવાસન મંત્રી છે. તેમણે વિધાનસભામાં એવો દાવો કર્યો છે કે, ગુજરાતમાં પાંચ વર્ષમાં ૧૪ ટકા જેટલા પ્રવાસીઓ વધ્યા છે. ધાર્મિક સ્થળો પર સાડાત્રણ કરોડ દર્શનાર્થીઓ ઉમટયા હતાં.

પાંચ વર્ષમાં ત્રીસ લાખથી વધુ એનઆરઆઈ ગુજરાતની મુલાકાત લઈ ગયા છે. રણોત્સવ અને પતંગોત્સવમાં રપ લાખ લોકો સામેલ થયા હતાં. નવરાત્રિ મહોત્સવમાં પણ પાંચ વર્ષમાં ૩૦ લાખથી વધુ પ્રવાસીઓ જોડાયા હતાં. જેમાં સ્થાનિક લોકોનો પણ સમાવેશ થાય છે. વાર્ષિક ૭૪ લાખ લોકો જગતમંદિર દ્વારકાના દર્શને આવે છે, જેમાંથી ૩૩ લાખ લોકો રાત્રિમૂકામ કરતા હોવાનું પણ જાહેર કરાયું છે.

રાજ્યની મુલાકાતે વર્ષ ર૦૧૬-૧૭ માં અંદાજે સાડાબાર કરોડ અને વર્ષ ર૦૧૮-૧૯ માં ૬ કરોડ જેટલા પ્રવાસીઓ આવ્યા હોવાનું જણાવાયું છે, જ્યારે ચાલુ વર્ષે ૬ કરોડથી વધુ પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવશે તેવી સંભાવના દર્શાવાઈ છે.

રાજ્યમાં પ્રવાસન વિકાસ થાય એટલે રોજગારીની તકો વધે તે સારી વાત છે, પરંતુ આ ક્ષેત્રે વ્યાપક ભ્રષ્ટાચારના ખુલાસા પણ અવારનવાર થતા જ રહે છે. દ્વારકામાં પ્રવાસન વિકાસના કેટલાક કામોમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાની પોલ તો સરકારી તંત્રના પ્રવાસન વિકાસ સાથે સંકળાયેલા વિભાગોમાં ભૂતકાળમાં કામ કરી ચૂકેલા એક પૂર્વ સનદી અધિકારીએ જ ખોલી નાંખી હતી. યાત્રાધામ વિકાસ બોર્ડ અને પ્રવાસન વિભાગમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપો અવારનવાર થતા રહે છે. સરકારે તેના તાબા હેઠળના નિગમો-બોર્ડ વિગેરે એકમોમાં સાફસૂફી કરવી જરૃરી છે, અને પારદર્શક વહીવટના પ્રબંધો કરવા જરૃરી છે. કેટલાક બોર્ડ-નિગમો તો શું કામ કરે છે, તે અંગે જ જાહેર જનતાને બહુ જાણકારી હોતી નથી!

હમણાંથી એવો પ્રચાર જોરશોરથી થઈ રહ્યો છે કે, યાત્રાધામ દ્વારકામાં ગોમતી તટથી ભડકેશ્વર મંદિર સુધીના મંદિરો તથા જોવાલાયક સ્થળોને જોડતી મોનોરેલ શરૃ કરાશે. આ નાનકડી ટ્રેનમાં બેસીને દરિયાકાંઠાની સહેલનો લહાવો મેળવવાની સાથે સાથે સંગમનારાયણ, ગાયત્રી મંદિર, દીવાદાંડી, સનસેટ પોઈંટ અને ભડકેશ્વર સુધીના સ્થળોની મુલાકાત પ્રવાસીઓ લઈ શકશે. આ ટ્રેન શરૃ થાય તો શહેરની ટ્રાફિક સમસ્યા હળવી થશે અને પ્રવાસીઓને પણ સરળતા વધશે. આ પ્રોજેક્ટ દ્વારકાની નગરપાલિકા દ્વારા પીપીપી ધોરણે વિક્સાવાશે અને તેમાં રેલવે તંત્ર સંકળાયેલું  નહીં હોય, તેવો દાવો પણ કરાયો છે.

આ સૂચિત પ્રોજેક્ટ આડેના અવરોધો પણ ઓછા નથી. દરિયાકિનારે કોઈપણ પ્રોજેક્ટ શરૃ કરવો હોય ત્યારે પર્યાવરણ, દરિયાઈ સુરક્ષા, પ્રવાસીઓની સલામતી, ટિકિટના દર, ટ્રેનના સંચાલન માટે સ્ટાફનું અલાયદું માળખું અને ટાઈમ ટેબલ સહિતના ઘણાં ફેક્ટર સંકળાયેલા હશે, જે સુનિશ્ચિત થયા પછી પણ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપમાં કોને કોન્ટ્રાક્ટ અપાય છે તે પણ મહત્ત્વનું રહેશે.

દ્વારકાની નગરપાલિકા વર્ષોથી દ્વારકા દર્શન બસ ચલાવી રહી છે, જે દ્વારકાથી ઉપડીને નાગેશ્વર, ગોપીતળાવ, બેટદ્વારકા અને ઋક્ષ્મણી મંદિરના દર્શન કરાવે છે. તેવી જ રીતે મીની ટ્રેનનો પ્રયોગ પણ હાથ ધરાઈ રહ્યો હશે, પરંતુ બસ ચલાવવી અને દરિયાકાંઠે મીની ટ્રેન ચલાવવી એમાં મોટો તફાવત છે. હજુ જાહેરત જ થઈ છે, પરંતુ વાસ્તવિક રીતે આ પ્રોજેક્ટ ક્યારે શરૃ થાય છે અને તેની સાથે કઈ કંપની કે જુથ જોડાય છે, તે જોવાનું રહે છે.  અત્યારે તો આ જાહેરાતો પ્રચાત્મક જણાય છે, જેની વાસ્તવિક અમલવારીની રાહ જોવી રહી.

અન્યારે દ્વારકાના ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડાયનેમિક અધિકારી પાસે ઓખાનો ચાર્જ હતો ત્યારે બેટદ્વારકામાં માર્ગ-સુધારણા અને અન્ય સુવિધાઓ માટે નોંધપાત્ર કાર્યો તેમણે કર્યા હતાં, તેથી મીની ટ્રેનનો પ્રયોગ પાછળ કરાય. ચીફ ઓફિસર ડુડિયાનો પ્રયાસ હોય, તેમ જણાય છે. બીજી તરફ સુદામા સેતુ જેવા પીપીપી મોડલ દ્વારકામાં સફળ પણ થયા છે, તેથી નવા પ્રોજેક્ટ માટે આશાવાદી રહી શકાય ખરૃ.

કોઈપણ વિકાસના પ્રોજેક્ટોમાં ભ્રષ્ટાચાર વિલન બની જતો હોય છે. દ્વારકામાં ગોમતી કાંઠે થયેલા કેટલાક તકલાદી બાંધકામો તેની ગવાહી પૂરી રહ્યા છે, ત્યારે કોઈપણ નવો વિકાસ પ્રોજેક્ટ પહેલેથી જ પારદર્શક હોય તો જ લોકોને વિશ્વાસ બેસે તેવું હોવાના પ્રત્યાઘાતો પડી રહ્યા છે.

દ્વારકામાં રાવળા તળાવનો પ્રોજેક્ટ તત્કાલિન મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થયા પછી પણ વર્ષો સુધી બિન-ઉપયોગી રહ્યો, અને તેનું સંચાલન કોણ સંભાળે તે નક્કી કરતા જ લાંબો સમય નીકળી ગયો, અને આ સંકુલ કદાચ ગુજરીબજારમાં પણ ફેરવાઈ ગયું હતું. આ અનુભવને ધ્યાને લઈને જ દ્વારકાની નગરપાલિકા કોઈ નવો પ્રોજેક્ટ આદરે, તેવી આશા લોકો વ્યક્ત કરી રહ્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription